Sunday, June 12, 2022

સન્ડે સ્પેશિયલ - 21

મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો.’- ટેડ 

 


           આવતી કાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અહીં ડૉ. આઈ.કે. વીજળીવાળાના ‘મનનો માળો’ પુસ્તકમાં પ્રગટ કરેલ એક અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી કથા પ્રસ્તુત છે. આંખો અને હૈયું ભીંજવી દેતી આ કથા સૌ શિક્ષકોનાં હ્રદયમાં નવી ચેતના પ્રગટાવશે બસ એ જ હેતુથી કથા શબ્દશઃ અહીં પ્રતુત છે.        

               પરદેશની વાત છે. એક નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ શરૂ થવાને થોડીક વાર હતી. બધાં છોકરાંઓને થોડીક ઇંતેજારી પણ હતી, કારણ કે આજે એમના વર્ગમાં નવાં શિક્ષિકાબહેન આવવાનાં હતાં. આ વરસથી જ એમની નવી નિમણૂક થઈ હતી. ભણીને આવ્યાં પછી એમનો પણ નોકરીનો આ પ્રથમ જ દિવસ હતો. એમના માટે પણ આ નિશાળ અને આ વર્ગનાં બાળકો એટલાં જ નવાં હતાં જેટલાં એ પોતે આ બાળકો માટે નવાં હતાં. વર્ગ શરૂ થવાનો બેલ પડ્યો.

           પાંચમા ધોરણનાં છોકરાંઓ આતુરતાપૂર્વક નવા શિક્ષકની રાહ જોવા લાગ્યાં. એ જ વખતે ખૂબ જ પ્રતિભાશાળી એક સુંદર યુવતીએ વર્ગમાં પ્રવેશ કર્યો. એ હતાં નવાં શિક્ષિકાબહેન. એમનું નામ હતું મિસિસ થોમ્સન. આવતાંવેંત એમણે ક્લાસના છોકરાંઓનું અભિવાદન કર્યું. ત્યાર બાદ સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાએ ઉત્સાહપૂર્વક પોતાનું નામ - સરનામું કહ્યું, પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા વિના બેઠો રહ્યો. એ પોતાનો પરિચય આપવા, પોતાનું નામ કહેવા પણ આગળ ન આવ્યો. એનો દેખાવ સાવ લઘરવઘર હતો. કંઈ કેટલાય દિવસથી નાહ્યો ન હોય તેવું લાગતું હતું. વાળ પણ વીંખરાયેલા. કપડાં પર તો મળી જામી ગયેલી. એ કદાચ ગંધાતો પણ હશે જ, કારણ કે એની બાજુની બેઠક પર કોઈ બેઠું નહોતું અથવા બેસવા રાજી નહોતું. એને જોઈને જ શિક્ષિકાબહેનને સૂગ ચડી ગઈ. ઔપચારિકતા પૂરતું એમણે એનું નામ જાણી લીધું. એ છોકરાનું નામ હતું ટેડ. પરિચયનો સમય પૂરો થયા પછી શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીને કહ્યું કે એ બધાને ખૂબ જ ચાહે છે. પણ સાચું જોતાં તો એમના મનના એકાદ ખૂણામાં ક્યાંક ટેડ પ્રત્યેનો તિરસ્કાર છુપાઈને બેસી ગયો હતો અને એ વાતની એમને પણ જાણ હતી.

          ત્યાર પછી પાંચમા ધોરણના એ ક્લાસમાં ટેડ તો જાણે મશ્કરીનું એક પાત્ર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સન એની મજાક ઉડાવવાનો એક પણ મોકો ચૂકતાં નહીં. શરૂઆતમાં તો એ વર્ગની કસોટીમાં ટેડનું પેપર તપાસતાં પણ ખરાં, પણ એકાદ બે વખત ટેડના શૂન્ય માર્ક આવ્યા પછી એમણે એક નવી રીત અપનાવી હતી. ટેડના પેપરના પહેલા પાને સૌપ્રથમ મિસિસ થોમ્સન એક મોટું લાલ મીંડું મૂકી દેતાં, નાપાસની નિશાની કરી નાખતાં અને ત્યાર પછી જ એના પેપરમાં નજર નાખતાં. આમેય ટેડના અક્ષર એટલા બધા ગડબડિયા થતા કે કોઈ ભાગ્યે જ એ ઉકેલી શકે. પોતાને વારંવાર શૂન્ય માર્ક જ મળતા છતાં ટેડ તો જાણે આ બધી વસ્તુઓ પ્રત્યે કંઈ જ બન્યું ન હોય તેમ વર્તતો. કંઈ પણ પ્રત્યાઘાત આપ્યા વિના એ નીચું જોઈને બેઠો જ રહેતો. આખો ક્લાસ અને મિસિસ થોમ્પ્સન પણ એના શૂન્ય માર્કની ઠેકડી ઉડાવતાં હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો.

        હવે એ નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષક કે શિક્ષિકાએ પોતાના દરેક વિદ્યાર્થીનો આગળના દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો. વખત પ્રિન્સિપાલે મિસિસ થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહેલું કે ટેડ સિવાયના દરેક વિદ્યાર્થીનો રેકોર્ડ એમણે વાંચી લીધો છે. ટેડનો રેકોર્ડ પણ સત્વરે વાંચવાની એમણે તાકીદ કરી ત્યારે એક રવિવારે એમણે ટેડનો પાછળનો રેકોર્ડ હાથમાં લીધો.

          ટેડના પ્રથમ ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે, ટેડ એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર બધાં કરતાં સુંદર અને મોતીના દાણા જેવા થાય છે. આટલો ઉત્સાહી, જીવંત અને વિવેકી છોકરો પ્રથમ કક્ષાના વર્ગમાં બીજો એક પણ નથી . એ કદાચ ભવિષ્યનો કોઈ ખૂબ જ તેજસ્વી સિતારો છે. I wish all the best to him! હું એને એક ઉજ્વળ ભવિષ્ય માટેની અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવું છું ! 'આ વાંચીને મિસિસ થોમ્સનને નવાઈ લાગી, કારણ કે આજના ટેડ સાથે આમાંથી એક પણ શબ્દનો મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું.

         બીજા ધોરણના વર્ગશિક્ષકે નોંધ કરી હતી કે, ટેડ અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે . વર્ગના દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે, પણ પાછલા થોડાક દિવસથી એ થોડોક બેધ્યાન બની ગયો છે એનું કારણ કદાચ એની માતાને છેલ્લા તબક્કાનું કૅન્સર છે એ પણ હોઈ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એના ઘરની આવી પરિસ્થિતિની ખરાબ અસર ટેડ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.. 'આ વાંચ્યા પછી મિસિસ થોમ્સનને એક આઘાત જેવી લાગણી થઈ.

         ત્રીજા ધોરણમાં વર્ગશિક્ષકની નોંધ હતી, માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશાં ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઈક બબડતો હોય છે. ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઈ જ બોલતો નથી . કોઈ સાથે હવે વાત પણ કરતો નથી. ભણવાના સંનિષ્ઠ પ્રયાસો છતાં એ ભણવામાં ધ્યાન નથી આપી શકતો. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું લાગે છે કે એના કુમળા માનસને આવા આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય.. 'આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્સનને પોતાની જાત માટે હવે શરમ આવવા લાગી હતી.

          ચોથા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે, ટેડ કોઈ જ બાબતમાં રસ નથી લેતો, એનું જીવનસત્ત્વ જાણે સાવ હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પણ નથી આવતા અને કોઈ બીજી સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને ઘરમાં મદદ કરવાને કારણે ક્યારેક ક્લાસમાં ઊંઘી પણ જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. કોઈની સાથે એ વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો ભગવાનને હું પ્રાર્થના કરું છું કે એ છોકરાને મદદ કરે'

          બસ ! આટલું વાંચતા જ મિસિસ થોમ્પ્લન ચોધાર આંસુડે રડી પડ્યાં. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર વછૂટ્યો. એક નાનકડા અને નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેટલી ઈજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ તો પોતે પણ જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની કોશિશ આ છ મહિનામાં એમણે ક્યારેય નહોતી કરી. એ ભણવામાં શૂન્ય માર્ક લાવતો હતો એ મોટા લાલ મીંડાથી પોતે સાબિત કર્યું હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની એમણે ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું ખરેખર પોતે એક સાચા શિક્ષકને છાજે એવું કાર્ય કર્યું હતું ખરું ? જરાય નહીં. ઊલટાનું એમણે તો એક વખોડવાલાયક કૃત્ય જ કર્યું હતું. મિસિસ થોમ્સનને પોતાની જાત માટે ધિક્કારની લાગણી થઈ આવી. રવિવારનો બાકીનો દિવસ એમણે રડવામાં જ કાઢ્યો.

         બીજા દિવસનો સોમવાર એ નિશાળમાં નાતાલની રજાઓ પડતાં અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધાં બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો શિરસ્તો હતો. પાંચમા ધોરણનાં બાળકો પણ મિસિસ થોમ્સનને ભેટ આપવા માટે થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો. હળવા પગલે મિસિસ થોમ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પ્રથમ વાર એમણે ટેડ સામે જોઈને સ્મિત કર્યું, પણ ટેડ તો સ્થિતપ્રજ્ઞની માફક કોઈ પણ હાવભાવ વિના જ બેઠો રહ્યો. હસ્યો પણ નહીં.

          ભેટ આપવાનો સમય થતાં બાળકો એક પછી એક એમ પોતાની જગ્યાએથી ઊભાં થઈને આવતાં ગયાં. મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન ! ’ કહી પોતાના હાથમાં રહેલ આકર્ષક રંગીન ચળકતાં કાગળોથી વીંટળાયેલા બૉક્સ મિસિસ થોમ્સનને આપતાં ગયાં. આ બધા દરમિયાન ટેડ માથું ઝુકાવીને બેઠો હતો. બધાં વિદ્યાર્થીઓ પોતાની ભેટ આપીને બેસી ગયા ત્યાર પછી ધીમેથી ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ ખેંચાયો. બધાં છોકરાંઓ એના હાથમાંથી ગંદી કોથળી જોઈને જોરથી હસવા લાગ્યાં. એની મશ્કરી કરવા લાગ્યાં. બંને હાથ વડે કોથળીને સજ્જડ રીતે પકડીને ટેડ ઝડપથી મિસિસ થોમ્સન પાસે પહોંચ્યો. નીચું જોઈને એણે ખચકાતાં ખચકાતાં એ આપવા માટે હાથ લંબાવ્યો.

      ‘મારા વહાલા દીકરા ! ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર !' કહી મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પ્રથમ વખત જ સાચી લાગણીનો સ્પર્શ અનુભવ્યો હશે. એણે પહેલી વાર મિસિસ થોમ્સનની આંખમાં આંખ પરોવીને જોયું, મિસિસ થોમ્સનની આંખમાં પસ્તાવાનાં આંસુની ભીનાશ સ્પષ્ટ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આવા સાચી લાગણીથી ભરેલાસ્પર્શ માટે આભારના હજારો શબ્દો અને સેંકડો વાક્યો લખાઈ ગયાં હતાં. એને બોલી બતાવવાની કોઈ જ જરૂર નહોતી. એ પછી ઝડપથી ચાલીને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.

