name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, August 9, 2026

સન્ડે સ્પેશિયલ


રાત્રિના અઢી વાગ્યે સલમાના ઘરનું બારણું કોણે ખખડાવ્યું ?

        અમરેલી જિલ્લાનાં ખાંભા પોલીસ સ્ટેશનની ભીંત પરની ઘડિયાળના કાંટા રાત્રિના એક થવા તરફ આગળ ધપી રહ્યા હતા. રાત સમસમ વહી રહી હતી. રાત્રી પેટ્રોલિંગ માટેની ટીમો સજ્જ થઇ નીકળી પડી હતી. પોલીસ સ્ટેશનમાં હવે ચહલપહલ શાંત થઇ હતી. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે વાતાવરણમાં ચોતરફ નીરવ શાંતિ પથરાઈ હતી. એ જ સમયે અમરેલી જિલ્લાની અભય   હેલ્પલાઇન નંબર પર રણકેલી ટેલીફોનની ઘંટડીએ  નીરવ શાંતિને જાણે ચીરી નાખી.  અભયમ મહિલા કાઉન્સીલરે મહિલા ફોન રીસીવ કર્યો.  ટેલીફોનમાં સામે છેડેથી આવતા યુવતીનો ભયભીત અવાજ સાંભળી મહિલા કાઉન્સીલર પરિસ્થિતિ પામી ગયાં. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના  ફોન મૂકી તરત પોલીસ વાન લઈ નીકળી પડ્યા. પોલીસ વાન તેના હેડ લાઈટના અજવાળે  રાત્રિના ઘોર અંધકારને ચીરતી પુરપાટ ઝડપે આગળ વધી રહી હતી..! રાત્રિના એક કલાકે અભયમ હેલ્પ લાઈન પર ફોન કરવા મજબૂર થનાર યુવતી કોણ હશે ?  તે કેવી સ્થિતિમાં હશે ? તેની સાથે કશું અજુગતું તો નહિ બન્યું હોય ને ? આવા તો કેટ કેટલાય સવાલોએ  પોલીસ વાનમાં સવાર મહિલા કાઉન્સીલરના  મનનો ભરડો લીધો. મહિલા કાઉન્સીલર ખાંભા પોલીસ સ્ટેશન પહોંચી રાત્રી પેટ્રોલીંગમાં રહેલા જમાદાર બી.એમ. વાળા સાથે  પોલીસ વાન અને અભયમની વાન  રસ્તા પરના ખાડા-ટેકરા જોયા વિના જ લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી.

      તેનું નામ સલમા !

     તે યુવાન હતી અને ખૂબસૂરત પણ હતી. તેના જ ગામમાં રહેતા  સાહિલ નામના હિંદુ યુવક  સાથે તેની આંખો મળી. બંને વચ્ચે મૈત્રી  બંધાઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં. સમય જતાં બંને વચ્ચેની મૈત્રી પ્રેમમાં પરિણમી. અને પરિવારથી ચોરી છુપી મળવા લાગ્યાં. એકબીજાથી દૂર રહીને પણ એકમેકની કાળજી લેવા લાગ્યાં. એકબીજાનો સહવાસ તેમને ખૂબ ગમવા લાગ્યો. પરિણામે બન્ને સાથે જીવવા મરવાના કૉલ આપી બેઠાં.

      ઘરમાં સલમાનું વર્તન ઘણું બદલાઈ ચુક્યું હતું. તે કોઈના કોઈ  વિચારોમાં જ ખોવાયેલી રહેતી. તેનો મોટા ભાગનો સમય ફોન પર જ પસાર થતો. સલમાનું બદલાયેલું વર્તન તેનાં મા-બાપ પામી ગયાં. અને સલમાના બદલાયેલા વર્તનનું મૂળ કારણ શોધી કાઢ્યું. આખરે માતાપિતાને સલમાના સાહિલ સાથેના સંબધની જાણ થઇ ગઈ. એ દિવસે સલમાના પિતાએ તેને ખુબ ફટકારી અને સાહિલને ભૂલી જવા ચેતવી દીધી. સલમા માટે હવે ઘરેથી બહાર નીકળવું સદંતર બંધ થઇ ગયું.

          સલમાના પિતાએ સમાજનો એક યુવક શોધી સલમાના નિકાહ કરવાનું નક્કી કરી લીધું. પરંતુ આ યુવક સલમાને જરા પણ પસંદ નહતો. સલમાની મરજી વિરુદ્ધ તેના નિકાહ નક્કી કરવની ચહલપહલ ચાલુ થઈ. સલમા તેના જ  ઘરે નજર કેદ હતી. ક્યાંય છટકી શકે એવી સ્થિતિ જ નહોતી. પરંતુ એક દિવસ મધ્યરાત્રીએ સલમા વોશરૂમ જવાના બહાને ઊઠી. એ સમયે ઘરમાં બધાં ગાઢ નિદ્રામાં સુતાં હતાં. સલમા વોશરૂમમાં જઈ કોઈને ફોન કર્યો. એ અવાજે તેના પિતા જાગી ગયા. આટલી મોડી રાતે સલમાને અન્ય કોઈ  સાથે  વાત કરતી રંગે હાથ પકડવા તેના પિતા વોશરૂમ આગળ આવી ઊભા રહી ગયા. સલમા જેવી બહાર આવી અને તેના હાથમાં ફોન જોતાં જ તેના પિતાને લાગ્યું કે સલમા રાત્રે તેના પ્રેમીને ફોન કરી વાત કરી રહી છે. અને તેની સાથે ભાગવાની ફિરાકમાં છે. એવું લાગતાં  જ તેને ઘરમાં ઢસડી ગયા. ઘરમાં થોડીવાર શોર બકોર થયો અને થોડી જ વારમાં શાંત પણ થઇ ગયો. 

         રાત્રિના બરાબર અઢીના ટકોરે સલમાના ઘરનું બારણું ખખડ્યું.  ‘રાત્રિના અઢી કલાકે વળી કોણ આવ્યું હશે?’ એ વિચારોના વંટોળ વચ્ચે સલમાના પિતાએ બારણું ખોલ્યું. તેમના આશ્ચર્યની વચ્ચે સામે ખાંભા પોલીસ સ્ટેશનની નીકળેલી ટીમ તેમના બારણે આવી ઊભી હતી. સલમાના પિતાનું હૃદય જાણે એક થડકો ચૂકી ગયું. અને તેમનું મગજ ચકરાવે ચડ્યું કે આટલી રાત્રે પોલીસને ઘરમાં બનેલા બનવાની કોણે જાણ કરી હશે ?  બારણે ઉભેલી પોલીસે સલમાના પિતાને સલમા  સાથે વાતચિત કરાવવા માટે જણાવ્યું. સલમાના પિતાએ પોલીસને જણાવ્યું કે “સલમા અત્યારે સૂતી છે અને એ આમ પણ કોઈને મળવા માગતી નથી. આપ અમારી પારિવારિક બાબતમાં માથું માર્યા વિના અહીથી ચાલ્યા જાઓ.”

        જમાદારે સલમાના પિતાને જણાવ્યું કે “પોલીસ હેલ્પલાઇન નંબર પર સલમાનો ફોન આવ્યો હતો અને તેને પોલીસની મદદ માંગી છે એટલે તેને મળ્યા વિના અમે અહીથી જઈ શકીએ નહિ.”

      સલમા એ વોશરૂમમાંથી તેના પ્રેમીને નહિ, પરંતુ પોલીસ મહિલા હેલ્પલાઇન ‘અભયમ’ને ફોન કર્યો હતો. એ જાણી સલમાના પિતાના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. 

          સલમાના પિતાએ પોલીસ સાથે ઘણી રકઝક કરી પણ પોલીસ એકની બે ન થઇ. સલમા સાથે વાત કર્યા સિવાય પોલીસ  અહીથી પાછી નહિ જાય એમ સ્પષ્ટ જણાવી દીધું. સલમાના પિતાના પગ હવે ઢીલા પડી ગયા. પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો. સલમા  પથારીમાં સૂતી હતી. અભયમનાં મહિલા કર્મી  સલમાની  પથારી પાસે પહોંચી તેને ઢંઢોળી  જગાડવા પ્રયાસ કરી જોયો. પરંતુ સલમાએ મીંચેલી આંખ ખોલી જ  નહિ. . સલમા સાથે કાઈક અજુગતું બન્યાનો અંદેશો આવતાં જમાદારે ખાંભા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ ચૌહાણને જાણ કરી. રવિરાજસિંહ ચૌહાણ  ઘટનાની ગંભીરતા સમજી મેડીકલ ઓફિસરને લઈ સલમાના ઘરે પહોંચ્યા. મેડીકલ ઓફિસરે સલમાની જરૂરી તબીબી તપાસ કરી, હૃદયના ધબકારા તપાસી જોયા અને મૃત જાહેર કરી.

        બે કલાક પહેલાં જે યુવતીએ પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી એ યુવતી મૃત્યુ પામી કઈ રીતે ? પોલીસ માટે આ એક કોયડો હતો. 

          પોલીસની ટીમેં સલામાના મૃતદેહને  PM માટે મોકલી આપ્યો અને સલમાના માતાપિતાને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ આદરી. પોલીસ આકરી પૂછપરછ કરે એ પહેલાં જ સલમાના પિતા ભાંગી પડ્યા અને પોતે જ સલમાનું ગળું દબાવી હત્યા કર્યાનું કબૂલી લીધું. સલમાની માતા જ યુક્તિ પૂર્વક  આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર થયાં. જો પોતે જ પતિ વિરુદ્ધ ફરિયાદી બને તો ભવિષ્યમાં પતિને બચાવવા નામદાર કોર્ટમાં પોતાના નિવેદનથી પલટતાં વાર ન લાગે. અને પુત્રીનો હત્યારો પિતા કાયદાના સકંજામાંથી કદાચ છટકવાની તક પણ મળી જાય. પરંતુ પોલીસ સલમાનાં માતાની યુક્તિ પામી ગઈ. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન મુજબ ખાંભા પોલીસ સબ ઇન્સ્પેકટર રવિરાજસિંહ ચૌહાણ ફરિયાદી બન્યા. જેથી કેસ વધુ મજબૂત બની શકે અને ગુન્હો દાખલ કર્યો.

      રાત્રિના એક કલાકે પોલીસ હેલ્પલાઇન પર આવેલા સલમાના ફોનથી પરોઢના પાંચ કલાક સુધીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ ચૌહાણ, જમાદાર બી.એમ. વાળા, પોલીસ કોન્સ્ટેબલ કુમેશ શિયાળ, અને રાજુભાઈ બોદર એમ સમગ્ર પોલીસ ટીમે વાપરેલી કોઠાસૂઝ અને કુનેહને કારણે દીકરીના હત્યારા પિતાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.  જો પોલીસ સમયસુચકતા વાપરી ઘટના સ્થળે ન પહોંચી હોત તો સવાર સુધીમાં તેના માતાપિતા તેની દફનવિધિ કરી દેવાની તૈયારીમાં જ હતાં. અને જો સલમાની દફનવિધિ થઈ ગઈ હોત તો સલમાની સાથે આ હત્યાનું કાવતરું પણ દફન થઇ ગયું હોત !    

          અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે : “સંતાનો એક ઉંમરે પહોંચે ત્યારે માતાપિતાએ તેની સાથે મૈત્રી પૂર્ણ વહેવાર કરવો જોઈએ. જેથી સંતાનો તેમના મનની તમામ વાતો માતાપિતા સાથે શેર કરી શકે. સંતાનોને માતાપિતા પાસે દિલની વાતો કરવાની મોકળાશ  મળશે તો સમાજમાં બનતી ઘણી અઘટિત બનતા બનાવો ઓછા થઈ જશે.”   

(સત્ય ઘટના : નામ પરિવર્તિત )

-ઈશ્વર પ્રજાપતિ

98251 42620

No comments:

Post a Comment