Thursday, December 12, 2019

શિક્ષણ જગતના ઝ્ગમગતા સિતારા : વિમલ ગામિત


વેરાન વનને ઉપવનમાં પરિવર્તિત કરી જંગલમાં મંગલ સર્જતા વિરલ શિક્ષક : 
વિમલ ગામિત

          

                 આજે વાત કરવી છે એવા  એક શિક્ષકની અને એવી એક શાળાની કે  અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની ધૂણી ધખાવી ચોમેર શિક્ષણના સેવાયજ્ઞની સૌરભ પ્રસારી રહ્યા છે. અત્યંત પછાત ગણાતા  વિસ્તારની આ શાળા વિકસિત વિસ્તારની ખાનગી શાળાને હંફાવે એવું ભાવાવરણ સર્જી અહીંના શિક્ષકોએ જંગલમાં મંગલ કરી કમાલ કરી બતાવ્યો છે.
                         ગુજરાતનો સૌથી નાનો અને છેવાડાનો જિલ્લો ડાંગ. અહીં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. ખોબા જેવડો આ ડાંગ જિલ્લો બેજોડ આદિવાસી સંસ્કૃતિને પોતાની ગોદમાં સાચવીને બેઠો છે. આંખો ઠરે એવી લીલીછમ વનરાજી, પહાડો, નદીઓ, સરોવરો, ઝરણા, જેવાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનું સૌંદર્ય અનુપમ છે. એમ છતાં ડાંગ જિલ્લાનું નામ સંભળતા જ આંખ સામે અનેક હાડમારીઓ વેઠીને જીવન ગુજરાતા આદિવાસી બંધુઓના વરવા દૃશ્યો નજર સમક્ષ તરવળવા લાગે છે. અનેક અભાવો વચ્ચે  જીવન જીવતા અસીવાસી બંધુઓમાં આજે પણ શિક્ષણ પ્રત્યેની જોઈએ તેટલી જાગૃતિ જોવા નથી મળતી. એમ છતાં આવા છેવાડાના વિસ્તારોને પ્રકાશિત કરવા કેટલાય શિક્ષણના જગતના સિતારાઓ ઝગમગી રહ્યા છે.
                      વિમલ ગામિત.
                     બીલીઆંબા પ્રાથમિક શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય છે.
                 ગુજરાત રાજયના છેવાડાનો અંતરીયાળ વિસ્તાર એવો ડાંગ જિલ્લો  ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદનું ગામ બીલીઆંબા. આ ગામની શાળામાં થઇ રહેલ  પ્રવૃત્તિઓની જેવી કે રમત-ગમત,શાળા સ્વચ્છતા,શૈક્ષણિક ગુણવત્તા,ઇકો ક્લબ જેની  ઝાંખી ખરેખર અદ્દ્ભુત છે.  
                માન્યામાં ન આવે પરંતું નાની અમથી આ શાળાના 36 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાની ટીમ માં પ્રતિનિધિત્વ કર્યુ છે.અને અનેક પ્રતિભાસંપન ખેલાડીઓ નેશનલ કક્ષાની ટીમમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યુ છે. રમતગમતમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર આ શાળાએ શિક્ષણ ક્ષેત્રે પણ સફળાતાનાં નવા શિખરો સર કરી શિક્ષણ જગતને એક આદર્શ પૂરો પાડ્યો છે,
               વિમલભાઈ ગામિત જ્યારે 2002 ના વર્ષમાં જ્યારે આ શાળામાં તેઓ જોડાયા ત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિ. એ સમયે 153 રજીસ્ટર સંખ્યા અને 5 શિક્ષકોનો સ્ટાફ. આશરે સાડા છસોની વસ્તી ધરાવતા આ ગામમાં માત્ર એક જ વ્યક્તિ એસ.એસ.સી. પાસ. એથી આગળ અભ્યાસ કરેલ વ્યક્તિ ગામમાં કોઈ શોધ્યા ન જડે. અહીં વસતા પરિવારો સુગર ફેકટરીમાં અથવા ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવે. લગભગ મોટાભાગના પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત નાજુક. એટલે શાળાને આર્થિક યોગદાનની આશા પણ નહીં. શાળા  વેરાન વન જેવી લાગે. પરંતુ આ શાળાને ઉપવનમાં પલટાવવાની મનમાં ગાંઠ વાળી. વાલીઓ ભલે આર્થિક યોગદાન ન આપી શકે પરંતુ શ્રમદાન તો કરી શકે ને!! શિક્ષકો અને સમાજ સાથે મળી શાળાને નંદનવન બનાવવાનું અભિયાન હાથ ધર્યું. અને પછી તો આ શાળાની કાયાપલટ કરવા રીતસરના સૌ મચી જ પડ્યા. ગ્રામજનો અને S.M.C. ની સૌથી મોટી કામગીરી ગણી શકાય એવી પ્રવૃતિ શાળાના બાળકો માટે બનાવવામાં આવેલું શાળા મેદાન આ મેદાન બનાવવા માટે S.M.C. અને ગ્રામજનોનું શ્રમદાન થકી તેમણે  40 ટ્રેકટર માટી શાળામાં લાવીને એક સરસ મઝાનું મેદાન બાળકો માટે તૈયારી કરી આપ્યું અને સાથે આ મેદાનનું ઉદ્દ્ઘાટન માટે S.M.C. અને શિક્ષકોએ મળી ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રીને બોલાવી આ મેદાનનું લોકાર્પણ કરાવ્યું.

            વહીવટ કુશળ વિમલભાઈ એ ઉપાડેલ આ કાર્યમાં અને સાથી શિક્ષક સાથ મળ્યો. 2008 માં વિમલભાઈ મુખ્ય શિક્ષક તરીકે જવાદરી ઉપાડી. સાથે તેઓના ધર્મ પત્ની પણ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આ શાળામાં જ જોડાયાં. રસિકભાઈ પટેલ અને બીજા કર્મઠ શિક્ષકો સાથે જોડાતા ગયા. અને જોત જોતામાં ચમત્કારિક પરિણામો મળવા લાગ્યાં.
                 આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ખેતરમાં અને સુગર ફેકટરીમાં મજૂરીએ જતાં રહેતાં મહિનાઓ સુધી શાળાએ જ ન આવે. વાલી પોતે મજૂરી અર્થે બહાર જાય તો સંતાનોને મૂકીને પણ ક્યાં જાય?? આ કારણે જ મોટાભાગના વિદ્યાર્થીઓ શાળા છોડી દેતાં. પરંતુ સરકારશ્રીની સીઝનલ હોસ્ટેલ યોજના અહીં આશીર્વાદ રૂપ સાબિત થઈ. અહીં સીઝનલ હોસ્ટેલ શરૂ કરી. વાલી મહિનાઓ સુધી મજૂરી અર્થે બહાર જાય તો પોતાના સંતાનોને અહીં હોસ્ટેલમાં મુકી ને જાય. શિક્ષકો એ વિદ્યાર્થીઓનું પૂરતું ઘ્યાન રાખે. અને ગેરહાજરીનું પ્રમાણ નહિવત બનતું ગયું. મુખ્ય શિક્ષક વિમાલભાઈ અને કર્મનિષ્ઠ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની સાથે હોસ્ટેલમાં જ રહેવા લાગ્યા. અને પૂર્ણ સમય શિક્ષણ, રમત અને ઈતર પ્રવૃતિઓ થી જાણે શાળા ધમધમવા લાગી.
                      આપણને અચરજ એ લાગે કે અહીં સવારે 8:00 વાગે તમામ વિદ્યાર્થીઓ દફતર અને ટિફિન લઈ હાજર થઈ જાય છે. એ સમયે શાળાના મુખ્ય શિક્ષક વિમાલભાઈ અને અન્ય સાથી શિક્ષકો પણ અહીં હાજર હોય.વિમાલભાઈ 8-10 ઝીરો તાસ ચલાવે છે. 10:30- 5 :00 સુધી શાળાનું રાબેતા મુજબનું કામ ચાલે છે અને સાંજે 5 પછી વિવિધ રમતોની પ્રેક્ટિસ શરૂ થાય છે. 
                   થોડા સમય પહેલાં આખા વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ એસ.એસ.સી. પાસ હતી એના બદલે શિક્ષકોના પ્રયત્નો થકી અહિંના લોકોમાં પણ હવે શિક્ષણની ભુખ ઉગડી છે. આજે આ શાળાના વિદ્યાર્થીની એ એમ.બી.બી.એસ. માં પ્રવેશ મેળવ્યો છે જ્યારે બિજા વિદ્યાર્થીઓ બી.ઈ. અને એમ.ઈ. જેવા એંજીનિયર ના કોર્ષમાં એડમિશન મેળવી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. એ કાંઈ નાનીસુની વાતનથી
                     શાળામાં કાર્યરત S.M.C. હંમેશા શાળા વિકાસમાં પોતાનું યોગદાન આપતી રહે છે. અને ગામનાં અન્ય લોકો માટે તેઓ ઉદાહરણ પૂરુ પાડે છે. શાળામાં ચાલતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં હંમેશા સકારાત્મક અભિગમ રાખીને શાળા વિકાસ માટે કાર્યકરે છે.જેના પરિણામે આજે શાળા અન્ય શાળાઓની સરખામણીએ શાળાબાગ,  ઇકો ક્લબ,રમત- ગમત,શાળા સ્વચ્છતા અને બાળકોની નિયમિત હાજરી જેવી તમામ પ્રવૃતિઓમાં અગ્રેસર રહી છે.    
           પર્યાવરણ પ્રત્યે બાળકોમાં જાગૃતી વધે તે માટે શાળાએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.આ શાળામાં સને 2002માં માત્ર એક આંબાનું ઝાડ હતું.તે શાળા આજે  351 જેટલા વૃક્ષો ધરાવે છે. જેમાં ફળાઉ 212 અને અન્ય 139 વૃક્ષો છે.તથા આંખો અને હૈયુ ઠરે એવો લીલોછમ્મ સમૃધ્ધ બાગ-બગીચો બનાવવામાં આવેલ છે. આજે શાળા કેમ્પસ વૃક્ષોથી ઊભરાય છે. જેના કારણે હવે નવા  વૃક્ષોનો ઉછેર શાળા કેમ્પસની બહાર કરવામાં આવ્યો છે અને આગામી 2 વર્ષમાં શાળાની બહાર આખો ગ્રીન બેલ્ટ બનાવવાનું આયોજન છે.  
