રામજી મંદિર ધનસુરાના મહંત ૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજ : જેમણે તપોબળ થકી અરણ્યમાં ઉપવન રચી પૌરાણિક ગઢી માતાના મંદિરને બનાવ્યું અધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર
સૌરાષ્ટ્રની ભૂમિ સંત, સતી અને શૂરાની ભૂમિ તરીકે જગ વિખ્યાત છે. જ્યાં ખુદ ત્રિલોકના નાથને ભક્તોની વહારે દોડી આવવાના અનેક દાખલા આપણા ઈતિહાસમાં મોજૂદ છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાં પણ એવા સિદ્ધ પુરુષો થઇ ગયા જેમણે ભક્તિની અમર જ્યોત પ્રગટાવી જેના કારણે લાખો લોકોના જીવનમાં દિવ્ય પ્રકાશનું અજવાળું પથરાયું. મોડાસાના બાજકોટ ખાતે સંત દેવાયત પંડિતજીની ચેતન સમાધિ સ્થાન આજે જગ વિખ્યાત બન્યું છે. સુંદરપુરાના પૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રીના તપોબળથી એ ભૂમિ આજે તીરથધામ બની છે. સરસોલી પંથકમાં સગરામ દાદાની ભક્તિની દિવ્ય જ્યોતિનો પ્રકાશ આજે પણ અનંત આકાશે રેલાઈ રહ્યો છે. તો એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા પૂજ્ય જેશીંગ બાવજીએ ભક્તિભાવના બળે અનેકોનું જીવન પરિવર્તિત કર્યું છે. આવા સિદ્ધ પુરુષોના બીજા નામ પણ અહીં જોડી શકાય એમ છે. પરંતુ આજે વાત કરવી છે ધનસુરા પંથકમાં અરણ્યમાં ઉપવન રચ્યું છે એવા ૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજે આરંભેલા મહાન સેવાયજ્ઞની !
ધનસુરાથી આશરે બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલ ગઢી માતાનું પૌરાણિક મંદિર આસપાસનાં ગામલોકો માટે એક આસ્થાનું કેન્દ્ર !. વર્ષો જૂના આંબલીના ઝાડ નીચે માતાજીની એક નાનકડી દેરી આવેલી. થોડા વર્ષો પહેલા મંદિરની આજુબાજુ ઝાળી- ઝાંખરાં વીંટળાયેલા કે ત્યાં જતાં પણ ડર લાગે. ત્યાં માત્ર પ્રસંગોપાત જ ત્યાં અવરજવર રહેતી. આજુબાજુના ગામના લોકો નવરાત્રીમાં ગરબો ચડાવવા અચૂક જાય. એટલે ત્યાં પહોંચવા માટે પાકો રસ્તો પણ ક્યાંથી હોય ! રસ્તો જ ન હોય ત્યાં બીજી સુવિધાની તો વાત જ શું કરવી ! એક સમયે આવાવરુ લાગતું સ્થાન આજે ઉપવન બની સમજમાં ભક્તિ આરાધનાની મહેંક પ્રસરાવી રહ્યું છે.
એવો તે શું ચમત્કાર સરજાયો કે એક દાયકમાં આ ભૂમિની કાયાપલટ થઇ ગઈ. અરણ્યમાંથી ઉપવન બની ગયું. આ તપોભૂમિને તીર્થભૂમિમાં પરિવર્તિત કરવાનો જો કોઈને શ્રેય આપવો હોય તો એ ધનસુરા રામજી મંદિરના મહંત ૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજને આપવો પડે. તેમનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા સમાજના શ્રેષ્ઠીઓએ આ પુણ્યભૂમિને નંદનવન બનાવવા પોતાનો ખજાનો હંમેશ માટે ખુલ્લો મૂકી દીધો.
સેકડો લોકોને ભક્તિ ભાવથી નવપલ્લવિત કરનાર ૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજના દિવ્ય જીવનની ઝાંખી પણ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. પૂર્વાશ્રમમાં આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા માતાપિતા તરફથી બાળપણથી જ અધ્યામિક સંસ્કારોનો વારસો મળ્યો. મન હંમેશા પ્રભુની ખોજમાં જ પરોવાયેલું રહેતું. આખરે એક દિવસ કિશોરાવસ્થામાં ગૃહત્યાગ કરીને દેવોની પવિત્ર ભૂમિ હરિદ્વારમાં રામાનંદ આશ્રમમાં આશ્રય લીધો. એ પછી ચારધામની ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથની પદયાત્રા કરી જગન્નાથપૂરી પરત આવી ગંગાસાગર રામેશ્વર જગતનાથપુરમ રામેશ્વર જેવી પવિત્ર ભૂમિના દર્શન-વિચલન કરી પાવન થઈને સ્નેહભૂમિ વૃંદાવનમાં ત્રણ વર્ષ નિવાસ કર્યો. જ્ઞાનની ખોજમાં ગોરખપુરના સ્વામી રામદાસજી ગોવર્ધન આશ્રમમાં આઠ વર્ષ કઠોર તપોસાધના કરી ગોવર્ધનની દંડવત પ્રદક્ષિણા પૂર્ણ કરી.
આખરે નિયતિ તેમને ગુજરાત દોરી લાવી. ગુરુ પરંપરાએ ભારતીય સંસ્કૃતિની એક અનોખી વિશેષતા રહી છે. પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ગુરુના વચનમાં ગાઢ વિશ્વાસ ના બળે પૂજ્ય પુરાણશરણ દાસ મહારાજ આધ્યાત્મિકતાના માર્ગે અનંત ઊંચાઈ પામ્યા. ગુરુ ગાદીપતિ તપસ્વી પુરુષ પરમ પૂજ્ય મહંત રામદયાળ દાસજી મહારાજના આશીર્વાદ પરમ પૂજ્ય મહંત ભગવાન દાસજી મહારાજને પ્રાપ્ત થયા. જેઓએ ગુરુ ગાદીએ બિરાજી તેમના ભક્તિભાવ થકી ગુરુ ગાદીને ગરિમા બક્ષી.. તેમણે પરમ પૂજ્ય અવધબિહારી દાસજી મહારાજને ગુરુ ગાદીનો અણમોલ વારસો સોંપી પ્રભુ શરણમાં વિલીન થઈ ગયા.. સિધ્ધ પુરુષ પૂજ્ય અવધબિહારી દાસજી મહારાજ ગુરુના વચને ચાલી આધ્યાત્મિકતાની એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી. પૂજ્ય અવધબિહારી દાસજી મહારાજ ગુરુ ગાદીનો દિવ્ય વારસો ગુરુની અનન્ય કૃપાથી પ. પૂ. પૂરણશરણ દાસજી મહારાજને પ્રાપ્ત થયો. ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધાના બળે પ. પૂ. પૂરણશરણ દાસજી મહારાજે ગુરુ ગાડીને એવી તો દીપાવી કે ચોમેર જયજયકાર થઈ રહ્યો.. ભાવિ મહંત પરમ પૂજ્ય રામશરણ દાસ હાલ ગુરુ સેવામાં અવિરત કર્મશીલ છે. અને ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં પણ દિવસરાત તત્પર રહી કાર્ય કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરમાં પૂ સંતશ્રી અવધબિહારીદાસજીના ચરણમાં ૧૯૯૫માં વિરક્ત દિક્ષા લઈને રામાનંદ સંપ્રદાયનું અભિન્ન અંગ બન્યા, ત્યારબાદ બનારસ રહીને જ્ઞાન સાધના કરી હિંમતનગરના દોલગઢ ગામે અગીયાર હજાર હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કરી સમગ્ર બૃહદ સાબરકાંઠા જિલ્લાના સંતોની આતિથ્ય સેવા કરી સંતત્વનો સાચા અર્થમાં પરિચય કરાવ્યો.
તારીખ ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૩ એ દિવસ માત્ર ધનસુરા માટે જ નહિ પરંતુ સમસ્ત અરવલ્લી તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત માટે સૌભાગ્યશાળી પૂરવાર થયો. એ દિવસે શુભ મૂહર્ત માં ધનસુરા રામજી મંદિરના મહંત તરીકે પૂજ્યશ્રી પુરણશરણદાસજી મહારાજની વિધિવત શાલ વિધિ કરવામાં આવી. ધનસુરા રામજી મંદિર પણ પ્રાચીન છે. અહીં સેવા પૂજા કરતા પૂર્વ સંતો મહંતોએ તપોબળથી આ ભૂમિને તપોભૂમિમાં પરિવર્તિત કરી હતી. ગામના આબાલવૃદ્ધ સૌ રામજી મંદિર પ્રત્યે વિશેષ શ્રદ્ધા ધરાવતા. ભગવાન રામજીની સેવાની સાથે સાથે આ તપોભૂમિનું જતન અને સંવર્ધન કરવાની વિશેષ જવાબદારી પૂજ્યશ્રી પુરણશરણદાસજી મહારાજના શીરે આવી. આ જબદારીને પૂજ્ય મહંત શ્રીએ ખુબ ભાવ પૂર્વક નિભાવી મંદિરને ખુબ ઓછા સમયમાં ગુજરાતના નકશા પર અંકિત કરી દીધું.
પૂજ્ય મહંત શ્રીએ ધનસુરા રામજી મંદિરને આધ્યામિક પ્રવૃત્તિઓનું એક ચેતના કેન્દ્ર બનાવ્યું. બીજા પણ સેકડો લોકો આ આધ્યામિક યાત્રામાં જોડતા ગયા. અને મંદિર વિવિધ અધ્યામિક પ્રવૃત્તિઓથી ધબકતું થયું. સદગુરૂશ્રી અવધબિહારીદાસજીની પ્રેરણાથી શ્રી રામજી મંદિર ધનસુરાથી પવૈયા હનુમાન સુધી ૨૦૦૩માં દંડવતયાત્રા કરી. સતત પાંચ વર્ષ સુધી શેરડી તથા શનીદેવની પદ તથા દંડવતયાત્રા કરી. શ્રીરામજી ગર્ભગૃહનો ભવ્ય અદ્યતન જિર્ણોધ્ધાર, શ્રી ગણપતિજી, શ્રી સાંઈબાબાની મનોહર મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા, દિવ્ય રામકથા, પવૈયા હનુમાનજીના મંદિરનો જિર્ણોધ્ધાર, શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા, નર્મદા પરિક્રમા અને તેની પૂર્ણાહૂતીમાં ૧૫૦૦ કુવારીકાઓનું પૂજન, ભોજન જેવા પ્રેરક સાંસ્કૃતિક કાર્યો દ્વારાઅધ્યાત્મની જયોત જલતી રાખી છે.
સમય જતાં પૂજ્ય મહંત શ્રીનું ધ્યાન ગઢી માતાના સ્થાનક પર ગયું. સંવત ૨૦૬૩ના અધિક પુરષોત્તમમાસમાં ગુરૂની પુણ્યતિથિ નિમિત્તે ગઢીમાતાથી શક્તિપીઠ અંબાજી સુધી મહાકષ્ટ દાયક વિરલ દંડવત યાત્રા પૂર્ણ કરીને સંકલ્પ સિધ્ધિ મેળવીને આપના વિરાટ મનોબળના દર્શન કરાવ્યા. દંડવતયાત્રા સમાપન પ્રસંગે ૫૨-કુંડી યજ્ઞ કરી સંતોના સમુદાય અને શિષ્ય સેવકગણમાં પ્રીતિપાત્ર સંત તરીકે સ્થાન પામ્યા. અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન આ માતાજીના મંદિરનું સ્થાનક વિકસાવવાનું જાણે શ્રી પુરણશરણદાસજીએ પ્રણ લીધું. સૌથી પહેલાં તો ત્યાં એક ગૌશાળા નિર્માણ કરાવી. એથી ત્યાં અવરજવર શરૂ થઇ. એ પછી આંબલીના ઝાડ નીચે આવેલી માતાજીની નાનકડી દેરીમાંથી ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. મહારાજનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા સમાજના ભામાશાઓ એ આ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. કોઈએ આર્થિક દાન કર્યું તો કોઈએ શ્રમ દાન કર્યું. અને જોત જોતામાં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું.
રાજરાજેશ્વરી ગઢીમાતાજીના મંદિરના જિર્ણોધ્ધાર કરી ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ કર્યું. ૧૫, ૧૬ , ૧૭ એપ્રિલ ૨૦૨૨ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્રિ-દિવસીય ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિરાટ ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરી ધનસુરાની સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાને ગૌરવ અપાવ્યું. ગઢી માતા મંદિરનું પરિસર એવું અલૌકિક અને અનુપમ કુદરતી સૌન્દર્ય નિર્માણ પામ્યું છે કે પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ દીવ્યાનુંભૂતી થયા રહેતી નથી. ઘટાદાર વૃક્ષો, પંખીઓનો કલરવ, વૈદિક મંત્રોચ્ચારનો પવિત્ર ધ્વની, દેશી ગાયોનો હણહણાટ, જાણે વૈદિક કાળના ઋષિમુનીના આશ્રમમાં આવી પહોંચ્યા હોય એવી અનુભૂતિ સતત થયા કરે.
ગઢીમાતા ખાતે નોખા અને અનોખા ધાર્મિક ઉત્સવો ઉજવીને સેકડો શ્રધ્ધાળુઓને ગઢીમાતા મંદિર પરસ્પરનું ઘેલું લગાડયું છે. વખતો વખત હનુમાન ચાલીસાના પાઠ, સંદરકાંડ, અખંડ રામધુન, પાર્થિવ શિવલીંગનું નિર્માણ અને પૂજન જેવા કાર્યમાં સૌને જોડીને દૈવી શક્તિનું શરણું આપીને સૌના જીવનમાં ભક્તિનાં ઓજશ પૂર્યા છે.
પવિત્ર શ્રાવણ માસનાં આરંભથી જ ગઢી માતાના મંદિરે રોજ પ્રભાતે યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહારાજના બુલંદ આવજમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અનેક લોકો આહુતિ અર્પણ કરવા ઉમટી પડે છે. શ્રાવણ એટલે શિવજીને રીજવવાનો માસ. એટલે પૂજ્ય શ્રી પુરણશરણદાસજી મહારાજે આ વર્ષે ૫૧ લાખ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી શિવજીનું આરાધન કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ ખુબ કઠીન હતો. ૫૧ લાખ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવા એ નાનીસૂની વાત તો નથી જ. પરંતુ પૂજ્ય મહંત શ્રી જયારે પણ કોઈ કઠીનમાં કઠીન સંકલ્પ કરે છે ત્યારે કોઈ અલૌકિક શક્તિ જ આશીર્વાદ વરસાવે છે અને એ સંકલ્પ પૂરો કરાવે છે. હજી શ્રાવણનો એ ક દિવસ બાકી છે એ પહેલા ૫૧ લાખના આંકડાને આંબી ૫૫ લાખ પાર્થિવ શિવલિંગ નિર્માણનો નવો વિક્રમ સર્જ્યો છે.
૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજે તેમના પાવન આચાર અને વિચારોથી અસંખ્ય લોકોની જીવનની દિશા અને દશા બદલી છે. ભક્તિ સાથે જન સેવાને જોડી ખુબ મોટી ક્રાંતિ સર્જી છે. જ્ઞાતિ - જાતિ, ઊંચ - નીચના ભેદભાવ રાખ્યા વિના સૌ કોઈ માટે તેમના હૃદયનાં દ્વાર હંમેશ માટે ખુલ્લાં રાખ્યા છે. આજે આબાલવૃદ્ધ સૌ કોઈના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. ૫.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પુરણશરણદાસજી મહારાજના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના.
માહિતી સહયોગ : અમૃતભાઈ રામાણી, રાજપુરકંપા. એચ.એમ પટેલ, ડી.એમ. પટેલ, અમૃતભાઈ પ્રજાપતિ.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment