“હું સાગરયાત્રા કરીશ અને ભારતના કરોડો દરિદ્રનારાયણો માટે અમેરિકા જઈશ ....” : સ્વામી વિવેકાનંદ
ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદજીએ સન ૧૮૯૨ માં ભારતના છેક દક્ષિણ છેડે આવેલી એક શિલા પર સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. ‘વિવેકાનંદ શીલા’ આમ તો ખુબ પ્રચલિત સ્થાન છે એમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચામાં છે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ આ સ્થાન પર ૪૫ કલાક સુધી ધ્યાનમાં બેઠા. 'વિવેકાનંદ શિલા' બહુ સુખ્યાત તીર્થસ્થાન છે. પરંતુ ઈ.સ. ૧૮૮૮થી આરંભાયેલું વિવેકાનંદજીનું ભારતભ્રમણ કન્યાકુમારી પહોંચી ૧૮૯૨ના અંત ભાગમાં નિશ્ચિત દિશાની ખોજમાં પ્રવૃત્ત થાય છે એ વિષે ખુબ ઓછા લોકો જાણે છે.
૧૬ ઓગષ્ટ ૧૮૮૬ ના રોજ એક વાગીને બે મિનિટે ગુરુ રામકૃષ્ણ પરમહંસજીએ મહાસમાધિમાં
પ્રવેશ કરી મહાપ્રયાણ કર્યું. ત્યારબાદ સ્વામીજી એ વરાહનગર મઠમાં રહ્યા અને એ દરમિયન
પરિવ્રાજક જીવનનો પ્રારંભ કર્યો. માતા શારદા દેવીના આશીર્વાદ લઇ ભારતભ્રમણ કરવા નીકળી
પડ્યા. ભારતભ્રમણ દરમિયાન ગુજરાતના પોરબંદરમાં સ્વામી અગિયાર માસ રોકાયા. એ વખતના રાજ્યના
એડમિનીસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે
મૈત્રી જામી. ત્યાં પંડિતજીએ સ્વામીજીના પશ્ચિમના
પ્રવાસનું બીજારોપણ કર્યું.
ભારત ભ્રમણ કરતા સ્વામીજી મદુરા ગયા. ત્યાં રામનદના રાજા ભાસ્કર સેતુપતિ
સાથે તેમની મુલાકાત થઈ. સંસ્કારી અને ભક્ત એવા આ રાજવી એકદમ
સ્વામીજીના શિષ્ય બની ગયા. પૂર્વના જ્ઞાનનો પ્રકાશ પશ્ચિમમાં પહોંચાડવા માટે
સ્વામીજીએ અવશ્ય અમેરિકા જવું જોઈએ એવો. રાજાનો આગ્રહ જોઈ વિવેકાનંદ એ અંગે વિચાર
કરવાનું વચન આપ્યું, રાજાએ
બનતી મદદ કરવાની તત્પરતા પ્રગટ કરી.
ત્યાર બાદ વિવેકાનંદ
રામેશ્વર પહોંચ્યા. દક્ષિણના 'કાશી' તરીકે પ્રસિદ્ધ આ મહાન તીર્થધામનાં દર્શન કરવાની
વર્ષોથી સેવેલી પોતાની ઝંખના પરિપૂર્ણ થતાં સ્વામીજી સંતુષ્ટ થયા. રામેશ્વરથી તેઓ
ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારી પહોંચ્યા. ત્યાં તેમને થયેલાં દિવ્ય દર્શને તેમના
જીવનનો માર્ગ બદલી દીધો કન્યાકુમારી દેવીની પૂજા કરીને વિવેકાનંદ સમુદ્રકિનારે
ઊભા. સમુદ્રમાં થોડે દૂર તેમણે એક
ખડક જોયો. હોડીવાળાને આપવાના પૈસા તેમની પાસે ન હોવાથી તેઓ તરતા તરતાં તે ખડક સુધી
પહોંચ્યા. ત્રણ સાગરોના સંગમ સ્થળે આવેલી એ શિલા પર બેસીને વિવેકાનંદ ઊંડા
ધ્યાનમાં ગરકાવ થઈ ગયા. ચારે બાજુ વિશાળ સાગર ઊછળી રહ્યો હતો. સ્વામીજીના અંતરમાં
એથીયે ઉત્તુંગ તરંગો ઊછળી રહ્યા હતા. સમગ્ર ભારતવર્ષનું ચિત્ર—વર્તમાન અને ભાવિનું
ચિત્ર —એમની દૃષ્ટિ સમક્ષ તરવરી રહ્યું. એમની આર્ષદૃષ્ટિને પ્રતીત થયું કે પોતે
માત્ર એક પરિવ્રાજક સાધુ નથી, પણ સમાજસુધારક, ધર્મસંસ્થાપક
અને રાષ્ટ્રવિધાયક છે, અને
ભારતવર્ષ એટલે પ્રાંત પ્રાંતની સ્થૂળ સીમારેખાઓથી અવિભક્ત એવું અખંડ લોકજીવન છે.
ભારતમાતાની ભવ્ય સમગ્ર પ્રતિમા એમની અંતર્દષ્ટિ આગળ ઊપસી આવી. ક્ષણવારમાં એમને
ખાતરી થઈ કે ક્ષુદ્ર હૃદયદૌર્બલ્ય રૂપી વ્યાધિ રાષ્ટ્રદેહને કોરી રહ્યો છે. એની
સંજીવની એમણે ઋષિ-મનીષીઓએ પ્રબોધેલી મહાન જીવનદૃષ્ટિમાં જોઈ. ભારતવર્ષની અધોગતિના
મૂળમાં સાચા ધર્મનો અભાવ છે એ હકીકત એમના અંતરપટ પર અંકિત થઈ ગઈ.
ભારતવર્ષના અનેક
પ્રદેશોમાં એમણે પગપાળા પરિભ્રમણ કર્યું હતું. સુષ્ટિનું એક પાસું એમને અપરિચિત ન
હતું. દેશનું દૈન્ય, ધર્મોપદેશકોની
વળી દષ્ટિ, રાષ્ટ્ર
અને સમાજજીવનને છિન્નવિચ્છિન્ન કરી રહેલા નાતજાતના ભેદો, જ્ઞાતિઓ
અને પેટાજ્ઞાતિઓ, પાર
વિનાના પંથો અને સમુદાયો: આ બધું એમણે એ શિલા પર ધ્યાનસ્થ સ્થિતિમાં વેદનાપૂર્ણ
હૈયે પુનઃ પ્રત્યક્ષ અનુભવ્યું. એમનો
અંતરાત્મા અકળાઈને પૂછી રહ્યો: શું રાષ્ટ્રની અધોગતિમાં પોતાની પ્રતિષ્ઠાનું પતન ન
હતું? દીનદરિદ્રોની
યાતનામાં એમનો હિસ્સો ન હતો? તેમને લાગ્યું કે ત્યાગ અને સેવાના
આદર્શ દ્વારા જ આ અજ્ઞાનજન્ય અધઃપતનને અટકાવી શકાય.
રાષ્ટ્રના
નવોત્થાનમાં એક અકિંચન સંન્યાસી શું કરી શકે? વિચાર કરતાં
વિવેકાનંદને સૂઝ્યું, “હું
સાગરયાત્રા કરીશ અને ભારતના કરોડો દરિદ્રનારાયણો માટે અમેરિકા જઈશ, ત્યાં
મારા વ્યક્તિત્વના પ્રભાવથી પૈસો પ્રાપ્ત કરીને પાછો ફરીશ અને ભારતની નવરચનાનું
કાર્ય પાર પાડીશ અને એમ કરતાં મૃત્યુ આવશે તો એને પણ વધાવી લઈશ.”
અશ્રુપૂર્ણ આંખે તેઓ મહાસાગરને જોઈ રહ્યા. હૃદયમાં તેમણે ગુરુદેવ અને જગદંબાને
જોયાં. એમના જીવનની એ એક ધન્ય પળ હતી. દુ:ખી દેશબાંધવોનાં દુ:ખદૈન્ય નિવારણ કાજે
એમણે દેશભક્તિમાં સંન્યાસ અને સંન્યાસમાં દેશભક્તિનાં દર્શન કર્યાં.
જે રમ્ય શિલા પર
સ્વામીજીને આ અપૂર્વ દર્શન થયું તે શિલા આજે ‘વિવેકાનંદ શિલા' તરીકે
ઓળખાય છે. આ શિલાને
પુરાણ કાળથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ શ્રીપદ પારાઈ છે જેનો
અર્થ કુંવારી દેવીના ચરણ એમ થાય છે.
પ્રખર ચિંતક અને કર્મઠ કર્મયોગી શ્રી એકનાથજી
રાનડેના અથાક પુરુષાર્થથી આ શિલા પર ઈ.સ. ૧૯૭૦માં એટલે કે સ્વામી વિવેકાનંદના આગમન પછી
આશરે પોણી સદી પછી તેમની યાદમાં અહીં ભવ્યાતિભવ્ય
સુરમ્ય સ્મારક બાંધવામાં આવ્યું. ‘વિવેકાનંદ શિલા સ્મારકના નિર્માણ માટે તે સમયે દેશના નાગરિકોએ
એક–એક રૂપિયાનું દાન આપ્યું હતું. દેશના નાગરિકોના એક–એક રૂપિયાના દાનથી ૮૫
લાખ રૂપિયા એકઠા થયા હતા.
લગભગ છ વર્ષ સુધી ૬૫૦ જેટલા શ્રમિકોએ સ્મારક
બનાવવા મૂર્તિ – શિલ્પ, પૉલિશિંગ સહિત ભવન નિર્માણની કામગીરી કરી હતી. છ
વર્ષના સમય બાદ અનેકવિધ અડચણોને પાર કરીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું વિવેકાનંદ
શિલા સ્મારક બન્યું.’ તા. ૨ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ તે સમયના ભારતના
રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ વિવેકાનંદ શિલા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. બેલુરના
રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે વિવેકાનંદ શિલા સ્મારક
રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.
ત્યાં સ્થપાયેલું “વિવેકાનંદ
કેન્દ્ર' તેના
સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા સ્વામીજીના સ્વપ્નને સાકાર કરવા મથી રહ્યું છે.
આ સ્મારક મુખ્યત્વે બે ભાગમાં વહેંચયેલું છે. એક -વિવેકાનંદ મંડપમ્ અને બીજું-
શ્રીપદ મંડપમ્.આ ધ્યાન મંડપની બાંધણીમાં સમગ્ર ભારતની સ્થાપત્યશૈલીનો સમાવેશ
કરવામાં આવ્યો છે. આ સ્થળે કોઈપણ વ્યક્તિ ધ્યાન,સાધના કરી શકે
છે. આ સ્થળે પહોંચવા માટે નજીવા દરે ફેરી સેવા(બોટ સર્વિસ)ની વ્યવસ્થા છે. આ સાથે
સ્માર્કાની નીચેના ભાગમાં એક પુસ્ત્કાલય છે જેમાં રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદ
સાહિત્ય ઉપલબ્ધ છે.
હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરના સંગમ સ્થળે આવેલું આ સ્થાનક દુરથી પણ
ખુબ જ નયનરમ્ય છે.
No comments:
Post a Comment