મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2019

આપણો જિલ્લો, આપણું વતન. અરવલ્લી ભાગ - ૧


અરવલ્લીની ગિરીકંદરાઓની સફરે 






          ગિરીકંદરાઓ, નદીઓ, સરોવરો, વનરાજીઓ અને બીજી અનેક પ્રાકૃતિક સંપદાઓથી સમૃદ્ધ પ્રદેશ એટલે અરવલ્લી જિલ્લો.અહીં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. અહીંની ધરા સાચા અર્થમાં સુજલામ સુફલામ છે. અરવલ્લીની ગિરી કંદરાઓની ગોદમાં અવિરત આશીર્વાદ વરસાવતો ભગવાન શામળિયો બિરાજે છે. શામલાજીનું પૌરાણિક મંદિર અરવલ્લીનું હૃદય સમાન છે. સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે અરવલ્લીની આ કંદરાઓમાં વિચરણ કર્યાના પુરાવાઓ દેવની મોરી પાસેથી સાંપડ્યા છે.

               અહીંની ધરા તો ફળદ્રુપ ખરી જ પરંતુ અહીંના માનવીઓના હૃદય પણ એટલાં જ ફળદ્રુપ. સંવેદનાની સરવાણીથી ભરપૂર અહીંનો માણસ મોજીલો પણ છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હોય એમ છતાં તેણે કોઈ અમસ્તું જ પૂછે.  "ચ્યમ સો? હુઁ ચાલ ?"તો મસ્તીથી જવાબ આપે " બસ શોન્તિ સ. એ... લે'ર સ!"

                અરવલ્લીના આ પ્રદેશની ધરોહરની વાત આજે માંડવી છે. ઇતિહાસની સંસ્કૃતિક વિરાસતની વાત માંડવી છે. અરવલ્લીના તીર્થોની, નદીઓની , સરોવરોની, ઝરણાઓની, કૂવા- વાવ- તળાવોની, ભવ્ય વારસાની, ઉત્સવોની  પ્રાકૃતિક સંપદાઓની, ગિરીકંદરા ઓની અને અહીંના મોજીલા માનવોની વાત માંડવી છે. 
                અરવલ્લી જિલ્લા નો ઇતિહાસ આમતો કંઈ બહુ પુરાણો નથી. હજી એક  દશકો પણ વીત્યો નથી. 14 ઓગષ્ટ 2013 ના રોજ એ સમય ના ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ જિલ્લા ની સત્તાવાર જાહેરાત કરી. એ પહેલાં અરવલ્લી જિલ્લો સાબરકાંઠા નો એક ભાગ હતો . અને એથીય પહેલા બ્રિટિશ શાસન દરમિયાન આ પ્રદેશ મહીકાંઠા વિસ્તારનો એક ભાગ હતો. સુચારુ વહીવટના ભાગરૂપે જિલ્લાના વિભાજન થતાં રહ્યાં. પરિણામે 2013 માં 7 જિલ્લાના વિભાજનનો નિર્ણય લેવાયો. એ પહેલાં ગુજરાતના 26 જિલ્લાઓ હતા. વિભાજન થતા 33 જિલ્લાઓ અમલમાં આવ્યા. અને એના જ ભાગરૂપે 29 માં નવીન જિલ્લા તરીકે રવલ્લીનું  વિભાજન થયું.

        સાબરકાંઠા થી વિભાજિત થયેલ આ  જીલ્લા નું નામ અરવલ્લી રાખવામાં આવ્યું. આ જિલ્લા નું નામ  અરવલ્લી જ કેમ રાખવામાં આવ્યું ? એ જાણવા માટે આવો અરવલ્લીની પર્વત માળાની એક સફર કરીએ..
                અરવલ્લી પર્વતમાળા ભારતની પ્રાચીનતમ પર્વતમાળા માની એક છે.અરવલ્લી મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે અરા+વલી અર્થાત  line of peaks  શીખરોની ચોટીની રેખા.
               ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ ચાર રાજયો માં આ પર્વતમાળા પાથરેલી છે. અરવલ્લી ગિરિમાળા ની કુલ  લંબાઈ 692 km છે. આ ગિરિમાળા નો 80℅ ભાગ રાજસ્થાન રાજ્યમાં પથરાયેલ છે. આ પર્વત માળા રાજસ્થાન ને બે ભાગમાં વહેંચે છે. જેના પશ્ચિમ ભાગ મારવાડ અને પૂર્વ ભાગ મેવાડ તરીકે ઓળખાય છે. 
                 ગુજરાત , રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી તરફ જતાં આ પર્વત માળાની ઊંચાઈ ક્રમશઃ ઘટતી જાય છે. ઘટતાં ઘટતાં દિલ્હી જતાં આ પર્વત માળા મેદાન સ્વરૂપમાં પરિણામે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે દિલ્હી ખાતે રાયસીના હિલ્સ આપણું રાષ્ટ્રપતિ ભવન આવેલું છે એ રાયસીના હિલ્સ એ અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે.
                  આ પર્વત માળા ના ક્ષત્રમાં અનેક દર્શનીય સ્થળો વિકાસ પામ્યા છે. ચોમાસા દરમ્યાન જ્યારે આ પર્વતમાળા લીલી ચૂંદડી ઓઢે છે ત્યારે તો મનોરમ્ય દૃશ્યો સર્જાય છે. માઉન્ટ આબુ, કુંભલગઢ અને રણક પુરના જૈન મંદિરો વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. માઉન્ટ આબુ માં આવેલું ગુરુશીખર અરવલ્લી પર્વત માળા નું સૌથી ઊંચું શિખર છે. જેની ઊંચાઈ આશરે 1722 મીટર (5653 ફીટ) જેટલી છે.  દેશ વિદેશ થી સહેલાણીઓ આ પ્રકૃતિના અદ્દભૂત નઝારાને માણવા લાખ્ખો ની સંખ્યામાં ઉમટે છે. 

                    આ પર્વતમાળા સાબરમતી, બનાસ, સાખી અને લુણી જેવી નદીઓનું ઉદગમસ્થાન છે. તાંબુ, સિસુ, જસત જેવા ખનીજો અહીં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે.
            અરવલ્લીની આ ગિરિમાળા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામે ઓળખાય છે. ઉદયપુરમાં જગ્ગા પર્વત, અલવારમાં હર્ષનાથ પર્વત, અને દિલ્હીમાં દિલ્હી ની પર્વતમાળા ના નામે ઓળખાય છે. આ પર્વત ની સરેરાશ ઊંચાઈ 920 મીટર છે. 
                આ પર્વત માળા ની પશ્ચિમેં થારનો રણપ્રદેશ આવેલ છે. આ પર્વતમાળાને કારણે રણ પ્રદેશ આગળ વધતાં અટકે છે.
             અરવલ્લી જિલ્લા માં આ પર્વતમાળા દાંતાથી લઈ શામળાજી સુધી પથરાયેલી છે. આ પર્વતમાળા જિલ્લા બે અનુપમ સૌંદર્ય બક્ષે છે. 

             ભારતની આવી પ્રાચીનતમ પર્વત માળા આ પ્રદેશ ને વીંટળાઈ ને પથરાયેલી છે. અને તેથી નવ નિર્મિત આ જિલ્લાનું નામકરણ "અરવલ્લી" નામે કરવામાં આવ્યું. જે નામ સૌ જિલ્લા વાસીઓ માટે ગૌરવ સમાન છે. 

(ક્રમશઃ )

--#ઈશ્વર_પ્રજાપતિ
98251 42620

7 ટિપ્પણીઓ:

Popular Posts