Monday, December 2, 2019

જિંદગી જિંદાબાદ



   પોઝીટીવ ઉર્જાથી ભર્યા ભર્યા નોખી ભાતના પત્રકાર અને મળવા જેવા માણસ રમેશ તન્ના.


              શબ્દનુંં તેજ લઈ  કલમ થકી સમાજમાં અજવાળું પ્રગટાવવાની માનવીય મથામણ આદરનાર રમેશ તન્ના એટલે ધબકતો માણસ. રમેશભાઈ એટલે સમુદાયથી 'જરા હટકે' વિચારી, આપ બળે અલગ ચીલો ચતારી, નવી કેડી કંડારનારો શબ્દશિલ્પી. પોઝેટીવ ઉર્જાથી ભર્યા ભર્યા નોંખી ભાતના પત્રકાર.      પત્રકારત્વને ગ્લેમરસની જોબ સમજી આ ક્ષેત્રમાં આવવા મથતી યુવા પેઢીએ રમેશ ભાઈ પાસે પલોઠી વાળીને શીખવા જેવું છે કે એક પત્રકાર ધારે તો કલમ થકી સમાજમાં કેવી ક્રાંતિ લાવી શકે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી  શબ્દને સેતુ બનાવી જન જન સુધી સમાજની સુંગંધ પહોંચાડવા અહર્નિશ કાર્યરત રમેશભાઈ એ રીતસરનું તપ આદર્યું છે. 
         જાણીતા પત્રકાર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર કુમાળપાળ દેસાઈ કહે છે "ગુજરાતમાં કયા ખૂંણે   કયો માણસ સમાજ સેવાનું કેવું ઉમદા કાર્ય કરી રહ્યો છે એ જો તમારે જાણવું હોય તો તમારે રમેશભાઈને મળવું પડે. સમાજમાં અજવાળું પથરનાર વ્યક્તિઓની એમની પાસે ખૂબ લાંબી યાદી મળે." ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદીને શ્રમ યજ્ઞ, સેવા યજ્ઞ થકી સમાજમાં સુંગધ પ્રસરવાનાર વ્યક્તિઓને શોધી શોધી સમાજ સમક્ષ તેઓના ઉમદા કાર્યોને ઉજાગર કરી આવા સાચા સમાજ સેવકો ને એક નવું જોમ પુરું પાડ્યું છે. કવિ ઉમાશંકર જોશી કહેતા  'મોટા માણસની અલ્પતા બહુ જોઈ,હવે નાના માણસની મોટાઈ જોઈને જીવું છું.' એ ઉક્તિને સમજવી હોય તો રમેેશભાઈ  પાસે પલાઠી  વાળી બેસવુંં પડે. છેક છેવાડાનો નાનો માણસ પણ કેવું વિરાટ કાર્ય કરી ચમત્કાર સર્જી શકે   એવા તો અનેક દાખલા રમેશભાઈ આપણને પુરા પાડે છે.
           રમેશ પ્રભુરામ તન્નાનું મૂળ વતન ઉત્તર ગુજરાતના પાટણ પાસેનું અમરાપુર ગામ . પિતા ખેડૂત અને માતા ગૃહિણી. પિતા માત્ર ચાર ચોપડી ભણી શક્યા હતા. પરંતુ તેઓના સ્વભાવની સરળતા અને સાહજીકતા હૃદયને સ્પર્શી જાય એવી. કેટલીક વાર તેઓના સાવ સરળ સ્વભાવના કારણે ગામમાં તેઓ મજાકને પાત્ર બનતા એમ છતાં ક્યારેય નમ્રતા અને વિવેક ન છોડે.  સરળતા, સહજતા અને વિવેકીપણું રમેશભાઈને પિતા પાસેથી વારસામાં મળ્યું. માતા પ્રભાબહેન એક પણ ચોપડી ભણ્યાં ન હતાં. માતા  સાવ નિરક્ષર એમ છતાં તેઓ પાસે ભાષા વૈભવ એકદમ સમૃદ્ધ. ભાષા વૈભવ અને શબ્દ લાલિત્યનો અમૂલ્ય વારસો રમેશભાઈને માતા તરફથી ભેટ મળ્યો. અને વતનના ગામ   અમરાપર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો મળ્યો છે. રમેશભાઈએ પ્રાથમિક શિક્ષણ વતનની સરકારી શાળામાંથી પ્રાપ્ત કર્યું. એને માધ્યમિક શિક્ષણ પાટણ માંથી. અને 1982 - 83 એસ. એસ. સી. કરવા અમદાવાદની વાટ પકડી. અને પછી તો અમદાવાદ ને અહીં જ સ્થાયી થઈ ગયા. 
         બાળપણથી જ વાંચનનો ગજબનો શોખ. વિશ્વભરના સાહિત્યના પુસ્તકો વાંચ્યા પરંતુ ગાંધી વિચારોએ રમેશભાઈના મન ઉપર એક અલગ ભાત પાડી. ગાંધીની વિચારધારાએ તેઓને આકર્ષ્યા. અને આ વિચારધારાને પોતાના જીવતરમાં વણી લીધી. મે 1991 માં પત્રકારત્વના અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. પત્રકારત્વ વિષયમાં ડિપ્લોમા , ડિગ્રી ( નાતક ) અને માસ્ટર ડિગ્રી ( પારંગત ) કર્યા પછી તેમણે 1993-95 સુધી એમ બે વર્ષગુજરાત વિદ્યાપીઠમાં પૂર્ણસમયના વ્યાખ્યાતા તરીકે નિષ્ઠાથી ફરજ બનાવી.
                ન્યુ યોર્ક ( અમેરિકા ) થી પ્રકાશિત થતા ગુજરાત ટાઈમ્સ ’ સાપ્તાહિકમાં પત્રકાર - સંપાદક અને નિવાસી તંત્રી તરીકે 1999 - 2013 સુધી 14 વર્ષનો મનવાસ ’ માણ્યો. આ સપ્તાહિક તૈયાર અમદાવાદમાં થતું અને પ્રકાશિત થતું ન્યુયોર્કમાં. અમેરિકામાં વસતા ગુજરાતીઓ આ સાપ્તાહિકની રાહ જોતા. સતત ચૌદ વર્ષ સુધી જીવ રેડીને આ છાપા ને એક નવી ઊંચાઈ તેઓએ પ્રદાન કરી. ગુજરાત ટાઈમ્સ ને ચંદ્રકાન્ત બક્ષી 'ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ છાપું' કહેતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સિડનીથી પ્રકાશિત થતું ગુજરાત કનેક્શન છાપું શરૂ કર્યું. આજના સમયમાં આમયિકને નિભાવવું એ એક પડકાર જનક કામ છે. આર્થિક દૃષ્ટિએ ખૂબ કપરું કામ છે. એમ છતાં આ છાપને પણ સુપેરે બે વર્ષ ચલાવ્યું. અને આખરે આર્થિક સમસ્યાઓને કારણે ગુજરાત કનેક્શન બંધ કરવું પડ્યું. 
              મથ્યા કરવું અને મચી પડવું એ રમેશભાઈનો સ્વભાવ છે. 2014 થી રા પોઝિટિવ મીડિયા પ્રા. લી. ની સ્થાપના કરી સોશિયલ મિડિયા - ફેસબુક પર તેઓ નિયમિત રીતે આજની પોઝિટિવસ્ટોરી ’ નું આલેખન કરે છે . સમાજમાં ઠેર ઠેર થતી સેવા પ્રવૃત્તિઓની વિગતને રસપ્રદ રીતે મૂકે છે. દેશ - વિદેશના લાખો લોકો સુધી તેની સુગંધપહોંચે છે. હદયથી શિક્ષક છે અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વવિષય ભણાવે છે . બાળકો માટે વાચનશિબિરો યોજે છે . “ વિચાર ટ્રસ્ટ" સાથે મળીને ‘ ગુજરાત ના છેક છેવાડાના ગામડાઓમાં ગાંધી વિચારનું કામ કરી ગ્રામોત્થાનનું કામ કરતા યુવાનો ને શોધી તેઓને મહામહિમ રાજ્યપાલ ના હસ્તે ગાંધીમિત્ર એવોર્ડ અપાવી સન્માનિત કરવાનું આયોજન કરે છે . ત્રણ દાયકામાં ગુજરાતની સ્વૈચ્છિક , સેવાકીય અને રચનાત્મક કાર્ય કરતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વિશે તેમણે માતબર આલેખન કર્યું છે. જેના પરિણામ સ્વરૂપે આવી સેવાભાવી સંસ્થાઓને દેશ વિદેશમાંથી કરોડોનું દાન પ્રાપ્ત થયું છે. એક પત્રકારની કલમ જો ધારે તો સમાજમાં કેવાં ઉમદા કર્યો કરી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. 
                સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના રિપોટિંગમાં પણ તેમણે વ્યાપકતા સાથે સાતત્ય અને સ્તર જાળવ્યાં છે . હાસ્યલેખન ક્ષેત્રે પણ તેઓ પ્રયોગ કરતા રહે છે . તેઓ વક્તા છે અને વિવિધ વિષય પર વ્યાખ્યાન પણ આપે છે . શબ્દકર્મી તરીકે તેઓની નિસબત સ્વસ્થ સમાજના નિર્માણમાં યથાશક્તિ ઉપયોગી થવાની રહી છે . તેઓ દૃઢ પણે માને છે કે 'સમાજમાં વધી રહેલી વેદનાનો મુકાબલો સંવેદના જ કરી શકે . સંવેદના વધે એટલે વેદના ઘટે.' પોતાની કલમ દ્વારા સમાજની સંવેદનાનું સંગોપન ' કરવાનો તેઓ પ્રયાસ કરે છે . 
      રમેશભાઈએ  કિશોર અવસ્થાથી જ કલમના ખોળે મસ્તક મૂકી લેખન યાત્રાનો આરંભ કરી દીધો હતો. સોળ વર્ષની વયે તેઓએ તેઓની પ્રથમ નવલકથા ' આંસુ ઉમટયા આંખની અટરીએ ' લખી અને એ નવલકથા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ભાઈ ચૌધરી પાસે વંંચાવી. એ નવલકથાની હસ્તપ્રત ફરી હાથ ન લાગતા એ પ્રકાશિત ન થઈ શકી. પરંતુ રમેશ ભાઈએ અત્યાર સુધી લેખન અને સંપાદન કરી કુલ પંદર જેટલાં ઉત્તમ પુસ્તકો વાંચકોને ભેટ ધાર્યા છે. બધુ બગડી ગયું છે , સડી ગયું છે , લોકો સ્વાર્થી થઈ ગયા છે , કોઈ કોઈનું નથી , સમાજમાં હવે સારપ અને માનવતા જેવું કશું રહ્યું નથી તેવા પ્રશ્નોનો જવાબ ' રમેશભાઈના પુસ્તકના પાને પાને પ્રાપ્ત થાય છે . હજી પણ માનવતા મહેકે છે અને સંવેદના જીવે છે એનો અહેસાસ તેઓની કલમ કરાવતી રહે છે. 
          પહેલી ડિસેમ્બર 2019 એટલે રમેશભાઈના જન્મ દિવસે જ પ્રકાશિત થયેલ ‘સમાજની સુગંધ ' પુસ્તક માં આપણને પ્રેરણા પુરી પાડે, જીવવાનું નવું બળ પ્રદાન કરે તથા પ્રસન્નતાથી ભરી દે તેવી પોઝિટિવ સ્ટોરી તસવીરો સાથે મુકાઈ છે . વિવિધ ક્ષેત્રની પ્રેરક ગાથાઓથી આ પુસ્તક સમૃદ્ધ બન્યું છે . આ પુસ્તક હકારાત્મકતાનો બહુમૂલ્ય ખજાનો છે . સમાજ માટે કામ કરતા લોકોની સુગંધ પણ અહીં છે. તો પડકારોનો સામનો કરીને સફળતા મેળવતા કલિંદરી મિજાજના પરાક્રમીઓની કથા પણ છે. શ્રમ કરી પરસેવાના અભિષેકથી જીવનને ધન્ય કરતા શ્રમિકોની શબ્દ કથા તમારું હૃદય સંવેદનાથી ભરી દેશે . 
          રમેશભાઈનાં જીવનસાથી અનિતા તન્ના પણ જાણીતાં પ્રતિબદ્ધ પત્રકાર - લેખિકા અને કર્મશીલ છે. ગુજરાત સરકાર દ્વારા 1998 માં તેઓને તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે શ્રેષ્ઠ મહિલા પત્રકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ સાહિત્યિક અને સામાજિક અનેક સંસ્થાઓમાં અત્યંત સક્રિય સભ્ય છે. અખિલ હિન્દૂ મહિલા પરિષદ મેગેઝીનના તેઓ એડિટર છે. નવ્ય ઉજાસના તેઓ તંત્રી છે. મીડ એઝ મૅનોપોઝ હેલ્થ કલબ, અમદાવાદ ના તેઓ સક્રિય સભ્ય છે. તેઓ કાર્યક્રમના ઉત્તમ સંચાલિકા અને પ્રખર વક્તા પણ છે. રમેશભાઈની તમામ પ્રવૃત્તિઓમાં સદા સર્વદાનાં સંગાથી છે. મોરના ઈંડા ચીતરવા ન જ પડે. તેમના   દિકરા આલાપે એ ઉક્તિ    સાર્થક  કરી છે . દીકરો આલાપ હૈદરાબાદમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.  તે પણ એક સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવે છે.     આલાપ દ્વારા તૈયાર થયેલી ઘણી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
               ગાંધી વિચારે રંગાયેલા રમેશ તન્ના પત્રકારની નવી પેઢીના આદર્શ છે. રામેશભાઈનો પરિચય જાણીતા ગાંધીજન , કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી મનસુખ સલ્લા જેમને સમાજમાંગલ્ય ’ ના પત્રકાર કહે છે. છેલ્લા ત્રણ દાયકાથી સામાજ , સંકૃતિ અને સાહિત્યમાં નિસબત સાથે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રમેશભાઈનું સાહિત્ય સર્જન સત્વશીલ છે. ગુજરાત ન પ્રથમ પંક્તિના સાહિત્યકારો, પત્રકારો અને તમામ પક્ષના રાજનેતાઓ સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં તેઓના મૂળ જમીન સાથે જોડાલા રહ્યાં છે. તેઓની સાદગી અને સ્વભાવની સહજતા દિલને સ્પર્શ્યા વગર રહેતી નથી. ચોમેર નકારાત્મક અને નિરાશાજનક વાતાવરણ વચ્ચે સત્વશીલ લેખકની કલમ આશાની નવી ઉમિદ પ્રગટાવે છે. ખોબામાં સમાજની સુગંધ ભરી દુનિયાને વહેંચવા નીકળેલ શબ્દ સાધક રમેશભાઈ તન્ના સાચા અર્થમાં તો ગુજરાતલનું અણમોલ ઘરેણું છે. 

રમેશ તન્ના સંપર્ક નં. 9824034475

લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620

2 comments:

  1. શાનદાર...
    રમેશભાઈને વંદન...
    ઈશ્વરભાઈને અભિનંદન.

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts