શિક્ષણ જગતના ઝગમગતા સીતારા : સેવાવ્રતી શિક્ષક પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર.
પ્રકાશભાઈ સુથાર.
શિક્ષણજગત માટે આ નામ અજાણ્યું નથી. પ્રકાશભાઈ બહુઆયામી શિક્ષક છે.આઉટ ઓફ બોક્સ અને જરા હટકે વિચારવા ટેવાયેલા આ શિક્ષકે આગવી ઓળખ ઉભી કરી છે. વારસામાં મળેલી સુથારીકામ, પેઇટિંગ કલાને વર્ગખંડ વ્યવહારમાં પ્રયોજી વિજ્ઞાન શિક્ષણને સાવ સરળ અને સહજ બનાવી દીધું. ચહેરા પર હંમેશા સ્મિત વેરતા, પ્રવૃતિશીલ અને પ્રગતિશીલ આ શિક્ષકે વર્ગખંડથી લઈ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ માતબર કામ કર્યું છે. જેમને ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા ‘રાજ્ય પારિતોષિક' એનાયત થયો છે તેવા પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર હાલમાં વડાલી તાલુકાની કંજેલી પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા છે. .
પ્રકાશભાઈ 1992 માં વતનથી દૂર અમરેલી જિલ્લામાં શિક્ષક તરીકે જોડાયા. અમરેલી જિલ્લામાં એક દાયકા સુધી શિક્ષણની શ્રેષ્ઠત્તમ સેવાઓ આપીને વર્ષ 2001 માં બદલીથી સાબરકાંઠા આવ્યા. વર્ષ 2001 થી વડાલીમાં તાલુકાની કેશરગંજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે જોડાયા. નાની અમથી છેવાડાની આ શાળાને પ્રકાશભાઈના બહોળા અનુભવનો સ્પર્શ મળ્યો. વિજ્ઞાન વિષયમાં આગવી હથોટી ધરાવતા આ શિક્ષકે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિનો ચેપ લગાડ્યો.
વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિજ્ઞાન જેવા વિષયને રમત સાથે જોડી, સાવ સરળ કરી મૂકી દીધો. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન તો જાણે રમત બની ગયું. ખૂબ ઓછા સમયમાં નાની અમથી આ શાળાનું નામ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ગુંજતું થયું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય ત્યારે તાલુકા અને જિલ્લાના શિક્ષકોને આ શાળાની કૃતિ નિહાળવાની ઉત્કંઠા રહેતી. આઉટ ઓફ બોક્સ વિચારવા ટેવાયેલા પ્રકાશભાઇ માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ એ તૈયાર થયેલી કૃતિ બધી કૃતિઓમાં અલગ ભાત પાડતી. આ નાનકડી શાળાને જીલ્લા અને રાજ્યમાં વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠત્તમ કૃત્તિઓ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. વિજ્ઞાન વિષયની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ થકી શાળાને ધમધમતી કરી. ગુણવત્તા યુક્ત શિક્ષણમાં ખુબ અગ્રેસર બનાવી.
પ્રકાશભાઈ એક ઉર્જાવાન વ્યક્તિત્વ છે. જ્યાં તેઓની હાજરી હોય ત્યાં એક અલગ જ ચેતના સંચાર અનુભવાય છે. વર્ષ 2006 થી તેઓ વડાલી તાલુકાની ચુલ્લા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે જોડાયા. આ શાળાને પણ જીલ્લા અને રાજ્યમાં વિજ્ઞાન પ્રદર્શન, ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ખુબ અગ્રેસર બનાવી. બંને શાળાઓમાં ક્વાલીટી એજ્યુકેશન અને કેમ્પસ ડેવલપમેન્ટ તથા શિક્ષકોના કેપેસીટી બિલ્ડીંગનું કામ કર્યું.
વિજ્ઞાન વિષય ભણાવતી વખતે અનેક સમસ્યાઓ નડતરરૂપ બનતી હતી. જેમકે કોઈ પ્રાયોગિક કાર્ય કરવું હોય તો વૈજ્ઞાનના સાધનોના અભાવે કેવી રીતે કરી શકાય?? પ્રાયોગિક કાર્ય વિના તો વિજ્ઞાન કેમ ભણાવાય!! આ વિચારે પ્રકાશભાઈને બરાબર વલોવ્યા. સુથારીકામની આવડત પ્રકાશભાઈને વારસામાં મળી હતી. વારસામાં મળેલી કળાને શિક્ષમાં પ્રયોજી. આજુ બાજુના પર્યાવરણ માંથી ઉપલબ્ધ વાસ્તુઓમાંથી વિજ્ઞાનના સાધનો ઘડી કાઢ્યાં. એવાં સાધનો બનાવ્યાં કે જેમાં નહિવત ખર્ચ અને વિદ્યાર્થીઓ ને મજા પડી જાય. પ્રકાશભાઈએ તૈયાર કારેલાં આ સાધનો જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખૂબ પ્રચલિત બન્યાં. પોતાની શાળા ઉપરાંત બીજી 10 જેટલી શાળાઓમાં સારી સ્થિતિની પ્રાયોગિક લેબના મોડેલ્સ બનાવી આપ્યા છે. (કેશરગંજ,ચુલ્લા,નરસીંહપુરા,થેરાસના,ચોરીવાડ,શારદા હાઈસ્કુલ વગેરે)
વિજ્ઞાનના ગુણવત્તા કાર્ય માટે સાબરકાંઠા જીલ્લાની 100 ઉપરાંત શાળાઓમાં રજાના દિવસોમાં જઈને બાળકો તથા શિક્ષકોને LOW COST NO COST મટેરીયલ્સ દ્વારા પ્રાયોગિક કાર્ય કરતા શીખવ્યુ. ડાયેટ ઇડરમાં પણ અનેકવાર આ પ્રકારનું નિદર્શન કર્યું છે.
વેકેશન દરમિયાન રાજાઓ માણવાનું છોડી આ શિક્ષકે સહયોગ કુષ્ટ યજ્ઞ –રાજેન્દ્રનગર ચોકડી હિંમતનગર ખાતે મોબાઇલ સાયન્સ વાનના તમામ સાધનો કોઈપણ જાતના વળતર વગર વિનામૂલ્યે તૈયાર કરી આપ્યા. હાલમાં બે મોબાઈલ વાન કાર્યરત છે, તદુપરાંત ત્યાં તૈયાર થઇ રહેલ સાયંસ સેન્ટર માટે ૧૫૦ જેટલા ખુબજ મોટા મોડેલ્સ તૈયાર કરી આપ્યા છે.
એસ.એસ.એ ગુજરાત માટે ગણિત વિજ્ઞાનના મોડેલ્સની બેજીક કીટ તૈયાર કરી,જે અપર અને લોઅર પ્રાયમરીની રાજ્યની ૩૬ હજાર શાળાઓમાં એસ.એસ.એ.દ્વારા આપવામાં આવી છે.
પ્રકાશભાઈના શિક્ષણના સેવા યજ્ઞની સૌરભ ચોમેર પ્રસરી. કામ કરવાની એક આગવી કુનેહથી પ્રભાવિત થઈ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની જવાબદારી સોપી. જેના ભાગરૂપે પ્રજ્ઞા અભિગમમાં વર્ષ 2010 થી 2012 સુધી સાબરકાંઠા જીલ્લામાં ડ્રીસ્ટ્રીકટ પેડાગોજી તરીકે ક્વાલીટી માટે કાર્ય કર્યું. જેમાં જીલ્લાની શાળાઓમાં હેન્ડ હોલ્ડીંગ તથા સી.આર.સી., બી.આર.સી અને બી.આર.પી.ને પેડાગોગીની વિવિધ તાલીમ અને મોનીટરીંગનું કામ કર્યું. જિલ્લા કક્ષાની કામગીરી માં આ શિક્ષકે પોતાની કાર્યદક્ષતાનો પરિચય કરાવ્યો.
જિલ્લા કક્ષાની ઉત્તમ કામગીરીની નોંધ લેવાતા સમગ્ર રાજ્યની જવાબદારી પ્રકાશભાઈ ને સોંપવામાં આવી. અને આ જવાબદારી પણ તેઓએ સુપેરે નિભાવી. સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ગાંધીનગર ખાતે ” સ્ટેટ પેડાગોજી કો.ઓર્ડીનેટર “તરીકે પસંદગી થતા ત્યાં ડેપ્યુટેશન પર “ ક્વોલેટી એન્હામેન્ટ સેલ”માં પ્રજ્ઞા અભિગમ માટે વર્ષ 2012 થી 2014 સુધી “સ્ટેટ પેડાગોજી કો.ઓર્ડીનેટર” તરીકે કાર્ય કર્યું.જેમાં રાજ્યની 22000 શાળાઓના લગભગ 25 લાખ બાળકો તથા 55 હજાર જેટલા શિક્ષકોને સીધું હેન્ડહોલ્ડીંગનું કાર્ય કર્યું.
