સોમવાર, 4 માર્ચ, 2019

આપણો જિલ્લો, આપણું વતન: અરવલ્લી ભાગ - 5

પ્રાચીન બૌદ્ધ ધામ દેવની મોરી



             શામળાજીથી માત્ર 2 km દૂર અરવલ્લીની ગિરી કંદરાઓની મધ્યમાં, શ્યામ સરોવરને કિનારે આવેલું ખોબા જેવડું ગામ એટલે દેવની મોરી. નાનું અમથું આ ગામ ઐતિહાસિક મહત્તાની દૃષ્ટિએ સમસ્ત વિશ્વ ફલક ઉપર જાણીતું બન્યું છે. વિશ્વભરમાં વસતા બૌદ્ધ અનુયાયીઓ માટે આ ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શુ છે દેવની મોરીનું ઐતિહાસિક મહત્વ??  વિશ્વભરના બૌદ્ધિષ્ઠો અહીં આવવા કેમ આકર્ષાયા છે ??  આવો આજે  દેવની મોરી પ્રદેશની  દિવ્યતા અને ભવ્યતાની પ્રાચીન વિરાસતનો આછેરો પરિચય મેળવીએ.
           ભારત દેશ ઘણા મહાન ધર્મોને જન્મ આપનારી પવિત્ર ભૂમિ છે. હિન્દુ, જૈન , શીખ અને બૌદ્ધ જેવા ધર્મોનું જન્મ સ્થાન ભારત ભૂમિ છે. ઇ.સ. પૂર્વે  563 ની આસપાસના કાળ ખંડ મજન્મેલા ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ભગવાન બુદ્ધને વિષ્ણુના દશાવતાર માંના એક અવતાર માનવામાં આવે છે. ભગવાન બુદ્ધના નિર્વાણ બાદ તેઓના શરીરના અવશેષો ઉપર અલગ અલગ જગ્યાએ પવિત્ર સ્તૂપ બાંધવામાં આવ્યા હતા.  બીજી ત્રીજી શતાબ્દી દરમિયાન સમસ્ત ભારત વર્ષમાં બૌદ્ધ ધર્મ ખૂબ  ફુલ્યો ફાલ્યો હતો.  દેવનામપ્રિય સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી બૌદ્ધ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકાર્યો હતો. અને ચક્રવર્તી રાજા સમ્રાટ અશોકે પરદેશમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. એ સમય દરમ્યાન ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો વિસ્તાર થયો હતો. ચીની મુસાફર હ્યુ એન સંગની નોંધ પ્રમાણે વડનગર બૌદ્ધ ધર્મના 10000 સાધુઓ રહી શકે તેવી વ્યવસ્થા હતી. એ અરસામાં અરવલ્લી જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ બૌદ્ધ ધર્મનો ખુબ સારો પ્રભાવ હતો એના પ્રાચીન અવશેષો દેવની મોરી પાસેથી મળી આવ્યા છે.
             વાત જાણે એમ છે કે દેવની મોરીના પાસે આવેલા  ટેકરાને લોકો "ભોજરાજાનો ટેકરો " અથવા "દેવલાનો ડુંગર"  કહેતા ત્યાંથી અવારનવાર ઢગલાબંધ દેવલા (મૂર્તિઓ) મળી આવતી હતી. આ દેવલાનો ડુંગર કંઈક પ્રાચીન ઇતિહાસ પોતાના ગર્ભમાં છુપાવીને બેઠો હતો.  ઇડર રાજ્ય વખતે 1936 માં શ્રી પંઢરીનાથ ઇનામદાર શિક્ષણ ખાતાના ઉપરી હતા અને પુરાતત્વમાં રસ ધરાવતા હતા. તેઓએ પ્રાચીન અવશેષો ભેગા કરી એ જમાનામાં હિંમતનગર માં મ્યુઝીયમ જેવું બનાવેલું. 
          વડોદરાના રમણલાલ મહેતા અને ઉમાકાન્ત શાહ જેવા જાણીતા પુરાતત્વવિદોને આ ડુંગરના અભ્યાસમાં રસ પડ્યો. 1960 ની આસપાસ ના સમયગાળામાં અહીં મેશ્વો નદી પર શ્યામ સરોવર બાંધવાની  યોજના આકાર લઈ રહી હતી. શ્રી જીવરાજભાઈ મહેતા એ ખાતાના પ્રધાન હતા. ઇતિહાસના અભ્યાસુઓ અને જિલ્લાના આગેવાનો પ્રધાનને મળીને વિનંતી કરી કે આ ભૂ-ભાગ શ્યામ સરોવરમાં ડૂબી જાય એ પહેલાં એકવાર ખોદકામ કરાવવામાં આવે તો ઘણા પ્રાચીન રહસ્યો ઉજાગર થાય એમ છે . તેઓએ વાતને સ્વીકારી અને ખોદકામ માટે હુકમ કર્યો.
           પુરાતત્વ વિદોનું અનુમાન સાચું પડ્યું. થોડું ખોદકામ કરતાં અહીંથી ભગવાન બુદ્ધના અવશેષો પર બંધાયેલ 85 ઇંચ નો પવિત્ર સ્તૂપ મળી આવ્યો. તેમાંથી બુદ્ધના શારીરિક અવશેષો વાળો બ્રાહ્મી લિપિમાં લખાયેલ દાબડો પણ મળી આવ્યો. બીજા એક દાબડા પર સંસ્કૃત ભાષામાં લખેલું હતું કે " આ બાંધકામની ડિઝાઇન અગ્નિવર્મા સુંદર્શને તૈયાર કરી હતી અને તેનું બાંધકામ રુદ્રસેન નામના રાજાએ કર્યું હતું. એ સ્તૂપની આજુ બાજુ બૌદ્ધ સાધુઓને રહેવા માટેની 36 રૂમો હતી. અહીં થી પકવેલી માટીની બુદ્ધ ની મૂર્તિઓ પણ મળી આવી. આ અવશેષો આજે શામળાજી તેમજ વડોદરાના મ્યુઝિયમ માં સાચવી રાખવામાં આવ્યા છે.

                   બે હજાર વર્ષ પૂર્વે અહીં સ્તૂપનું નિર્માણ થયું  બૌદ્ધ સાધુઓ માટે વિહાર થયો. તો એ કાળ માં આ પ્રદેશનું કેટલું મહત્વ હશે !! આટલા બધા સાધુઓ અહીં રહે તો નજીક માં જરૂર કોઈ શહેર વસતુ  હોવું જોઈએ. એ હિસાબે શામળાજી તળ માં ખોદકામ કરતાં ઈસુની પહેલી સદી નું કિલ્લાબંધી નગર હોવાના પુરાવા સાંપડ્યા. એ નગર પર બે હજાર વર્ષ માં બાર થર ચડી ગયાં હતાં . રાજસ્થાન થી ખંભાત કે ભરૂચ બંદરે  જવાના રાજમાર્ગ પર આ ગામ હતું.  ખોદકામ દરમિયાન મળેલા અવશેષો એ બતાવે છે કે અહીં પશ્ચિમ ના દેશોમાંથી વેપારીઓના કાફલા આવતા. આજથી બે હજાર વર્ષ પહેલાં આ પ્રદેશને મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા તથા દક્ષિણ યુરોપના દેશો સાથે વેપાર વણજનો સંબંધ હતો.
            સંશોધન દરમિયાન મળી આવેલ અવશેષો પર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે એ સમયનું બાંધકામ વિજ્ઞાન કેટલું પ્રગતિશીલ અને મહાન હશે!!
બે વર્ષ પહેલાં બૌદ્ધિષ્ઠ સપ્તાહની ઉજવણીનું આયીજન આ સ્થાને થયું હતું. જેમાં વિશ્વના જુદા જુદા દેશો માંથી 300 જેટલા બૌદ્ધ સાધુઓએ ભાગ લીધો હતો.
         બૌદ્ધ ધર્મએ પહેલો એવો ધર્મ છે જેના બીજ  ભારતમાં વવાયા અને આજે સમસ્ત વિશ્વમાં વિસ્તાર પામ્યા છે.  ભુતકાળમાં ભારતનો મોટાભાગનો પ્રદેશ બૌદ્ધ ધર્મના પ્રભાવમાં હતું. એમ છતાં કોઈ પણ કારણોસર આજે ભારતની વસ્તીના 2-3 % લોકો બૌદ્ધ ધર્મી જોવા મળે છે.  વિશ્વમાં  બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા સ્થાને આવે છે. જાપાન દેશના 95 % , ચીન દેશના 91 %, થાઈલેન્ડ,  કંબોડીયા, તાઇવાન, વિયેતનામ જેવા દેશોમાં 90 % ઉપરાંત લોકો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે.  આખા વિશ્વની બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ની જનસંખ્યા 1.8 અરબ કરતા પણ અધિક છે. વિશ્વના 18 ઉપરાંત દેશોમાં બૌદ્ધ ધર્મીઓ બહુમતી ધરાવે છે.
દેવની મોરીનું પ્રાચીન  મહતા જોતા 2013 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાપાન ના સહયોગથી દેવની મોરી ને બૌદ્ધ ધામ તરીકે વિકસાવવા 1000 કરોડ ની ફાળવણી કરી છે. અહીં 351 ફૂટ નો બૌદ્ધ સ્તંભ નું નિર્માણ ઠાનાર છે એ ઉપરાંત 151 ફૂટની ભગવાન બુદ્ધની પ્રતિમાનું પણ નિર્માણ થનાર છે.


            દેવની મોરી બૌદ્ધ સ્થાન તરીકે વિકાસ થવાથી સમસ્ત અરવલ્લી જિલ્લાને વિશ્વ ફલક પર એક નવી ઓળખ મળશે. સ્થાનિક આદિવાસીઓ લોકો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. દેશ દુનિયાના લોકો માટે આપણો જિલ્લો, આપણું વતન  અરવલ્લી આકર્ષણનું કેન્દ્ર બનશે.

( ક્રમશઃ  વધુ આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
(સંદર્ભ :"મારુ ગામ મોડાસા" લેખક ; રમણલાલ સોની)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

2 ટિપ્પણીઓ:

Popular Posts