               આ શાળામાં સ્વચ્છતાનો અભિગમ ખૂબ જ પ્રસંસનીય રહ્યો છે. શરુઆતથી જ આ શાળા સ્વચ્છતાની બાબતમાં અન્ય શાળાઓ માટે નમુના રુપ છે. જેમાં શાળાની તમામ બાબતો જેવી કે શાળા પરિસર, બાગ-બગીચો અને શૌચાલયની  સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી છે. જેના માટે શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ 2016-17 અર્પણ કરી નવાજમાં આવી છે.
          બીલીઆંબા પ્રાથમીક શાળાના બાળકોએ રમત ગમત ખૂબજ પ્રગતિ સાથે આ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભ 2019 માં શાળાઓ માંથી બાસ્કેટ બોલ, રસા ખેંચ, અને ખો ખો માં ભાઈઓ અને બહેનો મળી કુલ 6 ટિમ રાજયકક્ષા માં ભાગ લીધો હતો. જેમાં ખો ખોની સ્પર્ધા વલસાડ જિલ્લાના સરીગામ ખાતે યોજાઈ હતી.જ્યાં બીલીઆંબા શાળાના બાળકો ખો ખોની રમતમાં શાનદાર દેખાવ કરી ફાઇનલ મેચમાં ભરૂચની ટિમને હરાવીને સતત તત્રીજા વર્ષે  ગોલ્ડ મેડલ મેળવી જીતની  હેટ્રીક લગાવી. સાથે અંડર 17 સ્પર્ધા ભરૂચ જિલ્લાના માંડવી ખાતે યોજાઈ હતી. જે સ્પર્ધામાં માધ્યમિક શાળાના બાળકોએ સિલ્વર મેડલ મેળવી શાળા, ગામ અને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ સિદ્ધિઓ  હાંસલ થવા બદલ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાના શિક્ષકો અને બાળકો ને અભિનંદન પાઠવ્યા હતાં
            સૌને ગૌરવ થાય એવી બાબત એ છે કે  શાળા માંથી છેલ્લા 2010 થી 2019 સુધી 36 ખેલાડીઓ ગુજરાતની ટિમમાં પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુક્યા છે અને માળવી પરેશભાઈ સેગાભાઈ આખા ભારત દેશ માં 50 ખેલાડીઓમાંથી પસંદગી પામી ખ્યાતના મેળવી ગુજરાત તેમજ ડાંગ જિલ્લા ની સાથે સાથે શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.
          બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે સહાનુભૂતિ જાગે તે માટે શાળામાં ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.ઇકો ક્લબ દ્રારા આર્થિક ઉપાર્જન,શાળા કેમ્પસમાં કિચન ગાર્ડન બનાવવામાં આવે છે.જેમાં ઋતુ અનુસાર શાકભાજીનો ઉછેર કરી બાળકોને ખવડાવવામાં આવે છે,  ફળાઉ ઝાડમાં ફણસ અને કેરીનું વેચાણ કરવામાં આવે છે.જે આવક થાય તે શાળા ભંડોળમાં વપરાય છે.    ગલગોટાનાં ફુલ છોડનું વાવેતર કરી તેના ફુલોનું વેચાણ કરવામાં આવે છે. જે આવક થાય તે શાળા ભંડોળમાં વપરાય છે.  
                એક સમયે માત્ર 153 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 9 કર્મનિષ્ઠ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. એન,એમ,એમ. એસ. જેવી પરેક્ષાઓમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થઈ રહ્યો છે.   છેક છેવાડાની આ અંતરિયાળ વિતારની  શાળા સમસ્ત શિક્ષણ જગત માટે નમૂના રૂપ કાર્ય કરી રહી છે. ત્યારે શાળાના મુખ્ય શિક્ષક વિમલભાઈ અને સાથી શિક્ષકોની ટીમને અભિનંદન આપીએ એટલા ઓછા છે.  
વિમલ ગામિત  સંપર્ક નં. : 93274 77484


લેખન : ઈશ્વર પ્રજાપતિ


9825142620

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)





2 comments: