Sunday, December 15, 2019

જિંદગી જિંદાબાદ : ચંદુભાઈ વિરાણી


Top of Form

શૂન્યથી સફળતાના શિખરો સર કરનાર બાહોશ બિઝનેશમેન ચંદુભાઈ વિરાણી.

          
                ચંદુભાઈ વિરાણી.  
        આ વ્યક્તિના નામ થી આપ કદાચ ઓછા પરિચિત હશો. પરંતું તેઓની પ્રોડક્ટનું નામ સાંભળતાં જ ભલભલાના મો માં પાણી આવી જાય છે. હા, આ વાત છે બાલજી વેફર્સ ગૃટુપના તેઓ ચેરમેન છે. સામાન્ય ખેડુત પરિવારમાં જ્ન્મી બાલાજી વેફર્સના પ્રોડક્શન થકી કરોડોનું સામ્રાજ્ય સ્થાપનાર એક બાહોશ બિઝનેશમેન છે.       વર્ષ ૧૯૮૯ સુધી  ઘરે તાવડામાં બટાટાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતા હતા. આજે તેઓની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. તેઓનું નામ છે ચંદુભાઇ વિરાણી. નામ કદાચ વાચકોને અજાણ્યું લાગશે, તેમની બ્રાન્ડ સાવ જાણીતી છે: બાલાજી વેફર્સ. બાલાજી આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવે છે.
             કાલાવડ તાલુકાનું ધૂન-ધોરાજી નામનું એક નાનકડું ગામ છે. ચંદુભાઇના પિતા આ ગામમાં ખેડૂત હતા, પણ ખેતી કરતાં સમાજ સેવા અને આગેવાનીમાં રસ વધુ હતો. ગામના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત રહે એટલે જમીન ધીમે ધીમે વેચાવા માંડી. ચંદુભાઇ, તેમના મોટાભાઇ ભીખુભાઇ અને સૌથી નાનાભાઇ કનુભાઇનું બાળપણ ગામડામાં ધીંગામસ્તી કરતાં કરતાં વિત્યું.
               રાજકોટમાં આવીને દસ ધોરણ પાસ ચંદુભાઇએ ધંધો શોધવા માંડયો. સિનેમાઘરની કેન્ટીનમાં વેફરની ખપત બહુ રહેતી એટલે બજારમાંથી વેફર ખરીદીને સિનેમાઘરોમાં આપવાનું શરૂ કર્યું. આ ધંધામાં બહુ માર્જીન નહોતું. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી વેફર સપ્લાય કરવાનું કામ કર્યા પછી ચંદુભાઇને વિચાર આવ્યો કે વેફર પણ આપણે જ બનાવીએ તો ?
             ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં જ તાવડો માંડયો. બટાટાની વેફર હાથે જ બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું. તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા. એટલે સ્પર્ધા બહુ ન નડી. સિનેમાઘરમાં વેફર ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર પહોંચાડવાનું કહ્યું. બહારના આ ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું, શું ધંધો તમે માંડ્યો છે ?
               એડવોકેટ મિત્રનો કહેવાનો અર્થ સ્પષ્ટ હતો, આ ધંધામાં કાંઇ બે પાંદડે થવાય નહીં. પણ ચંદુભાઇ હિંમત હાર્યા નહીં. તેમની વેફરની બજારમાં સારી માંગ રહેતી હતી. ૧૯૮૩માં પ્લાસ્ટિકની જે થેલીઓમાં તેઓ વેફર પેક કરતાં હતા તેની ઉપર બાલાજી લખાવ્યું અને બાલાજી બ્રાન્ડનો જન્મ થયો. સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી. મગદાળ, વટાણા, ચણાદાળ વગેરે પ્રોડક્ટ પણ બનાવવાની ચાલુ કરી. ભીખુભાઇ વિરાણી ત્યારે દુકાને બેસતા.
     સાંગણવા ચોકની દુકાને તે સમયે ઘરાકી વધવા માંડી. બાલાજીનો તાવડો વખણાવા માંડયો. એટલે, ૧૯૮૯માં ધંધાનું વિસ્તરણ કરવાનું વિચાર્યું.
નવી મશીનરી લાવતી વખતે ટેક્નોલોજીની સમજ ન હોય તો નુકસાન જઇ શકે.
આજી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં વિરાણી ભાઇઓએ એક હજાર મીટર જગ્યા લીધી. ભઠ્ઠાઓ નાંખ્યા, પણ ભઠ્ઠામાં ધૂમાડા થાય અને પ્રોડક્ટમાં સમાનતા જાળવવી પણ અઘરી પડે. તે વખતે બાલાજીની વેફર વખણાતી હતી, પણ તેની લેખિત રેસિપી નહોતી. ડબ્બાના માપથી મસાલા નાંખવામાં આવતા. તાવડામાં ઉકળતું તેલ જોઇને તેના ટેમ્પરેચરનો અંદાજ લગાવવો પડતો.
તેલમાં બબલ્સ બનવાનું બંધ થઇ જાય એટલે તેલ આવી ગયું એ સમજીને વેફર તળવા માંડવાની. ચંદુભાઇ કહે છે, આજે પણ તાવડામાં ઉકળતું તેલ જોઇને હું કહી દઉં કે આનું ટેમ્પરેચર આટલું હશે. આ જાતે કરેલાં કામથી મળેલાં અનુભવની તાકાત હતી. ભઠ્ઠામાં રોજની ૫૦૦ કિલો વેફર બનતી હતી. માંગ વધી રહી હતી અને ભઠ્ઠા-તાવડાની મર્યાદાઓ નડી રહી હતી એટલે ઓટોમાઇઝેશન પર જવાનું નક્કી કર્યું.
           બટાટાને કાતરીને વેફર પણ મશીન જ બનાવે અને તેને તળી પણ આપે એવું મશીન લઇ આવ્યા. છ મહિના સુધી મશીન ચાલુ ન થયું. ચંદુભાઇ એ સમય યાદ કરતાં કહે છે, ‘અમે ફસાઇ ગયા. મશીન ચાલે નહીં. અમને મશીનમાં કશી ગતાગમ પડે નહીં. આવી સ્થિતિમાં કરવું શું? એટલે દેશી મશીન લઇ આવ્યા. ઇમ્પોર્ટેડ અને દેશી બંને મશીનને જોડી કાઢીને વર્ણસંકર મશીન બનાવ્યું. તે ચાલ્યું. માત્ર ચાલ્યું નહીં, દોડ્યું. સરસ ક્વોલિટીની વેફર બનતી થઇ.
વર્તમાન સમયમાં નમકીનની દુનિયામાં મોટી મોટી કંપનીઓ છે. એમાં બાલાજી વેફર્સે પોતાનું એક અલગ સ્થાન અને નોંધપાત્ર નામ બનાવ્યું છે. ત્યારે આજે આ બાલાજી વેફર્સને ખરીદવા માટે દેશ-વિદેશની કંપનીઓ પડાપડી કરી રહી છે. બાલાજી વેફર્સની શરૂઆત અત્યંત નાના પાયે થઇ હતી અને આજે વેફર્સમાં બાલાજીનો કોઇ પર્યાય નથી.

              વેફર્સના માર્કેટમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી, પોતે હાંફી ગઇ છે. ન કોઇ માર્કેટિંગ, ન ડીલર માટે કોઇ સ્કીમ, સેલ્સનું કોઇ ડિપાર્ટમેન્ટ નહીં અને મેનેજરોની ભરમાર નહીં, છતાં ૩૫૦ કરોડની કંપની સતત વિકાસકૂચ કરતી રહે છે. ચંદુભાઇ વિરાણીની આ વિકાસયાત્રાનું રહસ્ય શું છે?
             મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી કહે છે કે, બિઝનેસ સફળતાપૂર્વક ખેડવા માટે અખૂટ ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે. આંબાના છોડને ઉછેરવા માટે વર્ષો લાગી જાય એ પછી એમાં કેરીનું ફળ બેસે એવું જ બિઝનેસનું છે. બિઝનેસ એ ટામેટાંનો છોડ નથી કે તરત ઊગી જાય.

                આજે બાલાજીની ફેક્ટરીમાં જાઓ તો બટાટાની ગુણી મશીનના એક છેડે ઠાલવ્યા પછી બીજા છેડે સરસ પોલીપેકમાં, નાઇટ્રોજન સાથે પેક થયેલું વેફરનું પેકેટ મળે. આ નવાં મશીન તો જો કે, હમણાં આવ્યાં, ’૯૨માં જે મશીન હતું તે ઘણું સાદું હતું, પણ ઓટોમાઇઝેશન પર જવાનો નિર્ણય બાલાજી માટે ટર્નિંગ પોઇન્ટ હતો. તાવડા-ભઠ્ઠામાં બનતી અને બહુ જ વખણાતી પોતાની વેફર પ્રત્યે અઢળક પ્રેમ રાખીને જો તેમણે ઓટોમાઇઝેશન ન કર્યું હોત તો હજી બાલાજી સાંગણવા ચોકની દુકાન પુરતી સીમીત હોત.
          બાલાજીની અધતન લેબોરેટરીમાં માત્ર બનેલી પ્રોડક્ટનું જ પરીક્ષણ નથી થતું, તેમાં ઉમેરાનાર મસાલાનું પણ નિયમિત પરીક્ષણ થાય છે. મરચાંની તીખાશનું પણ માપ કાઢવામાં આવે છે. બીજી બાબત હતી, નેટવર્ક વિસ્તારવાની. ૧૯૮૬માં ચંદુભાઇએ માલની ડિલિવરી કરવા માટે એક ટેમ્પો ખરીધો હતો. આસપાસના વિસ્તારોમાં માંગ વધતી ગઇ તેમ નેટવર્ક વધારતા ગયા. ચંદુભાઇ કહે છે, માલની અવેલેબિલીટી, પ્રાપ્યતા અત્યંત જરૂરી છે. રીટેઇલરો અને ડીલરોને અમારો માલ સતત અને સરળતાથી મળતો રહે તે માટે અમે શરૂઆતથી પ્રયત્નશીલ રહ્યા છીએ.
               કોઇ માર્કેટમાં બાલાજીની પ્રોડક્ટ પ્રિ-પ્લાન મુજબ ધડાકાભેર લોંચ થઇ નથી. રીટેઇલર હોય કે ડીલર, બાલાજીએ ક્યારેક કોઇ સ્કીમ આપી નથી. સામાન્ય રીતે વેફર જેવી પ્રોડક્ટમાં કંપનીઓ ડીલરો અને રીટેઇલરો માટે ૫૦ ટકા કમિશન સુધીની આકર્ષક સ્કીમ મુકતા હોય છે. ચંદુભાઇ કહે છે, અમે એક સ્થળે પ્રોડક્ટ પહોંચાડીએ એટલે તેનો સ્વાદ ત્યાંના લોકોના મોંએ વળગે. સાચા અર્થમાં માઉથ પબ્લિસિટી થાય.
            મહત્વની વાત એ છે કે આજના ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ ચંદુભાઇ માર્કેટિંગ કરતાં નથી. માર્કેટિંગ ટીમને સેલ શબ્દ બોલવાની પણ મનાઇ છે. છતાં આટલો ગ્રોથ શા માટે? પ્રશ્નનો જવાબ આપતાં ચંદુભાઇ કહે છે, ‘માર્કેટિંગની જરૂર જ નથી. અમે માંગ પ્રમાણે પ્રોડકશન વધારતા જઇએ છીએ. માંગ ઊભી કરાવવાના પ્રયત્નો કરતા નથી. અમારી માર્કેટિંગની ટીમે ડીલરને સમયસર માલ પહોંચી જાય એટલું જ કરવાનું છે. તેમાં કોઇ ફરિયાદ ન આવવી જોઇએ.
        જ્યારે પોતાની પ્રોડક્ટ જતી હતી તે ગઢ જાળવી રાખ્યો અને પેલું ધીમું વિસ્તરણ તો ચાલતું જ રહ્યું. ગુજરાતમાં ૨૫૦ કરોડનું બાલાજીનું બજાર યથાવત રહ્યું. બાલાજીની સફળતા જોઇને લોકલ કંપનીઓ પણ વેફર્સના ઉદ્યોગમાં આવી. મલ્ટી નેશનલ્સની સાથે આ સ્પર્ધા પણ આવી. પણ બાલાજીના ભાવે એવી પ્રોડક્ટ આપવી લગભગ અશક્ય હતું. ચંદુભાઇને માર્કેટિંગનો ખર્ચ જ નહોતો.
            મલ્ટીનેશનલ કંપનીઓની સામે સ્પર્ધામાં ઊભેલી બાલાજીમાં મોડર્ન મેનેજમેન્ટના નિયમો પ્રમાણેના લેયર્સ નથી. ૧૬૦૦ કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે તેમાં મોટા ભાગના વર્કર છે. મિડલ લેવલનું મેનેજમેન્ટ જ નથી. જરૂર જ નથી. અપર મેનેજમેન્ટ ચંદુભાઇ, ભીખુભાઇ, કનુભાઇ, મિહિર, કેયુર અને પ્રણય સંભાળે છે.
          કર્મચારીઓની સગવડોનું બાલાજીમાં ઘ્યાન રાખવામાં આવે છે. તેમના માટે આધુનિક કેન્ટિનની સુવિધા છે. કેન્ટિનના ભોજનનું પણ નિયમિત લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે. ગરમીમાં કામ કરવાનું હોવાથી ચાર કલાકમાં જ ડ્યુટી બદલી નાખવાની વ્યવસ્થા છે. કર્મચારી કામમાં ભૂલ કરે ત્યારે શું કરો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ચંદુભાઇ કહે છે, ‘કામમાં ભૂલ થાય ત્યારે હું બે ધીમા શબ્દો કહું છું પણ છાતીએ વાગી જાય એવા શબ્દો કહું છું, સુધરવાની તક આપું છું. અહીં વાતાવરણ પરિવાર જેવું છે.
          ચંદુભાઇને મળો ત્યારે લાગે કે આટલો સાલસ અને નિખાલસ માણસ કઇ રીતે કટ્ટર કોમ્પિટિશનમાં સફળ રહી શક્યો હશે ? કદાચ, એ નિખાલસતા જ તેની સફળતાની ગુરુચાવી છે. ચંદુભાઇ હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ હોંશપૂર્વક પોતાની ફેક્ટરી અને મશીનો સાથે રહીને બતાવે છે. અહીં બદ્ધું જ ખૂલ્લું છે. ચંદુભાઇને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર વિશ્વાસ છે.
(માહિતિ સંદર્ભ સ્ત્રોત ઈન્ટરનેટ)
લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620


No comments:

Post a Comment