Sunday, March 3, 2019

My View : ધી સ્ટેટ્સમેન By Devendra Patel

My View :  ધી સ્ટેટ્સમેન

લેખક: પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ 

 

                     આજે સમસ્ત વિશ્વની નજર ભારતના નેતૃત્વ પર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કઠોર નિર્ણય લેવામાં જરા પણ ખચકાટ  અનુભવતા નથી. જેઓના નિડર નેતૃત્વને કારણે દુશ્મન દેશોની  છાવણીઓ ભયથી થરથરી ઊઠી છે. ભલે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો તમામ યશ સેનાના જવાનોને આપીએ પરંતુ જવાનોને free hand  માટેની સ્વતંત્રતા આપવાનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો જ રહ્યો. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને સમજવા મે વાંચેલા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ લિખિત  ધી સ્ટેટ્સમેન પુસ્તકનું REVIEW આપને જરુર ગમશે.

               જાણીતા કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટના શબ્દોમાં કહું તો “પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખરા અર્થમાં શબ્દના સાધક છે. એમણે પોતાની જિંદગી શબ્દોને સમર્પિત કરી છે. પત્રકારત્વ અને લેખન વિશ્વમાં આવું વ્યક્તિત્વ 'કભી કભી' જ જોવા મળે છે. બહુ ઓછા લેખકો એવા હોય છે જેની દરેક વિષય પર હથોટી હોય. દેવેન્દ્ર પટેલ પાસે આવો હુન્નર છે. તેઓની લેખનશૈલી એટલી રસાળ હોય છે કે એક વખત એમનું લેખન વાંચવાનું શરૂ કરે પછી પુરુ કર્યા વગર છોડી શકતો નથી”
               પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ લિખિત ધી સ્ટેટ્સમેન પુસ્તક પણ રસાળ શૈલીમાં લખાયેલુ રસપ્રદ પુસ્તક છે. આ પુસ્તક શ્રી નરેન્દ્ર મોદીનું જીવન વૃતાંત નથી પરંતુ તેમના વ્યક્તિત્વને 'લાર્જર ધેન લાઈફ' બનાવવા માટે કયા પરિબળો અને કયા કયા વ્યક્તિઓએ ભૂમિકા ભજવી એનું અત્યંત  રસાળ આલેખન છે.
             શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ 1950ની 17મી સપ્ટેમ્બરે વડનગરના સામાન્ય પરિવારમાં, એક સામાન્ય મકાનમાં  થયો હતો. જ્યાં સુવા, બેસવા, જમવા એક જ ઓરડો હતો. ખૂણામાં એક પાણીનું માટલું અને એક ચોકડી હતી. જ્યાં તેઓ આડે એક કપડું બાંધીને નાહવા માટે વાપરતા. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા એક વ્યક્તિની વડનગર થી વડાપ્રધાન સુધીની સફરની થ્રિલ તો આ પુસ્તકમાં છે જ પણ સાથોસાથ 'મેકિંગ ઓફ નરેન્દ્ર મોદી'ની સાહજિક ગૂંથણી છે.
કુલ 44 પ્રકરણ અને 255 પેજ ધરાવતું દળદાર પુસ્તક છે. 'સંદેશ'  દૈનિકપત્રના તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલ આ પુસ્તકની પ્રસ્તાવના લખી દેવેન્દ્ર પટેલની સંશોધનાત્મક શબ્દ સાધનાને શબ્દપુષ્પોથી પોંખે છે.
         વિશ્વની વિરલ વિભૂતિઓના ઊર્જાવાન શબ્દ ચેતનાથી દરેક પ્રકરણની શરૂઆત થાય છે.  ટૂંકું પણ ચોટદાર quotes વાચકના મનને #Spark  કરી જાય છે. 
            પુસ્તકના પાના નંબર 173 ફકરા નંબર 2 લાઈન નંબર 14માં લેખક નોંધે છે કે "તેઓ શ્રી નરેન્દ્ર મોદીની બધી  જ નીતિઓ અને કાર્યશૈલીના સમર્થક નથી". એમ છતાં વ્યક્તિત્વના તમામ પરિમાણોનું મનોવૈજ્ઞાનિક સંશોધનાત્મક અને તુલનાત્મક ઊંડો અભ્યાસ કરી સુંદર આલેખન કર્યું છે.
             છેલ્લા દાયકાઓમાં નરેન્દ્ર મોદી સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે. અનેક અવરોધો અને વિરોધાભાસ વચ્ચે પણ તેઓનું વ્યક્તિત્વ ઉત્તરોતર વધતું જ રહ્યું છે તે એક નકર  હકીકત છે. વિરોધીઓ એ પણ આ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.  
                 રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સામાન્ય કાર્યકર તરીકે સમસ્ત ભારતનું ભ્રમણ તેઓએ કર્યું છે. ભારતના ભૃપૃષ્ઠ અને ભૂગોળથી તેઓ સુવિદિત છે.  રાજકારણમાં તેમના પ્રવેશ, આરંભકાળથી જ અનેક  વિરોધ વચ્ચે તેઓએ હરીફોની હંફાવી હંમેશા આગેકૂચ કરી છે. હરીફોએ તેમના માર્ગમાં પથ્થર નાખ્યા તો તેઓએ તે જ પથ્થરના પગથિયા બનાવી આગેકૂચ કરતા રહ્યા છે. કુટીલ રાજનીતિજ્ઞ તરીકે ચાણક્ય જેવી ઉભી કરેલી પોતાની પ્રતિભાનો રાજકીય, સામાજિક અને મનોવિજ્ઞાનિક રોચક વિવરણ આ પુસ્તકમાં છે.
               2002 ના રમખાણોએ વિશ્વભરમાં ગુજરાતની ગરિમાને કલંક પહોચાડ્યુ. કેટલાક લોકોએ આ રમખાણો માટે શ્રી  નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા. વિશ્વભરના અખબારોએ ભદ્ર ભાષામાં લખી બોલી શકાય તેવી તમામ ગાળો શ્રી  નરેન્દ્ર મોદીને આપી. હિટલર અને મોનસ્ટર જેવા તમામ ઉપનામ આપ્યાં. કેટલાંક અંગ્રેજી અખબારોએ રમખાણોના મૃત્યુ આંક ને 'મોદી મીટર' નામ આપી છપ્યા. આ તમામ વિરોધના વંટોળ વચ્ચે એક પ્રખર  લીડર તરીકે તેઓ ઉપસી આવ્યા. કહેવાય છે કે સૌથી વધુ ટીકા થાય છે તે જ સૌથી શક્તિશાળી બને છે. ખલનાયકોએ જ વિશ્વમાં નાયકો પેદા કર્યા છે. 
રાજનીતિની શતરંજ ની રમતના માહેર ખેલાડી સાબીત થયા. એવી સૉંગઠીઓ ગોઠવી કે CM  માંથી PM  બનતા કોઈ રોકી ન શક્યું.
                   આજે શ્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય  રાજનીતિમાં પણ મેદાન મારી ગયા છે. નોટ બંધી અને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા એક્શન લેનારા લીડર સાબિત થયા. બાળપણમાં પિતાની ચાની કીટલી ઉપર ચા વેચતા એક બાળકની વામન થી વિરાટ થવા સુધીની રોચક સફરની  શબ્દયાત્રા આ પુસ્તક થકી કરી શકાય છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સામાન્ય પાયાના કાર્યકર માંથી વડાપ્રધાન બનેલા શ્રી નરેન્દ્ર મોદીનો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ જ વિકલ્પ નથી તે નક્કર સત્ય છે.
આ પુસ્તકમાં આ બધી જ વાતોની તલસ્પર્શી છણાવટ કરવામાં આવી છે.
            પોતાની જ ભૂલોમાંથી શીખવા માટે જિંદગી ઘણી ટૂંકી પડે. માટે સફળ અને નિષ્ફળ લોકોના જીવનચરિત્રો વાંચવા એ મારો શોખ રહ્યો છે. વિસ્ટન ચર્ચીલ ને પણ વાંચવા ગમે હિટલરની માનસિક સ્થિતિનો અભ્યાસ કરવો એટલો જ ગમે. વિરોધ વિચારનો હોઈ શકે વ્યક્તિનો નહીં. 
          આ પુસ્તક ના લેખક પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલ સરળ છે સાહજિક છે. લેખન માટે ખૂબ રિસર્ચ કરે છે,  ખૂબ અભ્યાસ કરે પણ છે એટલે જ શ્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતી વખતે આ કથા પણ એટલી જ રસાળ બની રહે છે. નરેન્દ્ર મોદીના પ્રસંશકોની સાથે સાથે દરેક વાતે મોદીનો વિરોધ કરતા વિરોધીઓએ પણ્ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના મનોવૈગ્નાનિક અભ્યાસ માટે  આ પુસ્તક વાંચવું જ રહ્યુ. 
પ્રાપ્તિસ્થાન: નવભારત સાહિત્ય મંદિર જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ. (079)2213925



લેખન : ઈશ્વર પ્રજાપતિ  

આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)


No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts