Sunday, January 26, 2025

સન્ડે સ્પેશિયલ

 

સેવાયજ્ઞની વેદી પર બિરાજમાન આધુનિક મહર્ષિ સુરેશભાઈ સોની. પદ્મશ્રી સન્માન માટે ભારત સરકારે  જેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો.  

 
      ભારતવર્ષના ૭૬મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનની યાદી પ્રગટ કરવામાં આવી. આ યાદીમાં સેવાવ્સુરતી સુરેશભાઈ સોનીનું નામ જોઈ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં જાણે  ચોતરફ આનંદનું મોજું ફરી વળ્યું.  કોણ છે આ ઓલિયો ફકીર સુરેશભાઈ સોની ? આવો એમનો વિગતે પરિચય મેળવીએ. 
           સાબરકાંઠાના છેવાડે વસતું, શ્વસતું, ધબકતું મીની ઇન્ડિયા આપે નિહાળ્યું છે ?  પરિવારથી તરછોડાયેલા સમાજથી બહિષ્કૃત, રક્તપિત્તગ્રસ્ત  ભારતના વિધ વિધ પ્રાંતના લોકો પોતાની પારાવાર વેદના વિસારી અહીં સન્માન પૂર્વક જિંદગી વિતાવી રહ્યાં છે. સાબરકાંઠામાં ક્યાં આવેલું છે આ નિરાશ્રીતોનું આશ્રયસ્થાન?? કોણે વસાવ્યું છે આ પ્રેરણાધામ??? સંવેદનાની સરવાણીના સરનામા સમ આ  તીર્થસ્થાન વિશે જાણવાની સહજ જિજ્ઞાસા જાગે.  સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ સેવાધામના સ્થાપક, સેવા યજ્ઞની વેદી પર બિરાજમાન આધુનિક મહર્ષિ એટલે સુરેશભાઈ હરિલાલ સોની. 
          અભ્યાસકાળ દરમ્યાન એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના તેઓ વિદ્યાર્થી. 1966 માં M.Sc. માં ભૂતકાળના તમામ રેકોર્ડ બ્રેક કરી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ વિથ ડિસ્ટ્રીક્શન સાથે ઉત્તીર્ણ થનાર આ વિદ્યાર્થી. તેજસ્વી પ્રતિભાને કારણે આ જ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નિમણૂક પામનાર આ વ્યક્તિત્વ. પરંતુ પ્રોફેસર જેવી મોભાદાર અને આરામદાયક નોકરી છોડી મધર ટેરેસા અને મહાત્મા ગાંધીએ ચીંધેલ દરિદ્ર નારાયણની સેવાનો કપરો જીવનમાર્ગ  પસંદ કર્યો.
           સુરેશભાઈ સોનીનું મૂળ વતન તો વડોદરા જિલ્લાનું શિનોર ગામ. પરંતુ ભાગ્યરેખાઓ તેઓને સાબરકાંઠાના છેક છેવાડે આવેલ  રાજેન્દ્રનગર સુધી ખેંચી આવી.
           મા-બાપ તરફથી ગળથૂથી માંથી મળેલ સંસ્કાર, ઉપરાંત હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન બી.એસ. જોષી જેવા કર્મઠ શિક્ષકનું સાનિધ્ય સાંપડ્યું. આ કર્તવ્યનિષ્ઠ શિક્ષકે કિશોર વિદ્યાર્થી માનસમાં સેવા પરાયણતાના બીજ વાવ્યાં. અને શાળા પુસ્તકાલયમાં ર. વ. દેસાઈ અને મુનશી પ્રેમચંદ જેવા પ્રખર સાહિત્યકારોના પુસ્તકોના અભ્યાસે કિશોર સુરેશભાઈના અંતરના દ્વાર ખોલી આપ્યા. અને પછી તો અંતરના ઊંડાણમાં રોપાયેલાં આ બીજ સમય જતાં ફૂલ્યા,  ફા લ્યા, અને ફળ્યા પણ ખરાં!
            યુવાન સુરેશભાઈનું હૃદય સેવા યજ્ઞ માટે સંકલ્પિત બન્યું. સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નોકરી તો સ્વીકારી પરંતુ મનમાં ગાંઠ વાળી કે સેવા કાર્ય કે પરમાર્થનું કોઈ મન ગમતું કામ મળી જાય તો નોકરી છોડી દેવી. અને બન્યું પણ એવું જ 
                 પ્રોફેસરની નોકરી દરમિયાન સરકારી લેપ્રસિ હોસ્પિટલના કમ્પાઉન્ડરની દોસ્તીને પરિણામે તેઓએ રકતપિત્તના દર્દીઓની પારાવાર વેદના નજીકથી નિહાળી. રક્તપિત્તગ્રસ્ત એટલે અપંગમાં અપંગ, અસ્પૃશ્યમાં અસ્પૃશ્ય. લોહીના સગાઓથી તિરસ્કૃત, ગંદકીથી ખદબદતા ઝૂંપડાં કે ફૂટપાથ ઉપર મરવાના વાંકે કુતરાંથીય બદતર જિંદગી જીવતા માણસો. આ જિંદગી તેઓએ નજીકથી નિહાળી. ઘામાંથી પરું નીકળતા, કણસતા દર્દીઓને જોઈ તેઓ દ્રવી ઉઠ્યા. ભીખ માંગવા મજબૂર બનેલા આવા માણસોની આવી હાલત જોઈ  હૃદય વલોવાયું.  વડોદરાની ઝૂંપડપટ્ટીમાં ગયા. તરછોડાયેલા આવા નિઃસહાય રક્તપિત્ત ગ્રસ્તોની સેવામાં મન પરોવી દીધું. અને મનમાં વાળેલી ગાંઠ પ્રમાણે પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસરની મોભાદાર નોકરીને તિલાંજલિ આપી અને આવા દરિદ્ર નારાયણની સેવાનો ભેખ ધારણ કર્યો.
           આ સમય દરમિયાન અમદાવાદના સુખી પતિવારમાં ઉછરેલા ઇન્દિરાબેન  તરફથી વિવાહનો પ્રસ્તાવ આવ્યો. તો સામે પક્ષે સુરેશભાઈએ જિંદગી  જીવવા માટેની શરતો વર્ણવતો 17 પાનાનો પત્ર લખ્યો. ઇન્દિરાબેનને એમ કે જુવાનીનું જોમ છે એટલે આવી શરતો લખે પરંતુ પરણ્યા પછી જવાબદારી આવશે એટલે બધું બરાબર ગોઠવાઈ જાશે. અને સઘળી શરતો મંજુર રાખી લગ્ન ગ્રંથિથી જોડાયાં. સુરેશભાઈ ને સુધારવાની ખેવના લઈને પરણેલા ઈન્દિરાબેન લગ્ન બાદ પોતે પણ સેવાના રંગે રંગાઈ ગયાં. 
         વડોદરાની ઝૂંપડપટ્ટીમાં આવા દર્દીઓની સેવા માટે શ્રમમંદિર નામે ચાલતા ટ્રસ્ટમાં રહી સુરેશભાઇ દર્દીઓની સેવા કરતા. પરંતુ સમય જતાં ટ્રસ્ટના સંચાલકો સાથે મતભેદ ઉભો થયો. સુરેશભાઈને આખરે  ટ્રસ્ટ છોડવાનો વારો આવ્યો. ત્યાંના રહેવાસી દર્દીઓ રડતાં રડતાં કહેવા લાગ્યાં " જ્યાં તમે, ત્યાં અમે. અમે ફરી ભીખ માંગીશું. એમાં પહેલાં તમે કુટુંબ જમજો પછી અમે જમીશું. પણ અમે તમારાથી દૂર નહીં જઈએ. "
      સુરેશભાઈ પર જાણે કે ધર્મ સંકટ આવ્યું! હવે કરવું શું. આ દર્દીઓને લઇને જવું ક્યાં? પણ જ્યાં પરમાર્થનો મંત્ર છે ત્યાં પરમાત્માનો સાદ છે. સર્વોદય આશ્રમના રચનાત્મક કાર્યકર રામુભાઈ પટેલનો ફોન આવ્યો. અને તેઓએ કોઈ પણ જાતની શરત વગર 32 એકર જમીન દાનમાં આપી. અને આજથી બરાબર ત્રણ દાયકા પહેલા 1988 માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની કામગીરી શરૂ કરી ત્યારે  સંસ્થામાં સેવા મેળવતાં 20 રક્તપિત્તગ્રસ્તો અને 6 બાળકો હતાં આજે સુરેશભાઈ અને ઈન્દિરાબેનના સેવાના તપોબળથી આ ભૂમિ તીર્થ ભૂમિ બની છે. 
         સહયોગ એક સંસ્થા નહીં પણ એક ગામ છે. સાચા અર્થમાં ગોકુળિયું ગામ. જ્યાં વસતા લોકો   એક નવી જ જિંદગી જીવી રહ્યાં છે. જેમાં  રક્તપિત્તગ્રસ્તો, રક્તપિત્ત ગ્રસ્તોના બાળકો,  મંદબુધ્ધિ વાળા ભાઈઓ,  મંદબુદ્ધિ ધરાવતી  મહિલાઓ છે. સૌ હળી મળી ને રહે છે. આ સંસ્થા રક્તપિત્ત ગ્રસ્તોના અંદરોઅંદર લગ્ન કરાવે છે. આ ગામમાં ભારતભરમાં ઉજવાતા તમામ ઉત્સવો ઊજવાય છે. નંદનવન સમા આ ગોકુળીયા ગામમાં ગંદકી નથી. શહેરોની જેમ સડક , પાણી , વીજળી છે, ઘરે ઘરે શૌચાલય છે. દરેકના ઘર આંગણે તુલસી ક્યારો છે. રોજ સંધ્યા ટાણે ક્યારે ક્યારે દીવડા પ્રગટાવવામાં આવે છે. અહીં 24 કલાક ખુલ્લું રહેતું મંદિર છે. અહીં રોજ સાંજે સૌ ગ્રામવાસીઓ  પ્રાર્થના કરવા ભેગા મળે છે.  ચૂંટણી બૂથ છે જ્યાં 100% મતદાન થાય છે. એક સરકારી પ્રાથમિક શાળા છે જ્યાં અહીંના બાળકો અભ્યાસ કરે છે. 45 પથારીની અદ્યતન હોસ્પિટલ છે. જ્યાં આજુબાજુના ગામોના દર્દીઓ પણ સારવાર મેળવે છે.
         રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવાથી પ્રારંભયેલો આ માનવતાનો સેવા યજ્ઞ હવે અબોલ પશુઓ સુધી પાહોંચ્યો છે. અહીં સુરેશભાઇ અને ઈન્દિરાબેન તેઓના સાથી ઓ સાથે મળી 37 જેટલી વૃદ્ધ અને અપંગ ગાયોની સેવા કરે છે. 
             દેશભરમાંથી આવતા સેવાભાવી યાત્રીઓ માટે યાત્રી નિવાસ પણ છે. સુંદર પુસ્તકાલય અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે સાયન્સ કોર્નર પણ શરૂ કરાયો છે. 32 એકરમાં પથરાયેલું સેવા સુગંધથી પમરાટ પામેલું સંકુલ ગુજરાતની સેવાવૃત્તિનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. સુરેશભાઈ અને ઈન્દિરાબેનને એમના આ ઉમદા કર્યો બદલ  અને સહયોગ સંસ્થાને અનેક પારિતોષિક, એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતભરમાંથી અનેક  અમહાનુભવો અહીં પધારી ચુક્યા છે. 
             નરસિંહે ગાયેલું 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...' એ શબ્દોને જેમણે યથાર્થ જીવી  બતાવ્યું છે. આધુનિક મહર્ષિ સુરેશભાઈ અને ઈન્દિરાબેન ને કોટી કોટી વંદન!!

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

No comments:

Post a Comment