પ્રેમલગ્ન કરનાર ચિરાગે તેના સાસુ-સાસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તેની પત્ની સુનીતાને તેમણે ગોંધી રાખી છે. આખરે ગુમ થયેલી સુનિતા હતી ક્યાં ??
આશરે બે વર્ષ પહેલાંની આ વાત છે. અમરેલી જિલ્લાના માંગવાપાળ ગામ પાસે આવેલા વડી ડેમની પાળ નજીક પથ્થર નીચે દટાયેલી એક સ્ત્રીની લાશ મળી આવી. લાશ એવી રીતે દટાયેલી હતી કે એ તરફ કોઈનું ધ્યાન જ જાય નહીં. પરંતુ કોઈ જાનવર લાશનો હાથ ખેંચી બહાર ખેંચી લાવ્યું હતું. જેના કારણે આ તરફ લોકોનું ધ્યાન ગયું. લોકોએ તરત અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસ તરત ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસે શબ ઉપરથી પથ્થરો હટાવી લાશને બહાર કાઢી. લાશની દયનીય સ્થિતિ જોતાં જ અનુમાન લગાવી શકાય એમ હતું કે આ ઘટના અંજામ આપ્યાને ઘણા દિવસો વીતી ચૂક્યા હશે. લાશ સાવ ગંધાઈ ચૂકી હતી. હાથ પર ટેટૂ ચીતરેલું હતું બસ એટલી જ ઓળખ છતી થતી હતી. ચહેરો પણ ઓળખી શકાય એવી સ્થિતિમાં નહતો. દૃશ્ય અત્યંત બિહામણું હતું.
પોલીસે ત્વરિત પગલાં લઈ લાશને P.M માટે મોકલી આપી. જરૂરી પૂરાવા એકત્રિત કરવા FSL ટીમની મદદ લેવાઈ. PM રિપોર્ટથી માત્ર એટલી માહિતી પ્રાપ્ત થઈ શકી કે ગળું દબાવવાથી ગૂંગળામણથી આ સ્ત્રી મૃત્યુ પામી છે. બસ આટલી જ માહિતી સિવાય બીજી કોઈ માહિતી પોલીસની પાસે નહોતી.
પોલીસે આસપાસનાં ગામોમાં તપાસ કરાવી જોઈ કે કોઈ મહિલા ગુમ થઈ છે કે કેમ ?? પરંતુ સ્ત્રીની ઓળખ થઈ શકે એ દિશામાં ક્યાંથી કોઈ સફળતા મળી નહી. એટલે એક વાત ચોક્કસ થઈ ચૂકી હતી કે આ સ્ત્રી અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારની તો નથી જ. તો આ લાશ છે કોની ? અને વડી ડેમની પાળ સુધી પહોંચી કેવી રીતે.? પોલીસની રાત દિવસની મહેનત પછી પણ આ કોયડો એ કોયડો જ રહ્યો. દિવસો મહિના અને વરસ વીતતાં લોકોની સ્મૃતિમાંથી પણ વાત ક્યાંય વિસરાઈ ગઈ !
આ ઘટનાના બે વર્ષ પછી ગુજરાતના છેવાડાના જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આધેડ વયનાં દંપતીએએ ફરિયાદ નોંધાવી કે તેમની દીકરી સુનિતાને જમાઈ ચિરાગ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેની સાથે વાત પણ કરવા દેતા નથી, છેલ્લા બે વર્ષથી તેમણે દીકરીને જોઈ નથી. અમારે અમારી દીકરી સુનિતાને જોવી છે. આ ફરિયાદના ત્રીજા દિવસે જમાઈ ચિરાગે પણ તેના સાસુ સાસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે છે કે તેમણે મારી પત્ની સુનીતાને ગોંધી રાખી છે. તેઓ સુનીતાને મારી સાથે મોકલતા નથી.
જે તે જિલ્લા પોલીસે પ્રાથમિક તપાસમાં તારવ્યું કે બે વર્ષ પહેલાં આ આખો પરિવાર અમરેલી જિલ્લામાં રહેતો હતો હતો અને સુનિતા અમરેલી જિલ્લામાંથી જ ગુમ થઈ હતી. એટલે અન્ય જિલ્લાની પોલીસે સમગ્ર કેસ અમરેલી પોલીસને ટ્રાન્સફર કર્યો.
આખરે કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ હસ્તક આવી. માતા પિતા તરફથી દીકરી સુનિતા ગુમ થયાની અને જમાઈ તરફથી પત્ની ગુમ થયાની સામસામે કરેલી ફરિયાદમાં આખરે સત્ય શું છે તે એક મોટી દ્વિધા હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતે ન્યાયિક તપાસના આદેશ આપ્યા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. કે. જાડેજા અને તેમની ટીમે તપાસનો મોરચો સાંભળ્યો.
સુનીતાના માતા પિતા અને તેના પતિ ચિરાગની પોલીસ દ્વારા પૂછપરછ કરતાં જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી. ઉંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે સુનિતા સાથે ચિરાગના પ્રેમ સંબંધ હતા. સાથે જીવવા મરવાના કોલ આપી તેઓ ઘરેથી ભાગી ગયાં. સમય જતાં સુનીતાના માતાપિતાએ પણ આ સંબંધને સ્વીકારી ચિરાગ અને સુનીતાના લગ્ન કરાવી આપ્યા હતાં. સુનીતાના માતા પિતા અમરેલીના એક ગામની વાડીમાં રહેતા હતા. જ્યારે ચિરાગ અને સુનિતા અમદાવાદમાં રહી છુટક કામ કરવાનું શરૂ કર્યું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પરંતુ થોડા જ મહિનામાં સુનિતા અને ચિરાગ વચ્ચે નાનામોટા ઝઘડા શરૂ થયા. પોતાના ઘરસંસારમાં ચાલતા ઝઘડાઓથી ત્રસ્ત થયેલી સુનિતા કોઈ કોઈ વાર તેની માતાને ફોન કરીને પોતાનું હૈયું હળવું કરી લેતી. ઘરમાં કંકાસ વધતાં એક દિવસ સુનિતા ચિરાગને છોડી માતાપિતા પાસે આવી ગઈ. દિવસો વીતવા છતાં સુનિતા ચિરાગ પાસે અમદાવાદ ગઈ નહીં, એટલે એક દિવસ ચિરાગ પોતે સુનિતા પાસે આવી અહીં અમરેલી પાસેના ગામની વાડીમાં રહેવા લાગ્યો..!
દિવાળીનો સમયે સુનીતાના માતા પિતા તેમના વતનમાં સામાજિક પ્રસંગે જવાના હતાં. સુનિતા પણ તેમની સાથે જવા ઇચ્છતી હતી. પરંતુ તેના પતિ ચિરાગે સુનીતાને ક્યાંય પણ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આખરે સુનિતા ચિરાગ સાથે વાડીમાં જ રોકાઈ અને માતા પિતા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા વતનમાં ગયાં.
બે ચાર દિવસ પછી સુનીતાના માતા પિતા વાડીમાં પરત ફર્યાં ત્યારે ચિરાગ કે સુનિતા ઘરે હતાં નહીં. સુનિતા અને ચિરાગ બંનેને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ બંનેના નંબર સ્વીચ ઓફ જ આવતા હતા. ચિરાગના પરિવારને ફોન કરી સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે ચિરાગ અમદાવાદ રહે છે. એ સિવાય બીજી કોઈ માહિતી મળી. સુનીતાના માતા પિતાએ સમયાંતરે સુનીતાની ભાળ મેળવવા મહિનાઓ કેટકેટલાય પ્રયત્નો કરી જોયા પણ કોઈ ભાળ મળી નહીં..! અને છેવટે પોલીસ ફરિયાદનો સહારો લીધો. ચિરાગને આ વાતની જાણ થતાં તેણે પણ સાસુ સાસરા વિરુદ્ધ પત્નીને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી.
પોલીસે સુનીતાના માતાપિતા અને તેના પતિ ચિરાગને પોલીસ સ્ટેશને બોલાવી આકરી પૂછપરછ આદરી. જેમાં ચિરાગના નિવેદનોમાં હકીકત સાથે ક્યાંય મેળ ખાતો ન હતો. એટલે પોલીસે તેની આગવી શૈલી અપનાવી જેમાં ચિરાગનું જુઠ્ઠાણું વધારે ચાલી શક્યું નહી. અને પોપટની જેમ સત્ય ઓકવા લાગ્યો.
ચિરાગે જણાવ્યું કે જ્યારે તેના સાસુ સાસરા વતનમાં સામજિક પ્રસંગ માટે ગયા એ દરમિયાન સુનિતા અને તેની વચ્ચે ઝગડો થયો. એ જ સમયે ચિરાગે સુનીતાનું ગળું દબાવી હત્યા કરી નાખી. અને લાશ ને વેડી ડેમ ની પાળ પાસે દાટી ઉપર પથ્થર ગોઠવી દીધા. અને પોતે ત્યાંથી ભાગી ગયો.!
સાથે જીવવા મરવાના કૉલ આપી પ્રેમ લગ્ન કરનાર સુનિતાને પ્રેમના બદલામાં પ્રેમી તરફથી મોત ભેટમાં મળ્યું.
પોલીસને બે વર્ષ પહેલાં ડેમ પાસે મળેલી બિનવારસી અજાણી સ્ત્રીની લાશની કડી મળી. પોલીસે લાશના હાથ પરના ટેટૂ નું નિશાન વાળો ફોટો સુનિતાના માતા પિતાને બતાવ્યો. તરત તેમણે ઓળખ કરી કે આ ટેટૂ તેમની દીકરીના હાથ ઉપર હતું એ જ છે.
પોલીસે FSL અને PM રીપોર્ટ સહારો લીધો. લાશના DNA સાથે સુનીતાના માતા પિતાના DNA સેમ્પલ સાથે મેળવ્યા તો આ આખી મર્ડર મિસ્ટ્રી પરથી પરદો ઊંચકાઈ ગયો. આ લાશ બીજા કોઈની નહીં પરંતુ સુનીતાની જ હતી !
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. કે. જાડેજા, ભવદીપ કઠવાડિયા, કૌશિક બાંભણિયા અને તેમની સમગ્ર ટીમે હત્યા કેસ ઉકેલી તેના આરોપીને જેલના હવાલે કરી દીધો.
પોલીસે કરેલી સરાહનીય કામગીરી બદલ જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું.
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત કહે છે : " પરિવારમાં કંકાસ અને ક્રોધનું પરિણામ હંમેશા વિનાશકારી હોય છે. ક્યારેક વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની જ હત્યા કરવાની ક્રૂરતા આચરી બેસે છે. ક્રોધ ઉપજાવે તેવી નાજુક ક્ષણોમાં વ્યક્તિએ પોતાની જાતને સાચવી લેવી તેમાંજ તેનું અને સમાજનું હિત સમાયેલું છે. બેકાબૂ ક્રોધના અંતે વ્યક્તિના હાથમાં આજીવન પસ્તાવા સિવાય કાંઇ જ નથી લાગતું."
(સત્ય ઘટના: નામ પરિવર્તિત)
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620

Very nice deed by Amreli police
ReplyDelete👍👍👍
ReplyDeleteVery good respected sir
ReplyDelete