          મિસિસ થોમ્સને એણે આપેલી કથ્થાઈ કાગળની કોથળી ખોલી. દરિયાને કાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટેડે પોતે જાતે જ એ તૈયાર કરેલો. અમુક છીપલાં તો દોરામાં પરોવાતાં તૂટી પણ ગયાં હતાં. એની સાથે બીજી ભેટ હતી પોણી વપરાઈ ગયેલી પર્ફ્યુમ એ ( અત્તર ) ની બાટલી ! આખો વર્ગ ભેટમાં અપાયેલી આવી ભંગાર વસ્તુઓને જોઈને જોરજોરથી હસવા લાગ્યો, પણ મિસિસ થોમ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઈ ખૂબ જ વહાલ સાથે કહ્યું, ‘ ટેડ દીકરા ! સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી. બીજા બધાએ તો મને સ્ટોર્સમાં તૈયાર મળતી વસ્તુઓ જ આપી છે, પણ તેં તો મારા માટેની ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ? એટલે તારો આભાર સૌથી વધારે માનું છું ! બોલ ! સાચું કહે, તેં મારા માટેની આ ભેટ તારી જાતે છીપલાં પરોવીને તૈયાર કરી છે ને ? ” હકારમાં મસ્તક હલાવીને ટેડ નીચું જોઈ ગયો.

        એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના મુખ્ય દ્વાર નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે, ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્સનની આંખમાં આંસુ આવી ગયાં, પણ એમના દુખતા હૃદયને થોડીક શાતા વળી.

          બીજે દિવસે ટેડ નહાઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા. છ મહિનામાં કદાચ પ્રથમ વખત એણે કપડાં પણ ધોયેલાં પહેર્યાં હતાં. મિસિસ થોમ્સનથી આ ફેરફાર અજાણ્યો નહોતો જ. ત્યાર પછી તો જાણે પાનખરના ઠૂંઠા ઝાડને વાસંતી વાયરો સ્પર્શી ગયો હોય તેમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં. ટેડનાં વખાણ કરવાની એક પણ તક એ જતી ન કરતાં. હવે ટેડ પણ એનો હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યો હતો. નવમાસિક પરીક્ષાઓમાં ટેડ વર્ગમાં છઠ્ઠા નંબરે આવ્યો અને બાર માસિક પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ! વરસ પૂરું થયું એટલે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ ગોઠવાયો ત્યારે ટેડ ખૂબ જ રડ્યો. મિસિસ થોમ્સન પણ એટલું જ રડ્યાં. એ વખતે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો.

       એક વરસ પછી ફરી એક વખત મિસિસ થોમ્સનને ટેડનો પત્ર મળ્યો. એમાં એણે લખ્યું હતું કે હજુ એના માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને ઉત્તમ ટીચર મિસિસ થોમ્સન જ છે અને જિંદગીમાં એ એમને ક્યારેય નહીં ભૂલી શકે ! એ પછી સમય સરકતો ગયો. છ - સાત વરસ પછી તો મિસિસ થોમ્સન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યાં હતાં. એવે વખતે ટેડનો પત્ર ફરી એક વખત આવ્યો. એણે લખ્યું હતું કે, “મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતાં ભણતાં મેં આજે હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારાં વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશાં તમારો ઋણી રહીશ ! આંસુભરી આંખે મિસિસ થોમ્સન કાગળ સામે જોઈ રહ્યાં.

        એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઈ જ સમાચાર એમને ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની પણ એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ પરબીડિયું એમના દ્વાર નીચે એમણે જોયું. આ વખતે..– તમે એ વાક્યથી વધારે વિગત નહોતી - મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો...’ એ વાક્ય થી વધારે વિગત નહોતી  લખી. બસ, હવે ટેડ એમને જલદી મળવા આવશે એવું લખેલું હતું, પણ આ પત્રમાં ટેડની સહી બદલાઈ ગઈ હતી. પત્રને અંતે જ્યાં એ ‘ટેડ' એમ લખતો હતો ત્યાં આ વખતે ‘ડૉક્ટર થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. 'એમ લખેલું હતું. હા! ટેડ ડૉક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્સનની આંખમાંથી ટપકતાં હર્ષનાં આંસુથી ટેડની સહ ભીંજાઈ રહી હતી.

          પત્ર મળ્યાના બે જ દિવસ પછી સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્સનના ઘરની ડોરબેલ વાગી. ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની જોડાજોડ એનો હાથ પકડીને એક ખૂબ જ રૂપાળી યુવતી ઊભી હતી . યુવાને પૂછ્યું, ‘ ઓળખ્યો મને "મિસિસ થોમ્સન હજુ અવઢવમાં હતાં.

         હું ટેડ ! અને આ મારી વાગ્દત્તા ! ' એટલું કહીને ટેડ મિસિસ થોમ્સનનાં પગમાં પડી ગયો. એ પડછંદ ડૉક્ટર ક્યાંય સુધી એમના પગ પકડીને રડતો રહ્યો અને મિસિસ થોમ્સનની હાલત પણ ક્યાં જુદી હતી ? બંને કેટલીયે વાર સુધી રહ્યાં પછી સ્વસ્થ થયાં. ત્રણ દિવસ પછી ટેડનાં લગ્ન હતાં. એ પ્રસંગે મિસિસ થોમ્સનને હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે જ એ આવ્યો હતો. એમની પાસે આવવાનું વચન લઈને જ ટેડ અને તેની ભાવિ પત્નીએ વિદાય લીધી.

       એના ત્રણ દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢિ અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડની માતાએ બેસવાનું હોય ત્યાં ટેડે મિસિસ થોમ્સનને આગ્રહપૂર્વક બેસાડ્યાં. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ તરત જ ઓળખી ગયો. આ એ જ એ હતો જેની પોણી વપરાયેલ બાટલી ટેડે પાંચમા ધોરણમાં નાતાલ વખતે એમને ભેટ આપેલી. ટેડે મિસિસ થોમ્સનને કહ્યું કે, મેમ ! કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ આ એની પોણી બાટલી મારી માતાએ વાપરેલી. બાકીની પા બાટલી મેં તમને આપેલી . આજે એ સ્પ્રે છાંટીને તમે ફક્ત મારી માતાની જગ્યા પર નથી બેઠાં. પણ મને તો લાગે છે કે સાક્ષાત્ મારી માતા તરીકે જ પધાર્યા છો . અને બીજી એક વાત : તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી, મને ડૂમો ભરાઈ આવે છે, પણ ખરા દિલથી કહું છું મિસિસ થોમ્સન કે તમે જ એ વ્યક્તિ છો, જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં પણ કંઈક સત્ત્વ પડેલું છે એ દેખાડવા બદલ અને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ મારામાં જગાવવા બદલ હું હંમેશ માટે તમારો ઋણી બની ગયો છુ.. 'ટૈડ આગળ ન બોલી શક્યો. ભૂતકાળની દારુણ યાદો એની આંખોમાંથી આંસુસ્વરૂપે ટપકી રહી હતી.

          ‘ના બેટા ! એવું નથી.’ મિસિસ થોમ્પ્લન બોલ્યાં, ‘હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઈએ એ તો તું મળ્યો પછી જ સમજાયું. ચોપડાઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈક પણ ભણવાની - ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી હતી. એ માટે હું પણ તારી ઋણી બની ગઈ છું. મને એક શિક્ષકની સાથે એક માણસ પણ બનાવવા માટે તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ ? ” મિસિસ થોમ્સન પણ આગળ કંઈ ન બોલી શક્યાં. ટેડ એમના ચરણમાં નમી પડ્યો. મિસિસ થોમ્સનનો હાથ ટેડને આશીર્વાદ આપવા લંબાયો. એ હાથમાં એમણે પેલું તૂટેલાં શંખલાનું બ્રેસલેટ પહેર્યું હતું...

( મનનો માળો : ડૉ. આઈ.કે. વીજળીવાળા )  

-         ઈશ્વર પ્રજાપતિ

9825142620


8 comments:

  1. વાહ! ખૂબ હૃદયસ્પર્શી કથા....👌

    ReplyDelete
  2. Heart touching story,

    ReplyDelete
  3. હૃદયસ્પર્શી કથા છે

    ReplyDelete
  4. so touchable story

    ReplyDelete
  5. ખુબ સરસ , હ્રુદય સ્પર્શી કહાની

    ReplyDelete
  6. Heartmelt...... Touch the soul

    ReplyDelete