પોતાની મિલકત વેચીને લાખો રૂપિયાનું દાન કરનાર કુમારી વસંતીબહેનની આંખોમાં અશ્રુ સાથે છલકાતા પ્રશ્નોના ઉત્તર આપની પાસે છે ?
લાખો રૂપિયાનું દાન-.ધર્માદુ કરતા ઘણા શ્રીમંત શ્રેષ્ઠીઓથી કદાચ આપ પરિચિત હશો.પરંતુ સાવ સામાન્ય પરિવારની કોઈ વ્યક્તિ જીવનભર પરસેવો પાડી પાઈ પાઈ કરી એકત્રિત કરેલી લાખો રૂપિયાની સઘળી રકમ ગરીબ દર્દીઓ માટેની હોસ્પિટલના નિર્માણ માટે ધરી દે. એટલું જ નહીં પરંતુ આ હોસ્પિટલને અધિક સુવિધાપૂર્ણ બનાવવા માટે પોતાનું આલીશાન ઘર સુધ્ધાં વેચી દઈ એ રકમ પણ દાન માટે અર્પણ કરી દે આ વાત માન્યમાં આવે ખરી ???
હા, આ વાત છે ગુજરાતનાં એવાં સન્નારીની કે જેઓ કરોડપતિ નથી પરંતુ કરોડપતિ કરતાંય ઉદાર કલેજું ધરાવે છે. ગરીબ દર્દીઓ માટેની હોસ્પિટલ, અન્નક્ષેત્ર, અને શાળા ઓરડાનું નિર્માણ કાર્યમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર સન્નારી વસંતીબેન બળદેવદાસ પટેલ હાલ ૮૨ વર્ષની પાકી ઉંમરે એકલવાયું જીવન જીવવા મજબૂર છે.
સંઘર્ષમય અને પડકાર જનક પરિસ્થિતિ સામે બાથ ભીડીને આપ બળે જીવનપથ કંડારનારાં ગૌરવંતાં ગુજરાતી સન્નારી છે. જિંદગીની ઝંઝાવાતો આમે અડીખમ ઊભાં રહ્યાં. પાનખર સમાન જીવનમાં પણ વસંત બની મહોંરી ઊઠ્યાં. આમ તો ખેડા જિલ્લાનું બીડજ ગામ તેઓનું વતન. પરંતુ પિતા બળદેવદાસ માનસિક રોગનો ભોગ બન્યા. પિતાજીના અસ્થિર મગજના કારણે ઘર સંસાર વિખેરાયો. તેઓના માતા સંતોકબહેન પિયર શીલજ અમદાવાદમાં આવીને સ્થાયી થયાં. મામા ભાવસંગભાઈ પ્રહલાદભાઈ પટેલની ઓથ મળી. અહીં મોસાળમાં ૨૬ ઓક્ટોબર 1943ના રોજ કુમારી વસંતીબેનનો જન્મ થયો. માતા સંતોકબહેન પણ ખુમારી વાળા આજીવન ભાઈ પર બોજ બની રહેવનું તેઓને ન ફાવે. શીલજમાં જ એક ઓરડી ભાડે રાખી ને અલગ રહ્યાં. પોતે ખેતરમાં દાળી કરે, કાળી મજૂરી કરે, ઘરે ગાય ભેંસ રાખી ઘર ચલાવતાં.
ભારત દેશને આઝાદી મળ્યાનાં એ વર્ષોમાં દીકરીઓને ભણાવવામાં વળી કોણ માને??? એ અરસામાં પેટે પાટા બાંધી સંતોકબહેને વસંતીબેનને ભણાવ્યા - ગણાવ્યા. વસંતીબેન પણ બાળપણથી જ ધગશ વાળાં. એ જમાનામાં ધોરણ 7 ફાઇનલ પાસ કરનાર ને તરત નોકરી મળી જતી. વસંતીબેન ફાનલ પાસ કરી લીધી. બા એ કરેલી કાળી મજૂરી લેખે લાગી. અને 1961 ના વર્ષમાં વસંતીબેનની શીલજની જ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નિયુક્તિ થઈ. ચાલુ નોકરી અડાલજ જઈ પી.ટી. સી. ની ટ્રેઇનિંગ લીધી. માતા અને મોસાળ તરફથી આધ્યાત્મિક તાના સંસ્કારોનું સિંચન થયેલું. એ સંસ્કારોને આપબળે તેઓ એક નવી ઊંચાઈ પર લઈ ગયાં. 20-25 વર્ષની વયે તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ પણ કર્યો. અને નક્કી કર્યું કે આજીવન બાની સેવા કરવી. આજીવન લગ્ન ન કરીને બાની સેવામાં જીવન ખપાવી દીધું. એક દીકરો પણ સેવા ન કરે એટલી સેવા એક દીકરી થઈ તેઓએ કરી બતાવી. બા ને લઈ ત્રણ ત્રણ વાર તો ભારત ભ્રમણ કર્યું. બા એ જે જે ઇચ્છાઓ કરી તમામ પૂર્ણ કરી.
ભલે તેઓ મોસાળમાં જ જન્મ્યાં અને ઉછાર્યા પરંતુ પોતાના બાપ દાદાના વતન એવાં બીડજને પણ તેઓ વિસર્યા નથી. પોતાના પગારની બચત રકમમાંથી બીડજની શાળાને બાને નામે ચાર વરખંડો વસંતીબેને બંધાવી આપ્યા.
એક આદર્શ દીકરી તરીકેની ઉત્તમ ફરજ તો અદા કરી જ સાથે સાથે પોતાના કર્મ ક્ષેત્ર એવી શાળાને પણ ધર્મ ક્ષેત્ર બાનવી ઉત્તમ કામ કર્યું. 1992 માં જ્યારે તેઓ ચાંદલોડિયા શાળામાં આચાર્ય તરીકે કાર્યભાર સાંભર્યો ત્યારે શાળાની દશા બદતર હતી. એ અરસામાં આ શાળાના વર્ગખંડો રાત્રી દરમ્યાન અનૈતિક ધંધાઓના અડ્ડા બની જતા. પણ જેઓ ચાર્જ સાંભર્યો કે શાળાની કાયા પલટ થવા લાગી. નગરપાલિકામાં ફરિયાદ કરી સિક્યુરિટીની વ્યવસ્થા કરી શાળામાં રાત્રિ દરમ્યાન થતાં અનૈતિક ધંધા બંધ કરાવ્યા. એ સમયે શાળાના વિકસ માટે આટલી સરકારી સહાય ક્યાં મળતી હતી?? ઘરના પૈસા ખર્ચીને પણ શાળાની સુવિધાઓથી સજ્જ કરી. આચાર્ય તરીકે જોડાયાં ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સંખ્યા 350 હતી એ જોત જોતામાં 850 પર પહોંચી ગઈ. સંનિષ્ઠ શિક્ષિકા તરીકે 40 વર્ષ સુધી ફરજ બજાવી 2001 માં સેવા નિવૃત્ત થયાં.
વર્ષ 1992 માં તેમના માતા સંતોકબા અનંત યાત્રાએ ચાલી નીકળ્યા ત્યારે વસંતીબેન ગંગોત્રી જઇ દોઢ માસ એકાંતવાસમાં ગળ્યો. બા અને બાપુજીના નામે કંઈક કરી છૂટવાનો દૃઢ સંકલ્પ કર્યો. નિવૃત્તિ બાદ અમદાવાદ અંધજન મંડળમાં ડૉ. ભૂષણ પૂનાનીને મળ્યા. ભૂષણ પૂનાનીએ વાત કરી કે બારેજામાં માનસીક રોગોનું એક ચિકિત્સાલય નિર્માણ કરવું છે. એમાં આપ આર્થિક સાહિયોગ આપી શકો તો ઉત્તમ. આ વાત સાંભળીને વસંતીબેનના મનમાં એક ઝબકારો થયો. પિતાજી માનસિક રોગના દર્દી હતા એના પરિણામે પોતાની માતાને જે યાતનાઓ વેઠવી પડી હતી એ દૃશ્યો નજર સમક્ષ તરરવારવા લાગ્યાં. જો આ ચિકિત્સાલય બનાવવા માટે જીવનની તમામ મૂડી અર્પણ કરવી પડે તો કરી દેવા તેઓ સંકલ્પીત બન્યાં. ડો. ભૂષણ પૂનાનીને પૂછતાં તેઓએ જણાવ્યું આ કાર્ય માટે 60 લાખ જેટલી રકમની જરૂરિયાત પડે. આજીવન શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર વ્યક્તિ પાસે આવડી મોટી રકમ તો ક્યાંથી હોય???
નિવૃત્તિ બાદ હાથ પર આવેલી રોકડ રકમ, જીવન ભર પાઈ પાઇ કરીને બચાવેલી રકમ એકત્રિત કરી તો પણ 60 લાખ તો ક્યાંથી થાય?? કોઈ ગરીબ પરિવારને માનસિક રોગની સારવાર મળે, અને પરિવાર વેરવિખેર થતો બચી જાય એ માટે કોઈ પણ ભોગે આ હોસ્પિટલ બને એ માટે પોતાનું વિશાળ ટેનામેન્ટ મકાન વેચી નાખવાનું નક્કી કર્યું. અને આખરે એ આલીશાન મકાન વેચી પોતાના માટે એક રૂમ રસોડાનું નાનકડું મકાન લીધું. અને 60 લાખ જેટલી માતબર રકમ માનસિક રોગ ચિકિત્સાલય નિર્માણ માટે અર્પણ કરી દીધી.
આટલેથી વાત હજી અટકતી નથી .વસંતીબેની આંખો થોડી નબળી. એટલે બારેજા આઈ હોસ્પિટલના ડો. ધર્મેન્દ્રભાઈના આગ્રહ થી ઓપરેશન કરાવવા માટે બારેજા ગયાં. બારેજામાં આંખની અદ્યતન હોસ્પિટલ છે. અહીં ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરી આપવામાં આવે છે. ગુજરાત ઉપરાંત અજુ બાજુના રાજ્યોના લોકો પણ અહીં ઓપરેશન માટે આવે છે. વસંતીબેન અહીં ઓપરેશન માટે બે રાત્રી રોકાયાં. અહીં તેઓવ જોયું તો બહારથી આવનાર દર્દીઓને જમવાની તકલીફ પડતી. દૂર દૂર થી ઓપરેશન માટે આવનાર દર્દીઓ અહીં જમવા ક્યાં જાય?? અહીં આવનાર દર્દીઓના માટે જમવાની વ્યવસ્થા ઉભી કરવા માટે ડૉ. ધર્મેન્દ્રભાઈને વાત કરી. અને અહીં અન્નક્ષેત્ર શરૂ કરવા માટે બીજા 25 લાખનું દાન આપ્યું. આજે આ રકમના વ્યાજમાંથી અહીં અન્નક્ષેત્ર ચાલે છે. અહી આવનાર દર્દીઓને સવારે ચા નાસ્તો, બપોરે દાળા ભાત, રોટલી શાક અને રાત્રે કઢી ખીચડી ભાખરીનું ભોજન વિનામૂલ્યે પીરસવામાં આવે છે. દૂરથી આવનાર ગરીબ દર્દીઓ ને પાકું ભોજન પ્રાપ્ત થાય છે અને અમીનો મીઠો ઓડકાર ખાઈ આશિર્વાદ આપે છે. પોતે નિવૃત્ત શિક્ષિકા. દર મહીને આવતા પેન્શનમાંથી બચાવેલી રકમ સામાજિક સેવાભાવી સંસ્થાઓને ઉદાર હાથે દાન આપતાં રહ્યા.
સમાજને ચરણે સર્વસ્વ અર્પણ કર્યા બાદ પણ પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહ્યાં. કરમની કઠણાઈ કહો કે વિધિની વક્રતા જે જે સંસ્થાઓમાં લાખો રૂપિયાનું માતબર દાન આપ્યું એ સંસ્થાઓ જ વસંતીબેનને વિસરી ગઈ એ વાતનું તેમને અત્યંત દુઃખ છે. જીવનના નાજૂક તબક્કે તેમની સાર સંભાળ રાખવાની વાત તો દૂર રહી, પરંતુ આજે તેમની ખબર પૂછનાર પણ કોઈ નથી. હાલ કુમારી વસંતીબેન અમદાવાદ એક રૂમ રસોડું ધરાવતા નાનકડા મકાનમાં એકલાં રહે છે. હવે આંખો નબળી પડી છે. હાથ પગના સ્નાયુઓ અશક્ત બન્યા છે. અન્નક્ષેત્ર માટે લાખો રૂપિયાનું દાન આપનાર વસંતીબેન હાલ ટીફીન બંધાવી જીવનના દિવસો પસાર કરી રહ્યાં છે.
કુમારી વસંતીબેન કહે છે "ભગવાનને આપ્યું હતું અને ભગવાનના કાર્ય માટે વાપર્યું એનો મને રંજ નથી. પણ હવે મારા જીવનના અંતિમ દિવસોમાં કોઈ સેવા સુશ્રુસા કરનાર મળી જાય તો મારું મોત સુધારી જાય. અને હા, મારે કોઈના પર બોઝ નથી બનવું. મારી સેવા કરનાર કોઈ પરિવાર મળી જાય તો એ પરિવારનો ખર્ચ ઉપાડવા પણ હું તૈયાર છું."
વસંતીબેનની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રુબિંદુઓ જામીને સ્થિર થઈ ગયાં છે. અશ્રુ બિંદુઓ નથી વહી શકતાં કે નથી સુકાઈ શકતાં. એ અશ્રુબિંદુઓમાં પ્રતિબિંબિત થયેલા કેટલાય પ્રશ્નો સ્પષ્ટ વાંચી શકાય છે. પણ તેમના એકપણ પ્રશ્નનો ઉકેલ મારા વ્યથિત મનને સૂઝતો નથી. જો આ પ્રશ્નના ઉત્તર આપને મળી જાય તો .... !
કુ. વસંતીબેન સંપર્ક નં ; 99749 05864
લેખન- ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

No comments:
Post a Comment