name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, November 22, 2026

સન્ડે સ્પેશિયલ

     દીવો લઈને શોધવા નીકળીએ તો પણ આજે  કિશોરચંદ્ર માણેકલાલ શુક્લ જેવા ગ્રંથપ્રેમી ગ્રંથપાલ જડવા મુશ્કેલ છે.

 

શિક્ષણનગરી મોડાસાની વાત નીકળે એ સાથે કેટલાક પ્રખર સાક્ષરોના નામનું સ્મરણ સાહજિક થઈ આવે તેમાં કિશોરભાઈ શુક્લનું નામ અગ્રીમ હરોળમાં મુકવું જ પડે. કિશોરભાઈનું નામ સાંભળતાં જ  મોડાસા કોલેજ કેમ્પસમાંથી પસાર થયેલા અને દેશ-દુનિયામાં વિસ્તરેલા સેકડો વિદ્યાર્થીઓનું મસ્તક આદરભાવે ઝુકી જાય છે. કોઈ અપરિચિત વ્યક્તિને અચરજ પણ થાય કે કિશોરભાઈ નો’તા કોલેજના પ્રિન્સીપાલ કે નો’તા પ્રોફેસર તો પછી શિક્ષણ અને સાહિત્ય જગતમાં તેમની અપ્રતિમ લોકચાહનાનું કારણ શું હોઈ શકે ?  કિશોરભાઈ એક એવા ગ્રંથપાલ હતા કે આજે ગુજરતમાં દીવો લઈને શોધવા નીકળીએ તો પણ આવા વિદ્વાન અને વિચક્ષણ અને ગ્રંથપ્રેમી ગ્રંથપાલ મળવા મુશ્કેલ છે. ગુજરાતની સુખ્યાત બી.એડ. કોલેજ બી. ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, મોડાસામાં ૪૨ વર્ષ જેટલા દીર્ધકાળ સુધી ગ્રંથપાલ તરીકે યશસ્વી સેવાઓ આપી વર્ષ ૨૦૧૪ તેઓ સેવા નિવૃત્ત થયા. તેમના સેવાકાળ દરમિયાન તેમની કાર્યપ્રણાલીએ ગ્રંથપાલની વ્યાખ્યા જ બદલી નાખી.

મહીસાગર જિલ્લાનું અંતરિયાળ એવા મધવાસ ગામે ૧૭ ઓગષ્ટ ૧૯૫૨ ના રોજ તેમનો જન્મ થયો. પિતા માણેકલાલ મોહનલાલ શુક્લ એ જમાનામાં મુંબઈ જેવા શહેરમાં બેંકમાં નોકરી કરતા હતા. તે સમયે કિશોરભાઈના દાદા મોહનલાલે  ઝામરને  કારણે દૃષ્ટિ ગુમાવી. એટલે પિતાજી મુંબઈની નોકરી છોડી વતન પરત ફર્યા. વતનમાં આવી માણેકલાલે  કર્મકાંડની સાથે ધીરધારનો વ્યવસાય શરૂ કરેલો. પિતાના મુખે ઉચ્ચારાતા સંસ્કૃતના શ્લોકોની ઘેરી અસર કિશોરભાઈના બાળહૃદયમાં ઝીલાઈ. કિશોરભાઈનું બાળપણ મધવાસની ગલીઓમાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મધવાસ ગામમાં જ લીધું. ઓલ્ડ એસ.એસ.સી. પાસ કરી લુણાવાડા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. નો અભ્યાસ આરંભાયો. તે સમયે પણ મોડાસા કોલેજની શિક્ષણની સુવાસ ચોમેર પ્રસરેલી હતી. કિશોરભાઈ લુણાવાડા કોલેજ છોડી મોડાસા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મોડાસા કોલેજના વિદ્વાન પ્રિન્સીપાલ અને અધ્યાપકોના સાનિધ્યમાં કિશોરભાઈનું વ્યક્તિત્ત્વ નીખરી ઊઠ્યું. મોડાસા કોલેજમાં જ પુસ્તકો સાથેની અતૂટ પ્રીતિ બંધાઈ.

બી.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યાબાદ મનમાં દ્વંદ્વ ચાલી રહ્યો હતો. હવે આગળ શું અભયસ કરવો ? એ જ સમયે એક ચોપાનિયું હાથમાં આવ્યું. તેમાં લીબ્રેરીયનના કોર્ષ માટેની જાહેરાત હતી. આ કોર્ષ માત્ર એક વર્ષનો હતો. જાહેરાત વાંચીને મનમાં ઝબકારો થયો. અને મનમાં નિશ્ચય કર્યો કે લીબ્રેરીયનનો કોર્ષ કરી ગ્રંથપાલ બની આજીવન પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જવું. અનાયાસે હાથમાં આવેલા ચોપાનીયાએ જીવનની દિશા બદલી નાખી. ગ્રંથપાલ બનવાના દૃઢ નિર્ણય સાથે ગુજરાત યુનિવર્સીટીમાં લીબ્રેરીયન માટેનો એક વર્ષનો કોર્ષ પૂર્ણ  કર્યો. પુસ્તકો પ્રિય હતા ને હવે પુસ્તકોની એક અજાયબ દુનિયા તેમની પ્રતીક્ષા કરી રહી હતી.

  ૧૫ જૂન ૧૯૭૩ ના દિવસે કિશોરભાઈ બી. ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, મોડાસામાં લીબ્રેરીયન તરીકે નિયુક્ત થયા. ઋષિપુરુષ દાઉદભાઈ ઘાંચી સાહેબ કોલેજના પ્રિન્સીપાલ હતા. આદરણીય ઘાંચી સાહેબ એટલે જાણે હરતું-ફરતું ગ્રંથાલય ! પોતે પુષ્કળ વાંચે અને વાંચનનો ચેપ બધાને લગાડે. કિશોરભાઈને આ વિદ્વાન પુરુષનું સાનિધ્ય સાંપડ્યું. આ તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થયો. કોઈ યુનિવર્સીટીમાં ન હોય તેવી સમૃદ્ધ લાઈબ્રેરીનું સર્જન થયું. શિક્ષણ, સાહિત્ય, જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, ખગોળ, ભૂગોળ એમ અનેકવિધ વિષયોનાં પુસ્તકોથી લાઈબ્રેરી વધુને વધુ  વિકાસ પામતી રહી. આ હજારો પુસ્તકોમાં એક પણ પુસ્તક એવું ન મળે જે કિશોરભાઈનો સ્પર્શ ન પામ્યું હોય !  

 વિદ્યાર્થી કે અધ્યાપક કિશોરભાઈ પાસે  કોઇ અલભ્ય પુસ્તક કે સંદર્ભ ગ્રંથ માટે પુસ્તકાલયમાં આવ્યા હોય અને નિરાશ થયા હોય એવું ક્યારેય બન્યું નથી. લાઈબ્રેરીના તમામ પુસ્તકોના નામ, લેખકના નામ પ્રકાશકનું નામ જેવી તમામ ઝીણીઝીણી બાબતો કિશોરભાઈના હોઠે રમતી હોય. લાઈબ્રેરીમાંના હજારો પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તકનું નામ આપો તો ગણતરીની ક્ષણોમાં પુસ્તક તમારા હાથમાં હોય. પુસ્તક આટલી ઝડપે શોધી આપવાની ત્વરા માત્ર પુસ્તક ગોઠવણીને આભારી નોહતી પરંતુ દરેક એક-એક  પુસ્તક સાથેની તેમણે કેળવેલી મૈત્રીનું પરિણામ હતું.. અનાયાસે ભૂલથી લાઈબ્રેરીમાં જઈ ચડેલો કોઈ વિદ્યાર્થી કિશોરભાઈના સંપર્કમાં આવે, તો તે વિદ્યાર્થી પણ પુસ્તકની અજાયબ દુનિયાનો અલગારી યાત્રી બની જતો. કિશોરભાઈના નિરાભિમાની, નિરાળા અને  વિનમ્ર સ્વભાવનો આ પ્રતાપ હતો.     

          કિશોરભાઈએ પોતાના વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવનનું  ધ્યેય બનાવી દીધું. પુસ્તકાલય એ માત્ર પુસ્તકોનો ભંડાર નથી; તે સંસ્કૃતિ અને સંસ્કારોનું જીવંત કેન્દ્ર છે. આ વાતને તેમણે પોતાના સમગ્ર જીવનમાં સાકાર કરી બતાવી. એક ધબકતી લાઈબ્રેરી હજાર શિક્ષકોની ગરજ સારે છે. તેમણે પુસ્તકાલય ક્ષેત્રમાં સતત નવા પ્રયોગો કર્યા, માર્ગદર્શન આપ્યું અને અનેક વિદ્યાર્થીઓને ગ્રંથમંદિર તરફ વાળી, જિંદગીની દશા અને દિશા બદલવામાં નિમિત્ત બન્યા.

          કિશોરભાઈએ ફરજ બજાવતાં-બજાવતાં પોતે દિવસ રાત જોયા વિના પુસ્તકોનું ભરપુર રસપાન કર્યું.  વાચનથી તેમની શબ્દયાત્રા વિસ્તરતી રહી. શબ્દો તેમની કલમ થકી પ્રગટ્યા અને મહેંક્યા ! મોડાસા કોલેજમાંથી પ્રગટ થતું મુખપત્ર ‘માઝૂમ’નું તેમણે  વર્ષો સુધી સંપાદન કર્યું. તેમના દ્વારા લખાયેલા લાઈબ્રેરી સાયન્સને લાગતું પુસ્તક અભ્યાસક્રમમાં સ્થાન પામ્યું. આ સિવાય સમાજના શ્રેષ્ઠીઓ, સેવાવ્રતી માનવીઓ અને અનેક સેવાભાવી સંસ્થાઓનાં પુસ્તકોનું સંપાદન કરી તેમણે યજ્ઞીયકાર્ય કર્યું છે. ગળથૂથીમાંથી મળેલો સંસ્કૂત ભાષાનો વારસો તેમની શબ્દયાત્રા માટે આશીર્વાદરૂપ નીવડ્યો. કિશોરભાઈએ ‘વરેણ્ય વિશેષણો’ નામની ૬૦ પાનાંની તૈયાર કરેલી પુસ્તિકામાંથી પસાર થઈએ તો સમજાય કે આ વિદ્યાપુરુષના મનમાં શબ્દો કેટલા ઘૂટાયા હશે. કેટકેટલાય ગ્રંથોમાં ડૂબકી મારી આ મરજીવાએ  ગુજરાતી ભાષાના એક જ શબ્દના અનેક સમાનાર્થી શબ્દોના મોતી આપણને તારવી આપ્યા છે. ગુજરાતી ભાષાના આ પ્રકારના પ્રથમ પ્રયાસને ગુજરાતના શિક્ષણવિદો અને સાહિત્યકારોએ શગ મોતીડે વધાવ્યો છે.

વર્ષ ૨૦૧૪ માં ગ્રંથપાલ તરીકે સેવા નિવૃત્ત થઇને તેઓ પગ વાળીને કદી બેઠા નહિ. કાંઇક નવું વાંચન, નવા પ્રયોગો અને સંપાદનમાં સતત વ્યસ્ત રહેવું તેમને ગમે છે. આખા પંથકમાં કોઈ સંશોધકને  સંશોધન માટે કોઈ સંદર્ભની જરૂર પડે ત્યારે સૌ પ્રથમ કિશોરભાઈનું નામ જ સ્મરણમાં આવે. નિવૃત્ત થયાના વર્ષો પછી પણ કોલેજની લાઈબ્રેરીમાં જો કોઈ પુસ્તક જડતું ન હોય તો કિશોરભાઈને જ ફોન કરી પૂછી લેવામાં આવે છે. અને એ પુસ્તકના પૂઠાના રંગ સાથેની ઓળખ આપી કિશોરભાઈ ઘરે બેઠા તેનો ક્રમાંક જણાવી શકે છે. આટલી સજ્જતા કેળવવા માટે કિશોરભાઈએ આખી જીંદગી પુસ્તકની દુનિયાને સમર્પિત કરી દીધી છે. તેમણે ક્યારેય પોતાના નામનો પ્રચાર કર્યો નહીં; માન-સન્માનો, એવોર્ડથી પોતાની જાતને હંમેશા દૂર રાખી. પોતાના કર્મને જ ધર્મ માની અવિરત કાર્યશીલ રહ્યા.

કિશોરભાઈનાં ચાર સંતાનોમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો પરદેશમાં સ્થાઈ થયાં છે. મહીસાગર મધવાસના કિશોરભાઈ અને તેમનાં પત્ની તેમનાં પત્ની દેવયાનીબહેન કર્મભૂમિ મોડાસામાં જ સ્થાઈ થયા છે. પૂરી નિષ્ઠાથી કર્મ કર્યાનો પૂર્ણ આત્મસંતોષ તેમની આંખો ઝળકે છે. જીંદગીના સાડા સાત દાયકા પછી પણ તેમની શબ્દ સાધના જારી છે.

(સંપર્ક: કિશોર શુક્લ – 94276 95307)

-ઈશ્વર પ્રજાપતિ

98251 42620

No comments:

Post a Comment