મન હજી માનવા તૈયાર નથી કે દુખીયારાંના બેલી
અને વંચિતોના વાણોતર પ્રકાશભાઈ કે. શાહ સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી.
પરમ આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબની ચિર વિદાયના
સમાચાર જાણી હૃદય જાણે ધબકાર ચુકી ગયું. હજી હમણાં મેં મહિનામાં તો તેઓ અમેરિકાથી
ભારત આવ્યા હતા ત્યારે કેટલી લાંબી મુલાકાતો અને કેટકેટલા સંવાદો થયેલા. પ્રેમ
નીતરતા તેમના મધુર શબ્દો હજી કાનમાં ગૂંજ છે. મન હજી માનવા તૈયાર નથી કે પ્રકાશભાઈ
આપણી વચ્ચે નથી.
અરવલ્લીથી માંડી અમેરિકા એક સાથે ગૌરવ લઈ શકે એવું એક ગૌરવંતુ નામ એટલે પ્રકાશ શાહ.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા હોય કે વર્તમાન પ્રમુખ ટ્રમ્પ હોય તેઓ માટે
પણ પ્રકાશ શાહનું માર્ગદર્શ ઉપકાર થઈ પડે. ભારત હોય કે અમેરિકા બંને દેશોના સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ એમ સર્વે પક્ષો જેમના એક એક શબ્દનો આદર કરવામાં ગૌરવ અનુભવે, એવી આ
વિરલ વિભૂતિ અરવલ્લી જીલ્લાના ગાબટ ગામની વતની !
છેલ્લા સ્વાસ સુધી માતૃભુમીને છાતી ફાડીને અપ્રતિમ પ્રેમ કરતા રહ્યા.
પ્રકાશ
શાહ નામ સાંભળતાં જ સેકડો જરૂરીયાતમંદ,
ગરીબ અને નિસહાય સેકડો લોકોના મુખ પર એક અલૌકિક સ્મિત ઉભરી આવે. પરંતુ પ્રકાશભાઈની
આમ અણધારી વિદાયથી કેટકેટલાય પરિવારોએ જાણે પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો હોય એવી
લાગણી અનુભવી રહ્યા છે. અન્ખોમાંથી આંસુ સુકાવાનું નામ લેતાં નથી.
આ આધુનિક ઋષિ પુરુષના નામથી બહુ ઓછા લોકો પરિચિત છે. કારણ કે આ પુરુષે નામને નહિ કામને જ મહત્ત્વ
આપ્યું છે. અમેરિકા રહીને પણ માતૃભુમીના વિકાસ માટે તેમના હૃદયમાં અહર્નિશ મનોમંથન
ચાલ્યા જ કરે. તેઓ સાડા ચાર દાયકાથી અમેરિકા સ્થાઈ થયા હતા. એમ છતાં ભોગવાદી
જીવનશૈલી તેમના પરિવારના સંસ્કારોને સ્પર્શી શકી
નહતી.. તેમનું હૈયું ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોથી હમેશા રંગાયેલું રહ્યું.
પ્રકાશ
શાહ એ કે. કે. શાહના સુપુત્ર છે. કે. કે. શાહ એટલે
વડોદરાના મહારાજના સલાહકાર, પૂર્વ કેન્દ્રીય કેબીનેટ
મીનીસ્ટર અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ હતા..
તેમના નેતૃત્વએ દેશને નવી દિશા આપી. દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદારની સાથે
અડીખમ ઊભા રહ્યા. શ્રી કે. કે. શાહની ચીર વિદાયને આજે દાયકાઓ થઇ ગયા એમાં છતાં
તેઓએ કરેલા સેવા કાર્યોની મહેંક આજે પણ બરકરાર છે. નાનકડા બીજમાંથી આજે વટવૃક્ષ બનેલી વાત્રક હોસ્પિટલ કે.કે. શાહની
દૂરંદેશીનું પરિણામ છે.
પિતાના
પગલે પ્રકાશ શાહે પણ અમેરિકામાં રહીને પણ માતૃભૂમિની સેવાની આહલેક જગાવી. પિતાએ
વારસામાં આપેલો વતનપ્રેમ તેઓએ હૃદયમાં સાચવી રાખ્યો. પિતાની જેમ તેઓ પણ ગાંધી
વિચારને જીવનમાં વણી લીધો. તેમનો
એક પગ અમેરિકા અને બીજો પણ ઇન્ડીયામાં રહેતો હતો.. અવાર નવાર વતનની મુલાકાત લેતા
રહેતા.. માતૃભૂમિની જરૂરીયાતો જાણે અને તેની પૂરી કરવા તન, મન,
ધનથી સેવા અર્પણ કરતા રહેતા. વાત્રક નદીને કાંઠે શ્રી કે.કે.શાહ
ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં કાર્યરત છે. સાથે સાથે આ
આશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકતો રહે છે.
પ્રકાશભાઈના
પિતા એ જમાનામાં કેન્દ્રીય મીનીસ્ટર હતા, રાજ્યપાલ હતા અને એક પ્રતિષ્ઠિત વકીલ પણ હતા. એ સમયે તેમની વકીલાતની
મહીનાની પ્રેક્ટીસ પાંચ લાખ હતી. સમૃદ્ધિની છોળો વચ્ચે રાજવી ઠાઠમાઠથી પ્રકાશભાઈનો
ઉછેર થયો હતો. તેમના પરિવારમાં માત્ર ચાર જ
વ્યક્તિ હતા અને બસો જેટલા નોકર-ચાકર
તેમની સેવામાં ખડેપગે તૈયાર રહેતા. આ સુખ સાહ્યબી વચ્ચે પણ પોતાની કેડી આપબળે
કંડારવાનું નક્કી કર્યું. એક સમયે ઘર છોડી અમરિકા પહોંચી ગયા.. અને અમેરિકા જઈ સુખ
સાહેબીથી દૂર સનેક સંઘર્ષો વેઠી જાત મહેનતે પોતાનું
એમ્પાયર ખડું કરી દીધું. તેમના જીવનની સંઘર્ષ કથા કોઈ ફિલ્મી પટકથાથી જરાય ઉતરતી
નથી.
રાજ્યપાલનો
દીકરા હતા એટલે ભારતમાં રાજકુમારની જેમ
જીવન પસાર થયું હતું. પરંતુ
અમેરિકા આવ્યા પછી સંઘર્ષના દિવસો શરૂ થયા. અહિ રહેવા – જમવાના કોઈ ઠેકાણા નહિ.
નાની નાની નોકરીથી શરૂઆત કરી. રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે પણ કામ કર્યું. ત્યાં જમવાનું મળી રહેતું. અને ત્યાં જ સુઈ જતા.. કોઈ ટીપ આપે
તો ખુશ થઈ જતા.. જેનાથી મારા બીજા ખર્ચા નીકળતા. એટલે જ આજે કોઈ હોટેલમાં જમવા
જવાનું થાય તો ટીપમાં મોટી રકમ અચૂક આપતા..
આખો
દિવસ નોકરી કરવાની અને રાત્રે કોલેજ જઈ અભ્યાસ કરવાનો ચાલુ રાખ્યો હતો. ચાર્ટર્ડ
એકાઉન્ટમાં તેઓ ફેઈલ થયા.. તેર વર્ષની પણ સખત મહેનત પછી 1988 કરી ચાર્ટર્ડ
એકાઉન્ટની પરીક્ષા પાસ કરી. CPAનું લાઈસન્સ પ્રાપ્ત કર્યું. સખત મહેનત કરીએ તો નસીબ પણ યારી આપે છે. લાયસન્સ
મળ્યા પછી જાણે ભાગ્યના દ્વાર ખુલી ગયા. સ્ટીવન, સ્લોન અને
શાહ CPA જૂથની
સ્થાપના કરી. દાયકાઓ સુધી સેવાઓ આપી છે. જેના કારણે નામ અને દામ બંને મળ્યા.
પ્રકાશભાઈ
કહેતા કે “ગરીબીમાં અમીરી છે. જે માણસના
જીવનમાં સંઘર્ષ જ નથી આવ્યો એ ખુબ બદનસીબ વ્યક્તિ છે. સંઘર્ષમાં જ વ્યક્તિની
આંતરિક શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે છે. ભગવાન સિવાય તમારો ગોડ ફાધર છે જ નહિ. સખત
પુરુષાર્થ કરો. નિષ્ઠા પૂર્વક મહેનત કરો એનું વળતર ભગવાન આપશે. વ્યસનથી દૂર રહો
અને ઘરની લક્ષ્મી પર ત્રાસ ગુજારો નહિ. દરિદ્ર નારાયણની સેવા કરો. સફળતાનો આ જ
મંત્ર છે.”
પ્રકાશભાઈ
અવાર નવાર વાત્રક આવતા.. જરૂરિયાતમંદ લોકોને રૂબરૂ મળતા’. તેમની જરૂરિયાતો જાણે
અને શક્ય એટલી તમામ મદદ પહોચાડે. સેંકડો દરિદ્રનારાયણનું જીવન પરિવર્તિત
કરવામાં પ્રકાશભાઇ શાહ સાહેબ મન મૂકીને વરસ્યા છે. કોઈની દીકરીનું લગ્ન હોય, સંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, કોઈ માટે નવીન ઘર લેવાનું હોય, આકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય આવી અનેક રીતે તેઓ
મદદ પહોંચાડે પણ પ્રકાશભાઈ કોઈનેય ખબર પડવા ન દે. કોઈ માણસની આંગળી તેઓ પકડે પછી તેને તેઓ ક્યારેય
છોડતા નથી.
ભગવાં વસ્ત્રોમાં નહિ પણ શૂટ-બૂટમાં ફરતા ઋષિ પુરુષ હતા. જેમને પણ
પ્રકાશભાઈ શાહ સાહેબની છત્રછાયા પ્રાપ્ત થઈ છે તેઓ માટે પ્રકાશભાઈ ભગવાન સમાન માને
છે. સખી
મંડળની રચના કરી સેકડો મહિલાઓના જીવનમાં આર્થિક ક્રાંતિ લાવવા પણ તેઓ કારણભૂત
બન્યા. વતનના વિકાસ માટે તેઓ તત્પર રહેતા.. એ ગામની શાળાનું આધુનિકરણ કરવાની વાત હોય કે
કોઈ હોસ્પિટલને અત્યાધુનિક સગવડોથી સજ્જ બનાવવી હોય, માતૃભૂમિના
વિકાસ માટે દાનની સરવાણીનો ધોધ વહાવામાં પ્રકાશભાઈએ ક્યારેય પાછું વળીને જોયું
નથી.
ગાંધી
વિચાર પિતા તરફથી વરસમાં મળ્યા.. સત્ય તેમને અત્યંત પ્રિય છે. સ્વચ્છતાનો તેઓ અતિ
આગ્રહી છે. જાહેર સ્થાનોએ કચરો જુએ તો પોતે ઉપાડી લે. ગાંધીનગર પુનિતવનમાં ફરતાં
ફરતાં જાહેર શૌચાલયમાં ગંદકી જુએ તો પોતે જાડું લઈ સફાઈ કરવામાં નાનમ ક્યારેય ન
અનુભવે. સફળતાના એવરેસ્ટ પર પહોંચ્યા પછી પણ ડાઉન ટૂ અર્થ કેવી રીતે રહેવું એ બાબત
સૌ કોઈએ પ્રકાશભાઈના પવિત્ર જીવનમાંથી પાસેથી શીખવા જેવું છે.
પ્રકાશભાઈ
આ જમાનાના આધુનિક ઋષિ હતા. પ્રકાશભાઈની અણધારી વિદાય થી માત્ર અરવલ્લીને જ નહી
પરંતુ સમગ્ર ગુજરાત, ભારત અને અમેરિકાને પણ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ
કૃપાળુ પરમાત્મા પુણ્ય શ્લોક આત્માને ચિર શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. ઓમ
શાંતિ... ઓમ શાંતિ... ઓમ શાંતિ.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
.jpeg)
No comments:
Post a Comment