.....ત્યારે તો કલ્પના પણ કરી નોહતી કે આદરણીય દેવન્દ્રભાઈ પટેલ સાહેબના વિરાટ વ્યક્તિત્ત્વની છત્રછાયામાં વિકસવા અને વિસ્તરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે !
પરમ આદરણીય દેવન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે જન્મ દિવસ છે ત્યારે મારાં બાળપણનો કેટલાંક સ્મરણો સ્મૃતિપટ પર તાજાં થાય છે. ત્યારે તો કલ્પના પણ ક્યાં હતી કે તેમના વિરાટ વ્યક્તિત્ત્વની છત્ર છાયામાં વિકસવા અને વિસ્તરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે !
વર્ષ ૧૯૯૨ની વાત છે. ત્યારે હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો. મારા વતન ઉદેપુર ગામની શાળામાં ચાર ધોરણ ચલતા. પાંચમા ધોરણ માટે આકરૂન્દની શાળામાં પ્રવેશ મેળવ્યો. એ પછી મારા મોસાળ આકરૂન્દમાં રણછોડમામાના ઘેર મારું બાળપણ વીત્યું છે. દરમિયાન દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ દર બુધવારે અમદાવાદથી આકરૂન્દ આવે. દર બુધવારે મામા મને દેવેન્દ્રભાઈ સાહેબને ત્યાં દૂધ આપવા મોકલે. હું દ્સાહેબના ઘરે દૂધની બરણી લઈને પહોંચું ત્યાં તેમનાં માતા પૂજ્ય રેવાબા ઘરની બહાર ચોપાડમાં બાંકડે બેઠાં રામ નામ જપતાં હોય. મને જોઈને બા તરત જ બોલી ઊઠે : “ભાણાભાઈ તમે આવ્યા.. શકરીબૂન (મારી બા ) હું કરસ?” થોડી વારમાં રેવાબા પરીવારનાં બધાંની ખબર અંતર પૂછી લેતાં. પૂજ્ય રેવાબાનો આવાજનો એ મધુર રણકો આજે પણ મારા કાનમાં ગૂંજે છે.
પૂજ્ય રેવાબાને દૂધની બરણી આપી, દેવેન્દ્રભાઈ પટેલ સાહેબને નિહાળતો. ત્યારથી જ તેઓની Dynamic Personality ઊંડી છાપ મારા માનસપટ પર પડી હતી. મારા પિતાજી પણ મને બાળપણમાં દેવેન્દ્રભાઈનું પ્રેરક દૃષ્ટાંત આપતા. હું બુધવારની રાહ જોતો. ક્યારે બુધવાર આવે ને દેવેન્દ્રભાઈ સાહેબને ફરી જોઈ શકાય !
આકરૂન્દમાં મારો અભ્યાસકાળ પૂરો થયો, એ પછી ક્યારેક-ક્યારેક ઔપચારિક મુલાકાતો થતી રહેતી; પરંતુ એ સમયે દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે નિરાંતે બેસી ગોષ્ઠી કરી શકાય એવો અવસર મળ્યો જ નહતો. વર્ષો વીત્યાં અને 2014માં આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે મારી નિયુક્તિ થઈ. મારું મોસાળ મારી કર્મભૂમિ બન્યું. એ પછી તો શાળાના વિકાસ બાબતે અવારનવાર દેવેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું અને તેઓના સાંનિધ્યની શીતળ છાયામાં કામ કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી જ આકરૂન્દ ગામની સરકારી શાળામાં અદ્યતન સંદેશ લાઈબ્રેરી નિર્માણ પામી શકી.
. આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ એટલે એક મઘમઘતું વ્યક્તિત્વ! સફળતાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં તેઓના સ્વભાવની સરળતા, સાદગી અને નિખાલસતા હૃદયસ્પર્શી છે. એક વાર તેઓને મળનાર વ્યક્તિના હૃદયમાં તેમના વ્યક્તિત્વની મહેક આજીવન સચવાઈ રહે છે. તેઓ ભલે પોતાને એક્સિડેન્ટલ જર્નાલિસ્ટ ગણાવતા હોય; પરંતુ ચીલાચાલુ પત્રકારત્વથી અલગ ચીલો ચાતરીને પત્રકારિતાને એક નવા આયામ સુધી પહોંચાડવામાં દેવેન્દ્રભાઈનું યોગદાન અમૂલ્ય છે. કહેવાય છે ને કે જીવનમાં કેટલાક અકસ્માતો પણ સુખદ હોય છે. દેવેન્દ્રભાઈનું પત્રકારિતામાં આવવું જો એક અકસ્માત જ હોય તો એ અકસ્માત સમસ્ત ગુજરાતને ફળ્યો છે, કારણ કે એ સુખદ અકસ્માતના કારણે જ ગુજરાતને એક તેજતર્રાર અને હોનહાર પત્રકાર પ્રાપ્ત થયા. સ્ટાર્ચ કરેલ ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સ્મિત વેરતું તેઓનું વ્યક્તિત્વ અત્યંત જાજરમાન લાગે છે. તેઓની તેજ મક્કમ ચાલ યુવાનોને શરમાવે તેવી છે.
દેવેન્દ્રભાઈની કલમમાં ગજબનું કરતબ છે. “કભી-કભી” કૉલમ થકી છેલ્લા પાંચ-પાંચ દાયકાઓથી વિશ્વમાં વસતા લાખો વાંચકોના હૃદય પર તેઓનું રાજ આજે પણ બરકરાર છે. પત્રકાર તરીકે દેવેન્દ્રભાઈ પટેલની સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની કળા, અથાગ પરિશ્રમ અને નવી પેઢી સાથે તાલ મિલાવવાની કુનેહને કારણે આજે તેઓ સફળતાના શિખરે બિરાજમાન છે. 'સંદેશ' અખબારના C.M.D. માન. ફાલ્ગુનભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલને “તીખી, તેજાબી અને સંવેદનશીલ કલમના શહેનશાહ” કહી નવાજે છે. યુવાસર્જક અને પત્રકાર માસુંગ ચૌધરીએ “પત્રકાર દેવેન્દ્ર પટેલનું સાહિત્ય” વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી રજૂ કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
દેવેન્દ્રભાઈ પટેલનું જીવન પણ તેઓની કૉલમ ‘કભી-કભી’ જેવું અનેક જોખમો, સાહસો અને પડકારોથી ભરપૂર છે. દેવેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામના વતની છે. સફળતાનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હોવા છતાં તેઓનો વતનપ્રેમ અનન્ય છે. ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ દર સપ્તાહે વતનની મુલાકાત અચૂક લેતા રહે છે. ગામના વિકાસમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. દેવેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રયત્નોથી શાળામાં નિર્માણ પામેલ સંદેશ લાઈબ્રેરીમાં આસપાસ ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાતીર્થ બન્યું છે. ગામની આરોગ્ય, શિક્ષણ અને પાયાની સવલતો ઉભી કરવામાં દેવેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખુબ મોટું યોગદાન રહેલું છે.
તેઓની સાદગી હૃદયસ્પર્શી છે. છેવાડાના જણને મદદરૂપ થવા હંમેશાં તત્પર રહે છે.
દેવેન્દ્રભાઈની કલમે જ મને શબ્દપ્રીતિનું ઘેલું લગાડ્યું અને મારી કલમે શબ્દો પ્રગટ્યા, મ્હોંર્યા અને મહેક્યા. અત્યાર સુધી પ્રગટ થયેલા મારા ૧૧ જેટલાં પુસ્તકોની પ્રસ્તાવના પણ આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સરે ખૂબ પ્રેમપૂર્વક લખી આપી છે. દેવેન્દ્રભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વ માપવા મારા શબ્દનો ગજ ખૂબ ટૂંકો પડે!
પરમ આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment