name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, November 15, 2026

સન્ડે સ્પેશિયલ

સુંદર, સુશીલ અને પ્રતિભાવાન યુવતીએ નક્કી કર્યું કે લગ્ન કરીશ તો કોઈ નેત્રહીન અંધ વ્યક્તિ સાથે જ. નહિતો આજીવન કુવારી રહીશ.   

 

પ્રવિણાબેન ભાસ્કરભાઈ મહેતા 

ગુજરાતમાં ભાગ્યેજ કોઈ દિવ્યાંગજન મળે જે તેમના નામથી અને કામથી અપરિચિત હોય. છેલ્લા ચાર દાયકા કરતાંય અધિક સમયથી ઈડરિયા ગઢની તળેટીમાં દિવ્યાંગ જનોની સેવા માટે ધૂની ધખાવીને બેઠાં છે. સેંકડો દિવ્યાંગજનોના પાનખર સમા જીવનને પ્રવિણાબહેને વ્હાલ સીંચી ઉપવન સમાન મહેંકતાં કર્યા છે. બીજાના જીવનમાં સુખ, આશા અને આત્મવિશ્વાસના રંગો પૂરવા માટે પ્રવિણાબહેને પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરી દીધું છે 

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા જેવા નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં પ્રવિણાબહેનનો જન્મ થયો. તેમની માતા તુલસીબહેન અને પિતા રવિશંકરભાઈ. બાળપણથી જ દાદીમાના સંસ્કારોનો ઉજળો વારસો અને માતા-પિતા તરફથી સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા તેમને મળી. કદાચ એ જ સંસ્કારોનાં બીજ તેમના હૃદયમાં સેવાભાવના વિશાળ વટવૃક્ષનું રૂપ ધારણ કરવાનાં હતાં.

સમયની સાથે પરિવાર ટાકાટુકાથી અમદાવાદ સ્થાયી થયો. અમદાવાદના વિશાળ શહેરી વાતાવરણમાં પ્રવિણાબહેનના જીવનને એક નવો વળાંક મળ્યો. અહીંથી શરૂ થઈ તેમની જીવનયાત્રાની એક એવી કથા, જેમાં પોતાના સુખ કરતાં બીજાના જીવનની પીડા પોતીકી બનાવી લીધી.

અમદાવાદમાં વસવાટ દરમિયાન પ્રવિણાબહેનનો પરિચય મેમનગર સ્થિત અંધ મહિલા વિકાસ ગૃહ સાથે થયો. નેત્રહીન દીકરીઓની દુનિયા સાથેનો આ તેમનો પ્રથમ આત્મીય પરિચય થયો. શરૂઆતમાં તેઓ શાળાની નેત્રહીન વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારનું વાંચન પૂરું પાડવાની સેવા આપતાં હતાં. પરંતુ ધીમે ધીમે તેઓ માત્ર વાંચન પૂરું પાડવા પૂરતાં સીમિત ન રહ્યાં. આ દીકરીઓની દૈનિક જીવનશૈલી, તેમની મુશ્કેલીઓ, તેમની લાગણીઓ અને જીવન જીવવા માટેના તેમના સંઘર્ષને નજીકથી સમજવા લાગ્યાં.

તેમની આંખો સામે એક એવી દુનિયા ખૂલી રહી હતી, જ્યાં આંખો નહોતી, પરંતુ સપનાં હતાં; ભૌતિક દૃષ્ટિ નહોતી, પરંતુ જીવનને સમજવાની અદભુત દૃષ્ટિ હતી. આ અનુભવોએ પ્રવિણાબહેનના અંતરમાં એક અનોખી ચેતના જગાવી. તેમના મનમાં એક વિચાર સતત ઘૂંટાતો રહ્યો કે આ નેત્રહીન વ્યક્તિઓના જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ, જે તેમની દૃષ્ટિ બની શકે, તેમની લાગણીઓને સમજી શકે અને જીવનની દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઊભી રહી શકે.

યુવાનીના ઉંબરે પગ મૂકતાંની સાથે પરિવાર તરફથી પ્રવિણાબેનનાં લગ્નની વાતો શરૂ થઈ. પરંતુ પ્રવિણાબહેનના મનમાં તો જીવનનો એક જુદો જ સંકલ્પ આકાર લઈ ચૂક્યો હતો. તેમણે પરિવાર સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે, “મારે તો કોઈ નેત્રહીન વ્યક્તિની દૃષ્ટિ બનવું છે. હું લગ્ન કરીશ તો પ્રજ્ઞાચક્ષુ સાથે જ !”

સામાન્ય રીતે લગ્નજીવન માટે રૂપ, સંપત્તિ, સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય પરંપરાગત માપદંડો જોવામાં આવતા હોય છે. ત્યાં પ્રવિણાબહેન જીવનસાથીમાં સેવાનો અવસર શોધી રહ્યાં હતાં. પ્રવિણા બહેનનો  આ નિર્ણય સાંભળી  પરિવારે જાણે ભૂકંપનો આંચકો અનુભવ્યો. શરૂઆતમાં આ નિર્ણય સ્વીકારવો પરિવાર માટે  મુશ્કેલ હતો. પરિવારજનોએ પ્રવિણા બેનને સમજાવવાની લાખ કોશિશ કરી, પરંતુ પ્રવિણાબહેનના દૃઢ મનોબળ, નિષ્ઠા અને અડગ સંકલ્પ સામે અંતે સૌએ સહમત થવું જ પડ્યું..

        અંધ મહિલા વિકાસ ગૃહમાં પ્રવિણાબહેનની જેમ રંભાબહેન પણ સેવા કાર્યમાં જોડાયેલાં હતાં. તેમના બે પુત્રો નેત્રહીન હોવા છતાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા હતા. તેમાંના મોટા પુત્ર ભાસ્કર મહેતા સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયોમાં પોતાની વિદ્વત્તા પુરવાર કરી ચૂક્યા હતા. અંધ હોવા છતાં ભાસ્કરભાઈની વિદ્વત્તા, પ્રતિભા અને વ્યક્તિત્વ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત રહી જતાં. આખરે પ્રવ્નાબહેને જીવનસાથી પસંગીનો કળશ ભાસ્કર ભાઈ પર ઢોળ્યો. બંને પરિવારોની સંમતિથી ભાસ્કરભાઈ અને પ્રવિણાબહેનના સંબંધને સ્વીકૃતિ મળી અને પ્રભુતામાં પગલાં મંડાયાં. પ્રવિણાબહેન માત્ર જીવનસંગિની બનીને આવ્યાં નહોતાં, પરંતુ ભાસ્કરભાઈના જીવનમાં આત્મવિશ્વાસ, હૂંફ અને પ્રેરણાનો અખૂટ સ્રોત બનીને આવ્યાં હતાં.

        સુંદર, સુશીલ,  પ્રતિભાવાન  અને એક રૂપાળી યુવતી જીવન સાથી તરીકે  એક અંધ વ્યક્તિને પસંદ કરે આ વાતે જ સૌને વિચારતાં કરી દીધાં. પપ્રવિણાબહને અદમ્ય સેવાભાવ, સાહસ અને સમર્પણ થાકી સમાજમાં દાખલો બેસાડ્યો.. કુદરતે અગાઉથી જ લખી રાખેલી એક દિવ્ય જીવનયાત્રાની શરૂઆત હતી.  

ભાસ્કરભાઈ મહેતા નેત્રહીન સમાજનું ગૌરવ છે. એક ઉત્તમ વક્તા, વિદ્વાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમની પ્રતિભા દેશ-વિદેશ સુધી પહોંચી છે. પરંતુ આ સફળતાની યાત્રામાં પ્રવિણાબહેનનો ફાળો કોઈ રીતે ઓછો આંકી શકાય તેમ નથી. જીવનસાથી તરીકે તેમણે ભાસ્કરભાઈના દરેક સંઘર્ષમાં સાથ આપ્યો છે. તેમની જરૂરિયાતોને સમજી છે, તેમની મર્યાદાઓને પોતાની જવાબદારી માની છે અને તેમની ક્ષમતાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. કોઈ વ્યક્તિની સફળતા પાછળ ઘણીવાર એક એવી વ્યક્તિ હોય છે, જે પોતે પ્રકાશમાં આવ્યા વિના બીજાના જીવનને પ્રકાશિત કરતી રહે છે. પ્રવિણાબહેન ભાસ્કરભાઈના જીવનમાં એ જ ભૂમિકા નિભાવી. તેમણે સાબિત કર્યું છે કે જીવનસાથી હોવું એટલે માત્ર સુખદુઃખમાં સાથે રહેવું નહીં, પરંતુ એકબીજાની અધૂરી ક્ષમતાઓને પૂર્ણતાની દિશામાં લઈ જવું પણ છે.

          દાંપત્યજીવનની સાથે પ્રવિણાબહેનની સામાજિક સંવેદના પણ સતત વિસ્તરતી રહી. સાબરકાંઠા અને અરવલ્લી જેવા પછાત વિસ્તારોમાં નેત્રહીન અને અન્ય દિવ્યાંગજનોની સ્થિતિ તેમણે નજીકથી નિહાળી. શિક્ષણ, રોજગાર, સામાજિક સ્વીકૃતિ અને આત્મનિર્ભરતાના અભાવે અનેક દિવ્યાંગજનોનું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. ઘણીવાર સમાજ દિવ્યાંગ વ્યક્તિની ક્ષમતાને ઓળખવાને બદલે તેની શારીરિક મર્યાદાને જ તેનું સમગ્ર વ્યક્તિત્વ માની લેતો હોય છે. પ્રવિણાબહેનને આ વાત હંમેશાં કઠતી હતી. તેમણે વિચાર્યું કે દિવ્યાંગજનોને માત્ર સહાનુભૂતિની નહીં, પરંતુ સમાન તક, યોગ્ય માર્ગદર્શન અને આત્મસન્માનભર્યું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ.

આ વિચારને માત્ર વિચાર બની રહેવા દીધો નહીં. ગામેગામ ફરીને દિવ્યાંગજનોની સમસ્યાઓ જાણી, તેમના પ્રશ્નોને વાચા આપી અને સમાજમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. આ જ સેવાયાત્રામાં રાષ્ટ્રીય અંધજન મંડળની જિલ્લા શાખાની શરૂઆત થઈ. તેના માધ્યમથી નેત્રહીન અને અન્ય દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો શરૂ થયા. આ સંસ્થા અનેક પરિવારો માટે આશાનું કિરણ બન્યું છે. દિવ્યાંગજનોને શિક્ષણ, માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો આ સેવાયજ્ઞ છેલ્લા ચાર દાયકાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ધબકી રહ્યો છે.

પ્રવિણાબહેનના વ્યક્તિત્વની વિશેષતા એ છે કે તેમણે સમાજસેવાને પ્રાથમિકતા આપતાં પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓમાં ક્યારેય કચાશ આવવા દીધી નથી. ભાસ્કરભાઈના સ્વભાવની વિશેષતાઓ અને ક્યારેક તેમની હઠીલી પ્રકૃતિને પણ તેમણે ધીરજ, સમજણ અને પ્રેમથી સંભાળી છે. તેમના ત્રણેય સંતાનોને જીવનમાં આગળ વધવા માટે ઉજ્જવળ તકો અને યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું છે. એક તરફ પરિવારની જવાબદારીઓ, બીજી તરફ પતિની કારકિર્દી અને ત્રીજી તરફ હજારો દિવ્યાંગજનોની સેવા. આ ત્રણેય ક્ષેત્રોમાં સંતુલન જાળવવું એ કોઈ સામાન્ય બાબત નથી. ભાસ્કરભાઈની માંદગીના આકરા સમયમાં પણ તેમણે અદમ્ય ધીરજ અને હિંમતથી પરિવારને સંભાળ્યો છે. સાથે સાથે દિવ્યાંગજનોની સેવાની જવાબદારીમાંથી પણ ક્યારેય પીછેહઠ કરી નથી.

પ્રવિણાબહેન ઇચ્છે છે કે દરેક દિવ્યાંગજન માત્ર સહાય મેળવનાર ન રહે, પરંતુ પોતે પણ  સ્વાવલંબી બને અને સમાજમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે. તેમના મતે દિવ્યાંગતા કોઈ વ્યક્તિની ક્ષમતાનો અંત નથી. યોગ્ય માર્ગદર્શન, તક અને આત્મવિશ્વાસ મળે તો દિવ્યાંગ વ્યક્તિ પણ સમાજના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

નવી પેઢી માટે પ્રવિણાબહેનનું જીવન એક ખુલ્લી પાઠશાળા સમાન છે. તેમની પાસેથી માત્ર સેવાભાવ જ નહીં, મુશ્કેલીઓ વચ્ચે પણ સંકલ્પને જીવંત કેવી રીતે રાખવો અને સંસ્થાને સતત ધબકતી કેવી રીતે રાખવી તે પણ શીખવા મળે છે.

     પ્રવિણાબેને  પોતાની આંખોથી દુનિયા જોવાની જગ્યાએ બીજાની આંખોમાં સપનાં જીવંત રાખવાનું પસંદ કર્યું. તેમણે પોતાના જીવનનો આનંદ માત્ર પોતાના માટે નહીં, પરંતુ અસંખ્ય દિવ્યાંગજનોના જીવનમાં આનંદનું અજવાળું પાથરવા માટે સમર્પિત કર્યો.

 ભાસ્કરભાઈના જીવનની ભવ્યતા અને તેમની પ્રતિભાની ઊંચાઈમાં પ્રવિણાબહેનનું યોગદાન એક અદૃશ્ય છતાં અવિભાજ્ય શક્તિ છે.

કેટલાક લોકો પોતે પ્રકાશમાં રહેવા માટે દીવો પ્રગટાવે છે, જ્યારે પ્રવિણાબેન જેવી સેવાવ્રતી વ્યક્તિઓ બીજાના જીવનમાં અજવાળું થાય એટલા માટે પોતે જ દીવો બનીને બળે છે.

(માહિતી સહયોગ : સંદીપ રામી)

-      ઈશ્વર પ્રજાપતી

9825142620

 

 

2 comments:

  1. ઈશ્વરભાઈ આપની લેખ રજૂ કરવાની ભાષાશૈલી અદભૂત છે. આબેહૂબ તે ઘટના થઈ હોય કે વ્યક્તિત્વને જાણતા હોય તે રીતે રજૂ કરી વાચકને રોચક આનંદ, પ્રેરણાની અનુભૂતિ થાય છે.

    ReplyDelete
  2. ઈશ્વરભાઈ આપ મારી દૃષ્ટિએ એક ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા અને એક ઉત્તમ લેખક છો. આપની લેખન કળા અનેરી, અનુપમ છે. Keep it up, 🌹🌹🌹🌹🌹🙏🙏

    ReplyDelete