name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, December 14, 2025

સન્ડે સ્પેશિયલ

સાહસ, સંઘર્ષ અને શાલીનતાના ત્રિભેટે પાંગરેલું મઘમઘતું વ્યક્તિત્ત્વ એટલે નટુભા જાડેજા બાપુ.
 

કહેવાય છે કે સો પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, એ જ્ઞાન કોઈ અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં રચાયેલા સંવાદથી સહજ પ્રાપ્ત થતું હોય છે. જીવનમાં આવતી તડકી- છાંયડી, ચડતી-પડતી જેવા પ્રગાઢ અનુભવોથી ઘડાયેલી - કસાયેલી  વ્યક્તિ ખરા અર્થમાં તો એક હરતું ફરતું વિશ્વવિદ્યાલય છે. આવી કોઈ વ્યક્તિની નિશ્રામાં જીવનના જે પાઠ શીખવા મળે, એ દુનિયાની કોઈ યુનીવર્સીટીમાં શીખવા નથી મળતા.  અનુભવના એરણે ચડાવી જીવનને જમણે શણગાર્યું છે, સફળતા જેમણે પચાવી જાણી છે, એક ખોબા જેવડા ગામમાંથી નીકળી જેમણે  સંતાનોને શિક્ષણ અને સંસ્કારોનો અમૂલો વારસો આપી પ્રતિષ્ઠાના શિખરે પહોંચાડ્યા છે. એવા એક વિરલ અને મુઠ્ઠી ઊંચેરા માનવીની વાત આજ માંડવી છે.

તેમનું નામ છે નટુભા જાડેજા બાપુ.

સદીઓ જૂની ગુલામીની ઝંઝીરો તોડી, આઝાદ થયેલો ભારત દેશ આળસ મરડી બેઠો થઇ રહ્યો હતો. અખંડ ભારતના નિર્માણ કાજે સરદાર પટેલના એક વચન પર રાજવીઓએ પોતાનાં રાજપાટ દેશને શરણે ધરી દીધાં હતાં.એવા સમયે જામનગર જીલ્લાના છેવાડાના નાના  અમથા જાંબીડા ગામમાં ૬ ઓગષ્ટ ૧૯૫૦ના રોજ પિતા માધવસિંહ બાપુ અને માતા બાઈરાજ બાના ખોરડે નટુભાનો જન્મ થયો.  

 નટુભા બાપુના પિતા માધવસિંહ બાપુ ખુબ ઓછું ભણેલા પરંતુ કોઠાસૂઝ ગજબની. તેઓ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા. કરમની કઠણાઈ કહો કે વિધાતાના લેખ કહો, માધવસિંહ બાપુએ બાલ્યવસ્થાએ જ પિતાની છત્રછાયા ગુમાવી. બીજાં કોઈ ભાઈ ભાંડું હતાં નહિ, તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. કહેવાય છે કે તોફાની દરિયો જ કુશળ ખલાશીનું નિર્માણ કરે છે. બસ, એ જ ન્યાયે જીવનની વિપરીત પરિસ્થિતિની વચ્ચે માધવસિંહ બાપુના જાજરમાન વ્યક્તિત્ત્વનું ઘડતર થયું.   ઉચ્ચ આધ્યાત્મિકતાનો વારસો તેમના લોહીમાં વણાયેલો હતો. એક સિદ્ધ તપસ્વી સન્યાસીને છાજે તેવી તેમની જીવન પ્રણાલી હતી.  સંયમિત જીવન અને કડક અનુશાસનના નિયમો તેમને અપનાવ્યા હતા. નિયમિત શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પઠન કરતા. એકદશી નિર્જળા કરતા. જીવ માત્ર પ્રત્યે કરુણાની ધારા તેમના હૃદયમાં અવિરત વહ્યા કરતી. ખેતરમાં તૈયાર થયેલા પાકમાં જો ભૂલથી ગાયોનું ધણ ઘુસી જાય અને ચરવા લાગે તો એને હાંકવાને બદલે નિરાંતે ચરવા દેતા. એટલું જ નહિ પાક ઉપર રસાયણિક દવાઓનો છંટકાવ કરવાનું પણ ટાળતા. સુક્ષ્મ જીવ હત્યા પણ તેમના મન પાપ હતું. નટુભા બાપુનાં માતા બાઈરાજ બા પણ તપસ્વી સન્નારી હતાં. બાઈરાજ બા પરણીને સાસરે આવ્યાં ત્યારે સાસરીમાં ન મળે દેરાણી – જેઠાણી કે ન મળે નણંદ ! ખુબ ઓછી ઉંમરે આખું ઘર સાચવવાની જવાબદારી સ્વીકારી લીધી. આજની પેઢી કદાચ માનવા પણ તૈયાર ન થાય કે બાઈરાજ બા એક વાર સાસરે આવ્યા પછી ઘર-પરિવાર કેળવવામાં એવાં તો ગૂંથાઈ ગયાં કે ૨૦ વર્ષ સુધી પિયરની વાટ સામે નજર સુધ્ધાં કરી નહિ. ૨૦ વર્ષ પછી તેમના પિયર ગયેલાં.

માધવસિંહ બાપુ ખુબ મોટા જમીનદાર. આખા મલકમાં તેમની નામના હતી. તેમના ખોરડે સાત દીકરાઓ અવતર્યા. માધવસિંહ બાપુ દુરંદેશી દૃષ્ટિ ધરાવતા અને જીવનમાં શિક્ષણનું મુલ્ય પણ સુપેરે સમજતા. એટલે મોટા જમીનદાર હોવા છતાં દીકરાઓને ખેતીમાં વાળવાને બદલે ઉત્તમ શિક્ષણ આપવાનું મુનાસીબ માન્યું. આજથી સિત્તેરેક વર્ષ પહેલાં જાંબીડા ગામ એટલે  એક નાનું સરખું ફળિયું જ જોઈલો. માંડ સો - સવા સો માણસોની વસ્તી. એટલે શાળાની સુવિધા તો ક્યાંથી હોય. એક શિક્ષક ફળીએ આવે અને બાળકોને ચોરામાં  બેસાડી કલમ ખડિયો ઘૂંટાવે. નટુભા બાપુ પણ ગામના ચોરે પાટી પેન લઈ કલમ ખડિયો ઘૂંટ્યો ! ધોરણ પહેલાથી ચોથું ગામના  ચોરામાં જ લીધું.  આગળ પાંચમાનો અભ્યાસ માટે  પાંચ કિલોમીટર દૂર હડમતિયા  જંકશન ચાલીને જવું પડતું. નટુભા બાપુએ ધોરણ સાત સુધીનો અભ્યાસ હડમતિયા જંકશનની શાળામાં લીધું.

એ સમયે ભણતર પ્રત્યેની આજના સમય જેટલી જાગૃતિ પણ નહિ, એમ છતાં માધવસિંહ બાપુની સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની તાલાવેલી જોઈ લોકો કહેતા પણ ખરા. “બાપુ છોકરા ભણાવીને શો ફાયદો? આટલી લાંબી પહોળી જમીન છે. દીકરાઓને ખેતી કામમાં જોતરી દો તો બે પૈસા રળતા થઈ જાય.” લોકોની આ વાતોથી માધવસિંહ બાપુને કાંઈ ફેર પડતો નહિ. ખેતીમાં પહોંચી ન વળાય તો જમીન પડતર રહેતી. પણ દીકરાઓને ખેતી કામમાં ક્યારેય જોતર્યા નહિ.

નટુભા બાપુએ ધોરણ સાત સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળના અભ્યાસ માટે ધ્રોલમાં આવેલ રાજપૂત બોર્ડીંગમાં પ્રવેશ લીધો. બોર્ડીંગમાં રહી અભ્યાસ આગળ ધપાવ્યો. નટુભા બાપુની સાથે સાથે તેમના બીજા છ ભાઈઓનો અભ્યાસ પણ ચાલુ જ હતો. ધ્રોલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજ શિક્ષણ માટે જામનગર ગયા. આર્ટસ સાથે બી.એ. થયા. બે વર્ષ એલ.એલ.બી. કરી વકીલાત ભણ્યા. પણ એ જ અરસામાં નોકરી મળી જતાં વકીલાતની સણદ લીધી નહિ. વર્ષ ૧૯૭૨ માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ચાર મહિના શિક્ષક તરીકે સેવાઓ આપી. છેવટે ક્લાર્કની સરકારી નોકરીમાં સ્વીકારી લીધી. નટુભા બાપુએ નોકરીમાં ઉચ્ચ માપદંડ નક્કી કર્યા હતા. જ્યાં પણ કામ કરીએ ત્યાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી સેવાઓ આપવી એ નટુભા બાપુએ  જીવનમંત્ર બનાવ્યો હતો. વર્ષ ૧૯૭૪ માં લગ્નગ્રંથી જોડાયા. અને વર્ષ ૧૯૭૫ માં નટુભા બાપુના ખોરડે પુત્રનો જન્મ થયો.

નદીના શાંત પ્રવાહની જેમ જીવન વહી રહ્યું હતું. પરંતુ નદીની પણ નિયતિ છે કે તે ક્યારેય સીધી રેખામાં ગતિ નથી કરતી. નદી કેટલીક જગ્યાએ શાંત તો કેટલીક જગ્યાએ ઉછળતી કુદતી,  કેટ કેટલાય અંધાર્યા વળાંકો લેતી, માર્ગમાં આવતા ચટ્ટાનો સાથે અથડાતી પછડાતી આગળ ધપે જાય છે. પણ ક્યાંય અટકતી નથી. નટુભા બાપુનો  જીવનપથ પણ આવો જ એક અણધાર્યો વળાંક પ્રતીક્ષા કરી રહ્યો હતો.

૧૮ ડિસેમ્બર ૧૯૭૯ એ દિવસ હતો.  નટુભા બાપુ  છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. એ જ સમયે માર્ગમાં ગમખ્વાર અકસ્માત સરજાયો. મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાઈ ગયો. છકડામાં સવાર મુસાફરો ગંભીર રીતે ગવાયા. એમાં નટુભા બાપુ ખુબ ગંભીર ઈજાઓ થઇ.  ઈજાઓ એટલી ગંભીર હતી કે જાણે મોત હાથ તાળી આપી પાછું ચાલી ગયું ! માતાપિતાના પુણ્યપ્રતાપે અને કુળદેવીની કૃપાથી તેઓ બચી તો ગયા. પરંતુ બંને પગમાં ભયંકર ફ્રેકચર હતાં. તેમના શરીર પર જુદાં જુદાં નવ જેટલાં જટિલ ઓપરેશન થયાં. શારીરિક પીડા પારાવાર હતી. પણ મન મેરુ જેવું મક્કમ હતું. અઢી વર્ષ જેટલા લાંબા સમય સુધી તેઓ સંપૂર્ણ પથારીવશ રહ્યા. પરિવાર માટે આ સમયગાળો ઘણો કપરો હતો. સદનસીબે સાત ભાઈઓ વચ્ચેનો સંપ ગજબનો હતો. બધા  સંયુક્ત પરિવારમાં જ  રહેતા હતા એટલે જીવન નિર્વાહ કે સેવા સુશ્રુસાની ચિંતા નહીવત હતી. જીવનની ખુબ મોટી ઘાત આવીને ચાલી ગઈ.

નટુભા બાપુએ  અકસ્માત પહેલાં PSI ની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. પરંતુ અકસ્માતને કારણે PSI ની નોકરીમાં જોડાઈ શક્યા નહી. અઢી વર્ષ કપાત પગારી રજાઓ ભોગવી ફરી  વર્ષ ૧૯૮૨માં  નોંકરી શરૂ કરી. વર્ષ ૧૯૮૮ માં સીનીયર ક્લાર્કનું પ્રમોશન મળ્યું. પણ જીવનમાં હજી આગળ વધવાની તાલાવેલી જીવંત હતી. નોકરીની સાથે સાથે ખાતાકીય GPSC ની તૈયારી કરી  પરીક્ષા આપી. તેમાં ઉતીર્ણ થયા. અને સેલટેક્ષ ઇન્સ્પેક્ટર બન્યા. સેલટેક્ષ ઇન્સ્પેક્ટર તરીકે મોટાભાગની સેવાઓ વેરાવળ અને જામનગરમાં આપી. અકસ્માત પછી ચાલવામાં ખૂબ મુશ્કેલી અનુભવતી. એમ છતાં નોકરી નિષ્ઠા પૂર્વક અને ખુમારીથી કરી.

નટુભા બાપુનાં માતૃ શ્રી ૧૯૯૦ માં અંતિમ શ્વાસ લીધા. જયારે તેમના પિતા શ્રી વર્ષ ૨૦૦૭ માં  અંનત યાત્રાએ ચાલી નીકળ્યા. પરંતુ શિક્ષણ અને સંસ્કારનો વારસો નટુભા બાપુએ અકબંધ સાચવી રાખ્યો છે.

નટુભા બાપુને કુલ ચાર સંતાનો. પિતાના પગલે પોતે પણ શિક્ષણનું મુલ્ય સુપેરે સમજતા. નટુભા બાપુએ  સંતાનોને શ્રેષ્ઠત્તમ શિક્ષણની સાથે સાથે પઢી દર પેઢીથી ચાલ્યો આવતો સંસ્કારિતાનો અણમોલ વારસો આપ્યો. તેમના સૌથી મોટા પુત્ર કે જેમણે સમગ્ર ગુજરાત એક હોનહાર IPS ઓફિસર તરીકે જાણે છે, તેમના નામ માત્રથી ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે, રાજકોટ અને ગીર સોમનાથમાં તેમણે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને અસામાજિક તત્ત્વોને કડક સંદેશો આપનાર  મનોહરસિંહ જાડેજા હાલ અરવલ્લી જીલ્લમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજનિષ્ઠ છે. બીજા દીકરા IT એન્જીનીયર છે. અને હાલ બેંગલોરમાં કાર્યરત છે. જયારે ત્રીજા દીકરા કતારમાં એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીમાં   એન્જીનીયર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અને દીકરી જામનગરમાં સ્થાઈ થયાં છે.   

નટુભા બાપુના સાત ભાઈઓની જોડી આજે પણ અખંડ છે. બધા ભાઈઓ ક્લાસ વન – ટૂ જેવા ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થઈ સામાજિક સેવા કાર્યોમાં પ્રવૃત્ત છે.  અને સાતેય ભાઈઓ વચ્ચેનો મન મેળ આજના સમાજમાં એક મિશાલરૂપ છે. ભલે બધા ભાઈઓ નોકરી ધંધાર્થે ભલે વતન છોડી બહાર સ્થાઈ થયા હોય, પરંતુ દિવાળી ટાણે અને ઘરના અવસર પ્રસંગે સાત ભાઈઓનો  પરિવાર સાથે વતન જાંબીડામાં  અચૂક આવે. અને આજના સમયમાં માન્યામાં ન આવે એવી વાત એ છે કે, પરિવારમાં બધા ઉચ્ચ હોદ્દાઓ ફરજ અદા કરતા હોવા છતાં, જયારે બધાં વતનમાં આવે ત્યારે સાતેય ભાઈઓનો પરિવાર એક જ રસોડે જમે છે. એક પરિવારના ૫૦ – ૫૫ જણ એક પાથરણે બેસી સાથે ભોજન જમે એ ગ્રામ્ય પરિવેશનું દૃશ્ય કેટલું મનોહર લાગતું હશે !  એક જ  આજના સમયમાં લોકો ઉચ્ચ શિક્ષણ તો મેળવી લે છે પણ વ્યક્તિમાં સંસ્કારિતાની ગેરહાજરી મનને કઠે છે. જયારે માધવસિંહ જાડેજા બાપુના પરિવારમાં શિક્ષણની સાથે સંસ્કાર સોનામાં સુગંધ ભળે એમ ભળી ગયા છે.

નટુભા જાડેજા બાપુને તેમના પરિવાર વિષે વાત કરીએ છીએ ત્યારે તેઓ ખુબ વિનમ્રતા પૂર્વક કહે છે કે “ અમારા માતા પિતાએ કરેલી પુણ્ય કર્મોની વાવણીનાં ફળ આજે અમે લણી રહ્યા છીએ. માતા પિતાના પુણ્ય પ્રતાપ અને અને કુળદેવીની કૃપા વગર કશું શક્ય નથી.” માતા પિતાને યાદ કરતાં જ નટુભા જાડેજા બાપુની ચમકદાર આંખોના ખૂણામાં ઉતરી આવતો ભેજ નરી આંખે જોઈ શકાય છે. અને એ ભેજમાં આપણું હ્રુદય પણ ભીંજાયા વિના રહેતું નથી.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620

3 comments:

  1. નટુભા જાડેજાનુ જીવન કથન વાંચતા મને વ્યક્તિગત રીતે નવું જોમ મળ્યું છે. જીવનના સંઘર્ષમાં નાસીપાસ થયેલ કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે તેવી સત્ય ઘટના .

    ReplyDelete
  2. ખૂબ સરસ

    ReplyDelete
  3. 88888888zvvvxc. Nbvvvcc

    ReplyDelete