200 ઉપરાંત તાલીમમાં કિ રિસોર્સ પર્સન, રિસોર્સ પર્સન,માસ્ટર ટ્રેનર્સ તરીકે વિજ્ઞાન અને ગણિત, ઇકો કલબ, તરંગ ઉલ્લાસ કાર્યક્રમ,બાલમેલો, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાકન, પ્રશ્નપત્ર નિર્માણ, નવા પાઠ્યપુસ્તકો,પ્રજ્ઞા અભિગમ વગેરે વિષયોમાં કામ કર્યું. ડાયટના માધ્યમથી દર વર્ષે યોજાતા શૈક્ષણિક સંશોધનમાં ભાગ લઇ આજદિન સુધીમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે 17 જેટલા સંશોધન કાર્ય કર્યા છે. જે સમગ્ર રાજ્યમાં શિક્ષક તરીકે સૌથી વધુ છે. ડાયટ ઇડર ખાતે સંશોધન માટેના વર્ગોમાં તજજ્ઞ તરીકે કામ કરી 100 ઉપરાંત શિક્ષકોને સંશોધન કાર્યમાં માર્ગદર્શન કરેલ છે.
આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા યોજાયેલી “ઇન્ટરનેશનલ ઇનોવેટીવ પર્સન વર્કશોપ”માં ભાગ લઇ વિજ્ઞાનને સરળતાથી કેમ શીખવાય તે પેપર રજુ કર્યું. આઈ.આઈ.એમ દ્વારા વિજ્ઞાન માટેના ઇનોવેટીવ કાર્ય માટે “સર રતન તાતા ઇનોવેટીવ ટીચર એવોર્ડ “થી સન્માન થયું.દેશભર ના 200 ઇનોવેટીવ શિક્ષકોમાં સ્થાન મળ્યું. હાલમાં આઈ.આઈ.એમ.અમદાવાદની ઇનોવેશન કાઉન્સિલમાં કોર ટીમ મેમ્બર તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે.
વર્ષ 2004 માં જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર દ્વારા લેવાયેલ વિજ્ઞાન વિષયની એસ.આર.જી. ની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ રહી ધોરણ 5,6,7,8 ના વિજ્ઞાનના પુસ્તકોના લેખક તરીકે કાર્ય કર્યું.
દૂરવર્તી શિક્ષણ,બાયસેગ દ્વારા યોજાતી ઓન એર વિવિધ તાલીમોમાં રાજ્ય સ્તરેથી તજજ્ઞ તરીકે કર્યુઁ છે. પ્રજ્ઞા અભિગમમાં વર્ષ 2010 થી ફાઊન્ડર સભ્ય તરીકે કામ કર્યું છે.જેમાં ગણિત વિષયના ધોરણ ૧ થી ૫ ના લેખનનું કાર્ય .પ્રજ્ઞા સાહિત્ય નિર્માણ,પરામર્શન વગેરેમાં કામ કર્યું. જુદા જુદા વિષયોના 100 જેટલા તાલીમ મોડ્યુલના લેખન તરીકે કાર્ય કર્યું છે.જેમાં ટુ વે મોડ્યુલનો નવો જ વિચાર સામેલ છે. જીવન શિક્ષણ સામયિકમાં 25 જેટલા શૈક્ષણિક લેખો પ્રકાશિત થયા છે.એસ.એસ.એ દ્વારા પ્રકાશિત ‘જ્ઞાન શક્તિ’નું સંપાદક તરીકેનું કાર્ય બે વર્ષ સંભાળ્યું હતું. ‘મારું રમકડું’,’ક્લાસરૂમ ટેકનીક’ વગેરેમાં પણ શૈક્ષણિક લેખો પ્રકાશિત થયા છે. GIET તથા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ માટે પ્રયોગપોથી તથા વિડીયો સ્ક્રીપ્ટ લેખનનું કાર્ય કરેલ છે.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ગણિત વિજ્ઞાન અને પ્રજ્ઞાના વોવિધ સેમિનારમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ તેઓએ કર્યું છે. વર્ષ 2017માં સ્કાય ફાઉન્ડેશન સાથે નેપાળ દેશમાં તેઓએ સાવ સરળ સાધનોથી વિજ્ઞાન કેવી રીતે શીખવાય તે અંગે તાલીમ આપી હતી.આમ દેશના સીમાડા બહાર પણ આ શિક્ષકે કાર્ય કર્યું છે.
