દિવ્યાંગોના સાચા 'રાહ'બર, સમર્પિત અને પ્રતિબદ્ધ વ્યક્તિ જશુભાઈ કવિ
જશુભાઈ બાબુભાઈ કવિ.
આ નામ સાંભળતાં જ ગુજરાતમાં વસતા દિવ્યાંગજનોની આંખોમાં આદર સાથે અનોખું તેજ ઉભરી આવે છે. ભાગ્યે જ કોઈ એવો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મળે કે જે આ નામથી અપરિચિત હોય. દિવ્યાંગજનોના શિક્ષણ, તાલીમ અને પૂનર્વસન માટે આ વિરલ વ્યક્તિએ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધુ છે. દિવ્યાંગોના હૃદયમાં આદર સાથે સ્થાન પામેલા આ કર્મઠ વ્યક્તિના નામથી સામાન્ય સમાજ કદાચ ઝાઝો પરિચિત નહીં હોય.
જશુભાઈ કવિનું મૂળ વતન તો સાબરકાંઠા જિલ્લાનું કડીયાદરા ગામ. દેશ જ્યારે ગુલામીની બેડીઓ તોડી આળસ મરડી બેઠો થઈ રહ્યો હતો એ અરસામાં 1948માં તેઓનો જન્મ. એ સમયે શહેરો પણ વિકાસથી વંચિત હોય ત્યાં ગામડાંના વિકાસની તો વાત જ શું કરવી!! પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. પરંતુ જાગૃત માતાપિતા તરફથી સંસ્કાર, સાહિત્ય અને સંગીતનો અમૂલ્ય વારસો ભેટ મળ્યો. એ જમાનામાં ગામમાં જ્યારે કોઈના ત્યાં છાપું પણ ન આવે ત્યારે એ સમયે સાહિત્ય રસિક જશુભાઈના પિતા બાબુભાઈ પોતાના ઘરે છાપાં ઉપરાંત સાહિત્યિક સામયિકો મંગાવે. પારિવારિક સાહિત્યિક વાતાવરણમાં બાળપણથી જ શબ્દ સાથે પ્રીતિ બંધાઈ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં જ મેળવ્યું.
એ વખતે કડીયાદરામાં એક મુસ્લિમ પરિવાર રહે. એ પરિવારમાં મલૂમાંનો દીકરો મહંમદ જન્મથી અંધ. આ મહંમદ જશુભાઈનો મિત્ર. અંધ મહંમદના જીવતરમાં પડતી તકલીફો જશુભાઈ એ નજીકથી નિહાળી. શાળાએ લાવવા લઈ જવાથી લઈ બીજા કામોમાં પણ મહંમદને તેઓ મદદરૂપ થતા. બસ આ બાળપણ ની મૈત્રીએ જશુભાઇ ના અજાગૃત મનમાં દિવ્યાંગો ની સેવા માટેના બીજ રોપાયાં. બાળપણ માં વવાયેલાં આ બીજ આગળ જતાં વટવૃક્ષ બની ફૂલ્યા-ફાલ્યાં.
વતનમાં હાઇસ્કુલ સુધીનું શિક્ષણ મેળવી , હિંમતનગરમાંથી યુનિવર્સિટી શિક્ષણ મેળવી સ્નાતક થયા. વિદ્યાર્થી કાળથી જ તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી. ભાષા પરની ગજબની પક્કડ. અને વકતૃત્વ કલા તેઓને મળેલી કુદરતી ભેટ. કોલેજ કાળ દરમિયાન વિવિધ વકતૃત્વ સ્પર્ધાઓમાં હંમેશા અવ્વલ રહેતા. મોડાસા કૉલેજમાંથી એમ.એ કર્યું.
એ દરમિયાન દેના બેંકના મેનેજર તરીકે નો નિમણૂંક પત્ર મળ્યો. પરંતુ પોતે શબ્દ, સાહિત્ય અને શિક્ષણના જીવ એટલે પોતાની જાતને આંકડાની માયાજાળમાં ફસાવવા નહોતા માંગતા. પિતાની જાણ બહાર બેંકના મેનેજર જેવી પ્રતિષ્ઠિત નોકરીનો નિમણૂંક પત્ર ફાડી નાખ્યો. જીવનમાં કાંઈ નોખું અને મનને ગમતું કરવાના સપનાઓ આંખોમાં આંજી તેઓએ ઘેર કોઈને પણ જાણ કર્યા સિવાય અમદાવાદની વાટ પકડી. અઠવાડિયા પછી ઘરે પત્ર લખી જાણ કરી કે હું અમદાવાદમાં છું.
1973 ની સાલમાં મંગલ વિદ્યાલય મિઠાખળી માં શિક્ષક તરીકે નિયુક્ત થયા. પરંતુ અજાગ્રત મનમાં બાળપણ નો મિત્ર મહંમદ માટે ની મથામણ સતત સતત રમ્યા કરતી. આવા દૃષ્ટિ હીન લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરતા હશે?? પોતાનું આખું જીવન બીજા પર આધારિત રહી ઓસિયાળુ જીવન તો વ્યક્તિ કેમ જીવી શકે?? દિવ્યાંગ જનો માટે કંઈક કરી છૂટવા મન દૃઢ સંકલ્પિત હતું.
કહેવાય છે ને જેને ગાવું હોય એને ગીત મળી રહે છે અને "જેને ઉડવું હોય એને આકાશ !" બસ એ જ ન્યાયે છાપામાં વિશ્વ પ્રસિદ્ધ અંધજન મંડળ સંસ્થા ટેટ શિક્ષકની જાહેરાત આવી. જશુભાઈએ તરત અરજી કરી. એ સમયે એક શિક્ષક માટેની આ જાહેરાત માટે 765 અરજી આવેલી. આ ક્ષેત્રમાં પિતામહ ગણાતા સ્વર્ગસ્થ પદ્મશ્રી પ્રજ્ઞાચક્ષુ જગદીશભાઈ પટેલને એક એક અરજી વાંચી સાંભળવામાં આવી. જશુભાઇના મરોડદાર અક્ષરે અને ભાષા લાલિત્ય સાથે લખાયેલી અરજી સાંભળી જગદીશભાઈ પટેલે જશુભાઈ ને બોલાવી હાથમાં હાથ લઈ કહ્યું. "શિક્ષક તરીકે તમારી પસંગી થઈ ચુકી છે. આપ ઈચ્છો ત્યારે જોઈન થઈ શકો છો." શિક્ષક તરીકે પસંદગી કરી તેમના માટે એક નવા જ પડકારજનક ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય અજમાવવાની તક આપી.
પ્રજ્ઞાચક્ષુ સાથે એક શિક્ષક તરીકે જશુભાઈ કવિએ પોતાની આત્મસૂઝ અને સંવેદના સાથે વિદ્યાર્થીઓમાં અને સંસ્થામાં આગવું સ્થાન અને માન મેળવ્યા. તેમની કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકપ્રિયતાના રૂપક સંસ્થાએ તેમને આ વિશાળ સંસ્થાનના આચાર્ય પદે આરૂઢ કર્યા. ફરજ પ્રત્યેની એટલી તો પ્રતિબદ્ધતા કે આ વ્યક્તિએ અકસ્માત સિવાય એક પણ દિવસ રજા ભોગવી નથી. દિવાળી હોય કે હોળી તમામ તહેવારો સંસ્થાના કામમાં વ્યસ્ત રહીને ઉજાવ્યા છે.
પ્રજ્ઞાચક્ષુઓ માટેના ચીલાચાલુ શિક્ષણની પરિપાટીથી હટીને અનેક નવીન પ્રયોગો કર્યા. જશુભાઈ કવિ પોતાની આગવી સૂઝ જ અને સમજથી પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણમાં વર્ગ શિક્ષણ ઉપરાંત જીવન શિક્ષણ પણ ઉમેર્યું. દિવ્યાંગો માટે અત્યાર સુધી વણખેડાયેલા રહેતાં અને ક્ષેત્રોમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને ખેડાણ કરવા પ્રતાહિત કર્યા. નવીન શૈક્ષણિક પ્રયોગ અને પ્રયાસોને અમલમાં મૂકીને માત્ર પોતાની શાળાના વિદ્યાર્થીઓ જ નહીં સમગ્ર ગુજરાતના દિવ્યાંગ નો અને તેમના માટે કામ કરતી સંસ્થાઓ એક નવી દિશા આપી.
જશુભાઈની આ ક્ષેત્રની અસાધારણ કારકિર્દીની લક્ષમાં રાખીને ઇંગ્લેન્ડની બ્રિટિશ કાઉન્સિલ વર્ષ 1986માં કોલંબો પ્લાન અંતર્ગત કરીને એક વર્ષ માટે યુ.કે અને પશ્ચિમના દેશોની શિક્ષણનો અભ્યાસ કરવા માટે પસંદગી કરી. આ સાથે તેઓની આ ક્ષેત્ર ની તેમની સેવાઓને આંતરરાષ્ટ્રીય અધિકૃતતા પ્રાપ્ત થઈ.
પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો શિક્ષણમાં તેમના સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય તેવા ક્ષેત્રો જેવા કે અભિનય, નૃત્ય, સંગીત, પ્રત્યાયન ની કલા, સુચારુ જીવનશૈલી , જીવન શિક્ષણ, ધરતીકંપ સહિતના ડિઝાસ્ટરમાં સંતુલન જાળવવાની તાલીમ, સાહિત્ય સર્જનાત્મકતા સહિત સામાન્ય બાળકોને સહજ રીતે પ્રાપ્ત થતા જીવન શિક્ષણ અનુભવ સુધી લઈ જવાની પહેલ કરી.
તેમની આચાર્ય તરીકેની લાંબી ઈનિંગમાં રાજ્ય શિક્ષણના ઉત્તમ શિક્ષણના એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા અપાતા 'બેસ્ટ એજ્યુકેશનલ ક્રિએટર એવોર્ડ' તથા તાજેતરમાં આ ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ 'ગુરુવર્ય એવોર્ડ 'સહિત અનેક એવોર્ડ અને માન-સન્માન મેળવીને જશુભાઈ કવિએ આ ક્ષેત્રના સૌ કોઈ માટે એક આદર્શ શિક્ષક અને કાર્યકર તરીકે રોલ મોડેલ બનવાનું સન્માન મળ્યું છે.
ગુજરાતના પ્રજ્ઞાચક્ષુઓને નિતાંત જંગલમાં ટ્રેકિંગ કે અફાટ દરિયાના વચ્ચે આવેલા બેટ ઉપર રહેવાના રોમાંચક અનુભવોની શરૂઆત કરીને આ દેશના આ ક્ષેત્રને માટે નવી ક્ષિતિજોના દ્વાર ઉઘાડે છે. સામાન્ય વ્યક્તિ પણ ન કરી શકે તેવા આહા ભરેલા1 કર્યો એક દિવ્યાંગજન સહજતાથી કરી શકે એ માટે જશુભાઈ હંમેશ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. ઉમંગ અને ઉત્સાહનું તેલ પુરી દિવ્યાંગજનોની આત્મવિશ્વાસની જ્યોતિ પ્રગટાવી છે. પોતાની કારકિર્દી દરમિયાન પ્રજ્ઞાચક્ષુઓની ઉપયોગી થઇ શકાય તે માટે આકાશવાણી, દૂરદર્શન અને પ્રચાર પ્રસાર માધ્યમોમાં પ્રજ્ઞાચક્ષુ ઓના અવાજ બનવાના હેતુથી પત્રકારત્વનો ડિપ્લોમાં ગોલ્ડ મેડલ મેળવી એક શિક્ષક તરીકે પોતાની જાતને સતત એક વિદ્યાર્થી રાખવામાં સફળતા મેળવી છે.સતત નવું શીખતા રાહવવું, સતત પ્રવૃત રહેવું એ એમની સહજ પ્રકૃતિ છે.
પોતાની પ્રવૃત્તિ અને પોતાના અનુભવોને વધારે વ્યાપક ફલક ઉપર મૂકવાના આદેશથી વર્ષ 2009માં મંડળમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને દિવ્યાંગો માટે જીવન શિક્ષણનું પ્લેટફોર્મ પૂરું પાડવા "રાહ ફાઉન્ડેશન"ના એનજીઓની શરૂઆત કરી. આ ફાઉન્ડેશન આજે અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી માત્ર દિવ્યાંગો જ નહીં પરંતુ સમાજના છેવાડાના તક વંચિત વર્ગ સમૂહના બાળકો માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. તેમની આ સેવા પ્રવૃત્તિને તેમને માતૃસંસ્થા અંધજન મંડળ ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાસભા અને સદવિચાર પરિવાર જેવી સાહિત્યિક સાંસ્કૃતિક અને સેવાભાવી સંસ્થાઓ નો સાથ અને સહયોગ મળી રહ્યો છે.
છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધારે સમયથી પ્રજ્ઞાચક્ષુ અને બીજા બધા જ દિવ્યાંગ નો ના શિક્ષણ તાલીમ અને પુનર્વસન અંગે અસાધારણ કર્યો કરી જશુભાઈ એ સમાજ ઉપેક્ષિત દિવ્યાંગજનોના મસીહા બની આજે પણ એટલા ઉત્સાહથી કાર્યરત છે. સતત દિવ્યાંગોની ચિંતામાં વ્યસ્ત રહેતા જશુબાઈએ કદાચ પોતાના પરિવારને પણ પૂરતો સમય નહીં ફાળવી શક્યા હોય! એમ છતાં તેઓનાં પત્ની કુસુમબહેને પરિવારની ખૂબ સુંદર જવાબદારી નિભાવી. જશુભાઈ કહે છે " મારાં પત્નીના પૂર્ણ સાહિયોગ વગર કદાચ આ કર્યો હું ન કરી શક્યો હોત. ઝિંદગીના નાજુક સમયે પણ ખભે ખભા મિલાવી મારી પડખે ઊભાં રહ્યાં છે." જશુભાઈનો દીકરો સિદ્ધરાજ આજે ઓસ્ટ્રેલિયા માં સ્થાયી થયો છે. અને ગૌરવપૂર્ણ જિંદગી વિતાવી રહ્યો છે. અને તેઓની દીકરી તોરલને આજે કોણ નથી જાણતું??? ગુજરાતની તેજ તર્રાર ટી.વી. ન્યુઝ એન્કર. જેની તાર્કિક દલીલો સામે ભલભલા રાજનેતાઓના ચહેરા ઉપર એ.સી. સ્ટુડિયોમાં પણ પરસેવો છૂટતો જોવા મળે. સાચું કહું તો જશુભાઈની પુત્રી તોરલ કવિ એ ગુજરાતનું ઘરેણું છે.
સ્વભાવે સાલસ, ઋજુ અને સંવેદનશીલ જશુભાઇ આગામી સમયમાં વ્યંજનો માટે એક અનોખા પરફોર્મિંગ આર્ટ સેન્ટરની સ્થાપનાનો સપના લઈને ચાલી રહ્યા છે. જીવનના અંતિમ શ્વાસ સુધી દિવ્યાંગજનોના જીવનના ઉત્કર્ષ માટે પોતાને કાર્યરત રાખવા માંગે છે.
જશુભાઈ કવિ સંપર્ક નં. 93740 19524
લેખન- : ઈશ્વર પ્રજાપતિ
જશુભાઈ કવિ સંપર્ક નં. 93740 19524
લેખન- : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)
(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)
Very good
ReplyDeleteઅદ્દભુત કાર્ય સર, વંદન અને ઈશ્વરભાઈ આપને લાખો સલામ આ બ્લોગ થકી સુંદર માહિતી નું રસપાન કરાવી રહ્યા છો તમને પણ વંદન છે....
ReplyDeleteવાહ સાહેબ દુનિયામાં આવા લોકો ખૂબ ઓછા હોય છે. અને આપ આવા મહાન હૃદયને ઓળખીને તેના કાર્યોની નોંધ લઈને તેને સાહિત્યમાં ઢાળીને તેઓને અંદરથી હોસલો ઓર મજબૂત કરી રહ્યા છો. ખૂબ ખૂબ સુંદર સમગ્ર લેખ
ReplyDeleteસુંદર લેખ ઈશ્વરભાઈ
Delete