સુરક્ષા, સલામતી અને સંવેદનાનો સરવાળો એટલે "ખાખી" : લાઠી પોલીસના પ્રયાસોથી ૯ મહિના બાદ મનોદિવ્યાંગ યુવતીનું પરિવાર સાથે મિલન !
કહેવાય છે કે ‘ખાખી’ની અંદર પણ એક સંવેદનશીલ દિલ ધબકતું હોય છે. અસમાજિક તત્વો સામે સખ્તીથી કામ લેતી વખતે કઠોર લગતી "ખાખી", નિઃસહાય વ્યક્તિની વહારે ચડી, દેવદૂતનાં દર્શન પણ કરાવે છે.
૨૯ જૂન ૨૦૨૬ ની આ વાત છે. રાત ધીમે ધીમે જામી રહી હતી. ચોતરફ પથરાયેલો ઘોર અંધકાર અને દૂર દૂરથી સંભળાતી શિયાળની લારી રાતની નીરવ શાંતિને ચીરી નાખતી હતી. પોલીસ સ્ટેશનની ભીંતે ભરાવેલી ઘડિયાળના કાંટા બારના અંક પર ભેગા થવા જાણે ઉતાવળે ભાગી રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ રાત્રિ પેટ્રોલિંગ માટે સજ્જ બની નીકળી પડી છે. લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુમારસિંહ રાઠોડ અને હસમુખભાઈ ખુમાણ પી. સી. આર. વાન માં સવાર થઈ લાઠીથી ચાવડ જવાના રસ્તે આગળ વધી રહ્યા હતા. વાનમાં બેસીને પણ તેમની બાજ નજર ચોતરફ ફરતી રહેતી. સાવ નિર્જન રસ્તા પરથી તેમનું વાહન પસાર થઈ રહ્યું હતું. રસ્તામાં આવતું રેલવે ક્રોસિંગ ક્રોસ કર્યું. ત્યાં જ તેમની નજર એક સ્ત્રી પર પડી ! સ્ત્રીની હાલત દયનીય હતી. નિસ્તેજ ચહેરો, મેલાઘેલાં કપડાં અને વિખરાયેલા વાળ સ્ત્રીની પરિસ્થિતિની ચાડી ખાતાં હતાં. આટલી મોડી રાત્રીએ એક સ્ત્રી આ નિર્જન વિસ્તારમાં એકલી શું કરતી હશે ? મનમાં કાંઈ કેટલાય વિચારો એક સાથે ઉમટ્યા..! ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વાહન પેલી સ્ત્રી પાસે લઈ જઈ થોભાવ્યું. સ્ત્રી પણ આવક બની કુમારસિંહ અને હસમુખભાઈ સામે જોતી રહી.!
સ્ત્રી જાણે અત્યંત ગભરાઈ ગઈ હતી. પોલીસે હળવેકથી પૂછ્યું.."તમે કોણ છો ? આટલી મોડી રાત્રિ એ અહીં શું કરો છો ? તમારે ક્યાં જવું છે?" તમામ પ્રશ્નો સાંભળી એ સ્ત્રી પોલીસ સામે જોતી જ રહી, કાંઈ જવાબ વાળ્યો જ નહીં. સ્ત્રી મૌન બની પોલીસ સામે બસ તાકી રહી ! તેના વર્તન પરથી તે મનોદિવ્યાંગ જણાતી અને અને ગુજરાતી પણ સમજી શકતી નહોતી. તે સતત માત્ર એક જ શબ્દ બોલતી "તલસારી... તલસારી.... તલસારી" કુમારસિંહ અને હસમુખભાઈ પણ વિચારમાં પડી ગયા. આ સ્ત્રીને પોલીસ ચોકી પર લઈ જવાનું મુનાસીબ લાગ્યું. થાણા અધિકારી એમ. બી. ઔસુરાને જાણ કરવામાં આવી.
એ સ્ત્રીને પોલીસ ચોકીએ લાવવામાં આવી. તેની માનસિક સંતુલન ગુમાવી દીધું હોય એવી એની સ્થિતિ હતી. પોલીસ ચોકી પર મહિલા પોલીસે પણ સ્ત્રીને પ્રેમથી પંપાળી વાતચીત કરવા પ્રયત્ન કરી જોયા. પણ તે માત્ર તલસારી... તલસારી... સિવાય બીજો એક શબ્દ બોલવા પણ સમર્થ નહતી!
રાત્રિનો એક વાગી ચૂક્યો હતો. માનસિક રીતે દિવ્યાંગ જણાતી આ સ્ત્રીનું સાચું સરનામું શોધવું કઈ રીતે? અને કઈ રીતે તેના પરિવાર સાથે ભેટો કરાવવો? પોલીસ માટે જાણે યક્ષ પ્રશ્ન બની ગયો.
પોલીસ સ્ટાફે યુવતીને પાણી પિવડાવી શાંત પાડી અને પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન ચાલુ રાખું . પણ તે કોઈ વિગત આપી શકતી નહોતી. તેના મુખેથી વારંવાર માત્ર એક જ શબ્દ નીકળતો હતો— "તલસારી". લાઠી પોલીસે આ એક જ શબ્દને કડી બનાવીને તપાસ શરૂ કરી.
પોલીસે તુરંત ટેકનિકલ રિસોર્સનો ઉપયોગ કરી ‘તલસારી’ શબ્દ વિશે સંશોધન કર્યું. સર્ચ કરતાં માલૂમ પડ્યું કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ‘તલસારી’ નામનું એક ગામ આવેલું છે. હવે ગૂગલ મેપ અને સેટેલાઇટ મેપનો સહારો લઈ તલસારી ગામ શોધી લીધું. ગૂગલ મેપમાં તલસારી ગામ પાસે આવેલ MLA ઓફિસનું નામ, સરનામું અને ફોન નંબર મેળવી લીધા. ગૂગલ મેપ પર તલસારી ગામના ફોટા ડાઉનલોડ કરી લીધા. એ ફોટા સ્ત્રીને બતાવવામાં આવ્યા. ગામ અને કોઈ એક ચહેરાની તસવીર જોઈ સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે ચોધાર આંસુએ રડવા લાગી. રાત્રે આશરે અઢી-ત્રણ વાગ્યે મહારાષ્ટ્રની સ્થાનિક પોલીસનો સહારો લીધો. ત્યાંની સ્થાનિક પોલીસે તલસારી ગામના સરપંચનો સંપર્ક કર્યો. અને લાઠી પોલીસ ચોકીમાં બેઠેલી સ્ત્રીનો ફોટો બતાવ્યો. સરપંચ તરત ઓળખ કરી લીધી.
પરોઢ પાંચ થવા આવે એ પહેલાં લાઠી પોલીસે એ સ્ત્રીના પિતાનો સંપર્ક નંબર મેળવી લીધો. ફોન પર વાત કરાવી. ત્યારે જાણવા મળ્યું કે માનસિક રીતે અસ્થિર આ માસૂમ દીકરી છેલ્લા ૯ મહિનાથી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારે તેની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આટલા લાંબા સમયથી દિકરીનો પત્તો ન લગતાં ક્યારેક એવા અશુભ વિચાર આવતા કે દીકરી દુનિયામાં સહીસલામત હશે કે કેમ? તેની સાથે કાંઈ ખોટો બનાવ તો નહીં બન્યો હોય ને ?
છેલ્લા ૯ મહિનાથી જે દીકરીની શોધમાં માતા-પિતા રાત-દિવસ રડતા હતા, તે દીકરી હેમખેમ મળી ગઈ હોવાના સમાચાર મળતા જ પરિવારના આનંદનો પાર ન રહ્યો.
લાઠી પોલીસે રાત્રિના બાર વાગ્યાથી સ્ત્રીના પરિવારને શોધવાની મથામણ સવાર સુધીમાં પૂર્ણ કરી લીધી. બીજા દિવસે આખો પરિવાર મહારાષ્ટ્રથી અમરેલી પહોંચ્યો. લાઠી પોલીસે માનવીય અભિગમ દાખવીને દીકરીને સુરક્ષિત રાખી તેના પરિવારને સોંપી! જ્યારે ૯ મહિના બાદ દીકરી પોતાના માતા-પિતાને મળી, ત્યારે પોલીસ સ્ટેશનનું વાતાવરણ અત્યંત લાગણીસભર બની ગયું હતું. માતા-પિતાની આંખોમાંથી વહેતા હર્ષના આંસુઓએ લાઠી પોલીસની કામગીરીને સાચા અર્થમાં બિરદાવી હતી.
લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી એમ. બી. ઔસુરા, કુમારસિંહ રાઠોડ અને હસમુખભાઈ ખુમાણની સતર્કતા, ટેકનોલોજીના યોગ્ય સમન્વય અને સંવેદનશીલતાના કારણે એક વિખૂટો પડેલો પરિવાર ફરી એક થઈ શક્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ સમાજમાં આશાનું કિરણ બની માનવતાની જ્યોત પણ પ્રગટાવી જાણે છે.
આ અત્યંત સંવેદનશીલ માનવીય ઘટના અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતે માનવીય કામગીરી કરનાર સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી. શ્રી સંજય ખરાત પ્રતિભાવ આપતાં જણાવે છે કે, "સમાજના દૂષણને ડામવાની પોલીસની ફરજ છે જ ! સાથે સાથે આવા નિઃસહાય નાગરિકોની કાળજી રાખી હૂંફ પૂરી પાડવાની વિશેષ જવાબદારી છે. અને આ પ્રકારની સંવેદનશીલ કામગીરી "ખાખી" પરનો જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે."
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620

No comments:
Post a Comment