name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, July 26, 2026

સન્ડે સ્પેશિયલ

બાલવાટિકા અને ધોરણ પહેલા-બીજાનાં  કુમળાં પુષ્પોને ખીલવતાં  શિક્ષિકા કિરણબેન પટેલ

       શિક્ષણશાસ્ત્રીઓ પણ માને છે કે કોલેજમાં ભણાવવું સહેલું છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ સમજદાર હોય છે. પરંતુ, જે બાળકે હજી હમણાં જ માતાનો પાલવ છોડ્યો છે, જેને પેન્સિલ પકડતા કે સીધા બેસતા પણ નથી આવડતું, તેવા બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨ ના બાળકોને ભણાવવું એ દુનિયાનું સૌથી કઠિન કામ છે. આ કાર્ય ખુબ ધીરજ માંગી લે છે. અરવલ્લી જિલ્લાની પી.એમ. શ્રી અકારૂન્દ આદર્શ પ્રાથમિક શાળામાં આવાં કુમળાં પુષ્પો ખીલવવાનું કામ કરે છે ઉપ શિક્ષિકા કિરણબેન પટેલ. નવેમ્બર ૨૦૦૮થી આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવીને  ઉપ શિક્ષિકા કિરણબેન આજે માત્ર એક સરકારી કર્મચારી નથી, પરંતુ કુમળા ભૂલકાઓનાં વહાલસોયાં શિક્ષિકા બની રહ્યાં છે.  

         તેમની પાસે માતાનું હૃદય છે તો પિતાની આંખ પણ છે. વિદ્યાર્થીઓને માતાની જેમ વહાલ પણ કરે અને શિસ્તના પાઠ શીખવવા ક્યારેક પિતાની જેમ આંખ પણ બતાવે !

         કિરણબેનના વ્યક્તિત્વમાં રહેલાં શિસ્ત  અને વહીવટી ચીવટતાનાં   મૂળિયાં તેમના વિદ્યાર્થીકાળ અને તાલીમકાળમાં રોકાયેલા છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ગૌરવભેર ઉત્તીર્ણ કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે ગુજરાતની શૈક્ષણિક આલમમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા અને કડક નિયમો માટે જાણીતી કોબા પી.ટી.સી. (PTC) કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

      એ સમયે કોબા કોલેજનું નામ પડતાં જ તાલીમાર્થીઓમાં એક ગંભીરતા આવી જતી, કારણ કે ત્યાંના પ્રિન્સિપાલ વનજાક્ષીબેન હતાં. વનજાક્ષીબેન એટલે શિસ્તના પર્યાય, નિયમોના પાકા અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના પ્રખર આગ્રહી. તેમની નજર નીચેથી પસાર થનાર  વિદ્યાર્થી એક ઉત્કૃષ્ટ શિક્ષક બનીને જ બહાર નીકળતાં  વનજાક્ષી બેનની છત્રછાયામાં જ તેમનું સાચું ઘડતર થયું. વર્ગખંડનું વ્યવસ્થિત સંચાલન અને વિદ્યાર્થી પ્રત્યેની નૈતિક જવાબદારી જેવા ગુણો કિરણબેનને આ કોલેજમાંથી વારસામાં મળ્યા.

         વર્ષ ૧૯૯૮... આ એ વર્ષ હતું જ્યારે કિરણબેનના સપનાઓને પાંખો મળી, અરવલ્લી જિલ્લાના જ અંતરિયાળ એવા નારણપુરા ગામેથી તેમની શિક્ષણ યાત્રા શરૂ થઈ. એક નવયુવાન, ઉત્સાહી અને સંસ્કારી શિક્ષિકા તરીકે જ્યારે તેમણે નારણપુરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પગ મૂક્યો, ત્યારે ગ્રામીણ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો  એક અદમ્ય ઉત્સાહ તેમના ચહેરા પર હતો.

       નારણપુરામાં તેમણે સતત ચાર વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી. એ ચાર વર્ષ દરમિયાન તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપ્યું, પરંતુ ગામના વાલીઓ સાથે આત્મીય સંબંધો બાંધ્યા. બાળકોને રમત-ગમત સાથે ભણાવવા—આ કિરણબેનની આગવી શૈલી બની ગઈ

     નારણપુરામાં સફળતાપૂર્વક ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ કિરણબેનની બદલી રામપુરા ભા.મુ. શાળામાં થઈ. અહીંની શાળામાં  કિરણબેને  માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત રહેવાનું નહોતું, પરંતુ શાળાના આચાર્ય તરીકેની જવાબદારીપૂર્વકની ભૂમિકા ભજવવાની હતી.

     એક સ્ત્રી તરીકે સરકારી શાળાનો વહીવટ સંભાળવો, એ કોઈ નાની વાત નહોતી. પરંતુ, કોબા કોલેજની શિસ્ત અને નારણપુરાનો અનુભવ અહીં કામ લાગ્યો. કિરણબેને પોતાની અદભુત વહીવટી કુનેહ, ચપળતા કારણે રામપુરામાં નમૂનારૂપ કામગીરી કરી બતાવી.. આચાર્ય તરીકેના તેમના આ કાર્યકાળે સાબિત કર્યું કે તેઓ માત્ર એક સારા શિક્ષક જ નથી, પણ તેમનામાં વહિવટની ઊંડી સૂઝ પણ છે.

       ૨૮ નવેમ્બર ૨૦૦૮ના રોજ કિરણબેને ધનસુરા તાલુકાની આકરુંદ શાળામાં ઉપ શિક્ષિકા તરીકે પદભાર સંભાળ્યો. જ્યારે વર્ષ ૨૦૦૮માં કિરણબેન આકરુંદ શાળામાં આવ્યા, ત્યારે શાળાની સ્થિતિ ઘણી સામાન્ય હતી. સમગ્ર શાળામાં માત્ર ૫ શિક્ષકોનો સ્ટાફ હતો અને ધોરણ ૧ થી ૮ ના થઈને આશરે સવા સો (૧૨૫) જેટલા જ બાળકો નોંધાયેલા હતા. એ સમયના શિક્ષક પરિવાર સાથે મળી શાળાને મોડેલ શાળા બનાવવા કમર કસી. વાલીઓનો વિશ્વાસ જીત્યો. વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ વર્ષ વધતી રહી. એ જ અરસામાં નીતિનભાઈ જે. પટેલ જેવા નખશીખ  ઉમદા શિક્ષક  પણ આકરૂન્દ શાળામાં આવ્યા. અનેક પડકારો વચ્ચે સ્ટાફ સાથે ખભે ખભા   શાળાને શ્રેષ્ઠત્તમ બનાવવા સૌ  શિક્ષકોએ મિશન બનાવી કામ કર્યું.  આજે જ્યારે આ શાળા દેશની પ્રતિષ્ઠિત 'પી.એમ. શ્રી આકરુંદ આદર્શ શાળા' તરીકે ગૌરવભેર ઊભી છે, ત્યારે તેની ભવ્યતા પાછળ કિરણબેનના દોઢ દાયકા દરમિયાન આપેલા યોગદાન નાનુસૂનું નથી.  

     તેઓ જેટલા હૃદયથી નરમ છે, શિસ્ત બાબતે કડક છે. જે કામ સોંપવામાં આવે એ ખુબ ચીવટ અને કાળજીપૂર્વક પૂર્ણ કરવું એ તેમનો સ્વભાવ છે. વહીવટી બાબતોમાં કિરણબેનની ચીવટ નોંધનીય  છે. શાળાના રજીસ્ટરોની નિભાવણી હોય, વિદ્યાર્થીઓની હાજરી પત્રક હોય, GR હોય કે LC Book હોય —દરેક બાબતમાં કિરણબેનની  ચોકસાઈ ઉડીને આંખે વળગે . તેમની આ વહીવટી સજ્જતાના કારણે શાળાના આચાર્ય અને અન્ય સહકર્મીઓને એક મોટું પીઠબળ મળી રહે છે.

          વર્ષ ૧૯૯૮ થી શરૂ થયેલી અને ૨૦૨૬ના આજના સમય સુધી અવિરત ચાલી રહેલી કિરણબેન પટેલની આ શૈક્ષણિક યાત્રા પ્રેરક છે. નારણપુરાના પાયાથી શરૂ કરીને, રામપુરા ભા.મુ. આચાર્ય પદ સુપેરે સંભાળી, આકરુંદ શાળામાં દિલથી સેવાઓ આપી રહેલાં  કિરણબેન પટેલને હૃદયપૂર્વક હાર્દિક અભિનંદન.

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620

 


No comments:

Post a Comment