Monday, November 11, 2019

જિંદગી જીંદબાબાદ

મર્યાદાઓને તાકાતમાં પરિવર્તિત કરી કાર લઈ દુનિયાની સફર ખેડાનાર સાહસવીર સમીર કક્કડ 

             કોઈ વ્યક્તિના શરીરનો છાતી નીચેનો ભાગ પોલિયોગ્રસ્ત હોય, બન્ને પગ કામ જ ન કરતા હોય, 80℅ દિવ્યાગતા ધરાવતો હોય અને એ વ્યક્તિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારરેલીમાં સામાન્ય ડ્રાઈવરોને  હંફાવી અવ્વલ આવી, વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરે આ વાત આપના માન્યામાં આવે છે ખરી ??? માન્યામાં ન આવે પરંતુ આ કામ સાકાર કરી બતાવ્યું છે એક અડગ મનના મુસાફિર અને સાહસવીર સમીર કકકડે.
             સમીર કક્કડ.
           પાકિસ્તાન સીમાની લગોલગ આવેલ બનાસકાંઠાનું ભાભર તેઓનું વતન. આઝાદ ભારતના 800 મા ડોક્ટર એટલે કે ડૉ. સુરેન્દ્ર કક્કડ તેઓના પિતા અને જાણીતા ગાયનેક ડૉ. લલિતા કક્કડ તેઓના માતા. ડોક્ટર દંપતીનું આ સંતાન જન્મ સમયે તો સાવ તંદુરત. પરંતુ જન્મના એક વર્ષ બાદ પોલિયો વાઈરસે ભરડો લીધો. સખત તાવ અને પોલિયો વાઈરસના પરિણામેં આખું શરીર પોલિયોગ્રસ્ત થયું. આ વાત છે આજથી સાડા ચાર દાયકા પહેલાની. પોલિયો સામે બાથ ભીડી શકે એવી કોઈ નકકર મેડિસિન શોધાઈ ન હતી. મેડિકલ સાયન્સ આજના જેટલું સમૃદ્ધ ન હતું. માતાપિતા ડોકટર હોવા છતાં પોતાના જ સંતાનનો કોઈ જ ઈલાજ તેઓ પાસે ન હતો. એક અઠવાડિયું બેભાન રહ્યા. આખરે ન છૂટકે પેનિસિનિંગ દવાનો ડોઝ આપવાનો નક્કી કર્યા. પેનિસિનિંગ એવી મેડિસિન ડોઝ છે કે જેને આજના ડોક્ટર હાથ લગાવતા સો વાર વિચાર કરે છે. આખરી ઉપાય તરીકે આ ડોઝ અપાયો. સમીરભાઈ આ ભયાનક બીમારી થી બચી તો ગયા પરંતુ છાતી નીચેનો ભાગ કાયમ માટે શિથિલ થઈ ગયો. પગ કામ કરતા જ બંધ થઈ ગયા. પરિવાર પર ખૂબ મોટી મુસીબત આવી પડી. પરંતુ ડોક્ટર દંપતીએ હિંમત હાર્યા વિના પરિસ્થિતિ ને સ્વિકારી. સમીરભાઈનમાં બાળપણથી પડકાર સામે ઝઝૂમવાની અને જીવને વિધાયક દૃષ્ટિકોણ થી જોવાની દૃષ્ટિ કેળવી. 
                 શાળા કોલેજના અભ્યાસ દરમિયાન    દરમિયાન ધસડાઈને ચાલતા સમીરભાઈ સાથી વિદ્યાર્થીઓની મજાકનો ભોગ બનતા રહ્યા. કેટલીક વાર નાસીપાસ પણ થયા. શાળા છોડવાનો પણ વિચાર આવ્યો. પરતું માતાપિતાએ સમજાવ્યું કે "આ જ તારે આ જ જગતમાં રહેવાનું છે , હિંમત અને આત્મવિશ્વાસ કેળવ અને આગળ વધ. જે લોકો આજે ટીખળ કરે છે એ જ લોકો આવતી કાલે તમને સલામ કરશે." માતા - પિતાના આ શબ્દોએ જાણે તેમનામાં ચેતનાનો, માત્મશ્રદ્ધાનો સંચાર કર્યો અને એક પછી એક પડકારો ઝીલતો ગયા. માતાપિતાના હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા અને મનોબળ મજબૂત કરતાં રહ્યાં. 
             બાળપણથી જ સમીરભાઈ પાસે આગવી ટેક્નિકલ સૂઝ. ધોરણ 10 સુધીનો અભ્યાસ વતનમાં પૂર્ણ કરી તેઓ મેકેનીકલ એન્જીનીયરીંગના અભ્યાસ માટે અમદાવાદ સ્થાયી થયા. ગાડીઓ નો ભારે શોખ. કાર જોઈને જ તેઓ રોમાંચ અનુભવતા. કાર દ્રાઇવ કરવી તેઓનું સ્વપ્ન. પરંતુ પગ તેઓની મર્યાદા. કાર હંકારવી તો હંકારવી કઈ રીતે?? તેમણે જોયું કે દિવ્યાંગ કાર ચલાવી શકે તેવી કોઈ સગવડ સુવિધા જ નથી. પોતે ટેક્નિકલ સૂઝ ધરાવતા હોવાથી જાતે જ કારની એક એવી કીટ બનાવવાની મથામણ આદરી કે જે હાથ થી જ ઓપરેટ થાય. તો તેઓ જાતે કામે વળગ્યા . વર્ષોની મહેનત બાદ તેમણે દિવ્યાંગો કાર ચલાવી શકે તે માટે ખાસ પ્રકારની કીટ વિકસાવી છે . 
            સમીરભાઈ દિવ્યાંગ હોવાના કારણે   ડ્રાઈવિંગ   લાયસન્સ મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ આવી. અમદાવાદ આરટીનોમાં તેમજ ઉરચ સ્તરે સતત પ્રયત્નો કર્યા બાદ કઠિન માં કઠિન ટેસ્ટ આપી સમીરભાઈ લાયસન્સ મેળવવા માં સફળ રહ્યા.  દિવ્યાંગોના લાયસન્સ માટે અન્ય સુવિધાઓ ઉભી કરવામાં ઉચ્ચ અધિકારી જે.વી. શાહ સાહેબે ખૂબ સુંદર સહકાર આપ્યો. અને હકારાત્મક દૃષ્ટિ ધરાવતા અધિકારીઓ ની મદદથી ગુજરાત માં એવા કાયદાઓનું ઘડતર થઈ શક્યું કે જે અન્ય રાજ્યો કરતા વધુ સુલભ બન્યા.
2019માં સમગ્ર ભારતમાં તેમને દિવ્યાંગ તરીકે પહેલું ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યુ કરાયું હતું . તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેનો માને છે કે વ્યક્તિએ શારીરિક અક્ષમતા સામે હામ હારી જવાના બદલે પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવો જોઈને . 
                 કાર ડ્રાઈવિંગ ઉપરાંત , દિવ્યાંગોને સ્પર્શતા પ્રશ્નો વિશે તેમણે કરેલા અથાગ પરીશ્રમથી ઘણાં દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સમીરભાઇ અને સાથી કારચાલકો ‘ વર્લ્ડ પીસરેલી ’ અંતર્ગત પહેલી જુલાઈ 2019 ના રોજ એ કાર માર્ગે અમદાવાદથી લંડન 17000કિમી . નો પ્રવાસ શરૂ કર્યો . સાબરમતી આશ્રમે યોજાયેલા સમારોહ માં ગવર્નર ઓ . પી . કોહલીએ આ રેલીને વિદાય આપી.
             અમદાવાદથી લંડનની સફરમાં તેઓ 15 દેશો અને 105 શહેરો પસાર કર્યા. આ સફરમાં એવા એવા ડેન્જરસ રસ્તાઓ પણ આવ્યા કે જ્યાં મોત સામે ઉભું દેખાતું. એ દરમિયાન પહાડો, બર્ફીલા રસ્તા, ઉબડખાબડ રસ્તાઓ અને રણ પસાર કરતા 10 કાર સાથે 30 લોકોની ટીમ 45 દિવસમાં પ્રવાસ પૂરો કરીને 12 ઓગાષ્ટે લંડન પહોંચ્યા. આ . દરમિયાન તેઓ 8 ટાઈમઝોનમાંથી પસાર થયા. તેઓ 15મી ઓગસ્ટે લંડનમાં આંબેડકર હાઉસ ખાતે તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. અમદાવાદના હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ઉપક્રમે ચેરમેન ડો . નીતિન સુમન શાહના નેતૃત્વમાં યોજાયેલી આ કાર યોજાઈ હતી. રેલીનો ઉદેશ વિશ્વના પરસ્પર દેશો વચ્ચે પ્રતિકૂળ વાતાવરણ સર્જાયું છે તેને દૂર કરીને સરહદો ઓળંગી શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનું હતું. , દરરોજ 12 કલાકનું ડાઈવિંગ કરીને દરરોજ 400 થી 500 કિ . મી . નું અંતર કાપતા. અન્ય કરમાં ત્રણ દ્રાઈવર રહેતા. જ્યારે સમીરભાઈએ બીજા કોઈ પણ દ્રાઈવર ની શે વિના એકલા હાથે આખી સફર ખેડી. જે એક વિશ્વ વિક્રમ છે. 
              સમીરભાઈ કક્કડના પ્રવાસનો ખર્ચ રેલીના આયોજક હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઉઠાવ્યો. . 1994 માં 10કિ મી . ની કાર રેલીમાં ભાગ લીધો  . તેમાં 99 નોર્મલ સ્પર્ધકો હતા , અને સમીરભાઇએ પણ આ જ કેટેગરીમાં ભાગે લઇને રેલીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું . આ પડકારજનક કાર રેલીમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિએ ભાગ લઇને ત્રીજું સ્થાન મેળવ્યું હોય તેવું આ પહેલી વખત બન્યું હતું . સમીરભાઇ કહે છે કે તકલીફોથી અટક્યા વગર આગળ વધતા રહેવાથી અચૂક સફળતા મળે જ છે. . તેમણે વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈએ લેહ લદાખમાં માત્ર 300 ક્લાકમાં 5000 કિલો મીટર સેલ્ફ ડ્રાઈવિંગ કરવાનો વિક્રમ પણ રચ્યો છે . આ ઉપરાંત મહિન્દ્રા એડવેન્ચર સ્પોર્ટ કાર રેલી, નોર્ધન મોટર્સ સ્પોર્ટ કાર રેલી, મોનસૂન કાર રેલી, ડેઝર્ટ કાર રેલી જેવી સ્પર્ધા ઓમાં ભાગ લઈ નોર્મલ કાર રેસર્સને હંફાવ્યા છે. 
            સમીરભાઇ જ્યાં પણ પડકાર જોયો છે હસતા મોઢે તેને ઝીલ્યો છે . સમીરભાઈ દિવ્યાંગો માટે ઓટોમોબાઈલ ક્લબ પણ ચલાવે છે , જ્યાં દિવ્યાંગોને ટ્રાફિક નિયમોનું પાલન અને રોડ સેફટી વિશે માર્ગદર્શન આપવા ડ્રાઈવિંગ કૌશલ્યની તાલીમ પણ અપાય છે . સમીરભાઈ ગુજરાત આરટીઓની વર્કિંગ કમિટીના સભ્ય છે . દિવ્યાંગો માટે આરટીઓની પ્રક્રિયાને સરળ બનાવવા વિશે તેઓ તેના કમિટીને સૂચનો આપે છે , તેનો ઓલ ઈન્ડિયા હેન્ડીકેડે એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ છે , આ સંસ્થા દિવ્યાંગ સમુદાયને તેના અધિકારો વિશે માહિતગાર કરે છે . ‘ સુગમ્ય ભારત ' અને ચૂંટણી પંચના આઈકકોન સમીરભાઈ કક્કડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં શરૂ કરાવાલા ‘ સુગમ્ય ભારત ' અભિયાનના આઈકોન છે , 
         ભારતમાં યોજાતી ચૂંટણીમાં દિવ્યાંગોનું મતદાન ખૂબ ઓછું હોય છે કારણ કે મતદાન મથકે તેમના માંટે પૂરતી સુવિધા હોતી નથી . જોકે , તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સમીર કક્કડને ગુજરાત ચૂંટણી પંચે આઈકોન નીમ્યા હતા . તેમના માર્ગદર્શનમાં મતદાન મથકો પર દિવ્યાંગો માટે કરાયેલી સુવિધાને લીધે આ વખતે મોટા ભાગના દિવ્યાંગોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો .
          સમીરભાઈએ પોતાની મર્યાદાઓને પોતાની તાકાતમાં પરિવર્તિત કરી અશક્ય લાગતાં કામ પણ કરી બતાવ્યાં છે. 80% દિવ્યાગતા ધરાવતા સમીરભાઈ માત્ર દિવ્યાંગો માટે જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગ માટે એક આદર્શ પૂરો પડ્યો. આગામી 20 એપ્રિલના રોજ સિંગાપુર નો પ્રવાસ ખેડી એક નવીન સોપાન કરવા જઈ રહ્યા છે ત્યારે સમીરભાઈ ને અઢળક શુભેચ્છાઓ. અને તેઓની જીંદાદિલી ને સો સો સલામ.

સમીર કક્કડ સંપર્ક નં . + 91 - 94260 51000 / 94260 65002

લેખન-   : ઈશ્વર પ્રજાપતિ   
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)
(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620



4 comments:

  1. આપની કલમે સમીરભાઇની આ સફળતાને સમીરની જેમ વિશ્વ ફલકે સરકાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમીરની ગતિ મંદ હોય તો મોહક લાગે અને વધે તો વાવાઝોડું રક્ષણ આપણા સમીરભાઇએ તો સમીરની ગતિને વધારીને વિશ્વમાં દિવ્યગણ માટે સફળતાનુ વાવાઝોડું ફૂંક્યું છે જે આવનારા સમયમાં દિવ્યાંગો માટે દિશાસૂચક બનીને રહેશે.

    ReplyDelete
  2. પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવી સમીરભાઈએ જે સિદ્ધિઓ મેળવી છે તે કાબિલે તારીફ છે....સમીરભાઈ જેવા વ્યક્તિઓનો પરિચય સમાજને કરાવવા બદલ ઇશ્વરભાઈનો આભાર

    ReplyDelete