Monday, December 30, 2019

જિંદગી ઝિંદાબાદ ; સ્વામી ધર્મબંધુજી



રાષ્ટ્રકથા થકી દેશપ્રેમની આહલેખ જગાવનાર  અને  અપ્રતિમ બુધ્ધિ પ્રતિભા ધરવતા રાષ્ટ્રિય સંત 

સ્વામી ધર્મબંધુજી 




             સ્વામી ધર્મબંધુજી.

           અપ્રતિમ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સ્વામી ધર્મબંધુજી ખરા અર્થમાં એક રાષ્ટ્રીય સંત છે. રાષ્ટ્રકથા થકી ભારતીય યુવાનોમાં રાષ્ટ્રભક્તિની ચેતનાનો સંચાર કરી રાષ્ટ્ર ઉત્થાનની આહલેખ જગાવનાર સ્વામી ધર્મબંધુજી વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવનાર પ્રખર રાષ્ટ્રપુરુષ છે.  સંન્યાસી હોવા છતાં ભાગવા વસ્ત્રો, ટીલા-ટપકાં, અને બાહ્ય અડંબરોથી પર છે.  શ્વેત વસ્ત્રોમાં તેઓનું શાલીન વ્યક્તિત્વ દીપી ઉઠે છે. તેઓ વેદોના ઊંડા અભ્યસી તો છે જ પરંતુ વિશ્વની ઐતિહાસિક ઘટાઓથી લઈ સાંપ્રત વૈશ્વિક પ્રવાહ વિશેનું તેઓનું જ્ઞાન ગજબનું છે.  તેઓ પ્રખર વક્તા છે. વિશ્વની કોઈ પણ ઘટના માટે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો અનેક સંદર્ભો સાથેના તેઓના ધારદાર જવાબો ભલા ભલા બૌદ્ધિકોને અચરજ પમાડે છે.
          સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રકથા શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. ભાગવત કથા, રામાયણ કથા, અને શિવ કથા વિશે તો આપ જાણતા જ હશો. પરંતુ શું આપ રાષ્ટ્રકથા વિશે સાંભળ્યું છે??? હા, રાષ્ટ્રકથા. આ રાષ્ટ્રકથા થકી જ રાજકોટથી સવાસો કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ નાનું અમથું ગામ આજે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું છે. અને બૌદ્ધિકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે વ્યક્તિઓને મિનિટોની મુલાકાત મેળવવા માટે આપને  મહિનાઓ પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ વેઇટિંગ કરવું પડે એવી પ્રતિષ્ઠિત હસ્તીઓ આ નાનકડા ગામમાં આવી યુવાનોને દેશભક્તિના પાઠ ભણાવે છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિથી લઈ જુદાજુદા રાજ્યના રજ્યપલો,  લશ્કરની ત્રણેય પાંખના વડાઓ, સિનિયર વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, રાષ્ટ્ર કક્ષાના વરિષ્ઠ પત્રકારો  અને ભારતના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ અવાર નવાર ગુજરાતના આ ગમમાં આવેલ એક આશ્રમની મુલાકત માટે આવતા રહે છે. ગુજરાતનુ પહેલું એવું ગામ છે જ્યા ખોબા જેવડું ગામ હોવા છ્તાં ચાર ચાર હેલીપેડ ધરાવે છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના આ ગામનું નામ છે પ્રાંસલા.
   
         રાજકોટથી 125 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલા નામના ગામમાં બે દાયકા પહેલાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ આશ્રમની સ્થાપના કરી સ્વામી ધર્મબંધુજી એ આ ભૂમીને પોતાની કર્મભૂમી બનાવી.  સ્વામીજીનું જીવન ખુદ એક મિશાલ રૂપ છે.

    બાળપણમાં જ તેઓનાં માતાના મૃત્યુ થયું. અને દાદીમા એ તેઓનો ઉછેર કર્યો. સ્વામીજી આજે પણ માને છે કે તેઓના ઘડતરમાં દાદીમાનો ફાળો સવિશેષ છે. સ્વામી દયાનંદ સરવસ્તીને પોતાના આદર્શ માને છે.. સ્વામી ધર્મબંધુજી પોતાના સંસારી જીવન દરમિયાન પોલીસ ઓફિસર રહી ચૂક્યા હતા. ચાર વર્ષ પોતાની ડ્યુટી બજાવ્યા પછી સીબીઆઇમાં જોડાયા હતા. જો કે અઢી વર્ષની પોતાની જોબ દરમિયાન વેદના અભ્યાસે તેમને સંસારથી દૂર કર્યા અને તેમણે સંસાર છોડી દીધો. એ પછી તેઓ હિમાલયમાં એકથી દોઢ વર્ષ રહ્યા અને પછી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફરતા રહ્યા. ત્યારબાદ ગુજરાત આવીને અહીં જ પોતાનું કાર્યસ્થાન બનાવી લીધું.
       સ્વામીજી જણાવે છે કે, માત્ર ઇતિહાસના આધારે દેશનું ઘડતર ન થાય. ઇતિહાસને આધાર બનાવી દેશનો વર્તમાન શું છે, ક્યાં ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ નવી પેઢીને આપવો જોઇએ અને આથી જ અમે આ રાષ્ટ્રકથા શિબિર શરૂ કરી હતી.
          હાલ પ્રાંસલામાં 22 મી રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે.  જ્યાં કાશ્મીરથી લઈ કન્યા કુમારી અને ગુજરાતથી લઈ ગૌહાટી સુધીના એમ ભારતના તમામ રાજ્યોના , તમામ જ્ઞાતિ-ધર્મના કિશોરો, વિદ્યાર્થીઓ અને યુવાનો કોઈપણ જાતના ભેદભાવ વગર આ કથામાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છેલ્લા બે દાયકાથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવાઓને સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણાવે છે.
             પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન એ.પી. જે. અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે.પી એસ. ગીલ, કિરણ બેદી, બોલીવૂડના જાણીતા એક્ટર નાના પાટેકર, પરેશ રાવલ, ઓમ પુરી, મુકેશ ખન્નાથી માંડીને કોકિલાબહેન અંબાણી અને જેવા અનેક મહાનુભાવો ધર્મબંધુજીના આશ્રમમાં કે આશ્રમ દ્વારા કરવામાં આવતી રાષ્ટ્રીય શિબિરમાં હાજરી પુરાવી ચૂક્યા છે.

            રાષ્ટ્રકથા ગુજરાતની એક અલગ ઓળખ બની છે. નવ દિવસ સુધી આ કથા ચાલે છે. ધર્મબંધુજી સ્વામી હોવા છતાં માળા, ટપકા અને મંત્ર-તંત્રથી પર છે. તેમનું મુખ્ય લક્ષ્ય દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ આવે તે રાષ્ટ્ર કથાનું શ્રવણ કરે. ધર્મબંધુજીએ જણાવે  કે, ‘ હું ચેલા-ચેલી બનાવતો નથી. મારું ધ્યેય રાષ્ટ્ર માટે સારા નાગરિક બનાવવાનું છે.
રાષ્ટ્ર કથાનો એકમાત્ર હેતુ એ છે કે, યુવાનોમાં રાષ્ટ્ર માટે ઉદાત ભાવના જગાડવાનો છે. કોઇ ધર્મ કે સંપ્રદાયની વિરૂધ્ધમાં નથી. આપણે દેવી-દેવતાઓની વાત જે રીતે કરીએ છીએ એટલી ચીવટ અને નિસબતથી દેશની વાત પણ કરવી જોઇએ. માત્ર ઇતિહાસના આધારે દેશનું ઘડતર ન થાય. ઇતિહાસને આધાર બનાવી દેશનો વર્તમાન શું છે, ક્યાં ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ નવી પેઢીને આપવો જોઇએ અને આથી જ અમે આ રાષ્ટ્ર કથા શિબિર શરૂ કરી હતી.
        પ્રાંસલામાં પહેલી રાષ્ટ્રીય શિબિર યોજી હતી જેમાં 5 હજાર યુવાનોએ લાભ લીધો હતો. બીજી શિબિરમાં 2500 યુવતીઓએ લાભ લીધો હતો. ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય છે. હાલ દસ થી બાર હજાર જેટલાં યુવાનો લાભ લઇ રહ્યા છે.  દર વર્ષે રાષ્ટ્ર કથાનું આયોજન થાય છે. રાષ્ટ્ર કથા સિવાય સીઆરપીએફ, બીએસએફ વગેરે દળો અને સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં નાના પાયે શિબિર કરવામાં આવે છે.
            રાષ્ટ્રના નિર્માણ માટે ના અનેક રચનાત્મક કાર્યો કરી એક સન્યાસી તરીકે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. અહીં દર બે વર્ષે સમૂહલગ્નનું આયોજન થાય છે. કચ્છમાં આવેલા ભૂકંપ બાદ અનેક ગામોને બેઠા કરવાનો શ્રેય સ્વામી ધર્મબંધુજીને જાય છે. સાબરકાંઠાના પોશીના જેવા અંતરિયાળ વિતારમાં સેંકડો કૂવા ખોદાવી ત્યાંના લોકોને પાણી ની સમસ્યા થી મુક્તિ અપાવી છે. અરવલ્લીના બાયડ વિસ્તારમાં પણ જળ સંચય માટે અનેક ચેકડેમોનું નિર્માણ તેઓએ કરાવ્યુ છે.
નાગાલેન્ડ ઝારખંડ જેવા અતિ પછાત રાજ્યોમાં શાળાઓનું નિર્માણ કરી આદિ જાતિના લોકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે.
           ભારત દેશના તમામ ધર્મગુરુઓ અને સંન્યાસીઓ જો પોત પોતાના વાડાઓનું નિર્માણ કાર્ય પડતું મૂકી સ્વામી ધર્મબંધુજી ની જેમ રાષ્ટ્ર નિર્માણ ના કાર્યમાં પોતાની શક્તિ કામે લગાડે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ તાકાત રોકી શકે તેમ નથી. હાલ 28 ડિસેમ્બર થી રાષ્ટ્ર જાગરણ શિબિરની શરૂઆત થઈ ચૂકી છે. દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં અહીં પધારેલ યુવાનો જે 5 જાન્યુઆરી સુધી મહાનુભાવો દ્વારા દેશભક્તિના પાઠ ભણશે.

લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620

 

1 comment:

  1. ખુબજ સરસ માહિતી સભર લેખ લખ્યો ....

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts