બાળપણમાં પોલીયોગ્રસ્ત બનેલી વિલ્માએ જયારે ઓલમ્પિક દોડની રેસમાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતી દુનિયાને દંગ કરી દીધી.
ફ્રાન્સના પેરીસ શહેરમાં ઓલમ્પિકનો મહાસંગ્રામ જામ્યો છે. ભારતીય
એથલેટ મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. પેરિસમાં તિરંગો લહેરાવી
વિશ્વના ખેલ જગતમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. એક મેડલ જીતવા માટે એક ખેલાડીએ
વર્ષો સુધી સાતત્યપૂર્ણ કેવો પ્રચંડ પુરુષાર્થ
કરવો પડતો હોય છે એનાં અનેક ઉદાહરણો આપણી સામે
આવતા હોય છે. એમાય કોઈ બાળપણમાં પોલીયોનો શિકાર બનેલ રમતવીર ઓલમ્પિકની રીલે દોડમાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતી બતાવે ત્યારે દુનિયા આખી
દંગ બની જતી હોય છે. આજે વાત કરવી છે એવી જ એક વિરલ રમત વીરાંગના વિલ્મા રુડોલ્ફની
કે જેણે ૧૯૬૦ ની ઓલમ્પિકની મહારાણી તરીકે નવાજવામાં આવી.
ઓલ્મપિકની વાત નીકળે
ત્યારે વિલ્મા રુડોલ્ફનું નામ ખુબ આદર સાથે યાદ કરવામાં આવે છે. તેમનું જીવન દંતકથા
થી જરાય ઉતરતું નથી. વિલ્મા ગ્લોડિયન રુડોલ્ફનો જન્મ 23 જૂન 1940ના
અમેરિકાના સેન્ટ બેથલેહામમાં થયો હતો. તે તેના માતા પિતાના ૨૨ સંતાનો પૈકી ૨૦ મુ સંતાન
હતી. તેમના પિતા કુલી હતા. માતા બ્લાન્ચ,
ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે આજુબાજુનાં ઘરોમાં કામ કરતી
હતી. વિલ્માનો જન્મ સમય કરતાં વહેલા થઈ ગયો હતો, જેના કારણે
તેનું શરીર ખૂબ જ નબળું હતું. જન્મ
સમયે તેનું વજન માત્ર 2 કિલો જ હતું. વિલ્મા બાળપણથી જ બીમાર
રહેતી હતી. શરૂઆતમાં તે ન્યુમોનિયા અને સ્કાર્લેટ ફીવરથી પીડિત હતી. જ્યારે થોડી
મોટી થઈ તો ચાર વર્ષની વયે જ પોલિયો થઈ ગયો, જેના કારણે
તેમણે ડાબા પગની તાકત ગુમાવી દીધી. તેમને ચાલવા માટે કેલિપર્સની મદદ લેવી પડતી
હતી. વિલ્માની માતાને સારવાર માટે રોજ 80 કિ.મી. દૂર જવું
પડતું હતું. અનેક દિવસો સુધી સારવાર ચાલ્યા બાદ ડોક્ટર્સે હાર માની લીધી અને કહી
દીધું કે વિલ્મા ક્યારેય તેના પગ પર ઊભી રહી શકશે નહીં. પરંતુ માતા હિંમત હારી
નહીં, ઘરેલુ સારવાર ચાલુ રાખી.
આજુબાજુનાં
બાળકોને રમતાં જોઈને વિલ્માને પણ રમવાની ઈચ્છા થતી હતી. એક વખત વિલ્માએ તેના
ક્લાસમાં તેની શિક્ષિકા પાસે ઓલિમ્પિક્સ રેકોર્ડ્સ અંગે સવાલ પણ કર્યો, જેના પર બધા બાળકો હસવા લાગ્યા અને
ટીચરને કહ્યું કે રમતો અંગે જાણીને શું કરીશ, તું તો ચાલી જ
નથી શકતી. બીજા દિવસે રમતના પીરિયડમાં તેને આગળ ઊભી કરી દેવાઈ ત્યારે તેણે દૃઢ
નિશ્ચય કર્યો પોતાને કહ્યું કે ‘સાચી લગન અને મક્કમ ઈરાદા હોય તો બધું જ શક્ય છે.
હું એક દિવસ ઓલિમ્પિકમાં જરૂર ભાગ લઈશ અને સૌથી ઝડપથી દોડીને બતાવીશ.’
બીજા
જ દિવસે વિલ્માએ કેલિપર્સ કાઢી નાંખ્યા અને પૂરી તાકાત લગાવીને ચાલવાનો પ્રયાસ શરૂ
કરી દીધો. શરૂઆતમાં તેને પીડાનો સામનો કરવો પડ્યો. અનેક વખત તો પડવાના કારણે તેને
ઘણી ઈજા પણ થઈ, પરંતુ
વારંવાર પડતા- આખડતા, સંભાળતા અંતે
તેણે ધીમે ધીમે ચાલવાનું શીખી લીધું. 11 વર્ષની વયે વિલ્મા
પહેલી વખત બાસ્કેટ બોલ રમી. ત્યાર બાદ સ્કૂલની ટીચર્સે પણ તેની પૂરી મદદ કરી. હવે
વિલ્મા પૂરા જોશ અને લગન સાથે દોડવાની પ્રેક્ટિસ કરી લીધી. 1953માં 13 વર્ષની વયે પહેલી વખત તેણે સ્કૂલની એક રેસ
સ્પર્ધામાં ભાગ લીધો, પરંતુ સૌથી પાછળ રહી ગઈ. પરંતુ ત્યાર
બાદ પણ તેનો આત્મવિશ્વાસ ઘટ્યો નહીં અને પ્રેક્ટિસ સતત ચાલુ રાખી. અંતે 8 વખત હાર્યા બાદ 9મી રેસથી તેણે જીતવાનું શરૂ કર્યું.
બસ, અહીંથી તેણે પાછળ ફરીને જોયું નથી.
15
વર્ષની વયે, તેમણે ટેનેસી યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો,
જ્યાં તેમને કોચ એડ ટેમ્પલ મળ્યા. વિલ્માએ ટેમ્પલને પોતાની ઇચ્છા કહી કે તે
સૌથી ઝડપી દોડવીર બનવા માંગે છે. કોચએ તેમને કહ્યું – “આ જ ઇચ્છાશક્તિને કારણે કોઈ તને અટકાવી
શકશે નહીં અને હું તને આમાં મદદ કરીશ.”
વિલ્માએ સખત મહેનત કરી અને આખરે 1960ની રોમ ઓલિમ્પિક્સમાં તેને પોતાના દેશ તરફથી રેસમાં ભાગ લેવાની તક અપાઈ. રોમ, ઇટાલીમાં 1960 સમર ઓલિમ્પિક્સમાં , રુડોલ્ફે રોમના સ્ટેડિયો ઓલિમ્પિકોમાં સિન્ડર ટ્રેક પર ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો વિલ્માને રનર (જુતા હેન) સાથે સામનો કરવો
પડ્યો હતો, જેને અત્યાર સુધી કોઈ હરાવી શક્યું ન હતું.
પ્રથમ સ્પર્ધા 100 મીટર હતી,
જેમાં વિલ્માએ જુતાને હરાવીને સુવર્ણ ચંદ્રક
જીત્યો હતો.અને બીજી રેસ (200 મીટર)માં
વિલ્માએ જુતાને હરાવી હતી અને બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ત્રીજી રેસ 400
મીટર રિલે રેસ હતી અને વિલ્માની લડાઇ ફરી
એકવાર જુતા સાથે જ હતી. રિલે રેસના છેલ્લો ભાગમાં ટીમના સૌથી ઝડપી દોડવીર જ
દોડે છે. વિલ્માની ટીમના ત્રણ લોકો રિલે રેસના શરૂઆતમાં ત્રણ ભાગમાં દોડ્યા
અને સરળતાથી બૅટન બદલ્યાં. જ્યારે વિલ્માનો દોડવાનો સમય આવ્યો, ત્યારે તેનાથી બૅટન છૂટી ગઈ પરંતુ વિલ્માએ
જોયું કે બીજી
બાજુ જુતા હેન ઝડપથી દોડતી આવતી હતી. વિલ્માએ પડી ગયેલી બૅટનને ઉઠાવી અને રોકેટની
ગતિથી દોડી, જુતાને ત્રીજી વખત
હરાવી અને ત્રીજું સુવર્ણ પદક જીત્યું.
આ રીતે, બાળપણમાં પોલીયોનો શિકાર બનેલી એક સ્ત્રી કે જેણે ડોક્ટરો કહ્યું હતું કે “તેણી ક્યારેય ચાલી શકશે નહીં.” તે વિશ્વમાં સૌથી ઝડપી દોડવીર બની અને સાબિત કર્યું કે આ દુનિયામાં બધું જ શક્ય છે.
ઓલિમ્પિક્સમાં
તેણે 100, 200 અને 400
મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. વિલ્મા અમેરિકાની
પહેલી એવી અશ્વેત ખેલાડી બની જેણે ઓલિમ્પિકમમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. વિલ્મા રૂડોલ્ફ એક જ ઓલિમ્પિયાડમાં ત્રણ ગોલ્ડ
મેડલ જીતનારી પ્રથમ અમેરિકન મહિલા બની હતી. રૂડોલ્ફ 1960ના રોમ ઓલિમ્પિકના સૌથી
લોકપ્રિય રમતવીરોમાંનાં એક હતાં. અને ઓલિમ્પિક ગેમ્સમાંથી "ધ ટોર્નેડો,
પૃથ્વી પરની સૌથી ઝડપી મહિલા" તરીકે ઉભરી આવ્યા હતાં. ,
તે વર્ષે ઓલિમ્પિકના પ્રથમ વિશ્વવ્યાપી ટેલિવિઝન કવરેજને કારણે
રુડોલ્ફ આંતરરાષ્ટ્રીય સ્ટાર બન્યાં હતાં.
વિલ્મા રુડોલ્ફની
આત્મકથા, વિલ્મા: ધ સ્ટોરી ઑફ વિલ્મા રુડોલ્ફ ,
1977 માં પ્રકાશિત થઈ હતી. તેણીની એથ્લેટિક સિદ્ધિઓ ઉપરાંત, રુડોલ્ફને યુવા રમતવીરોને તાલીમ આપતી વિલ્મા રુડોલ્ફ ફાઉન્ડેશનની સ્થાપના
અને તેનું નેતૃત્વ સહિત યુવાનોમાં તેના યોગદાન માટે યાદ કરવામાં આવે છે.
જુલાઈ 1994 માં રુડોલ્ફને મગજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું . તેણીને ગળાના કેન્સરનું પણ નિદાન થયું હતું.
તેણીની સ્થિતિ ઝડપથી બગડતી ગઈ, અને રુડોલ્ફ 12 નવેમ્બર, 1994 ના રોજ, નેશવિલ,
ટેનેસીના ઉપનગર બ્રેન્ટવુડમાં તેના ઘરે મૃત્યુ પામ્યાં. મૃત્યુ સમયે તેમની ઉમર માત્ર 54 વર્ષની હતી.
Very Nice
ReplyDelete