Thursday, September 5, 2019

વ્યક્તિ વિશેષ : કમલેશ પ્રજાપતિ


ગુજરાતના છેક છેવાડે અંતરીયાળ આદીવાસી વિસ્તારોમાં શિક્ષણ યજ્ઞની સુવાસ પ્રસારાવતા યુવા શિક્ષક

 કમલેશ પ્રજાપતિ.



              આજે શિક્ષક દિન. શિક્ષક અને સમાજ માટે ગૌરવ લેવાનો દિવસ. ભારતના વિદ્વાન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવ્યું.  ભારતના અંતરીયાળ ગામડાઓમાં શિક્ષણ સેવા યજ્ઞની ધૂણી ધખાવી બેઠેલા શિક્ષકો એ સમાજની સાચી મૂડી છે. આજે વાત કરવી છે એવા જ એક યુવા શિક્ષકની જેઓએ અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં શિક્ષણયજ્ઞની આહલેક જગાવી છે. 
                        આ તેજસ્વી યુવા શિક્ષકનું નામ છે કમલેશ પ્રજાપતિ. 
              તેઓનું મૂળ વતન તો સાબરકાંઠાનું વડાલી ગામ. પિતા સંપતભાઈને શાકભાજીનો ધંધો. ખૂબ સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં તેઓએ M.A. B.ed નો અભ્યાસ પૂર્ણ કર્યો. વડાલીની કોલેજમાં લેક્ચરર તરીકે સેવાઓ થકી શિક્ષણ યજ્ઞનો આરંભ કર્યો. નાના બાળકો તેઓને અત્યંત પ્રિય છે. તેથી કોલેજની નોકરી છોડી SSA માં જોડાયા અને વિજયનગર તાલુકામાં BRP તરીકે સાડાચાર વર્ષ અહીંની પ્રાથમિક શાળાઓમાં નોંધપાત્ર કામગીરી કરી. 
                  હાલ કમલેશભાઈએ ગુજરાત અને મધ્ય પ્રદેશની સીમા પરની છેક છેવાડાની એક શાળાને કર્મભૂમિ બનાવી છે. ઝાલોદ તાલુકાની કચલધરા ગામની પ્રાથમિક શાળા. 2015માં તેઓ વિદ્યાસહાયક તરીકે અહીં જોડાયા. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ ખૂબ પછાત વિસ્તાર. અહીંના મોટાભાગના વાલી નિરક્ષર છે. અનેક અભાવો વચ્ચે અહી માનવજીવન ધબકી રહ્યું છે. જ્યાં શિક્ષણની જાગૃતિનો બિલકુલ અભાવ છે. શાળા પરિસરમાં પગ મુકતા જ ગરીબ બાળકોના નિખાલસ ચહેરાઓ જોઈ આ યુવાને પરિસ્થિતિ પાલટાવવાની ગાંઠ વાળી. 
                કમલેશભાઈ જ્યારે આ શાળામાં જોડાયા ત્યારે 1 થી 8 ધોરણ માં માત્ર 3 શિક્ષકો કામ કરતા. અને વિદ્યાર્થીઓ પણ અનિયમિત. વિદ્યાર્થીઓ ને ભણવવા છે પણ ભણાવવા કઈ રીતે?? શાળાએ આવે તો ભણાવે ને!! આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના માતાપિતા સાથે મજૂરીએ જતા રહે અથવા પોતાના નાના ભાઈ બહેનોને સાચવવા ઘરે રહે. પરંતુ શાળાએ ન આવે. અત્યંત દયનિય વિદ્યાર્થીઓના ઘરની સ્થિતિ જોઈ શિક્ષક હૃદય કંપી ગયું. કમલેશ ભાઈ વાલીઓને રૂબરૂ મળવાનું શરૂ કર્યું. તેઓ વિદ્યાર્થીઓના ઘરે જાય. ઘરે વાલી ન મળે તો ખેતરે જાય. વાલી ને સમજાવી અને વિદ્યાર્થીઓને પોતાની સાથે શાળાએ લેતા આવે. શરૂઆતમાં તો બાળકોને શાળાએ આવતાં કરવા વિદ્યાર્થીઓને ગમતાં બાળગીતો, વાર્તાઓ અને ગમતી પ્રવૃત્તિઓથી શાળા ધમધમી ઉઠી. વિદ્યાર્થીઓની હાજરીમાં બહુ મોટું હકારાત્મક પરિવર્તન આવ્યું. 
              જ્હોન હેનરિક ક્લર્કનું આ અમર વિધાન છે. ' A good teacher, like a good entertainer first must hold his audience's attention, then he can teach his lesson.' કમલેશભાઈ પાસે વિદ્યાર્થીઓ પાસે કામ લેવાની આગવી આવડત છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન ઍટલે કે ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ભૂગોળ જેવા વિષયો બોરિંગ લાગતા હોય છે. પરંતુ કમલેશ ભાઈની કરતબે કમાલ કરી છે. ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર ભૂગોળ જેવા વિષયો એવા તો રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ ને પીરસે છે કે આ વિષય વિદ્યાર્થીઓનો પ્રિય વિષય બની ગયો છે. કમલેશભાઈ એટલે ક જાણે કે હરતું ફરતું TLM. કમલેશ ભાઈ એટલે કે બાળકોનું પ્રિય રમકડું. કમલેશભાઈ એટલે કે ઇતિહાસ ભૂગોળનું એનસાયકલોપીડિયા. તેઓએ વિશ્વને વર્ગખંડમાં ઉતાર્યું છે. અનેક વિધ પ્રવૃત્તિઓ થકી વર્ગખંડમાં આપણા ભવ્ય ઈતિહાસ ને પુનઃ જીવંત કર્યો છે. 

           પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિષયો સાહજિક રીતે શીખી રહ્યા છે. શાળા શહેરી વિસ્તારથી ઘણી દૂર છે. ચીજ વસ્તુઓના અભાવે કમલેશ ભાઈ હાથ જોડી બેસી ન રહ્યા પરંતુ સ્થાનિક પર્યાવરણમાંથી સરળ રીતે ઉપલબ્ધ ચીજ વસ્તુઓનો તેઓએ શૈક્ષણિક સાધન તરીકે ઉત્તમ ઉપયોગ કર્યો. જેને ગાવું છે. એને ગીત મળી જ રહે છે. કમલેશભાઈએ વિદ્યાર્થીઓ દ્વારા 196 દેશના રાષ્ટ્ર દ્વજ તૈયાર કરાવ્યા છે. રાષ્ટ્ર ઘ્વજની પાછળની બાજુ એ જે તે દેશની વિશેષતા દર્શાવતી તમામ વિગતી વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવી છે. જેમાં દેશનું નામ, રાજધાની, ક્ષેત્રફળ, ભાષા, ચલણ,દેશ ક્યા ખંડ માં આવેલો છે જેવી તમામ બાબતો વિદ્યાર્થીઓ કડકડાટ બોલી શકે છે. કમલેશ ભાઈ ચોક લઈ બ્લેકબોર્ડ પર ફેરવે તો જોત જોતામાં સુંદર ચિત્રો નિર્માણ પામે છે. વિશ્વ વિશેની માહિતી આપવા તેઓ બ્લેક બોર્ડ પર આબેહૂબ વિશ્વનો નકશો તૈયાર કરે છે. આજે આ શાળાના કોઈપણ વિદ્યાર્થી વિશ્વની ભૌગોલિક પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ છે. વિદ્યાર્થીઓ ની ચપળતા આપણને આશ્ચર્ય પમાડે છે. આ શાળાના 4 વિદ્યાર્થીઓ એકલવ્ય આદર્શ સ્કુલની પ્રવેશ પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવી ચુક્યા છે. 
          અંતરીયાળ વિસ્તારની આ શાળા શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે અનેકવિધ સહભ્યાસીક પ્રવૃત્તિઓ થઈ રહી છે. અહીં વિદ્યાર્થીઓને જોઈતી ચીજ વસ્તુઓ પણ મળી શકતી નથી તો કમલેશભાઈ નોટ, પેન્સિલ, પેન, કંપાસ જેવી તમામ વસ્તુઓ લાવી અહીં શાળામાં જ રામ દુકાન શરૂ કરી છે. જ્યાં વિદ્યાર્થીઓ જાતે જ પૈસા મૂકી જોઈતી વસ્તુ લઈ શકે છે. ભલે અહીંના વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય પરંતું રામ દુકાનમાં આજદિન સુધી ખોટ નથી આવી. 
         શિક્ષકોની સુંદર કામગીરી જોઈ દાતા શ્રીઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો. દાતાઓ દ્વારા, નોટબુક, પેન પેન્સિલ વિતારણ ઉપરાંત શિયાળામાં સ્વેટર વિતરણ પણ કરવામાં આવ્યું. 
              કમલેશભાઈએ શિક્ષણમાં અનેક ઇનોવેશન પણ કર્યા છે. જે ઇનોવેશન ફેઇરમાં પ્રેઝન્ટ પણ કરવામાં આવ્યા છે. કમલેશ ભાઈ એક ઉત્તમ ટ્રેઇનર પણ છે. તાલુકા અને જિલ્લા કક્ષાની વિષય સજ્જતાની તાલીમ થકી જિલ્લાના શિક્ષકોને તેઓ સજ્જ કરી રહ્યા છે. કમલેશ ભાઈ જ્યાં જાય છે ત્યાં નવી ઉર્જાનો સંચાર થાય છે. પરિસ્થિતિ પ્રત્યેનું તેઓનું હકારાત્મક વલણ બીજા વ્યક્તિઓથી તેઓને અલગ ઉપસાવે છે. 
         કમલેશભાઈની કામગીરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પણ જાહેરમાં બિરદાવી છે. રોટરી કલબ ડાયમન્ડ દાહોદ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પણ કરવામાં આવ્યું. 
                કમલેશભાઈ જેવા ઉત્સાહી શિક્ષકને રાયસિંગભાઈ બારીયા જેવા એક ઉત્તમ આચાર્ય મળ્યા એ પણ સદભાગ્ય ની વાત છે. જ્યાં શિક્ષકને વિસ્તરવાની અને વિકસવાની પૂરતી મોકળાશ મળી. શાળા પરિવાઈના અન્ય શિક્ષકો પણ વિદ્યાર્થીઓના ઉજ્જળ શિક્ષણ ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે. 
             1 થી 8 ધોરણ માં 3 શિક્ષકો થી શરૂ કરેલી યાત્રા માત્ર ચાર વર્ષમાં 7 શિક્ષકો અને 240 વિદ્યાર્થીઓ એ પહોંચી છે. આવા શિક્ષકોના કર્મયોગ થકી જ શાળાઓ તીર્થભૂમિ બને છે. ભગવદ્ગોમંડલ માં શિક્ષકની વ્યાખ્યા આપતાં ગાંધીજી લખે છે "શિક્ષક લોહચુંબક જેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓ તેને ઘેરી વળે" ગાંધીજીની આ વ્યાખ્યાને કમલેશભાઈએ ચરિતાર્થ કરી છે. તેઓ આજે બાળકોના પ્રિય શિક્ષક છે, વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન પામ્યા છે. કમલેશભાઈ રજા પર હોય તો વિદ્યાર્થીઓને ગમતું નથી. આનાથી મોટો એવોર્ડ બીજો કયો હોઈ શકે!!! 
                 શિક્ષક દિન નિમિત્તે આવા તમામ શિક્ષકોને અંતરથી સાદર વંદન!!
કમલેશભાઈનો સંપર્ક નં. : 97258 34850


લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts