મંગળવાર, 9 જુલાઈ, 2024

આભલાના ટેકા.

આભલાના ટેકા.


    
       અનંત વિસ્તરેલા આકાશ સામે મીટ માંડીએ તો ક્યારેક વિસ્મયમાં સરી પડાય કે આખું આકાશ કોના સહારે ટક્યું હશે?? એના ટેકા ક્યાં? આખું આભાલું આમ વગર ટેકે ટકી શકે ખરું ? જવાબ છે,  "ના!"  અને જો આભલાને ટેકા હોય  તો પછી એ  દેખાતા કેમ નથી? મારું માનો અને દૃષ્ટિ કેળવો તો આભલાના ટેકા આપણી આસપાસ જ વિહરતા હોય છે. દૃષ્ટિ કેળવાય અને નજરે ચડી જાય તો એને વંદન કરી લેજો..
       આજે વાત કરવી છે આભલાના ટેકા સમાન સારસ યુગલની ! જેઓનું નામ છે નીલમબેન પ્રજાપતિ અને ધર્મેશભાઈ પ્રજાપતિ.

       સવારે શાળાએ પહોંચી હું  કામમાં પરોવાયો. ત્યાં અચાનક અજાણ્યા નંબરથી ફોન રણક્યો.. ફોન રિસિવ કાર્યો. સામે છેડે ગરિમા પૂર્ણ એક મહિલાના અવાજ સંભળાયો.. "ઈશ્વર ભાઈ ?"  મેં હકારમાં જવાબ આપ્યો. એમણે કહ્યું "આપ શાળામાં હો તો આમારે આપને મળવા આવવુ છે. અમે અમદાવાદ થલતેજથી નીકળીએ છીએ અને બે અઢી કલાકમાં આપની શાળાએ પહોંચીશું."  મારે બપોર પછી શાળાના થોડા કામે નીકળવાનું હતું પણ એ બેન આવે પછી મળીને નીકળવાનું નક્કી કર્યું..

              બરાબર સવા બે વાગે એક ઇમ્પોર્ટેટ કાર શાળાના પરિસરમાં આવી ઊભી રહી.. એક સારસ યુગલ કારમાંથી નીચે ઉતાર્યું..તેઓને આવકારવા હું બહાર આવ્યો... આ પહેલાં તેમનો કોઈ જ પરિચય નહિ.. ટેલિફોનીક પણ આજે સવારે જ વાત થઈ પણ તેમને જોતાં જ કાંઈ અલગ વાઈબ્રેશન અનુભવાયાં.. સાદગી, સરળતા અને વિનમ્રતા તેઓના વ્યક્તિત્વના આભુષણ હતાં.

         શાળાના કાર્યાલયમાં આવ્યા પછી તેમણે કહ્યું "અમે થલતેજથી આપની શાળા અને લાઇબ્રેરી જોવા જ આવ્યાં છીએ." આ સાંભળીને પહેલાં તો મનમાં આશ્ચર્ય ઉપજે. કોઈ થલતેજ અમદાવાદથી અરવલ્લીની અંતરીયાળ વિસ્તારની શાળાની મુલાકાતે આમ દોઢસો બસો કિલોમીટર અંતર કાપી  આવી ચડે ખરું  આવા સુખદ આશ્ચર્ય આજે પણ બને છે એના અમે સાક્ષી બન્યા  એનો આનંદ વહેંચવો રહ્યો.

        નીલમબેન પ્રજાપતિ અને તેમના જીવનસાથી ધર્મેશભાઈ પ્રજાપતિ બન્ને થોડી વારમાં શાળા અને લાઇબ્રેરીમાં થતી પ્રવૃત્તિઓ જાણવા-સમજવામાં   ઓતપ્રોત થઈ ગયાં. એ જોતાં લાગ્યું કે ધર્મેશભાઈ અને નીલમબેન કોઈ શિક્ષણસંસ્થા સાથે જોડાયેલાં હશે. તો જ શાળા અને લાઈબ્રેરીની પ્રવૃત્તિ જાણવા સમજવામાં આટલો રસ પડે ને !  પણ વધુ  આશ્ચર્ય જાણીને થયું કે ધર્મેશભાઈ બીઝનેશ મેન છે. અમદાવાદમાં ખુબ સારો બીઝનેશ ધરાવે છે. જ્યારે નીલમ બેન હાઉસ વાઈફ છે. પરંતુ સાહિત્યમાં તેઓની રુચિ ગજબની છે. અને એટલે જ ગૃહિણી હોવા છતાં તેઓના ઘરની લાઇબ્રેરી વિધવિધ પુસ્તકોથી સમૃદ્ધ છે. સાહિત્ય રુચિને કારણે મહિનાના એક રવિવારે થલતેજ વિસ્તારમાં બાગબાન નામે પુસ્તક પરબ પણ તેઓ ચલાવે છે. આજે ચોરે ને ચોંટે ચર્ચાય છે કે પુસ્તકો વંચાતા નથી, સાહિત્ય પ્રત્યે લોકોની રૂચી રહી નથી,  પણ નીલમબેન અને ધર્મેશભાઈ જેવા ભાવકોથી સાહિત્ય જગત રળિયાત છે.

          શાળા અને લાઇબ્રેરીની મુલાકાત લીધા પછી નીલમબહેને પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું કે “ જાણીતા પત્રકાર  રમેશ તન્ના સરના પુસ્તક ‘સમાજની સુંગંધ’માં આપની શાળા અને લાઈબ્રેરી વિષે વાંચ્યું ત્યારથી આપની મુલાકાત લેવાનું છેલ્લા દોઢેક વર્ષથી વિચારી રહ્યાં હતાં, પણ કોઈને કોઈ કારણસર આવી શકયાં નહતાં. પણ આજે મારો જન્મદિવસ હતો એટલે સવારથી જ નક્કી કર્યું કે આજે આકરુંદ જવું જ છે અને અમે નીકળી પડ્યાં.” શાળા અને લાઈબ્રેરી જોઈ તેઓએ અહોભાવ પ્રગટ કર્યો..   કેવો નિખાલસ ભાવ !   ધર્મેશભાઈએ  એક  રકમ મારા હથમાં મૂકી અને કહ્યું આ શાળા અને બાળકો માટે. હું સ્તબ્ધ રહી ગયો.. આ ભેટ ન લેવા હું આજીજી કરતો રહ્યો. પણ મારી વાત માને તો ને ! આખરે નીલમબેન અને ધર્મેશભાઈ જીત્યા અને હું હાર્યો.. ભેટ સ્વીકારી..

          જોગાનુજોગ એવું બન્યું. પ્લાન્ટેશન  માટે ફૂલછોડ અને ઝાડવા શાળામાં મંગાવ્યા હતા એ ટેમ્પો આજે જ આવ્યો. મને વિચાર ઝબક્યો કે નીલમબેનનો જન્મ દિવસ છે તો એક છોડ એમના જ હાથે કેમ ન વાવીએનીલમબેનના હાથે વૃક્ષારોપણ કરી તેમના જન્મ દિવસની ઉજવણી કરી. ત્યાં વળી ધર્મેશભાઈ સરવળ્યા તેઓ કહે "જુઓ અમે વૃક્ષારોપણ કર્યું છે તો આ ટેમ્પાના તમામ વૃક્ષોના પૈસા એના ભાડા સાથે હું જ આપીશ..."  મે કહ્યુ "અરે ! આ પૈસા તો કેમ લેવાય ?? પણ મારી વાત માને તો એ ધર્મેશભાઈ શાના!  ધર્મેશભાઈ એ શાળાના આખા  બગીચાના તમામ ફૂલછોડ ઝાડવાના રોપાના બધા જ પૈસા આપી દીધા...
          હું તો બે  ઘડી આ માણસના દિલની  દાતારી સામે જોતો જ રહ્યો.. જે વ્યક્તિ ને આકરૂંદ ગામ કે શાળા સાથે કોઇ જ સંબધ નથી, કોઈ ઝાઝો પરિચય નથી.. એમ છતાં નિસ્વાર્થ ભાવે આમ ધોધમાર વહાલ વરસાવી દે એ આજના સમયમાં  એ નાનીસુની વાત નથી...
       
ધર્મેશભાઈએ એમના ભૂતકાળની યાદો તાજી કરી.. બનાસકાંઠાના છેક છેવાડે  સરહદની લગોલગ તેમનું વતન આવેલું છે.. બાળપણ કપરી ગરીબીમાં વીત્યું. પણ નિષ્ઠા, પ્રમાણિકતા અને પરિશ્રમ થકી આપ બળે ભવિષ્ય ઘડ્યું. આજે સફળતાના શિખરે પહોંચ્યા છે. એમ છતાં ભૂતકાળના દિવસો હૃદયમાં અકબંધ સાચવી રાખ્યા છે. તેમની વાતો પરથી હું એટલું પામી શક્યો કે તેઓને વતન છોડે કદાચ દાયકાઓ વીત્યા હશે, એમ છતાં તેમના હૃદયમાં વતન પ્રત્યે  અનહદ પ્રેમ સચવાયેલો  છે. માતૃભુમીને અંતરના ઊંડાણેથી તેઓ ચાહે છે. વતન માટે કઈક કરી છૂટવાની ઝંખના તીવ્ર બની  છે.. વતન તો  સાદ કરીને ક્યારનું  પોકારી રહ્યું છે..  જો કોઈ લાયકાત ધરાવતી   યોગ્ય વ્યક્તિ  ધર્મેશભાઈને  આંગળી પકડી વતનમાં દોરી જશે અને સથવારો આપશે તો આ માણસ વતનના વેરાન રણને ઉપવનમાં પલટાવી નાખશે  એમાં કોઈ બેમત નથી.

     આ દંપતીની મને વધુ એક ખાસિયત જણાઈ એ એ છે કે આંગણે  સમૃદ્ધિની છોળો આકાશને  આંબતી હોવા છતાં પગ જમીન સાથે જોડાયેલા છે. તેમના સ્વભાવની સાદગી અને નિખાલસતા હૃદયસ્પર્શી છે.   ધર્મેશભાઈ અને નીલમ બેનને ભલે પહેલી વાર મળ્યો. પણ મળ્યા પછી એવું અનુભવી રહ્યો છું કે આમારો સંબધ જાણે વર્ષો પુરાણો છે. જાણે આ મન પાંચમના મેળામાં કોઈ સચુકુલું પોતીકું જણ જડી ગયું !

      જન્મ દિવસની ઉજવણી પાછળ લાખો રૂપિયા ઉડાવતા દંભી પરિવારોની આપણા ત્યાં કમી નથી. પણ આ રીતે સ્વજનના જન્મ દિવસે  અજાણ્યા  જરૂરિયાતમંદ ચહેરા પર સ્મિત લાવવાનું પુણ્ય કાર્ય કરી સ્વજનનો જન્મ દિવસની સળગી પૂર્ણ ઉજવણી કરી  આ પરિવારે સમાજને નવી દિશા ચીંધી છે.  કોઈ નામ કે માનની અપેક્ષા વગર સાવ નિખાલસ સહજ ભાવે કોઈ અંતરીયાળ વિસ્તારની અપરિચિત જગ્યાએ જઈ  દાનની સરવાણી વહાવવી, એ પણ જમણા હાથે આપેલું ડાબા હાથને ખ્યાલ સુધ્ધાં ન આવે એ રીતે. નીલમબેન અને ધર્મેશભાઈ  આભલાના ટેકા નહિ તો બીજું શું છે??

-      ઈશ્વર પ્રજાપતિ

-      9825142620





 

2 ટિપ્પણીઓ:

Popular Posts