Sunday, October 13, 2024

સન્ડે સ્પેશિયલ


સંઘર્ષો, પડકારો અને પારાવાર પીડામાંથી પ્રગટેલું મેઘધનુષી રંગ ભર્યું મઘમઘતું વ્યક્તિત્ત્વ એટલે રમણીક ઝાપડિયા.

                                - ઈશ્વર પ્રજાપતિ 

                                    9825142620

                  રમણીકભાઈ ઝાપડિયા.

          ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, કલા, કસબ અને સાહિત્ય જગતમાં રમણીક ઝાપડીયાના નામથી અપરિચિત હોય તેવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. છેલ્લાં ૧૭ – ૧૭ વર્ષથી વણખેડાયેલા કલા જગત ક્ષેત્રમાં માતબર ખેડાણ  કરી ૫૦ જેટલા  ગ્રંથોનું લેખન-સંપાદન અને દસ્તાવેજીકરણનું અદભુત કાર્ય કર્યું છે. વિસરાતી જતી કલા સંપદાના સંવર્ધન માટે કલાતીર્થ ટ્રસ્ટના નેજા હેઠળ રમણીકભાઈએ જે યજ્ઞકાર્ય આરંભ્યું છે એ માટે આવનારી પેઢીઓ તેમની ઋણી રહેશે.  સેકડો કલાકારો અને કલાના કસબીઓના જીવનમાં મેઘધનુષી રંગો ભરનાર રમણીકભાઈનું પ્રારંભિક જીવન અનેક સંઘર્ષો અને પડકારોથી ભરેલું હતું. મુખ પર સદા માટે સ્મિત લહેરાવતા રમણીકભાઈનું મઘમઘતું વ્યક્તિત્વ કેવી પીડાઓ વેઠીને પાંગર્યું છે એ બહુ ઓછા લોકો જાણતા હશે.

      અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુંજાર ગામના પ્રજાપતિ પરિવારના મોભી પિતા ભીખાભાઈ લક્ષ્મણભાઈ ઝાપડિયા અને માતા પાર્વતીબેનને ત્યાં તા.૫-૩-૧૯૬૭ ના રોજ રમણીકભાઈનો જન્મ થયો. ભાલપંથક આમ પણ વર્ષોથી નપાણીયો મલક રહ્યો છે. પણ આ ભૂમિએ પાણીદાર માણસો આપીને સમગ્ર ગુજરાતની ઐતિહાસિક, સાહિત્યના કવિઓ, લેખકો અને સંતો-મહંતો એ ઊજાગર કરી છે. શ્રી હેમચન્દ્રાચાર્યથી લઈને સંતપુનિતના પાવન પગલાએ સમગ્ર ગુજરાતને સેવાપરાયણતાના પાઠ શિખવ્યા છે. ધનાભગતની શ્રધ્ધાએ અનેક લોકોના જીવનમાં આત્મશ્રધ્ધા જગાડી છે. સૂકી ખેતી વરસાદ આધારીત વર્ષની ઊપજ નક્કી થાય, મહેનત કરતા સંઘર્ષ વધારે કરવો પડે એ આ મલકની તાસીર છે. રમણીકભાઈના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી. દારુણ ગરીબીમાં તેમનું બાળપણ વીત્યું.

              રમણીકભાઈના  કુટુંબમાં બે ભાઈઓ અને એક બહેનનો પરિવાર, એમા પણ મોટા ભાઈ ત્રિકમભાઈ મૂંકબધીર એટલે મને અભ્યાસ કરાવીને આગળ વધારવાની આશા સાથે ધો. ૧ થી ૭ નું શિક્ષણ ગુંજારની આદર્શ પ્રાથમિક શાળામાં લીધુ અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ ધંધુકાની શ્રી ડિ. એ. વિદ્યામંદિરમાં લીધું. શરૂઆતથી જ કલાપ્રત્યે ખૂબ જ રુચિ એટલે પ્રાથમિક શાળામાંથી જ કલાની વિવિધ પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ ભાગ લેતા. અને રાજ્યકક્ષા સુધી પ્રતિનિધિત્વ કરતા. કલાક્ષેત્રે આગળ વધવાના મક્કમ નિર્ધાર સાથે ધોરણ-૧૨ ની પરીક્ષા આપી. રમણીકભાઈનો મૂળ જીવ જ કલાનો એટલે કલા ક્ષેત્રે કર્કીડી ઘડવાનો મનસુબો સેવી રહ્યા હતા. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. આગળ અભ્યાસ કરવો તો કરવો કઈ રીતે.

         વર્ષ ૧૯૮૮ – ૮૯ની વાત છે. રમણીકભાઈએ ૧૨મું  પાસ તો કરી લીધું હતું. વધુ અભ્યાસ માટે પરિવાર પાસે કોઈ જ આર્થિક સગવડ મળે નહિ. જીવનના આવા કપરા દિવસોમાં તેમનાં માતા એ  મરણ મૂડી સમાન પાંત્રીસ રૂપિયા  રૂપિયા આપી  કલાના વધુ અભ્યાસ માટે રમણીકભાઈને  વઢવાણ મોકલ્યા, કર્મઠ સેવક શ્રી અરૂણાબેન દેસાઈની વિકાસ વિદ્યાલય દ્વારા સંચાલિત શ્રીમતિ એન. એમ. શાહ ટીચર્સ ટ્રેનીંગ કોલેજ વઢવાણ ખાતે આર્ટ ટીચર્સ ડિપ્લોમાંનો અભ્યાસ શરૂ થયો.  પરિવારની સ્થિતિ રમણીકભાઈ સુપેરે પરિચિત હતા એટલે   અથાગ મહેનત અને કલાક્ષેત્રે પારંગત થવાની અદમ્ય ઈચ્છાથી ખૂબ મહેનત કરી. પરિણામ સ્વરૂપે  સમગ્ર ગુજરાતમાં તેમણે  પ્રથમ સ્થાન મેળવ્યું.

          ટૂંકી ખેતી અને સતત દુષ્કાળ વચ્ચે વરસની ખૂબ જ નબળાઈ, આવકના નામે આર્શીવાદ. વ્યવસાય અર્થે શરૂઆતમાં હિરાઘસવાની મજૂરી પણ કરી, ત્યાર બાદ કોઈપણ કામ મળી રહેશે એવા નિર્ધાર સાથે સૂરતની વાટ પકડી અને સૂરતને કર્મભૂમિ બનાવી. વ્યવસાયિક ધોરણે મળતા આર્ટના કામો કર્યા રજાનામની મજા ભૂલીને રાતદિવસ ખૂબ મહેનત કરી, સમગ્ર પરિવારની જવાબદારી તેઓએ પોતાના માથે ઉપાડી લીધી.

          કુદરત જયારે કસોટી કરે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. રમણીકભાઈએ જીવનની આવી કપરી કસોટીઓમાંથી પાર ઉતરવાનું  હતું. બહેનને ક્ષયરોગની માંદગી આવવાથી ઘર દેવાદાર બન્યું અને વ્યાજના વિષચક્રમાં ફસાયું તેમા મારા પરિવારની સ્થિતી ખૂબ જ વિકટ બની. માલ-મિલકત સાથે જમીન-વેચવા સુધીની નોબત આવી.  રાત-દિવસ અથાગ મહેનતના કારણે ઘર-પરિવારને હેમખેમ બહાર કાઢયો. કલાશિક્ષણની ઉજ્જવળ કારર્કિદીના કારણે પ્રજાના લોકસેવક શ્રી પોપટલાલ વ્યાસ દ્વારા સ્થપાયેલ સૂરતના છેવાડાના વેડરોડ વિસ્તારમાં આવેલ અખંડ આનંદ વિદ્યાભવન માધ્યમિક વિભાગમાં રમણીકભાઈને કલાશિક્ષકની નોકરી મળી ગઈ. બે પાંદડે થવાની શરૂઆત થતા કલાકારો માટે કંઈક કરવાના શુભભાવ સાથે તેમણે  મિત્રો સાથે મળીને એક કલાસંસ્થા ઉભી કરવાનો વિચાર કર્યો. આમ પણ સૌરાષ્ટ્રમાંથી વ્યવસાય અર્થે આવેલા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછુ હતું. એમા કલા-સાહિત્યની તો વાત જ ક્યાં...? કાઉન્સીલ ઓફ આર્ટ એન્ડ કલ્ચરનાના નેજા હેઠળ 'ગુલમહોર' નામની કલાસંસ્થા ચાલુ કરી, મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૫ સુધી સતત ૧૧ વર્ષ મંત્રી બનીને કામ કર્યું. ગુજરાતના ૩૦,૦૦૦ કરતા પણ વધારે રૂપપ્રદ કલાના કલાકારોને પ્લેટફોર્મ  આપ્યું ત્યારબાદ કલાગુરુ જશુભાઈ નાયકને મળવાનું થયુ અને તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી ચિત્રકલા, શિલ્પકલા તસવીરકલાના કલાકારો માટે ક્લાપ્રતિષ્ઠાનની સ્થાપના કરી કલાપ્રતિષ્ઠાન કલા સંસ્થાના વહન માટે મહામંત્રી તરીકેની સંપૂર્ણ  આર્થિક જવાબદારી સ્વીકારીને ૨૦૦૬માં કલાક્ષેત્રે કાર્ય શરૂ કર્યુ.

           આ સંસ્થામાં નવોદિત કલાકારોના હૃદયમાં ઉછળતી સર્જનાત્મક સંવેદનાઓને કલાકારના હૃદયમાંથી ઉલેચવાનું, ઉકેલવાનું અને ઊધ્વગામી બનાવવાનું ઉદ્ગમૂલ કાર્ય કલાપ્રતિષ્ઠાન દ્વારા સતત તેર વર્ષથી થઈ રહ્યું છે. એ સૌ કલાકારો અને સંસ્થા સાથે સંકળાયેલા કલાધર્મીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે.  કલા અને કલાકારો માટે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા કલાકારોને વ્યક્તિગત, સમુદાયગત, સંસ્થાગત અને સમાજગત અભિવ્યક્તિની તક મળતી રહે, નવોદિત કલાકારોને તેમના કલાપુરુષાર્થમાં પ્રોત્સાહન મળે, સૌમાં સર્જનાત્મકતાના સંસ્કાર વિકસે, નવીન કલાપ્રવાહો અંકુરીત થાય તેમજ કલાસર્જનોને આદરભાવ પ્રાપ્ત થાય, તે ઉદેશ્યને સિદ્ધ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

         કલાકારો વૈશ્વિક પ્રવાહો સાથે પણ તાદાત્મ્ય કેળવતા થાય, તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય અનેક કલાસર્જકો દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યું છે. પેઈન્ટીંગ વર્કશોપ, કલાશિબિરો અને કલાપ્રદર્શનોમાં આ ખ્યાતનામ કલાસર્જકોનું સાંનિધ્યપ્રેરક અને પ્રોત્સાહક રહ્યું છે. જેનાથી નવોદિત કલાકારોને નવી દિશા સાંપડી છે.  અવિરત ચાલતી આ કલાપ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા કલાકારોના વનમેન-શો અને ગૃપ શોનું પણ આયોજન કરવામાં આવે છે. "શ્રી કલાગુરુ જશુભાઈ નાયક કલાનિધિ ફંડ” માંથી કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર ૩ વનમેન-શો અને ૨૬ ગૃપ-શો માટે આર્થિક સહાય કરવામાં આવી છે.  કલાક્ષેત્રે આગવી સૂઝ, વૈવિધ્યસભર દૃષ્ટિકોણ, મૌલિકતા તેમજ નવીનતા વગેરે દ્વારા પોતાની કલાશક્તિમાં નવા પરિમાણો ઉમેરવાના ઉચ્ચ ધ્યેય સાથે સમગ્ર ગુજરાતના ૮૧૧ જેટલા કલાકારો કલાપ્રતિષ્ઠાન સાથે જોડાયેલા છે. રંગ અને રેખા વડે આકારને સાકાર કરી રહેલા આ કલાકારોને છેલ્લા ૧૩ વર્ષમાં કલાશિબિરો, ક્લાપ્રદર્શનો અને પેઈન્ટીંગ વર્કશોપ દ્વારા પુરસ્કાર, પારિતોષિક અને કૃતિ-મૂલ્યાંકનરૂપે નિઃસ્વાર્થ રોકડ સહાય કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૬ જેટલા “કલાવિદ્’” મેગેઝિન કોઈપણ પ્રકારનું લવાજમ લીધા વગર જ ૧૪૦૦ જેટલા કલાકારો, કલાચાહકો અને ભાવકોને નિયમિત રીતે મોકલવામાં આવ્યાં છે. આ રીતે પ્રચાર- પ્રસાર માધ્યમથી કલાશિક્ષણની સાથે લોકશિક્ષણનું કાર્ય થયું છે. દરેક કલા પ્રદર્શન વખતે પ્રતિષ્ઠા-સ્મરણિકા પ્રગટ કરીને સમગ્ર ગુજરાતના કલા જગતમાં ઉજાસ પાથરવાનો પાવન પ્રયત્ન કર્યો છે.

          જેમણે માત્ર રાજ્ય કે રાષ્ટ્ર જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય કલાસંસ્કૃતિને ઉજાગર કરી છે. એવા કલાના વિવિધ ક્ષેત્રના કલાપ્રચારક, પ્રસારક અને ચિત્રકાર  આ ગરવી ગુજરાતની ધરોહર સમા ૧૦ ક્લાસર્જકોને 'ભારત કલારત્ન' અને રૂા.૨૧૦૦૦/- રોકડરાશિ અર્પણ કરીને આત્મગૌરવ સાથે આપણે સૌએ સાથે મળીને બહુમાન કર્યું છે. આ સાથે અનેક કલાવિષયક પ્રકલ્પો હાથ ધરીને ગરવી ગુજરાતની કલા અસ્મિતા ઉજાગર કરીને કલાકારોનું આત્મગૌરવ વધાર્યું છે અને તેમનું સન્માન કરીને ગુજરાતના કલાજગતમાં ઐતિહાસિક ઘટના સર્જી છે.
            તા. ૧૦-૩-૨૦૧૬ ના રોજ સુરત ખાતે પૂ.મોરારિબાપુના સાંનિધ્યમાં કલાગ્રંથ લોકાપર્ણ સમારોહ અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમગ્ર ગુજરાતના કલાભાવકો, કલાસાધકો અને કલાવિવેચકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજીને સાચા અર્થમાં કલાનું અનુષ્ઠાન કર્યું છે. જે ગુજરાતના કલા જગત માટે ઐતિહાસિક ઘટના બની છે.
          કલાપ્રતિષ્ઠાન દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ, પોરબંદર, વિદ્યાનગર, અમદાવાદ અને સુરત ખાતે કલાગ્રંથોના લોકાર્પણ સમારોહ અને કલાઉત્સવો યોજવામાં આવ્યા. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ચિત્રકલા, શિલ્પકલા અને તસવીરકલાના ૮૧૧ જેટલા કલાસર્જકો એ કલાકૃતિ પ્રદર્શિત કરીને કલાક્ષેત્રની સિદ્ધહસ્તતાના દર્શન કરાવ્યા. જેના કારણે સમગ્ર ગુજરાતના જનસમાજે કલાના નવજાગરણની અનુભૂતિ કરી છે. રૂપપ્રદ કલા ક્ષેત્રે વર્ષોથી કલાસાધના કરતા ૧૭૪ ચિત્રકારો, શિલ્પકારો, તસવીરકારો, નૃત્યકારો, નાટ્યકારો, સંગીતકારો સાથે કલમના ખોળે માથું મૂકીને કલાની સેવા કરતા સર્જકોનું “કલારત્ન એવોર્ડ” સાથે શાલ-સરપાવ આપીને, કલાઉત્સવોમાં અભિવાદન કરીને કલાકારોના કલાજીવનમાં મેઘધનુષી રંગો ભરવાનું ઉમદા કાર્ય કલાપ્રતિષ્ઠાન દ્વારા થયું છે. જે સમગ્ર ગુર્જરધરા પર આ પ્રથમ ઘટના બની છે.

        કલાજ્ઞાનથી સમૃધ્ધ કરવાના શુભભાવ સાથે અપાયેલા ૧૦૦૦ કલાગ્રંથોએ ગુજરાતના કલાઈતિહાસમાં સોનેરી પૃષ્ઠ બન્યું છે. કલાઉત્સવ દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાસર્જકોના લાઈવ નિદર્શનો યોજવામાં આવ્યા હતા. આ પ્રત્યક્ષ નિદર્શનો દ્વારા ગુજરાતના ૨૦૦૦ કરતા પણ વધુ કલાકારોને રાષ્ટ્રીય કક્ષાના આયો માહિતગાર કરીને ઉર્જાવાન બનાવવાનું ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય થયું છે. દરેક કલાઉત્વમાં કલાકારોની કોઈપણ પ્રકારનું ભારણ વહન કરવું ન પડે અને વ્યવસ્થાપન કાર્ય ખૂબ સારી રીતે થઈ શકે તેવા શુભભાવથી કોઈપણ પ્રકારના આર્થિક વળતરની  અપેક્ષા રાખ્યા વગર કલાગુરુ જશુભાઈ નાયક કલાનિધિ ફંડમાંથી રોકડ રાશિ ૧૦ કલાઉત્સવ સમિતીને અર્પણ કરવામાં આવી છે. આ પ્રકારે કાર્ય કરતી આપણી કલાસંસ્થા સમગ્ર રાષ્ટ્રના કલાચાહકો, કલાસાધકોના હૃદયમાં અનેરું સ્થાન પામી છે.

            કલા સાધક રમણીકભાઈને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. એમ છતાં તેમના જીવનની સળગી અને સ્વભાવની સરળતા હ્રદય સ્પર્શી છે.

       દોઢ દાયક પૂર્વે એક આંબાના ઝાડ નીચે માત્ર પાંચસો રૂપિયાની નજીવી મૂડીથી શરૂ થયેલી સંસ્થા આજે વિરાટ વટ વ્રુક્ષ બની છે. આ સંસ્થા અનેક કલાકારોના બ્લેક એન્ડ વ્હાઈટ જીવનને મેઘધનુષી રંગોથી શણગારવામાં નિમિત્ત બની છે. પોતે વેઠેલી પારાવાર પીડા અન્ય કોઈ કલાકારને ના વેઠવી પડે એ માટે રમણીકભાઈ સતત મથામણ કરતા રહે છે. આજે સફળતાના શિખરે હોવા છતાં તેઓ વિનમ્ર ભાવે જણાવે છે કે “ હું મારી જાતને કલાકાર કરતાં કલાના ચાહક તરીકે વિશેષ ગણું છું.”

3 comments: