અરવલ્લીના અંતરિયાળ વિસ્તાળની શાળાને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ચમકાવનાર માતૃવત્સલ શિક્ષિકા મિત્તલ પટેલ
મિત્તલ પટેલ.
અરવલ્લીના બાયડ તાલુકાના છેક છેવાડે આવેલ એક ખોબા જેવડા ગામની સરકારી પ્રાથમિક શાળાને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ નામના અપાવનાર એક પ્રતિભાસંપન્ન શિક્ષિકા છે. એમ. એસ . યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં M.Sc microbiologist સાથે B.ed કરી અંતરીયાળ ગામડાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મિત્તલ પટેલ વિદ્યાર્થીઓનાં પ્રિય શિક્ષિકા છે.
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા બાયડ તાલુકાની ઊંડાણમાં આવેલી એક એવી સરકારી શાળા છે કે આ ગામને ગૂગલ પર શોધવા જઈએ તો ગૂગલ પણ ગોટાળે ચડી જાય. ખેતીકામ, પશુપાલન અને છૂટક મજૂરીના સહારે જીવન વ્યતીત કરતા અત્યંત ગરીબ વાલી સમુદાયના સંતાનો આ શાળામાં અભ્યાસ કરે છે. વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો પણ અભાવ. નાની ઉંમરે જ સંતાનોને મજૂરી કામમાં જોતરી દેવામાં આવે. સામાજિક અને ભૌગોલિક વિપરીત પરિસ્થિતિમાં મિત્તલબેન અને સથી શિક્ષકોએ ઉદાહરણ રૂપ કામ કરી એક નવી આશા પ્રગટાવી છે.
ગત વર્ષની આ વાત છે. 20 વર્ષ બાદ રાષ્ટ્ર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અમદાવાદ ખાતે સરદાર પટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન થયું હતું. તમામ રાજ્યોમાં પ્રથમ આવનાર શ્રેષ્ઠ કૃતિઓનું અહીં પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવનાર દેશભરના પ્રતિભાસંપન્ન તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ પ્રદર્શનમાં ભાગ લેવા ઉમટયા હતા. કાશ્મીર થી લઈ કન્ય કુમારી અને ગુજરાતથી લઈ ગૌહાટી સુધીની શ્રેષ્ઠ કૃતિઓ અહીં ગોઠવાઈ હતી. એક સ્ટોલ પર વિદ્યાર્થીઓની થોડી અધિક ભીડ સૌનું ધ્યાન ખેંચે છે. આ સ્ટોલની મુલાકાત લેનારને સરકારી પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી કૃતિ વિગતવાર સમજાવે છે. આ વિદ્યાર્થીઓની જવાબ આપવાની કુનેહ અને તેજસ્વીતા જોઈ સૌ આશ્ચર્ય ચકિત છે. આ વિદ્યાર્થીઓ હતાં રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળાના. અને તેમનાં માર્ગદર્શક શિક્ષિકા બેન હતાં મિત્તલ પટેલ. માંડ 150 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો ધરાવતી નાની અમથી આ શાળાએ ન ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ પૂરું પાડ્યું હતું. ગણિત વિજ્ઞાનના શિક્ષિકા મિત્તલ પટેલે સાબિત કરી આપ્યું જો દિલ રેડીને કામ કરવામાં આવે તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
મિત્તલ પટેલે કોલેજનો અભ્યાસ પૂરો કરી શરૂઆતમાં 2008-10 દરમિયાન ફાર્મા કંપની માં માઈક્રો લેબમાં કામ કર્યું. મૂળ તો શિક્ષણનો જીવ એટલે ફાર્મા કંપનીમાં મન ચોટયું નહીં. 2010-13 દરમિયાન સ્વામિનારાયણ સ્કુલ ઝુંડાલ અને એ વન સ્કુલ ગુરુકુળ રોડ અમદાવાદ માં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને બાયોલોજીના પાઠ શીખવ્યા. ખાનગી શાળાઓમા કામ કરવાની પૂરતી આઝાદી ન મળતાં ટેટ પાસ કરી નોકરી માટે અરવલ્લી નું અંતરીયાળ ગામડું પસંદ કરી ફરજ બજાવવનું નક્કી કર્યું.
અમદાવાદ જેવા શહેરના હાયર સેકંડરી વિદ્યાર્થીઓ ભણવાનું છોડી શહેરી વાતાવરણથી તદ્દન અલગ જ વાતાવરણમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે કામ કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં થોડી તકલીફો નો સામનો પણ કરવો પડ્યો. પરંતુ પરિસ્થિતિ થી ભાગી છૂટે એ મિત્તલ પટેલ નહીં.! શાળાના સ્ટાફ અને આચાર્યનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો. કામ કરવાનું મોકળું મેદાન મળ્યું. અને દિવસેને દિવસે મિત્તલબેન નું શિક્ષત્વ સોળે કળાએ ખિલતું રહ્યું. શરૂઆતમાં ગામડાના વિદ્યાર્થીઓ ની ભાષા અને વ્યવહાર સમજવામાં સમય ગયો. મિત્તલબેને બાળકોની ભાષા શીખી લીધી. અને પાઠ્યક્રમને રસપ્રદ બનાવવા વર્ગખંડમાં નિત નવીન પ્રયોગો હાથ ધાર્યા. આ નવતર પ્રયોગોને ડાયટ ઈડરના સંવેદનશીલ પ્રાધ્યાપક નિષાદ ઓઝા સાહેબનું માર્ગદર્શન સાંપડ્યું. જેના પરિણામે મિત્તલબેનના નવતર પ્રયોગો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેઈર માં સ્થાન મળ્યું. મિત્તલબેન દ્વારા કરાયેલા આ નવતર પ્રયોગોની અસરકારકતા જોતા સમર્થ 2 માં કેસ સ્ટડી તરીકે પણ પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો. અને આ સિદ્ધિ બાદલ IIM અમદાવાદ દ્વારા મિત્તલ પટેલનું સન્માન કરવામાં આવ્યું.
હાલ ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં NCERT માન્ય પાઠ્યક્રમ અમલમાં છે. આ પાઠ્યક્રમમાં શિક્ષકની સજ્જતા, કુનેહ અને આવડતની ઘણી મોટી અસર વર્ગખંડમાં જોવા મળે છે. આ પાઠ્યક્રમ ને રસપ્રદ બનાવવામાં મિત્તલ બેને માત્ર ચોક અને ટોક ની પદ્ધતિ ને તિલાંજલિ આપી ફલો ચાર્ટ મેથર્ડથી રસપ્રદ રીતે પાઠ્યક્રમ પીરસવાનું શરૂ કર્યું. આજુબાજુ ના પર્યાવરણ માંથી ઉપલબ્ધ વસ્તુઓ માંથી શક્ય એટલા વિજ્ઞાનના પ્રયોગો કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં.
મિત્તલબેન પોતે બાયોલોજીનાં શિક્ષિકા પરંતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને રોજ એક નવી વાર્તા કહે. રોજ એક નવું બાળગીત ગાવડાવે. વાર્તા અને બાળગીતો ની આ મજ્જાની પ્રવૃત્તિ થકી શબ્દ પ્રીત ગાઢ બનતી ગઈ. સાહિત્યમાં રુચિ પ્રબળ બની. આ શબ્દપ્રીતિને પોષવા અને ભાષા સજ્જતા કેળવવા મિત્તલબેન ગુજરાત સાહિત્ય અકાદમી ની વિવિધ શિબિરો માં ભાગ લેવો શરૂ કર્યો. શનિ રવિ અથવા વેકેશન દરમિયાન આવી એક પણ શિબિર તેઓ છોડતાં નથી. આ શિબિરો થકી ગુજરાત ના સુપ્રસિદ્ધ સાહિત્યકારોના સંપર્કમાં આવતાં થયાં. અને તેઓમાંથી પ્રેરણા મેળવી પોતાની હૃદય ઊર્મિયોને કલમ થકી કાગળ પર ઉતારતાં થયાં. ગુજરાતના પ્રતિષ્ઠિત કહી શકાય એવા તમામ સામયિકોમાં તેઓની કવિતાઓ, અભ્યાસ લેખો, બાળવાર્તાઓ, બાળનાટકો છપાયાં છે. સૌથી પહેલો તેઓનો સુંદર કાવ્ય સંગ્રહ 'જીવનને હું જોવું છું' ગુર્જર પ્રકાશને પ્રકાશિત કર્યો.
વર્ગખંડ દરમિયાન રોજ નવી વાર્તાઓ, બાળગીતો, બાળનાટકોની જરૂરિયાતના કારણે લેખન યાત્રાને વેગ મળતો રહ્યો. પરિણામ સ્વરૂપે બાળગીતો, બાળવાર્તા અને બાળનાટક એમ ત્રણ પુસ્તકો તાજેતરમાં જ પ્રકાશિત થયાં. આ પુસ્તકોને શિક્ષણ જગતમાં થી સુંદર પ્રતિસાદ સાંપડ્યો. વર્ગખંડ કાર્યને રસપ્રદ બનાવવા શબ્દની આંગળી પકડી સાહિત્યની સફરે નીકળેલાં મિત્તલ પટેલ સાચા અર્થમાંમાં સરસ્વતીના ઉપાસક છે. તેઓ તો લખે જ છે પરંતુ તેઓની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓ પણ મૌલિક લખવા પ્રેરિત કર્યા છવા. વિજ્ઞાન મેળો હોય કે બાલમેળો હોય, ખેલમહાકુંભ હોય કે કલા મહોત્સવ આ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે. અને બીજાઓ કરતાં કંઈક નોખું કૌતુક કરી દેખાડે છે. 2016 ના કલા મહોત્સવમાં આ શાળાના વિદ્યાર્થીએ બાળ કવિ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર લાવી રાજ્ય કક્ષાએ અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
મિત્તલબેન પટેલ જણાવે છે " નાના ફૂલ જેવાં બાળકોની વચ્ચે જાણે મારો નવો જન્મ થયો. શિક્ષક હોવું એ મારા માટે વ્યવસાય માત્ર નથી પરંતુ જીવંત હોવાનું કારણ છે."
મિત્તલબેનની શિક્ષણયાત્રા અને શબ્દયાત્રાને શુભકામનાઓ!
મિત્તલ પટેલ સંપર્ક નં.- 9428903743
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
મિત્તલ પટેલ સંપર્ક નં.- 9428903743
આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
લેખન : ઈશ્વર પ્રજાપતિ
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ
Very nice article,Bhai...
ReplyDeleteબેનને હું દેશકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શનમાં રૂબરૂ મળ્યો છું.એમનો ઉત્સાહ જોઈને ખુબ આનંદ થયેલો અને મારા વતનની આ શાળા દેશ લેવલે પહોંચી તેનો ગર્વ પણ થયેલું
ReplyDeleteNice artical
Deleteખુબ ખુબ અભિનંદન
ReplyDeleteCongratulations
ReplyDeleteNice article
ReplyDelete