પ્રજ્ઞા અભિગમના યુનિસેફ દ્વારા થયેલ સંશોધનમાં ઇગ્નુંસ ટીમ સાથે વર્ષ ૨૦૧૧માં રાજકોટ તથા દિલ્હી ખાતે કામ કર્યું.પ્રથમ ગુજરાત અને એજ્યુકેશન ઈનેશ્યેતીવ(EI) દ્વારા વર્ષ 2014માં યોજાયેલ પ્રજ્ઞા અભિગમ ઉપરના સંશોધન માટે કામ કર્યું છે. હાલમાં એસ.એસ.એ. દ્વારા બની રહેલ કવાલીટી એજયુકેશન માટેના ધોરણ 5,6,7,8 ના ઈ કન્ટેન્ટના કોર ટીમ સભ્ય તરીકે તથા પ્રજ્ઞા અભિગમના ઈ કન્ટેન્ટના પરામર્શક તરીકે કાર્ય કરી રહેલ છે.
આ સેવાવ્રતી શિક્ષકના કાર્યોની કદર રૂપે અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયાં છે. જેમાં વર્ષ 2010 માં પૂજ્ય મોરારીબાપુ દ્વારા ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા. ગત વર્ષે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણમંત્રી શ્રી નીી ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજવામાં આવ્યા. વર્ષ 2018માં ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સાયન્સ એકેડમી દ્વ્રારા તેઓને પ્રો.પી.એ પંડ્યા બેસ્ટ સાયન્સ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રકાશભાઈને વર્ષ 2019માં પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
હાલ વડાલી તાલુકાની કંજેલી શાળામાં ક્વોલીટી એજ્યુકેશન અને એક્ટીવીટી બેજડ લર્નિગનું કામ તેઓ ઉત્સાહ પૂર્વક કરી રહ્યા છે. પ્રકાશભાઈએ ગુજરાત ના શિક્ષકોને એક ઉત્તમ આદર્શ પૂરો પડ્યો છે. અંતરીયાળ વિસ્તારની શાળામાં રહીને પણ રાજ્યની શાળાઓ માટે દીવાદાંડી રૂપ કાર્ય તેઓ કરી રહ્યા છે. પ્રકાશભાઈ ની શિક્ષણ યાત્રા અવિરત ચાલુ છે. વિદ્યાર્થીઓના દિલમાં ધબકતા આ સાંગોપાંગ શિક્ષકના શિક્ષકત્વને વંદન !!
( શિક્ષણસેવા યજ્ઞની ધૂણી ધખાવીને બેઠેલા આવા જ એક વિરલ શિક્ષક વિશે જાણીશું આવતા ગુરુવારે)
પ્રકાશભાઈ સુથાર સંપર્ક નં. : 94273 71794
લેખન : ઈશ્વર પ્રજાપતિ
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)
This comment has been removed by the author.
ReplyDeleteશિક્ષક હંમેશા આદર્શ હોવો જોઈએ અને શિક્ષક માટે હંમેશા કોઈ આદર્શ હોવો જોઇએ
ReplyDeleteશિક્ષકના આદર્શ બની સદાય તેમના જેવાં કામ કરી એમના જેવા શિક્ષક બનવાની પ્રેરણા પુરી પાડનાર પ્રકાશભાઈને વંદન.
વાહ પ્રકાશભાઈ, આપને વંદન....
ReplyDeleteમારા મતે શિક્ષણ પણ એક કલા છે.આપનાર અને લેનાર બંનેને હંમેશાં કંઈક નવું જાણવા મળે છે. પરસ્પર પ્રત્યાયનની આ કલાને પ્રકાશભાઈ જેવા મુઠ્ઠી ઊંચેરા માનવરત્નોએ અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી અજવાળાની દિશા બતાવી છે.પ્રકાશભાઈએ આખરે એમના નામને સાર્થક કર્યું.
કલમના કસબી એવા ઈશ્વરભાઈ આપ પોતે પણ આ કલા સાથે સંકળાયેલા છો એટલે આપને પણ વંદન સાથે અભિનંદન...
Very good
ReplyDeleteપ્રકાશભાઈ ને અભિનંદન. આપની કામગીરી બીજા શિક્ષકો ને પ્રેરણા આપે અને
ReplyDeleteશિક્ષણ જગત માં આવા જ્ઞાન નો પ્રકાશ રેલાવતા ઉધમી શિક્ષકો અને પ્રોત્સાહન આપતા સંચાલકો પ્રાપ્ત થાય તેવી આશા રાખીએ.પ્રદીપ શાહ
આદરણીય શ્રી પ્રકાશભાઈ
ReplyDeleteઆપશ્રી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન