Thursday, November 14, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : સતિષ પ્રજાપતિ


'જ્ઞાન કી પાઠશાલા' ના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય 
સતિષભાઈ પ્રજાપતિ

              સતિષભાઈ પ્રજાપતિ. 
          પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક કર્મશીલ શિક્ષક અને આદર્શ આચાર્ય છે. એક શિક્ષક શિક્ષણની બીબાઢાળ અને ચીલાચાલુ પ્રક્રિયાને પોતાની આગવી સૂઝથી રસપ્રદ બનાવવા વિવિધ પ્રયુક્તિઓ અજમાવે ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ સતિષભાઈ પ્રજાપતિ છે. 
               સતીશભાઈ બે દાયકાની શિક્ષણ સફરમાં પ્રવૃત છે. સતીશભાઈ આચાર્ય તરીકે 2012 માં આ શાળામાં જોડાયા ત્યારે અહીં અનેક પડકારો હતા. સ્થાનિક પર્યાવરણ, વિદ્યાર્થીઓની અનિયમિતતા અને વાલીઓની ખાનગી શાળા તરફની આંધળી દોટને પરિણામે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જતી હતી. આંખો આગળ એક સરકારી શાળા પડી ભાંગે એ તો કેમ ચાલે??? શાળાને આ વિસ્તારની એક ઉત્તમ અને આદર્શ શાળા બનાવવાની સતિષભાઈ એ મનમાં ગાંઠ વાળી. સાથી શિક્ષકો પણ ઉત્સાહી. સોનામાં જાણે સુગંધ ભળી. મહામહિમ રાજ્યપાલથી લઈ પૂ.મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડથી તેઓનું સન્માન કર્યું છે. શાળાના આચાર્ય સતિષભાઈ વહીવટી કુશળ અને હકારાત્મક દૃષ્ટિથી ભર્યા ભર્યા. શાળાના વિકાસ માટે વિદ્યાર્થીઓથી લઈ શિક્ષકોને મોકળું મેદાન પૂરું પાડે. સૌએ સાથે મળી સહિયારો પુરુષાર્થ આદર્યો. 
            સૌથી પહેલું સૌથી પહેલું કામ શાળા પરિસરને એવું સુંદર આકર્ષક બનાવ્યું કે શાળા જોતાં જ ગમી જાય. શાળાના પ્રવેશ દ્વારથી શરૂ કરીને શાળા સંકુલની એક એક દીવાલ અને એક એક ખૂણો બાળકો અને શિક્ષકોના સર્જનથી જીવંત બનાવી. બાળકોએ - પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો, નક્કામા જુનાં ટાયર અને આકર્ષક રંગો વગેરેનો ઉપયોગ કરી જે સુંદર બગીચાનું નિર્માણ કર્યું છે તે કોઈપણ આર્કિટેક્યરની કલ્પનાને ટક્કર મારે તેવું છે . મુખ્ય શિક્ષકના રૂમથી લઈને શાળાના દરેક વર્ગખંડમાં ભણતરને ભાર વિનાનું બનાવતી અપાર શૈક્ષણિક સામગ્રી જોવા મળે છે. દરેક ખૂણો રમતાં રમતાં જ વિદ્યાર્થીઓને કંઈક શીખવી જાય. અને આ દરેક સામગ્રી વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે જ બનાવી છે. 
             રવિવાર હોય કે જાહેર રજા, દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન કોઈ પણ જાતની સમય સીમા વિના આ પરિસર બાળકોના કિલ્લોલથી ગુંજતું રહે છે. સતીષભાઈ રજાઓ દરમિયાન પણ આ શાળામાં વિવિધ કેમ્પનું આયોજન કરી વિદ્યાર્થીઓને શાળા સાથે જોડી રાખે છે. 
ઇતર વાંચનનું કૌશલ્ય કેળવાય એ હેતુ સર સતિષભાઈના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પરબ નામનો સુંદર પ્રોજેક્ટ શાળાએ અમલમાં મુક્યો છે. જ્ઞાન પરબ એટલે કે ઓપન લાયબ્રેરી. પુસ્તકો ને કોઈ તાળું જ નહીં. વિદ્યાર્થીઓ ને ગમે તે પુસ્તક સરળતાથી લઈ શકે અને વાંચી શકે. શાળાના વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા બાદ રીશેષ દરમ્યાન, નવરાશ ની પળોમાં તથા રવિવારના સમયે પણ આ જ્ઞાન પરબમાં મૂકવામાં આવેલા પુસ્તકો નું વાંચન કરી શકે છે. જ્ઞાન પરબમાં પુસ્તકો ની આપ લે કરવા માટે,પુસ્તક ઈશ્યુ રજીસ્ટર નિભાવવા તથા સમગ્ર જ્ઞાન પરબનું સંચાલન બાળકોને સોપવામાં આવ્યું છે . દિવાળી અને ઉનાળુ વેકેશન દરમ્યાન પણ " જ્ઞાન પરબ"અવિરત ચાલુ રહે છે. પુસ્તક ફાટી જાય , ખોવાઈ જાય એની કોઈ જ ફિકર નહીં. મુખ્ય ઉદ્દેશ એટલો જ કે વિદ્યાર્થીઓ પાઠ્યક્રમ ઉપરાંત પણ વિશિષ્ટ વાંચન કરી શકે. પરિણામે વિદ્યાર્થીઓનું વાંચન વિશ્વ સમૃદ્ધ બન્યું છે. 
                 દિલ રેડીને કામ કરતા સૌ શિક્ષકોના પ્રયત્નોથી પરિસ્થિતિ પલટાવા લાગી. શિક્ષકોની મહેનત રંગ લાવવા માંડી. શરૂઆતના વર્ષોમાં ગુણોત્સવ માં D ગ્રેડ ધરાવતી શાળા A ગ્રેડ સુધી પહોંચી શકી. પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આ શાળાની મુલાકાત લીધી. અંતરીયાળ વિસ્તારની આવી હરિયાળી શાળા જોઈ પોતની પ્રસન્નતા વ્યક્ત કરી અને શાળાના શિક્ષકોની મહેનતને તેઓએ જાહેરમાં બિરદાવી હતી. અને શાળાની પ્રગતિથી સંતુષ્ટ થઈ શિક્ષણમંત્રી શ્રીએ શાળાને અભિનંદન પત્ર પાઠવ્યો હતો. 
            આ શાળામાં ધોરણ 6- 8 માં જ્ઞાનકૂંજ પ્રોજેક્ટ અંતર્ગત ડીઝીટલ વર્ગો કાર્યરત છે. વિદ્યાર્થીઓ બખૂબી ડીઝીટલ વર્ગનો ઉપયોગ કરી જાણે છે. 
નવોદયા ક્રાંતિ પરિવાર દ્વારા ભારત દેશમાંથી ટેકનોલોજીનો ઉપયોગ કરી શ્રેષ્ઠ શિક્ષણિક કામગીરી કરનાર શાળાઓનું ઓનલાઈન સર્વે કરવામાં આવ્યું અને તેમાં દેશભરમાંથી 22 શાળાઓ પસંદગી પામી.જેમાં ગુજરાત રાજ્યમાંથી બે શાળાઓ પસંદ કરવામાં આવી જે પૈકી અમારી કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા બાકરોલની રાષ્ટ્ર કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી. 
               ખાનગી શાળાના ભપકાથી અંજાયેલા વાલીઓને સમજાવી સરકારી શાળા તરફ વાળવા એ વાત કંઈ નાનીસૂની નથી. પરંતુ શાળાનાં પરિણામ જોઈ ખાનગી શાળાથી અંજાયેલા વાલીઓ નો સરકારી શાળા તરફનો દૃષ્ટિકોણ બદલવા મજબૂર બન્યા. 
           કાલોલ તાલુકા મથક થી માત્ર 6 કિ.મી. ના અંતરે આવેલી છે. કાલોલમાં અનેક ખાનગી શાળાઓ ધમધમે છે. એમ છતાં આ ગામના શિક્ષકોના કર્મયોગના પ્રતાપે બાકરોલના ગામના વાલીઓની ખાનગી શાળા તરફની દોટ અટકી. આ ગામના તમામ બાળકો આ ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. આ શાળામાં 465 બાળકો અભ્યાસ કરે છે અને તેમના શિક્ષણકાર્ય માટે 14 શિક્ષકોનો સ્ટાફ છે . 
           શાળાએ એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. બાળકો શાળામાં જે પણ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચનાત્મક પ્રવૃતિઓ કરે તેને શિક્ષકોના સહિયારા પુરૂષાર્થના પરિણામે પાંચ હજારની વસ્તી ધરાવતા બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળા માત્ર ગામનું જ નહીં પરંતુ તાલુકા અને જિલ્લાનું ઘરેણું બની છે. કવાલીટી એઝયુકેશન સંદર્ભે સતિષભાઈએ કરેલા નવતર પ્રયોગો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી માન્યતા પામ્યા છે. રાજ્ય કક્ષાએ યોજાતા ઇનોવેશન ફેઈરમાં તેઓ મૂલ્યાંકન અને માર્ગદર્શન માટે મુલાકાત લેતા રહે છે. 
           શિક્ષકો દ્વારા શાળામાં અપાતું યોગદાનથી પ્રેરાઈ ગામ લોકો પણ શાળાના સાહિયોગ માટે આગળ આવ્યા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન ગ્રામજનો તરફથી 25000 જેટલી રકમનું આર્થિક યોગદાન શાળાને પ્રાપ્ત થયું. આ ઉપરાંત આસપાસની સામાજિક સંસ્થાઓ પણ શાળામાં અભ્યાસ કરતાં નબળા આર્થિક વર્ગના બાળકો માટે આગળ આવી. જેમાં અંજલિ ફાઉન્ડેશન, બી.ઓ.બી. બેન્ક, સી.એસ. જવેલર્સ જેવા દાતાઓનો સાહિયોગ પ્રાપ્ત થયો. 
               એસએમસીના અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલ જણાવે છે કે શાળાના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ પ્રતિ એટલા સમર્પિત છે કે વિદ્યાર્થીઓ માટે લાભદાયક એવી કોઈ પણ પ્રવૃતિ જો નાણાના કારણે અટકે એમ હોય તો તેઓ પોતાના પૈસા ઉમેરીને પણ તેને શક્ય બનાવે છે.શાળા આચાર્ય સતિષભાઈએ પોતાને મોરારીબાપુના હસ્તે મળેલ ચિત્રકૂટ એવોર્ડના 25000 રૂપિયા અને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અંતર્ગત મળેલ રૂા.10000 ની રકમનો ઉપયોગ શાળાને સીસીટીવીથી સુસજ્જ કરવામાં કર્યો છે. જેનાથી નાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ ઉપરાંત, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં મળેલ પ્રોજેક્ટરના ફાયદા જણાતા શાળાના શિક્ષકોએ સ્વખર્ચે બીજુ પ્રોજેક્ટર પણ વસાવ્યું જેથી ઈન્ટરેક્ટિવ શૈક્ષણિક સામગ્રીની મદદથી બાળકોને અઘરા વિષયો શીખવવામાં સરળતા રહે છે. 
               સતિષભાઈના નેતૃત્વ હેઠળ શાળાના શિક્ષકોના શિક્ષણ પ્રત્યેના પ્રેમ અને લગનનું જ એ પરિણામ છે કે આ વર્ષે ખાનગી શાળાના બાળકો આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓના જીવન ઘડતરની પ્રક્રિયામાં અંગત રસ લઈ વિદ્યાર્થીઓને પાંગરવાની અનેકવિધ તકો પૂરી પાડવા માટે નવા નવા પ્રયોગો પણ કરતા રહે છે. આ શિક્ષકો વિદ્યાર્થીઓનો, તેમના વાલીઓનો તથા પોતાના સહકાર્યકરોનો પણ પોતાના કામ થકી અખૂટ વિશ્વાસ સંપાદન કરે છે. તેમની કાર્યનિષ્ઠા અને ઉત્સાહ દાદ માંગી લે તેવા હોય છે.  પોતાની શાળાના વિકાસ માટે પણ સમર્પિત થઈને તન મન અને ધનથી  શિક્ષકો પ્રયાસો કરતા હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ બાકરોલ ની શાળા અને તેના શિક્ષકો છે.
               શાળા આચાર્ય સતિષભાઈ , અને બકરોલ કેન્દ્રવર્તી શાળાની સમસ્ત કર્મઠ શિક્ષક ટીમને અભિનંદન આપીએ એટલા ઓછા છે.


સતિષભાઈ પ્રજાપતિ સંપર્ક નં. : 99787 79260

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)


4 comments:

  1. Very nice 👌 શિક્ષણ જગત ને આવા રત્નો સતત મળતાં રહે અને દેશ સર્વાંગી વિકાસ તરફ આગળ વધતો જાય એજ શુભેચ્છા

    ReplyDelete
  2. શિક્ષણમાં ઓતપ્રોત અને બાળકો સાથે નિયમિત રિશેષ પ્રવૃત્તિ કરતા એવા શ્રી સતીષ પ્રજાપતને અઢળક શુભેચ્છાઓ💐
    ઈશ્વરભાઈને વંદન🙏

    ReplyDelete
  3. આજની રીશેષ પ્રવૃત્તિ તથા જ્ઞાન પુષ્પ તથા ટી એલ એ નું નિત નવ સર્જન પે.સેન્ટર આચાર્ય હોવા છતાં મિત્ર સતિષભાઈ ની કામગીરી ઊડીને આંખે વળગે એવી છે બાકરોલ શાળા પરિવાર નસીબદાર છે કે આવા ઉત્તમ આચાર્ય એમને મળ્યા છે આભાર ઇશ્વરભાઇ

    ReplyDelete