Wednesday, October 2, 2019

પ્રસંગ વિશેષ.

અરવલ્લીના અંતરીયાળ ગામડામાં ગાંધીજીનું વિસરાયેલું સ્મારક મીની રાજઘાટ : મહાદેવગ્રામ



            ગાંધીજીની વાતો એ નવી પેઢીને out of dated લાગે છે.  મહાત્મા ગાંધીજીએ ભારતની પ્રજામાં મૂલ્યોનું અને સાંસ્કૃતિક વારસાનું  આત્મભાન પ્રગટાવ્યું. વિશાળ બ્રિટિશ સામ્રાજ્ય અને અહિંસાના માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી લાંગર્યો. આઈન્સ્ટાઈનનું આ વિધાન કેટલું યથાર્થ લાગે છે!! "સંભવ છે કે , આવતી પેઢીઓને કદાચ એ માન્યા માં પણ ભાગ્યે જ આવે કે આવો કોઈ માનવી ક્યારેય આ પૃથ્વી પર સદેહે વિચરતો હતો."
            તારીખ 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ બાદ દિલ્હી ખાતે રાજઘાટ નામે સમાધિ સ્થળનું   ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું. અને બહુ ઓછા લોકો જાણે છે કે દિલ્હીના રાજધાટ જેટલું જ મહત્વ ધરાવતું આવું બીજું મીની રાજઘાટ સમાન સ્મારક અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલું છે. આ ગામ મહાત્મા ગાંધી સાથે અનોખી રીતે અનુબંધ ધરાવે છે.
             અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી માત્ર 10 કિલોમીટરના અંતરે બાકરોલ મહાદેવગ્રામ ગામ આવેલ છે. આઝાદી પહેલાંના સમયમાં આ ગામ સર્વોદયના રંગે રંગાયેલું મોહનપુર સ્ટેટમાં આવેલું રજવાડી ગામ હતું. 

          આઝાદીની ચળવળ વેળાએ ગાંધીજીના રંગે રંગાઈને આ ગામના સર્વોદય કાર્યકરો સર્વ શ્રી ગૌરીશંકર માણેક રામ જોશી, લાભશંકર દેવશંકર વ્યાસ, મનસુખ ભાઈ મિસ્ત્રી, રસિકભાઈ શાહ, જયશંકર વ્યાસ, કાંતિલાલ કસ્ટમ અધિકારી દેવશંકર દલસુખરામ, ફોજદાર પ્રહલાદ રામ, કારકુન મગનલાલ વ્યાસ, તથા રાજપૂત અગ્રણીઓ આજુબાજુના પંથકમાં સર્વોદયવાદી પ્રવૃતિઓ થકી સ્વાંતંત્ર્યનો સંદેશો ફેલાવતા. આ પંથકના આ ગામમાં સર્વોદયની પ્રવૃત્તિઓથી ધમધમતી હતી. અહીંયાથી અનાજ ની લે-વેચ પર લેવાતું દાણ (જકાત) લેવામાં આવતું. પરંતુ આ સર્વોદયવાદી કાર્યકરોને પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને સ્ટેટ દ્વારા જકાત લેવાનું  બંધ કરવામાં આવ્યુ .   પૂજ્ય રવિશંકર મહારાજ, ગુજરાત આંદોલનના નાયક શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક વિગેરે જેવા નેતાઓએ આ ગામની મુલાકાત લીધી હતી. 
             30મી જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીના  હત્યાના સમાચાર સાંભળી, મહાત્મા ગાંધી પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતા આ ગામના જુવાનો ગૌરીશંકર માણેકરામ જોશી, મનસુખભાઈ મિસ્ત્રી અને લાભ શંકર દેવ શંકર વ્યાસ પૂજ્ય ગાંધી બાપુની અંતિમ સંસ્કાર વિધિમાં નવી દિલ્હી ગયા હતા. અને ત્યાંથી પૂજ્ય બાપુના અસ્થિ આવ્યા હતા. 12 મી ફેબ્રુઆરી 1948 ના રોજ આ ગામમાં ગોપાળદાસ (દરબાર) ની આગેવાનીમાં આ ગામમાં બળદ ગાડામાં અસ્થિ કળશની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન પૂજ્ય બાપુના અસ્થિ કુંભને લાભ શંકર વ્યાસ પોતાના ખોળામાં રાખી ફર્યા હતા. સમસ્ત ગામને શણગારવામાં આવ્યું હતું . અને તોપોથી સલામી આપવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામ સહિત આજુબાજુના ગ્રામજનો પણ જોડાયા. બહેનોએ કળશયાત્રાનું સ્વાગત કર્યું. આ અસ્થિ કળશનું મેશ્વો અને ઝુમ્મર નદીના સંગમ સ્થાન નજીક હથિયા ડુંગરની ટોચ સ્થાપન કરવામાં આવ્યું. 

         હાથી આકારના આ ડુંગર ઉપર નાનકડી દેરી બનાવી ગાંધી સ્મારકની રચના કરવામાં આવી. એટલું જ નહીં 2 જી માર્ચ 1948ના રોજ બાકરોલ નામે ઓળખાતા ગામનું નામ સુદ્ધા બદલીને ગાંધીજીના સચિવ મહાદેવ ભાઈ દેસાઈની સ્મૃતિમાં આ ગામનું નામ "મહાદેવગ્રામ" રાખવામાં આવ્યું. જે તે સમયે આ બાબતની નોંધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ પણ લીધી હતી. 
            એક ભવ્ય ભૂતકાળ સાચવીને બેઠેલા આ ડુંગર પર પ્રતિવર્ષ ગાંધી બાપુની જન્મ જયંતી બીજી ઓક્ટોબરે સર્વોદય મેળા યોજાતા હતા. આસપાસના ગામોના હજારો માણસો આ મેળામાં આનંદ પૂર્વક ભાગ લેતા. 
            મોડાસાથી 10 કિલોમીટર શામળાજી થી 25 કિલોમીટર સરડોઇ ગામ થી 5 કિલોમીટર ના અંતરે આવેલ આ સમાધિ સ્થળ એક રળિયામણા સ્થાને આવેલ છે. નજીકમાં મેશ્વો અને ઝુમ્મર નદી નું સંગમ સ્થાન આવેલ છે. આસપાસના વિસ્તારમાં સાગ સહિતના વૃક્ષોની વનરાજી ઘેરાયેલી જોવા મળે છે.
                વર્ષો સુધી આ સ્મારક નાની દેરીના રૂપમાં જ રહ્યું. પૂજ્ય બાપુ સાથે સીધો અનુબંધ ધરાવતા આ અતિ મહત્વ પૂર્ણ સ્મારક આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહ્યું. વર્ષો બાદ સાબરકાંઠાના પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણની નજર  ઇતિહાસમાં અનોખુ મહત્વ ધરાવતાં આ સ્થાન ઉપર ગઈ. તેઓએ આ સ્મારકના વિકાસ માટે અંગત રીતે રસ લીધો. નાનકડી દેરી માંથી સ્મારક બનાવવાની શરૂઆત થઈ . ત્યારબાદ હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ સ્થાનના વિકાસ માટે ભંડોળ ફાળવી આ સ્મારકની કાયાપલટ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

                 આજે જ્યાં ગાંધીજીનું સુંદર સ્મારક આકાર પામ્યું છે. બે નદીઓના સંગમ સ્થાને અલૌકિક પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આ સ્મારક આવેલું છે. અહીં આવેલ હાથીના આકારની ઊગી નીકળેલ પર્વત શીલા જોતાં પ્રથમ નજરે હાથી ઉભો હોય તેવું ભાસે છે. આથી, તેને હાથિયા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકામાં શીતળા માતાનો ડુંગર પણ કહેવાય છે. અહીં બાજુની ટેકરી પર માતાજીનું મંદિર પણ આવેલું છે. 
હાલ પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતી એટલે કે 2 જી ઓક્ટોબર અને પૂજ્ય બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરીના દિવસે ગાંધી આદર્શોને પ્રેમ કરતા ગાંધીપ્રેમી અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીં અચૂક પધારે છે. તે દિવસો એ પૂજ્ય બાપુના સ્મારક ઉપર સુતરની આંટી પહેરાવી, રામધૂન અને ગાંધીજીના પ્રિય ભજનોથી સમસ્ત વાતાવરણ ગુંજી ઉઠે છે. 
                 દિલ્હી ખાતે આવેલા પૂજ્ય બાપુના સમાધિ સ્થળ રાજઘાટ જેટલું જ મહત્ત્વ સ્થાન આ સ્મારક ધરાવે છે. એમ છતાં આઝાદીના વર્ષો વીત્યા પછી પણ આ સ્મારકનો જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી. પરિણામે દેશ-દુનિયાના લોકોનું ધ્યાન હજી આ સ્થાન ઉપર ગયું જ નથી. હજી આ જિલ્લાના લોકો જ આ મહત્વપૂર્ણ સ્મારકથી પરિચિત નથી. ગુજરાતનું પ્રવાસન મંત્રાલય આ તરફ એક નજર કરે અને આ સ્થાનનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરે તો આ સ્થાનની હજી વધુ કાયાપલટ થઈ શકે તેમ છે. આઝાદીના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતું આ ગામ અને સ્મારક જો સંપૂર્ણ રીતે વિકાસ કરવામાં આવે તો આ સ્થાન વિશ્વના નકશા ઉપર અંકિત થઇ શકે તેમ છે. દુનિયા ભરમાં વસતા ગાંધી પ્રેમીઓ માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment