Saturday, June 21, 2025

સન્ડે સ્પેશિયલ

ગુજરાતનો કોઈ સરપંચ વર્ષો પહેલાં પાણીની સમસ્યાના ઉકેલ માટે 'ઈસરો'માં જાય અને પછી જળ ક્રાંતિ કરે એવું બને ? વાત સરપંચ હરદેવસિંહ જાડેજાની...

આજે સમગ્ર ગુજરાતમાં આઠ હજાર જેટલી ગ્રામપંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક સરપંચ ધારે તો ગામમાં કેવાં ચમત્કારિક પરિણામ લાવી શકે એની એક નમૂના રૂપ "પોઝેટીવ સ્ટોરી" આજે આપની સાથે વહેંચવી છે. જાણીતા સમાજ સેવી  પ્રખર પત્રકાર રમેશ તન્નાએ આલેખેલ સરપંચ હરદેવસિંહ જાડેજાની પોઝેટીવ સ્ટોરી અહીં શબ્દશઃ પ્રસ્તુત છે. 

"ગુજરાતમાં ગ્રામ-પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યારે આજે હું આપની સમક્ષ ગુજરાતના એક શ્રેષ્ઠ સરપંચની વાત કરવા માગું છું. એમનું નામ છે  હરદેવસિંહજી જાડેજા. 

વર્ષો પહેલાં હું તેમના ગામમાં રિપોર્ટિંગ કરવા ગયો હતો. તેમનું ગામ છે રાજ સમઢિયાળા. આ ગામ રાજકોટ-ભાવનગર રોડ પર આવેલું છે. હરદેવસિંહજી જાડેજા આ ગામના આજે પણ સરપંચ છે. અત્યારે તેમને 75મું વર્ષ ચાલી રહ્યું છે. અત્યાર સુધી તેઓ ટુકડે-ટુકડે ત્રણેક વખત આ ગામના સરપંચ રહ્યા છે. 

પહેલીવાર સરપંચ બન્યા એ પછી તેમણે રાજ સમઢિયાળા ગામમાં જે ગ્રામ ઉત્થાન, સ્વનિર્ભરતા અને સમૃદ્ધિની જે  ક્રાંતિ કરી હતી તે અત્યંત મહત્ત્વની ક્રાંતિ હતી. ગુજરાતમાં જે જળક્રાંતિ થઈ છે, તેના પાયામાં હરદેવસિંહજી જાડેજા  અને રાજ સમઢિયાળા પણ રહેલાં છે એવું હું કહીશ.

આ ગામના સરપંચ થવાનું તેમનું કોઈ આયોજન નહોતું, પરંતુ સંજોગોવસાત તેમને સરપંચ થવું પડ્યું. સરપંચ થયા પછી તેમણે વિચાર્યું કે હું મારા ગામને કેવી રીતે સુખી કરું? તેમને થયું કે પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે. જો પાણીનું સુખ ઊભું કરી શકાય તો આપોઆપ બીજાં બધાં સુખ વારાફરથી ગામમાં આપશે. વૈજ્ઞાનિક માનસ ધરાવતા હરદેવસિંહજી જાડેજાએ વિચાર કર્યો કે ગામનું અને સીમનું પાણી બહાર વહી જાય છે. જો તેને રોકી લેવામાં આવે તો મોટું કામ થઈ શકે. લાંબો વિચાર કરીને, ચિંતન કરીને  તેઓ અમદાવાદ આવ્યા.   વૈજ્ઞાનિક સંસ્થા ‘ઈસરો’માં ગયા વૈજ્ઞાનિકો અને સંબંધિત અધિકારીઓને મળીને તેમણે વિનંતી કરી કે અમારા ગામમાં પાણીના આંતર પ્રવાહ ક્યાં છે તે જાણવામાં તમે મને મદદ કરો. ઈસરોએ સેટેલાઈટની મદદથી ગામમાં અને ચોતરફ ક્યાં ક્યાં જળના આંતર પ્રવાહો છે  તેની તસવીરો લઈ આપી. લૉકેશન નક્કી કરવામાં આવ્યાં કે કઈ કઈ જગ્યાએ અંદર પાણી છે. એ પછી જુદા જુદા પ્રકારના આડબંધ અને ચેકડેમ વગેરે બનાવવામાં આવ્યા. (યાદ રહે એ વખતે આ પ્રકારના ડેમની શરૂઆત હતી.) ... 

અને ચમત્કાર થયો. આખા સૌરાષ્ટ્રમાં ઘણે ઊંડે પાણી હતું, પરંતુ રાજ સમઢિયાળામાં તમે રાંઢવાની ડૉલ વગર કૂવામાંથી પાણી ભરી શકો એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. આ લેખ લખનાર જ્યારે રિપોર્ટિંગ કરવા માટે આ ગામમાં ગયા ત્યારે તેમણે પોતે રાંઢવા વગરની ડૉલથી પાણી ભર્યું હતું. ગુજરાતમાં અત્યારે જે પાણીનું સુખ છે તેમાં બે બાબતો મહત્ત્વની છે. એક તો હજારોની સંખ્યામાં જે ચેકડેમ થયા તે અને બીજી નર્મદા યોજના. આ બંનેનું મહત્ત્વ છે. ગુજરાતમાં ચેકડેમ પ્રારંભમાં જે બન્યા એમાં આપણે ઘણાં નામો લેવાં જોઈએ, પરંતુ એમાં રાજ સમઢિયાળા અને હરદેવસિંહ જાડેજાનું નામ પણ ચોક્કસ લેવું જ પડે, કારણ કે એ પાયોનિયર છે. 

મને યાદ છે કે એ દિવસોમાં ગુજરાતનાં ગામોમાંથી લોકો રાજ સમઢિયાળા આ બધું જોવા અને સમજવા જતા હતા. અરે, આખા ભારતમાંથી ખેડૂતો આવતા હતા. 

સુરતમાં રહેતા પાટીદાર અગ્રણી મથુરભાઈ સવાણી પોતાની ટીમ સાથે આ ગામમાં આવ્યા.  એ પછી તેમણે પોતાના વતન ખોપાળા ગામમાં મોટી સંખ્યામાં ચેક ડેમો બાંધ્યા અને પછી તો સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ થયું. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે સરકાર અને પ્રજાની ભાગીદારીવાળી એક ખાસ યોજના બની અને આખા ગુજરાતમાં, વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ચેકડેમ થયા અને જળ ક્રાંતિ થઈ.

હવે વાત કરીએ હરદેવસિંહ જાડેજાએ રાજ સમઢિયાળા ગામને કેવી રીતે આદર્શ ગામ બનાવ્યું તેની. 

તેમણે કેટલાક નિયમો કર્યા. જેમ કે વ્યસનમુક્તિ.

ગુટકા, સિગારેટ-બીડી અને દારૂ.. આવાં વ્યસનોને ગામવટો આપી દીધો. ગ્રામજનોએ વ્યસનથી દૂર રહેવાનું. બીજી વાત પર્યાવરણ જાગૃતિની. દરેકે પોતાના ઘરની પાસે ચોક્કસ સંખ્યામાં વૃક્ષો વાવવાનાં અને તેનો ઉછેર કરવાનો. ત્રીજી વાત શિક્ષણની. ગામમાં દરેકે દરેક બાળકને ભણવાનું ફરજિયાત. કોઈ બાળક એમ કહે કે મારે નથી ભણવું તો ના ચાલે. કોઈ માતા-પિતા એવું કહે કે અમારે અમારાં બાળકને નથી ભણાવવું તો પણ ના ચાલે. ગામમાં રહેવું છે તો ભણવું પડશે. શિક્ષણ બધા માટે ફરજિયાત. એની દેખરેખ ગ્રામ પંચાયત કરે. શિક્ષણનું સ્તર પણ એમણે જબરજસ્ત સુધારી દીધું. 

આ ઉપરાંત ગામમાં કોઈ નવરું બેસી ના રહે એટલા માટે એવો નિયમ કરેલો કે પુખ્ત વયની વ્યક્તિ હોય તો તેણે ફરજિયાત કામ કરવાનું જ. નવરા બેઠા નખ્ખોદ વાળે. આપણે મોટાભાગે એવું જોતાં હોઈએ છીએ કે ગામમાં પુરુષો પાનના ગલ્લે, બાંકડા પર કે ચોરે બેઠા ગપાટા ચાલતા હોય. (બીજી બાજુ ગામની સ્ત્રીઓ સવારથી ઊઠીને રાત સુધી સતત અને સખત કામ કરતી હોય) આ ગામમાં એવું નક્કી કરવામાં આવ્યું કે દરેકે દરેક વ્યક્તિએ કામ કરવાનું છે. જેમ કોઈ વ્યક્તિને ગાવાની ઈચ્છા થાય તો ગીત મળી જ રહે, એ જ રીતે જે વ્યક્તિને કામ કરવું છે તેને કામ મળી જ રહે. 

આ ગામમાં એટલી બધી પ્રામાણિકતા કે દુકાનોમાં માલિક ન બેઠો હોય તોય તમે જાતે જ ગલ્લામાં પૈસા મૂકીને નિયત વસ્તુ ખરીદી શકો. રાજ સમઢિયાળામાં ઘણી બધી વિશેષ વાતો સ્થાપિત થઈ. જેમ કે અંધશ્રદ્ધામાં એટલે કે ભૂત, ડાકણ અને ખાસ તો ભૂવામાં નહીં માનવાનું. જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ રાખવાનો. હા, ભગવાનમાં માનવાનું, ભક્તિ કરવાની, પરંતુ નુકસાન કરે તેવી અંધશ્રદ્ધાથી તો ખૂબ જ દૂર રહેવાનું. 

લોકશાહીને પુષ્ટ કરે તેવા પણ ઘણા નિયમો કરવામાં આવ્યા. જેમ કે દરેક વ્યક્તિએ મતદાન ફરજિયાત કરવાનું જ. ગામમાં કોઈએ પ્રદૂષણ નહીં કરવાનું. એટલે કે ફટાકડા નહીં ફોડવાના.

દરેક વ્યક્તિએ નિયમિત રીતે અને સમયસર પંચાયતનાં નિયત બિલ અને મહેસૂલી કરમ ભરી દેવાની. 

કોઈ વિવાદ ઊભો થાય તો પોલીસમાં ફરિયાદ કરતાં પહેલાં લોક અદાલતમાં જવાનું. 

કોઈએ બિનકાયદે જમીનનું દબાણ નહીં કરવાનું. કોઈપણ વૃક્ષને નુકસાન નહીં કરવાનું. વારસદારોએ ફરજિયાત રીતે માતા-પિતાને ખોરાકી ખર્ચા આપવાનો જ. જાહેર મિલકતને નુકસાન નહીં પહોંચાડવાનું. આવું બધુ જ નક્કી કરવામાં આવ્યું અને એનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યું. 

આ બહુ મોટી વાત છે. આપણે ત્યાં નક્કી તો ઘણું કરવામાં આવે છે, નિયમો અને કાયદાઓ તો અપરંપાર છે, પરંતુ એનું પાલન થાય તો જ કામ થાય. આ ગામમાં એનું પાલન થવા લાગ્યું

મને યાદ છે કે હું એ ગામની શાળામાં ગયેલો. એક વિદ્યાર્થીને પૂછેલું કે તને ભણવાની મજા આવે છે?  તો તેણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે મને ખૂબ મજા આવે છે. એ પછી મેં પૂછેલું કે તું મોટો થઈને શું થવા માગે છે તો તેણે જે જવાબ આપેલો એ બહુ રસપ્રદ હતો. તેણે કહ્યું કે હું મોટો થઈને હરદેવસિંહ જાડેજા બનવા માગુ છું. એટલે ગામનાં જે બાળકો હતાં એ ગામના સરપંચને પોતાનો આદર્શ માનવા લાગ્યાં હતાં.

ગામમાં જે બધા નિયમો કરવામાં આવેલા તેનું કોઈ પાલન ના કરે તો દંડની પણ જોગવાઈ હતી.  આમેય ભય બિના પ્રીત નાહીં... તમારે યોગ્ય રીતે શાસન કરવું હોય તો પ્રેમ અને કડકાઈ એ બંનેનો સમન્વય કરવો જ પડે.

મનુભાઈ પંચોળી એવું કહેતા કે જે દિવસે ગ્રામજનો તલાટી કરતાં ગામના શિક્ષકને વધુ મહત્ત્વ આપશે તે દિવસે સાચું ગ્રામસ્વરાજ આવશે. દાદાની એ વાત તો સાચી જ, પણ હું એમ કહીશ જે દિવસે ગામનો સરપંચ જાગૃત થશે, જવાબદાર બનશે, ગ્રામના ઉત્થાનનું તેની પાસે ચોક્કસ વિઝન હશે, તે ખરેખર નિસ્વાર્થભાવે ગામને આગળ લાવવા માગશે તો ચોક્કસ ગામનું ઉત્થાન થશે જ. 

શ્રી હરદેવસિંહજી જાડેજાને હું સલામ કરું કે તેઓ એક આદર્શ સરપંચ બન્યા અને ગામનું ઉત્થાન કર્યું.

ગામડું એ માત્ર ભારતનો જ નહીં, માનવતાનો પણ આત્મા છે. જો આદર્શ સરપંચોની સંખ્યા વધે તો ચોક્કસ ગ્રામ સ્વરાજ સાચા અર્થમાં પ્રસ્થાપિત થાય."

આવી તો અનેક પોઝીટીવ સ્ટોરી થકી  રમેશ તન્નાએ ગુજરાતમાં એક ક્રાંતિ સર્જી છે. ચૂંટણી લડી રહેલા સૌ સરપંચ ઉમેદવારોને આજની  આ પોઝેટીવ સ્ટોરી અર્પણ.

રાજ સમઢિયાળામાં વસતા, ગામના સરપંચ શ્રી હરદેવસિંહજી જાડેજાનો સંપર્ક નંબર 9426911102  છે. 

(સાભાર : પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)


- ઈશ્વર પ્રજાપતિ. 

9825142620

2 comments:

  1. વાહ..... પ્રેરણાદાયી

    ReplyDelete
  2. Very nice 👍 👍

    ReplyDelete