To read this article in Engalish Pls click here
મજૂરથી મંત્રી સુધીની સફરના એકલ યાત્રી
ડૉ. કુબેરભાઇ ડીંડોર
- ઈશ્વર પ્રજાપતિ
જેને
ઉગવું જ છે એ ભીંત ફાડીને ઉગી જાય છે. પરિસ્થિતિ કે પડકારોનાં રોદણાં રડવાના બદલે જીવનની ઉબડ-ખાબડ કેડીને પ્રચંડ પુરુષાર્થ કરી આપબળે રાજમાર્ગ બનાવે
છે. આજે એક એવી જ વિરલ વ્યક્તિની વાત કરવી છે કે જેમના જીવન સંઘર્ષગાથા કોઈ થ્રીલર
ફિલ્મની પટકથા કરતાં જરાય ઉતરતી નથી. વાત છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડૉ.
કુબેરભાઈ ડીંડોર સાહેબની. સાવ સાધારણ પરિવારમાં જન્મી સફળતાના ઉચ્ચત્તમ શિખરો સર કરી
સમાજને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુગલ મેપમાં ‘ભંડારા’ ગામનું નામ લખી શોધવા
પ્રયત્ન કરો તો કદાચ ગુગલ પણ ગોથે ચડે તો નવાઈ નહિ.. આ ગામના સીમાડે પહોંચી ગામની ભૌગોલિક
સ્થિતિનું નિરિક્ષણ કરીએ અને અહીં વસતા આદિજાતિ પરિવારોની સામાજિક સ્થિતિને નિકટથી નિહાળીએ તો આપણે કલ્પના
પણ ન કરી શકીએ કે આજથી સાડા પાંચ દાયકા પહેલાં ગુજરાતના સાવ
છેવાડાના ગામમાં અત્યંત ગરીબ આદિજાતિ પરિવારમાં જન્મેલ એક દીકરો આગળ જતાં ગુજરાત રાજ્યના
શિક્ષણ મંત્રીનું પદ શોભાવશે ! કોઈ સોનેરી સ્વપ્ન સમાન લાગતી આ કલ્પના આજે દુનિયાની સામે હકીકત બની પ્રસ્તુત છે. શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ
નિર્ણયો લઈ જેમણે ખુબ ઓછા સમયમાં આમૂલ પરિવર્તન આણ્યું છે અને શિક્ષણ જગતને એક નવી
જ દિશા ચીંધી છે એવા ગુજરાત રાજ્યના યશસ્વી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબનું માદરે વતન એટલે આ ભંડારા ગામ..
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની સીમાની
ત્રિભેટે આવેલા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં મનસુખભાઈ ડીંડોરને
ખોરડે ૧ જૂન ૧૯૭૦ ના રોજ કુબેરભાઈનો જન્મ થયો. માતા પિતા સાવ નિરક્ષર. કાળી મજૂરી કરી
પેટીયું રળે. પરિવારની આર્થિક સ્થિતિ તો એટલી દયનીય કે દિવસે મજૂરી કરે તો જ રાત્રે ધાન ભેગા થવાય. તેમના પરિવારમાં માતા-પિતા,
ચાર ભાઈઓ અને એક બહેન. આવા ભર્યાભાદર્યાં પરિવારનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા ચાવવા
બરાબર હતું. ઘરના નામે ઘાસની બનાવેલી એક ઝૂંપડી
! આ ઘાસની ઝુંપડીમાં ઉનાળો તો કેમેય કરી પસાર
થઇ જતો પણ શિયાળો અને ચોમાસું પસાર કરવું તો કરવું શી રીતે ? એની કલ્પના માત્ર કંપાવી
દેતી. શિયાળાની કાતિલ ઠંડીથી બચવા ગરમ કપડા
તો ક્યાંથી હોય ! એટલે ડાંગરના પરાળની પથારી કરી સૂઈ જવાનું.. અને ચોમાસામાં જો એક
કલાક વરસાદ વરસી પડે તો પછી આખી રાત છત વરસે.. છતમાંથી થતા ચૂવાને ઝીલવા તગારા તપેલા મૂકી રાત પસાર કરવી પડતી. ભૂતકાળના એ દિવસો યાદ કરી કુબેરભાઈ સાહેબની આંખના
ખૂણા ભીના થયા વિના રહેતા નથી.
માતા-પિતા ભલે નિરક્ષર હતાં પરંતુ ભણતરનું
મૂલ્ય સુપેરે જાણતાં. પોતે કાળી મજૂરી કરીને પણ સંતાનોનો અભ્યાસ ન બગાડે એનું ખાસ ધ્યાન રાખતાં. રાઈ ડુંગરી
પ્રાથમિક શાળામાં કુબેરભાઈનું પ્રાથમિક શિક્ષણ શરૂ થયું.. બાળ કુબેરભાઈ શાળાએ તો જાય
પણ પાટી પેન લાવવાના પૈસા મળે નહિ.. સદનસીબે મનહરભાઈ પટેલ તથા સોમાભાઈ ખરાડી જેવા
લાગણીશીલ, કર્મઠ અને નિષ્ઠાવાન ગુરુજનો મળ્યા.
શાળામાં ભણતા સૌ વિદ્યાર્થીઓ માટે પાટી-પેનથી માંડી અભ્યાસ માટે જરૂરિયાતની તમામ વસ્તુઓ
ગુરુજનો લઇ આપતા. અહીંથી એકડો ઘૂંટવાનો શરૂ થયો. કહેવાય છે ને ‘પુત્રના લક્ષણ પારણાથી’
બસ એ જ ન્યાયે ગુરુજનો કુબેરભાઈનું હીર પારખી ગયા. કુબેરભાઈ ભણવામાં તેજસ્વી..
પ્રાર્થનામાં સુવિચાર રજૂ કરે તો સૌ મંત્રમુગ્ધ બની સાંભળી રહે.. ભણવામાં તો હોશિયાર
સાથે સાથે વિચારશીલ પણ એટલા જ. માતા-પિતાને કાળી મજૂરી કરતા જોઈ તેમનું હૃદય પણ ભરાઈ
આવતું. એટલે દસ-બાર વર્ષની ઉંમરથી શનિ-રવિ અને રજાના દિવસોમાં માતાપિતા સાથે મજૂરી
કરવા ઉપડી જાય,. પાટીપેન પકડવાની ઉંમરે એ કુમળા હાથ મજુરી માટેના ઓઝારો પકડવા
મજબૂર હતા. એ સમયે આખા દિવસની મજૂરી કરે ત્યારે માંડ ચાર રૂપિયા હાથ લાગે. એમ છતાં ચાર રૂપિયા ચારસો જેટલા
લગતા..
માતા-પિતા ભણતરનું મુલ્ય પામી ગયાં હતાં એટલે
સંતાનોને પૂર્ણ સમય મજૂરી ન જ કરાવી. અને સતત ભણતર તરફ જ વાળ્યા.. પ્રાથમિક શિક્ષણ
પૂરું કરી માધ્યમિક કુબેરભાઈ બાજુના ગામ ઉખરેલી હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. રોજ ચાલીને
જવાનું અને અવાવનું. પુસ્તકો લાવવાના પણ પૈસા હતા નહિ. એમ છતાં ભણવાની ધગશ ગજબની.
ઘરે મજૂરી કરવાની અને શાળામાં જઈ અભ્યાસ.. ! ૧૯૮૭ માં ધોરણ દસનું પરિણામ આવ્યું ત્યારે
બધાને આંચકો લાગ્યો. કારણ કે કુબેરભાઈ જેવા એક તેજસ્વી વિદ્યાર્થી એક વિષયમાં ફેલ થયા.
બીજા બધા વિષયમાં ઊંચા ગુણ પરંતુ એક જ વિષયમાં કોઈ કારણસર નાપાસ થયા. ધોરણ દસમાં ફેઈલ
થયા, એટલે ભણતર પ્રત્યેથી જાણે મન જ ઊઠી ગયું.. અને માતા-પિતા સાથે પૂર્ણ સમય મજૂરીમાં
જોતરાઈ ગયા.
સંતરામપુર
વિસ્તારના આદિવાસી ભાઈઓ અને બહેનો ઉનાળાની શરૂઆત થતાં જ વતન છોડી ઉત્તર ગુજરાત તરફ
મજૂરી કામ કરવા જવા મજબૂર હતાં. મનસુખભાઈ પણ ઉત્તર ગુજરાત માણસા તાલુકાના ગામોમાં મજૂરી માટે અવરજવર ચાલુ કરેલી.
દસ નાપાસ થયેલા કુબેરભાઈ ૧૯૮૭માં માતાપિતા
સાથે માણસા તાલુકાના ઇદ્રપુરા ગામે જઈ જમીનદાર પાટીદારને ત્યાં ખેતરમાં બાજરી વાઢવાનું
કામ કર્યું.. બાજરીની સીઝનમાં બાજરી વાઢવાણી
મજૂરી પેટે દિવસની પાંચ – સાત કિલો બાજરી મળતી. પાંચ સાત મણ અનાજ ભેગું થાય એ લઇ વતનમાં
આવતા. ૧૯૮૬ -૮૭ -૮૮ નાં વર્ષો દરમિયાન ઇદ્રપુરા ગામે પાટીદારને ત્યાં મજુરી કામ કર્યું એ પરિવાર સાથે
પારિવારિક નાતો બંધાયો. મજૂરથી મંત્રી સુધીની મજલ કાપ્યા પછી આજે પણ ઇદ્રપુરી ગામના પાટીદાર પરિવાર સાથેનો સંબધ જાળવી રાખ્યો છે.
મજૂરી
કામે વિજાપુર બસમાં જતાં રસ્તામાં એક બનાવ બન્યો.. કંડકટરે આખી ટીકીટના પૈસા લઇ અડધી
ટીકીટ ફાડી આપી. માતા-પિતાને તો છેતરાયા એનો અંદાજ પણ ના આવે પરંતુ કુબેરભાઈએ ટીકીટ
જોઈ. તેમને અંદાજ આવી ગયો કે કંડકટર આખી ટીકીટના પૈસા લઇ અડધી ટીકીટ આપી બચેલા પૈસા
પોતાના ખિસ્સામાં સેરવી દે છે. અડધી ટીકીટ જોઈ તરત બીજા પૈસા પાછા માંગ્યા. પંદર –સોળ
વર્ષના કુબેરભાઈએ કંડકટરને બધાની હાજરીમાં સંભળાવી દીધું કે “કંડકટર તમે આ રીતે ભોળી જનતાને છેતરો છો એ ના ચાલે.” કંડકટર પણ
આવક બની સાંભળી રહ્યો. સત્ય વાત રજૂ કરવામાં કુબેરભાઈ મોટા મોટા ચમરબંધીની પણ પરવા
કરતા નહિ. ખોટી બાબતો અને ભ્રષ્ટાચાર સામે બંડ પોકારવાના બીજ તો રોપાઈ ચુક્યા હતા..
ધોરણ
દસમાં એક વિષયમાં નાપાસ થવાથી કુબેરભાઈએ ભણવાનું છોડી મજૂરી તરફ વળી ગયા છે આ વાત જાણી
તેમના ગુરુજનો રાઠોડ સાહેબ અને પી. ડી. પટેલ સાહેબનું હૈયું કકળી ઉઠ્યું. તેઓએ કુબેરભાઈને
બોલાવી સમજાવ્યા અને એક વિષયની પરીક્ષા આપવા તૈયાર કર્યા. કુબેરભાઈએ પરીક્ષા આપી અને ધોરણ દસમાં ઉત્તીર્ણ
થયા. ધોરણ અગિયાર બારના અભ્યાસ માટે હવે તાલુકા મથક સંતરામપુર જવું પડતું. આખા તાલુકામાં
૧૧-૧૨ માટે આ એક જ હાઈસ્કૂલ હતી. આખા તાલુકાનાં તમામ વિદ્યાર્થીઓ ૧૧-૧૨ના અભ્યાસ માટે
સંતરામપુરની જે. એચ. મહેતા હાઈસ્કૂલમાં આવતા. કુબેરભાઈએ ૧૧ માં સંતરામપુર એડમીશન તો
લીધું પરંતુ અપડાઉન કરવા માટે ભાડાના પણ પૈસા મળે નહિ. ઉખરેલીથી સંતરામપુર બસનું
ભાડું એ સમયે ૭૫ પૈસા હતું. પણ ૭૫ પૈસા એ લાવવા ક્યાંથી એ પ્રશ્ન વિકટ હતો. રૂપિયો
તો ગાડાના પૈડા જેવો મોટો લાગતો. માતા-પિતા
પર બોજ બનવાના બદલે રજાના દિવસે તેઓ મજૂરી કરી ભાડાના પૈસા પેદા કરી લેતા. એ સમયે અછતના
કામો શરૂ થયેલા. પરંતુ અઢાર વર્ષ ઉંમર થઇ નોહતી એટલે કાયદેસર મજૂરી માટેનું જોબકાર્ડ મળે નહિ. એ અછતના
કામોમાં માતા પિતાના જોબ કાર્ડ પર મજૂરી કરતા. કામ કરતા કરતા અભ્યાસ આગળ વધતો રહ્યો.
પરિસ્થિતિ
સામે હાથ જોડી બેસી રહેવાના બદલે પરિસ્થિતિ પલટાવવા પુરુષાર્થ કરવાનો દૃઢ નિશ્ચય કરી
લીધો હતો. જીવનમાં કંઈક કરી બતાવવાની હૃદયમાં એક ચિનગારી હમેશા પ્રજ્વલિત રહેતી. ૧૧
માં ધોરણની વાર્ષિક પરિક્ષાનું પરિણામ આવ્યું ત્યારે કુબેરભાઈએ બધાને ચોંકાવી દીધા.
ચાર વર્ગોના વિદ્યાર્થીઓમાં સૌથી પહેલા નંબરે તેઓ પાસ થયા. મેરીટ સારું બનતા ધોરણ ૧૨
માટે આદિવાસી કુમાર છાત્રાલયમાં પ્રવેશ મળી શક્યો. ભણવામાં મન બરાબર રંગાઈ ગયું હતું.
છાત્રાલય નિવાસ દરમિયાન સુરેશભાઈ ભાવસાર થકી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વરા લગાવાતી શાખાના પરિચયમાં આવ્યા. રાષ્ટ્રપ્રેમ તો હૈયે વસેલો
જ હતો. શાખાની પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી કાર્ય
કરવા લાગ્યા. સાથે સાથે સંતરામપુર ગાયત્રી
મંદિરના રામજીભાઈ ગરાસીયાજીનો સંપર્ક તો આઠમા ધોરણથી જ થયો હતો. ગાયત્રી પરિવારના સંસ્કારોના
કારણે સામાજિક બદીઓ અને વ્યસનથી મુક્ત રહી શક્યા.
જીવનમાં અલગ ચીલો ચાતરી કાંઇક નોખું કરવાની હૈયામાં પ્રજ્વલિત ચિનગારીએ હવે આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું...
(ક્રમશઃ)
- સંપર્ક 9825142620 (whatsapp)
અદ્દભુત
ReplyDelete" જેને ઉગવું જ છે એ ભીંત ફાડીને ઉગી જાય છે. " બેસ્ટ લાઈન
ReplyDeleteજોરદાર મહેનત કરો છો માહિતી એકઠી કરવી નાની વાત નથી ખૂબ આગળ
ReplyDeleteવધો ભાઈ
જોરદાર લેખ છે. સાહેબ ના જીવનમાંથી પ્રેરણા લઈ જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયાસે બોર્ડ ની પરીક્ષા મા સફળ નથી થતા તેઓ નશીપાશ થયા વગર ફરી થી પ્રયાસ કરી સફળ થઈ શકે છે
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteપ્રેરણારૂપ અને જીવનમા બોધરૂપ જીવનકથન
ReplyDeleteશિક્ષણ મંત્રી શ્રી ના સંધર્ષમય જીવન ને વંદન.....સુંદર લેખ..
ReplyDeleteસંઘર્ષ ભર્યું જીવન સબળ નેતૃત્વ ની ઉત્તમ છબી છો આપ.
ReplyDeleteઅતિ ઉત્તમ જીવન ચરિત્ર ... જય હો... ભારત માતાકી જય...
ReplyDeleteમાન પ્રો કુબેરભાઈ સાહેબ મિત્રવર્તુળ માં " કે એમ " ના હુલામણા નામે ઓળખાતા. અઘ્યાપક તરીકે બહુ સરળ અને મિલનસાર સ્વભાવ. NSS પ્રવૃત્તિ થકી વિધાર્થી વિકાસ માટે ખૂબ રસ લીધો હતો. રાષ્ટ્રીય વિચારોનું દ્યોતક સાધના સાપ્તાહિક ના પ્રચાર પ્રસારમાં પણ અગ્રેસર રહ્યા છે. મોડાસા ખાતે એમએ હિન્દી ભણાવવા આવતા લેક્ચર બાદ ત્યારે કૉલેજ કેન્ટીનમાં અચૂક ચા અલ્પાહાર માટે અઘ્યાપક મિત્રો સાથે બેસી રાષ્ટ્ર ચિંતનની વાતો કરતા. NSS પ્રવૃત્તિ અન્વયે સંગોષ્ઠિમાં આબુ, પાલીતાણા, સુંધાપર્વત, ખેડબ્રહ્મા, સાદરા, વડાલી વગેરે સ્થાનો એ સાથે રહ્યાના દિવસોના સ્મરણો હજુ તાજા છે.
ReplyDeleteખરેખર ખૂબ જ પ્રેરણા દાયક...માન. કુબેરભાઈ ડીંડોર સાહેબ પીપળાની જેમ ભીત ફાળીને આ મુકામે પહોંચ્યા તે બદલ તેમની અને તેમના પરિવારની મહેનત ને વંદન..... ઈશ્વરભાઈ આપની લેખન શૈલીને પણ શત શત નમન...
ReplyDeleteભીંત ફાડીને પીપળો ઊગે છે એ વાંચેલું પણ આજે સાચે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે એક મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે માનનીય મંત્રીશ્રી શિક્ષણ કુબેરભાઈ ડિંડોરના આ પ્રસંગો વાંચી તેમણે મેળવેલ અગાધ સિદ્ધિ ને વંદન
ReplyDeleteમાનનીય મંત્રીશ્રીની સફર ખરેખર સૌ માટે પ્રેરણાદાયક છે. આવા પ્રેરણાદાઈ વ્યક્તિત્વ પોઝિટિવિટીમાં વધારો કરતા હોય છે.
ReplyDeleteઆ લેખ માટે ઈશ્વરભાઈ ને અભિનંદન....ધન્યવાદ......!!!
ReplyDeleteમાનનીય શિક્ષણમંત્રીશ્રીનું વ્યકિતત્વ ઉમદા અને સાલસ છે. આપણને સૌને પણ જ્યારે મળ્યા છે ત્યારે... ઉમદા અને સાલસ વ્યક્તિ તરીકે જ મળ્યા છે.... મેં એમના ચહેરા પર અને પૂરા સ્વભાવ માં શાંતિ, સ્થિરતા અને ધીરજથી શણગારેલી પરિપકવતા હંમેશા જોઈ છે.... ઉપર જે લખાયુ છે એ સત્ય છે.!!!! પ્રેરક છે.... વંદન.... 🙏🏻💐💐💐
Very good,👍👍👍👍👍👌👌👌👌👌
ReplyDeleteજેને ઊગવું છે તે પથ્થર ફાડીને પણ ઉગે ્્્્્્્્્્્્્્્ખૂબ રસપ્રદ વાત થઇ અને સાહેબ ની જીવન ઝરમર જાણવાની તક મળી
ReplyDeleteVery motivated character💐
ReplyDeleteખૂબ સુંદર લેખ્. આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી લેખ્. માનનીય શિક્ષણમંત્રી સાહેબ ને ખુખુબ શુભામનાઓ સાથે સાથે ઈશ્વર ભાઈ ને અભિનંદન
ReplyDeleteખૂબ સરસ ...શિક્ષણ અને સમાજના તમામ ક્ષેત્રોના સૂત્રધારો માટે પ્રેરણારૂપ આલેખન.. ક્રમશ: ની રાહ.
ReplyDeleteThank you very much
DeleteThank you very much all of you
ReplyDeleteEach word of the article is full of energy ....we don't need to go further for motivation.....our education minister is live example of it ...
ReplyDeleteGreat work
ખૂબ ખૂબ સુંદર લેખ્. આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી લેખ્. માનનીય શિક્ષણમંત્રી સાહેબ ને ખુખુબ શુભામનાઓ સાથે સાથે ઈશ્વર ભાઈ ને અભિનંદન
ReplyDelete