સોમવાર, 14 ઑક્ટોબર, 2019

સત્ય ઘટના આધારિત જિનદગી જિંદાબાદ -7


       એક એવો ભાસ્કર જેને કદી રોશની જોઈ નથી, એમ છતાં અનેક  દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ પાથરનાર 

પ્રો. ભાસ્કર મહેતા 


   
                પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા.
             વિધિની વક્રતા કહો કે કોઈ અપવાદ કહો જેમનું નામ જ ભાસ્કર એ પોતે પ્રજ્ઞાચક્ષુ છે. પૃથ્વી પરના આ ભાસ્કરે ક્યારેય આકાશમાંના ભાસ્કરને જન્મથી જોયો જ નથી. તેમ છતાં જેઓનું જીવન પ્રજ્ઞા પ્રકાશથી ઝળહળે છે. સુંદર સૃષ્ટિ નિહાળવા કુદરતે ભલે બે આંખો ન આપી પરંતુ અંધાર ભરેલી અનેક જિંદગીમાં પ્રકાશ પથરનાર ભાસ્કરભાઈએ ખરા અર્થમાં પોતાના નામને ચરિતાર્થ કર્યું છે. કઠોર પરિશ્રમ થકી એક પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ભાસ્કરભાઈએ જે સિદ્ધિઓ હસ્તગત કરી છે એ કોઈ ચમત્કારથી કમ નથી. 

ભાસ્કર મહેતાનો જન્મ વર્ષ ૧૯૫૦માં ભાવનગરના યોગેન્દ્રરાય મહેતા અને રંભાગૌરી મહેતાને ત્યાં ત્રીજા પુત્ર રૂપે જન્મ થયો. આંખો વિનાના નવજાત શિશુને જોઈ માતાપિતાના પગ નીચેથી જાને જમીન જ સરકી ગઈ. પરિવારે શરૂઆતમાં તો અપાર દુઃખ અનુભવ્યું. પરંતુ પ્રભુનો પ્રસાદ સમજી હકીકતને સ્વીકારી લઈ આ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ સંતાનનું નામ ભાસ્કર રાખ્યું. તેમનાથી નાના ભાઈ ગગન મહેતા જન્મથી જ અંધત્વને પામેલ. તેમનું સંયુકત કુટુંબ એચ . એલ . કોમર્સ કોલેજની બાજુમાં ભાટિયા ભવનમાં એક રૂમ અને ભોયરાંના નાના મકાનમાં ખૂબ જ પ્રેમથી અને હળીમળીને રહેતું હતું . ઘરની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. વાત્સલ્ય મૂર્તિ માતા રંભાબેન અને પ્રેમાળ પિતા યોગેન્દ્રરાયે સંતાનોને શિક્ષણ આપી સન્માનીય એ સ્વાવલંબી ભવિષ્ય માટે સુસજ્જ કરવા જાણે ભેખ લીધો.
                માતાપિતાના અપાર વહાલ અને વાત્સલ્યએ અંધત્વની મર્યાદાને ઓગાળી નાખી. બાલ્યકાળથી જ ભાસ્કરભાઈની ભણવા માટેની ધગશ, ઉત્સાહ અને તેજસ્વીતા પણ અચરજ પમાડે તેવી!!
પહેલેથી જ તીવ્ર બુદ્ધિશાળી આ કિશોર ભાસ્કર અભ્યાસકાળમાં જ પોતાની તેજસ્વિતા બતાવવા માંડી . ભણવામાં પહેલો નંબર તો ખરો જ વળી બ્રેઇલ વાંચનમાં પણ હંમેશાં પહેલો જ આવે . સાતમા ધોરણમાં હતો ત્યારે બ્રેઈલ વાંચન સ્પર્ધામાં પહેલો નંબર મેળવ્યો . એમની વાંચનની ઝડપ , શુદ્ધ શબ્દોચ્ચાર અને વાંચનની લઢણ ખૂબ વખણાયા . દ્રષ્ટિહીન એવા આ બાળકને મા શારદાનું વરદાન હતું . વાણી જ નહીં ઉચ્ચ સ્તરની મેધા પણ આ બાળક પાસે જન્મજાત હતી . આઠમા ધોરણમાં એણે જીદ પકડી કે એને સામાન્ય બાળકોની શાળામાં જ ભણવું છે . ‘ આમ પણ જો આઠમા ધોરણથી પાઠ્યપુસ્તકો બ્રેઈલમાં મળતાં જ નથી અને રીડરની મદદથી જ ભણવાનુંછે તો સામાન્ય બાળકો સાથે હું કેમ ન ભણું ? ” આ જીદ , આ દલીલબાજીની ટેવ કાયમ રહી . એની દલીલની સામે કોઈ જ જવાબ ન હતો અને ભાસ્કર સામાન્ય બાળકો સાથે જ ભણ્યા. અને એસ . એસ . સી . માં પ્રથમ વર્ગમાં પાસ થયા વિષય સંસ્કૃત સાહિત્ય . હંમેશાં રીડરની મદદથી વાંચીને અને રાઈટરની મદદથી પેપરો લખીને પણ એ અગ્રક્રમે જ આવતા.

                         કુદરતે આપેલી મર્યાદાને પોતાના પુરુષાર્થથી તેઓએ અવસરમાં પલટી નાંખી છે. કુદરતે એક વિકલાંગતા આપી પરંતુ તેના બદલામાં તેમને અસાધારણ મેઘા,સ્મરણ શક્તિ અને ગ્રહણ શકિતના ગુણો પણ આપેલ છે . આ ગુણો થકી તેની અભ્યાસની કારકિર્દી અત્યંત તેજસ્વી રહી. આાંખો નહીં હોવા છતાં માત્ર બીજા પાસે વંચાવી અને સાંત રાખીને કે બ્રેઈલ લિપિથી વાંચીને અદભુત સ્મરણ શકિતના અને ગ્રહણ શકિતના જોરે તે અભ્યાસમાં અન્ય દ્રષ્ટિવાળા વિદ્યાર્થીઓ કરતાં પણ મૂઠી ઉચેરો સાબિત થયેલ છે. અને તે એમ . એ . માં સંસ્કૃત વિષયમાં ડિસ્ટીંકશન સાથે ઉત્તિર્ણ થયા. બી . એ . માં સંસ્કૃત વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ કલાસ ર્સ્ટ આવવાથી રજનીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. એમ . એ . ના અભ્યાસકાળ દરમિયાન ભાસ્કરભાઈની બુધ્ધિ , પ્રતિભા, સંસ્કૃત વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને સંસ્કૃતના કોઈ પણ શબ્દનું , વાકયનું કે બાબતનું વિશ્લેષણ કરવાની અદભુત શકિત કેળવી લીધી. ભારકરના વ્યકિતત્વનો બીજો ગુણ એક એમનો પ્રખર આત્મ વિશ્વાસ! . એમ . એ . ના અભ્યાસકાળ દરમિયાન ભાસ્કરભાઈએ વર્લ્ડ બ્લાઈન્ડ એસોસિએશન દ્વારા યોજાયેલી એક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ અને " The abilities of Blind Men of my ! Nation " એ વિષય ઉપર પોતાનું પેપર તૈયાર કરીને મોકલ્યું. અને આખા ભારતમાંથી માત્ર બે જ જણાના પેપર બેસ્ટ પેપર તરીકે પસંદગી પામેલ અને વર્લ્ડ બ્લાઈન્ડ એસોસિએશન ભાસ્કરભાઈને જર્મની ખાતે એસોસિએશનની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે એસોસિએશનના ખર્ચે આમંત્રણ પ્રાપ્ત થયું. ભારકર પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ૧૯૭૪માં એકલા જ જર્મની જઈને કોન્ફરન્સમાં ભાગ લઈ સફળતાપૂર્વક સહી સલામત પરત આવેલ . જ્યારે આપણા જેવા દેખતા માણસોને પણ પ્રથમ વાર કોઈ અજાણ્યા દેશમાં જવાનું હોય તો થોડો ઘણો ગભરાટ અવશ્ય થાય જ. પરંતુ ભાસ્કરભાઈ જે રીતે એક્લા જર્મની જઈ પરત આવ્યા એ તેનો પ્રખર આત્મવિશ્વાસ સૂચવે છે. એ પછીતો ભાસ્કરભાઇ અગિયાર વાર વિદેશયાત્રા કરી આવ્યા છે.
                           તેઓની નિખાલસતા અને ઉદાર દિલ કોઈપણને સ્પર્શી જાય તેવી છે . એમ . એ . કર્યા પછી બી . એડ . માં પ્રવેશ માટે ભાસ્કરે કેટલીક કોલેજોમાં પ્રયત્નો કર્યા પરંતુ એમ . એ . માં તેમને ડિસ્ટીંકશન માર્કન્સ હોવા છતાં કેટલીક જાણીતી કોલેજના પ્રિન્સીપાલોએ તેમને કોલેજમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. કારણ આપ્યું કે 'તમો દેખતા નથી તેથી કલાસને કઈ રીતે કંટ્રોલ કરી શકો ? અને તેથી બી . એ . થઈને શું કરશો ? ' પરંતુ સદનશીબે એસ . ટી . ટી . કોલેજ વાસણામાં એડમિશન મળી ગયેલું અને સફળતાપૂર્વક તેણે બી . એડ . નો કોર્ષ પૂરો કર્યો અને સમગ્ર યુનિવર્સિટીમાં ક્રર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સ્થાન મેળવીને પ્રવેશ નહીં આપનાર જે તે કોલેજના પ્રિન્સીપાલોને પરોક્ષ રીતે સણસણતો જવાબ આપી દીધેલો. પછી પ્રાંતિજ કોલેજમાં વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનના બળના પ્રતાપે , વાણી ચાતુર્ય તથા સતેજ શ્રવણેન્દ્રીયના કારણે અદભુત કલાસ કંટ્રોલ કરી બતાવ્યો અને સફળ પ્રોફેસર તરીકે ઉભરી આવ્યા . વળી ૩૦ વર્ષથી ઈડર જેવા સેન્ટરમાં વિદ્યાર્થીઓને કોલેજમાં સંસ્કૃત જેવા વિષયનું અધ્યયન કરાવ્યું. તથા એમ . એ . માં પણ વર્ગો લીધા. જે તેઓની જવલંત બુદ્ધિ પ્રતિભા અને સંસ્કૃત વિષયના અગાધ જ્ઞાન સૂચવે છે.
                       ભાસ્કર ભાઈનાં લગ્ન પ્રવીણાબેન નામનાં એક સદ્રષ્ટિ યુવતી સાથે થયાં. એ યુવતી ભાસ્કરભાઈ સાથે સ્વેચ્છાએ પરણ્યાં હતાં. એમણે બાળપણમાં અંધત્વના જોખમના પોતાના અનુભવે નક્કી કરી લીધેલું કે એ પોતાની દ્રષ્ટિનો ઉપયોગ દ્રષ્ટિહીનોની સેવા માટે જ કરશે . મોટી થઈને એ અમદાવાદનાં અંધ કન્યા વિકાસગૃહમાંસેવા આપવા લાગ્યાં . કોઈ અંધ યુવાન સાથે જ લગ્ન કરવાની એની જિદને વશ થઈને એના માતપિતાએ એમને ભાસ્કરભાઈ સાથે લગ્ન માટે સંમતિ આપેલી .!

                     ભાસ્કરભાઈ એક કર્મઠ વ્યકિત છે. તેથી માત્ર અધ્યાપક તરીકેની કારકિર્દી વિકસાવીને તેણે સંતોષ માન્યો નથી. પરંતું એક સંવેદનશીલ હૃદય ધરાવતી વ્યકિત હોવાથી પોતે વિકલાંગતાનો અવરોધ પાર કરીને સામાન્ય ખોડ ખાંપણ સિવાયની વ્યકિત કરતાં વધુ વિશેષ સફળતા મેળવી સમાજમાં ઉભરી આવ્યા.

                ઈ . સ . ૧૯૮૫ માં સાબરકાંઠા જિલ્લાનાં ઇડર ગામે રાષ્ટ્રીય અંધજન મંડળ - સાબરકાંઠા જિલ્લા શાખાની સ્થાપના થઈ . આ જિલ્લા શાખાનાં સ્થાપક માનમંત્રી થવાનું ગૌરવ પણ પ્રા . ભાસ્કર મહેતાને જ મળ્યું. તેમના આ જ્ઞાન અને અનુભવનો લાભ તેમણે તેમના જેવા વિકલાંગ ભાઈઓ-બહેનોના ઉત્કર્ષ માટે સાબરકાંઠા જિલ્લામાં અંધજન કલ્યાણની અને વિકલાંગોના કલ્યાણની પ્રવૃત્તિઓ શરૂ કરી. આ માટે તેણે ઠેર ઠેર ફરીને મિત્રો , સગા સંબંધીઓ , સરકારી સંસ્થાઓ પાસે ટહેલ નાખી ફંડ એકત્રિતા કરી સાબરકાંઠા જિલ્લામાં વિકલાંગ અને ખાસ કરીને અંધજનો માટે શાળા , હોસ્ટેલ , લાયબ્રેરી , રમતગમતની અને અન્ય સાધન સામગ્રી વિગેરે પૂરી પાડીને સંસ્થાનો વિકાસ કર્યો છે. તેમની આ પ્રવૃત્તિમાં તેના ધર્મપત્ની અ . સૌ . પ્રવિણાબેન પણ ખભેખભો મિલાવી માત્ર ગૃહિણી બનીને નહીં રહેતાં સાચા અર્થમાં ‘ અર્ધાંગિની' બનીને સાથ આપી રહ્યાં છે.
                  આ પછાત વિસ્તારનાં નેત્રહિન ભાઇ બહેનોનાં શૈક્ષણિક , વ્યવસાયિક તથા પુનર્વસનનાં કાર્યોમાં તેઓએ દિવસ - રાત તનતોડ મહેનત કરી. આવા ભાઈ - બહેનોને નવો રાહ ચીંધ્યો . રોજબરોજનાં કાર્યોમાં નેત્રહિનો અને વિકલાંગો જ છવાયેલા રહયા . સવારે કોલેજ જવું , બપોરથી મોડી સાંજ સુધી શાખાનાં કાર્યાલયે બેસી નેત્રહીનોનાં કલ્યાણકારી કાર્યોમાં રત રહેવું તે ભાસ્કર મહેતાનો જીવન ક્રમ બની ગયો. રાજય , રાષ્ટ્ર તથા આંતરાષ્ટ્રીય કક્ષાએ યોજાતા પરિસંવાદો , પરિષદો તથા કાર્યશાળાઓમાં અનેકવિધ શોધપત્રો રજુ કરી પોતાની વિદ્વતાનો પરિચય કરાવ્યો , એટલું જ નહી નેત્રહીનોનાં વિકાસમાં નવો રાહ ચીંધ્યો . તેમના સરળ , માયાળુ , રમૂજી , પરોપકારી અને વાચાળ સ્વભાવને કારણે લોકોમાં ખૂબ પ્રિય બન્યા અને આજે પણ એટલા જ પ્રિય બની રહયા છે . કામ કરવામાં કદી થાકે નહિ , મુસાફરીમાં કદી કંટાળે નહિ , કોઇ સાથે બોલવામાં નાનપ અનુભવે નહિ અને ગમે તેવા મોટા અધિકારીઓની ખોટી શેહ - શરમ રાખે નહિ તેવા ભાસ્કર મહેતા ગુજરાત સરકારની નજરથી દૂર રહયા નહિ . રાજય સરકારે વિકલાંગ વ્યકિતઓ માટેનાં કમિશ્નર તરીકે તેમની નિમણુંક કરી અને તે ત્રણ વર્ષ સુધી બરાબર નિભાવી . તેમની કુશાગ્ર બુદ્ધિ , દિર્ધદ્રષ્ટિ અને વહિવટી કુશળતાનો પરિચય કરાવ્યો . તેઓ કમિશ્નર તરીકે રહયા ત્યાં સુધી સરકારી અધિકારી કરતા નેત્રહિનો તથા વિકલાંગોનાં શુભચિંતક તરીકે વધુ રહયા હતા . આજે પણ લોકો તેમને કમિશ્નર તરીકે યાદ કરે છે . પ્રા . ભાસકર મહેતા એધજન કલ્યાણ ટ્રસ્ટ - ધોરાજીનાં પ્રમુખ તરીક હોય . બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સીલ દાહોદનાં ઉપપ્રમુખ તરીક સેવાઓ આપી છે.
તેઓ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે . એમણે અંધજનો અને વિકલાંગોના અનેક રાષ્ટ્રીય સ્તરના સંમેલનોમાં પોતાના બુલંદ અવાજ અને અંગ્રેજી , હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં વકતૃત્વ કૌશલથી સભાઓ ગજાવી છે . અનેક પુરસ્કારો અને સન્માનો મેળવી ચૂક્યા છે .
                ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના પ્રવચનોમાં તેઓનું ઉચ્ચ કોટીનું ભાષાકીય પ્રભુત્વ દંગ પમાડે તેવું છે. તેઓની વૈચારિક અભિવ્યક્તિ છટાદાર વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
         નિવૃત્તિ બાદ પણ તેઓનો સંપૂર્ણ જીવન દિવ્યાંગોની સેવામાં સમર્પિત કરી દીધું છે.  ભાસ્કરભાઈ મહેતાની જિંદાદિલીને કોટી કોટી વંદન!

પ્રો. ભાસ્કર મહેતા સંપર્ક નં :  9426060659

લેખન-   : ઈશ્વર પ્રજાપતિ   
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)



1 ટિપ્પણી:

  1. ખૂબ સરસ
    ભાસ્કરભાઇ સાહેબ વિશે ખૂબ ઉંડાણપૂર્વકની રસપ્રદ રજુઆત હૃદયસ્પર્શી...

    જવાબ આપોકાઢી નાખો

Popular Posts