Sunday, June 29, 2025

સન્ડે સ્પેશિયલ

“હું સ્પેસ સ્ટેશન પરના મારા અનુભવને ફોટોસ અને વિડીયોમાં કેદ કરીને ભારતીયોને બતાવવા માંગુ છું. હું ઇચ્છું છું કે તેઓ આ રોમાંચક અનુભવ મારી આંખોથી જુએ.” શુભાંશુ શુક્લા

 

બ્રહ્માંડ સ્વયં અલૌકિક કોયડો છે. હજારો વર્ષોથી માનવીનું મન તેનો તાગ પામવા મથામણ કરી રહ્યું છે. વિજ્ઞાને ભરેલી હરણફાળના પ્રતાપે માનવી હવે પોતે અંતરીક્ષમાં જઈ અભ્યાસ કરતો થયો છે. અંતરીક્ષના અભ્યાસ માટે ૧૯૮૪નું વર્ષ ભારત માટે એક સીમાચિહ્નરૂપ બની રહ્યું. વિંગ કમાન્ડર રાકેશ શર્મા  તેમણે ૩ એપ્રિલ ૧૯૮૪ ના રોજ સોવિયેત ઇન્ટરકોસ્મોસ કાર્યક્રમના ભાગ રૂપે સોયુઝ ટી-૧૧ માં ઉડાન ભરી હતી. તેઓ અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ ભારતીય નાગરિક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. રાકેશ શર્માએ સેલ્યુટ ૭ પર ૭ દિવસ, ૨૧ કલાક અને ૪૦ મિનિટ વિતાવીજે દરમિયાન તેમની ટીમે વૈજ્ઞાનિક અને તકનીકી અભ્યાસ કર્યા જેમાં તેંત્રીસ પ્રાયોગિક સત્રોનો સમાવેશ થતો હતો. એ સમયે ભારત અવકાશમાં માણસ મોકલનાર ૧૪મો રાષ્ટ્ર બન્યો હતો.

૨૫ જૂન  ૨૦૨૫ ભારત માટે ગૌરવશાળી દિવસ સાબિત થયો. ૨૫ જૂનના રોજ સવારે ૨:૩૧ વાગ્યે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી LC- 39A થી સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે એક્સ – ૪ કૃ લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ભારતીય પાયલટ શુભાંશુ શુક્લા પણ સામેલ છે. રાકેશ શર્મા પછી ચાલીસ વર્ષ બાદ  અંતરીક્ષમાં જનાર તેઓ બીજા ભારતીય અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર જનાર તેઓ પ્રથમ ભારતીય છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વૈશ્વિક વૈજ્ઞાનિક સહયોગનું પ્રતીક છે, જે એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા અને પૃથ્વીની બહાર માનવતાની પ્રગતિના પ્રયાસનું પ્રતીક છે. આઇએસએસ 28000 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે અને દર 90 મિનિટે એક ચક્કર પૂર્ણ કરે છે અને આખા દિવસમાં પૃથ્વીના 16 ચક્કર લગાવે છે. એટલે કે આ મિશનમાં શુભાંશુ શુક્લા અને તેમની ટીમને ઘણા સૂર્યોદય અને ઘણા સૂર્યાસ્ત જોવા મળશે.
આઇએસએસ ખરેખર પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિત છે. આશરે 4.2 લાખ કિલો વજન ધરાવતા આઇએસએસમાં 15થી વધુ પ્રેશર મોડ્યુલ છે, જે પાંચ મુખ્ય દેશો સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યા છે. જેમાં અમેરિકા, રશિયા, યુરોપ, જાપાન અને કેનેડા મુખ્ય છે. આઠ મોટી સોલાર પેનલ્સ 120 કિલોવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરે છે, જે રિચાર્જેબલ બેટરીમાં સંગ્રહિત થાય છે, જે આખો દિવસ ચાલે છે. આ પેનલ્સ વૈજ્ઞાનિક ઉપકરણોથી લઈને દૈનિક ક્રૂ ની જરૂરિયાતો સુધીના તમામ મહત્વપૂર્ણ ઓક્સિજન જનરેશન સિસ્ટમ્સ અને પર્યાવરણીય નિયંત્રકોને પણ શક્તિ આપે છે. આઈએસએસ એ માત્ર એક ઘર નથી. આ પૃથ્વીની નીચલી કક્ષામાં (LEO)માં સૌથી અદ્યતન સંશોધન પ્રયોગશાળા છે. તેના પર કરવામાં આવેલા પ્રયોગો સૂક્ષ્મ ગુરુક્વાકર્ષણ ફિઝિક્સ, જીવન વિજ્ઞાન, જેવ પ્રોદ્યોગિક અને અવકાશ કૃષિ સાથે પણ સંબંધિત છે. નોંધપાત્ર તપાસમાં કપોલા મોડ્યુલનો પણ સમાવેશ થાય છે. પોતાની સાત બારીઓ સાથે મોડ્યુલ અવકાશયાત્રીઓને પૃથ્વીના અદભૂત મનોહર દૃશ્યો પ્રદાન કરે છે.

         આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશમાં ગયો છે. શુભાંશુ 14 દિવસ સુધી ISS પર રહેશે અને માઇક્રોગ્રેવિટીમાં ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
આ અવકાશમાં Axiom-4 નું ચોથું પ્રાઈવેટ મિશન છે. આ નાસા અને સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે. આ અવકાશ મિશનમાં 4 દેશોના 4 અવકાશયાત્રીઓ સામેલ છે. આ દેશો ભારત, અમેરિકા, પોલેન્ડ, હંગેરી છે જેમના અવકાશયાત્રીઓ આ મિશનમાં સામેલ છે.તેઓ આ મિશનમાં પાયલટ તરીકેનું કામ કરશે, એટલે કે તે આ મિશનનું સ્પેસક્રાફ્ટ તેઓ જ ચલાવશે. તેમની સાથે અમેરિકા, હંગેરી અને પોલિશના એક-એક અવકાશયાત્રી હશે. એક્સિઓમના આ મિશનનું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પેગી વિસ્ટન કરશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની તાલીમ, તેમના સ્પેસસૂટ, તેમના અવકાશ સાધનો અને અન્ય તમામ એજન્સીઓ સાથે સંકલનની જવાબદારી ઓક્સિઓમ સાંભળી રહી છે.



       ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ આ મિશન માટે ક્રૂડ્રેગન સ્પેસક્રાફ્ટની સુવિધા પૂરી પાડવાની છે. જેમાં 7 લોકો અવકાશમાં જઈ શકે છે. તેને ફાલ્કન રોકેટ પર લગાવવામાં આવશે.  એક્સિઓમ આ પહેલાં ત્રણ વખત આવા મિશન પૂર્ણ કરી ચૂક્યું છે. એક્સિઓમનું આ સ્પેસક્રાફ્ટ અવકાશમાં જઈને શુક્લા અને અન્ય ત્રણ મુસાફરોને ISSના કોલંબસ મોડ્યુલમાં મૂકી દેશે. જે લોકો અહીં લગભગ 14 દિવસ રહીને સંશોધન કરશે. 14 દિવસ પછી તેઓ પૃથ્વી પર પરત ફરશે.

         ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય શુભાંશુ વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને ઇસરોના અવકાશયાત્રી છે. તેઓ મુળ ઉત્તર પ્રદેશના લખનૌના છે. શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો છે. તેમને નાનપણથી જ વિમાન પ્રત્યે આકર્ષણ હતું. 1999ના કારગિલ યુદ્ધે શુક્લાને પ્રેરણા આપી. ત્યારબાદ તેમણે યુપીએસસી એનડીએ પરીક્ષા માટે અરજી કરી અને પરીક્ષા પાસ કરી. તેમણે સેનાની તાલીમ પૂર્ણ કરી અને 2005માં નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો, જેનાથી એરોસ્પેસ સાયન્સમાં તેમનો પાયો વધુ મજબૂત થયો.

        શુભાંશુ શુક્લાને તેમની સતત મહેનતને કારણે, તેમને 2006માં ભારતીય વાયુસેના (IAF)માં નિયુક્ત કરવામાં આવ્યા. તેમની નિમણૂક પછી, તેઓ ઝડપથી રેન્ક ઉપર આગળ વધ્યા અને સફળતાની સીડી ચડતા ગયા. પોતાની ક્ષમતાના બળ પર, તેમણે માર્ચ 2024 સુધીમાં ગ્રુપ કેપ્ટનનો હોદ્દો પ્રાપ્ત કર્યો.
શુભાંશુ શુક્લાને 2,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે Su-30 MKI, MiG-21, MiG-29, Jaguar, Hawk, Dornier 228 અને An-32 સહિત વિવિધ વિમાનો ચલાવ્યા છે.
વર્ષ 2024માં, શુભાંશુ શુક્લાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026 માં નિર્ધારિત ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે નામાંકિત ચાર અવકાશયાત્રીઓમાંથી એક તરીકે પસંદ કર્યા હતા. પીએમએ ગગનયાન માટે શુક્લાના નામની જાહેરાત કરી હતી.

        શુંભાશું શુક્લાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમના લગ્ન ડૉ. કામના મિશ્રા સાથે થયા છે, જે એક ડોક્ટર છે, જે શુક્લાની ક્લાસમેન્ટ પણ હતી. આ દંપતિને એક પુત્ર છે.  શુંભાશું શુક્લાના પિતા, શંભુ દયાળ શુક્લા નિવૃત્ત સરકારી અધિકારી છે, જ્યારે તેમની માતા, આશા શુક્લા, ગૃહિણી છે.તેઓ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે, તેમની મોટી બહેન નિધિ, MBA છે, અને તેમની બીજી મોટી બહેન, સુચી મિશ્રા, શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે.

         શુભાંશુ શુક્લા સહિત એક્સિઓમ મિશનના ચારેય અવકાશયાત્રીઓએ મિશનના થોડા દિવસો પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શુક્લાએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે બે અઠવાડિયાં સ્ટેશન પર રહીશું, આ સમય દરમિયાન અમે ઘણા મિશન પૂર્ણ કરીશું… હાલમાં એક આખી ટીમ સ્ટેશન પર વિતાવેલા દરેક મિનિટને યોગ્ય કાર્ય માટે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. . ..હું આ મિશનના માધ્યમથી મારા દેશની આખી પેઢીમાં અવકાશ વિશેની જિજ્ઞાસા ઉભી કરવાની આશા રાખું છું જેથી ભવિષ્યમાં આવા વધુ મિશન હાથ ધરવામાં આવી શકે.”
તેમણે આ મિશન દરમિયાન ભારતમાંથી પણ કેટલીક વસ્તુઓ લઇ જવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું, “આ સમય દરમિયાન મારો એક વ્યક્તિગત એજન્ડા પણ છે, હું સ્પેસ સ્ટેશન પરના મારા અનુભવને ફોટોસ અને વિડીયોમાં કેદ કરીને ભારતીયોને બતાવવા માંગુ છું.” તેમણે વધુમાં ઉમેર્યું, “હું ઇચ્છું છું કે તેઓ આ રોમાંચક અનુભવ મારી આંખોથી જુએ. મારું માનવું છે કે આ ફક્ત મારી યાત્રા નથી પણ 140 કરોડ લોકોની યાત્રા છે.”

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

 

  

1 comment: