કલમમાં શાહી નહિ, લાગણીનું પ્રવાહી ભરીને લખતા સદાબહાર સમર્થ સર્જક
પરાજિત પટેલ
સ્થળ - કાંકરિયા તળાવની પાળ.
દૃશ્ય
: એક યુવક મોતની છલાંગ લગાવવા તળાવની પાળ ઉપર ચડે છે. થોડું વિચારે છે પાછો ઉતરે છે.
ફરી પાછો મન મક્કમ બનાવી પાળ ઉપર ચડે છે. એના ચહેરા પરથી વાંચી શકાય છે કે કોઈ એવી મુશીબતમાં ફસાયો
છે કે એનો કોઈ જ રસ્તો જડતો નથી. અને એટલે જ હવે મોતને વહાલું કરવા મન મક્કમ કરી લીધું
છે. તળાવની પાળની સામેની રેસ્ટોરેન્ટમાં બ્રેકફાસ્ટ કરી રહેલી એક વ્યક્તિ દૃશ્ય જોઈ
આખી પરિસ્થિતિ પામી જાય છે. બ્રેકફાસ્ટ અધુરો છોડી એ વ્યક્તિ તળાવની પાળ પાસે પહોંચી પેલા યુવકનો હાથ પકડી નીચે તરફ ખેંચી કાઢે છે. યુવક નીચે ફંગોળાઈ જાય છે. પેલી
વ્યક્તિ હાથ આપી યુવકને ઉભો કરે છે. અને પૂછે છે “કેમ ભાઈ મોત વહાલું
કરવા તલપાપડ બન્યો છે? મોત તારી સમસ્યાઓનો
જવાબ તને નહિ આપે ? એવી તો શું સમસ્યા છે ? તારી સમસ્યા જણાવ. કદાચ હું કોઈ મદદ કરી
શકું?”
અશ્રુનો
બંધ જાણે તૂટી ગયો ! યુવાનની આંખોમાં અશ્રુઓની ધાર હતી. રડતા અવાજે યુવાન બોલ્યો “ સાહેબ શું
કહું ? કાઈ સુઝતું નથી. દેવાના ડુંગર તળે ડૂબી ગયો છું. વ્યાજના વિષ ચક્રમાં જીંદગી
ઝેર બની ગઈ છે. વ્યાજખોરો હવે કાળો કેર વળતાવવાનું
શરૂ કર્યું છે. વાત ઘરની આબરૂ પર આવીને ઊભી છે. સગાવહાલાં સૌ કહેવા પૂરતાં છે.
બધાએ હાથ ઊંચા કરી લીધા છે. દેવું ચુકવવા મારી પાસે હવે કોઈ જ વિકલ્પ નથી. હવે તો
મૃત્યું જ આખરી વિકલ્પ બચ્યો છે. અને મોતના મુખમાંથી તમે મને પાછો ખેંચી કાઢ્યો છે
? શું કરું હું જીંદગી જીવીને ?” ધ્રુસકે ચડેલ યુવાનની
વાતમાંથી બચાવનાર એ વ્યક્તિ પીડા પામી ગઈ.
યુવાનના
ખભે હાથ મૂકી કહ્યું : “બસ આટલી જ વાત છે?
ચિંતા કરીશ નહિ. કેટલું દેવું છે ?” આવું હુંફાળું આશ્વાસન
મળતાં યુવાનના આખામાં ચમક આવી. યુવાન બોલ્યો : “એક લાખ રૂપિયા.”
એ
અજાણી વ્યક્તિએ કહ્યું આવતા ગુરુવારે મારી પાસે આવી એક લાખ રૂપિયા લઈ જાજો. આવ સામે
ની રેસ્ટોરેન્ટમાં જઈ ઢોસા ખાઈએ.” યુવાનનો હાથ પકડી રેસ્ટોરેન્ટમાં
બેસાડ્યો. બ્રેકફાસ્ટ કરી બંને છુટા પડ્યા. યુવાન માટે આ ઘટના કોઈ ચમત્કારથી કમ નહોતી.
એ
અજાણી વ્યક્તિ પાસે કલમની કમાલ હતી. લાખો ગુજરાતી વાચકોને એમના શબ્દોનું ઘેલું લાગ્યું
ચુક્યું હતું. એ જ શબ્દોની સુવાસના સથવારે એક લાખ રૂપિયા ભેગા થઇ ગયા. વાયદા પ્રમાણે
ગુરુવારે યુવાનના હાથમાં એક લાખ રૂપિયા મૂકી દીધા. અને કહ્યું : “લે આ લાખ રૂપિયા ચૂકવી
દે તારું દેવું. અને શરૂ કર નવી જીંદગી! અને સંભાળ મૃત્યુ એ સમસ્યાનો ઉકેલ નથી. જીંદગી સામે બાથ ભીડતાં શીખ.
આખરે જીત પાકી છે.”
જાણે કળિયુગમાં શામળિયો
આવી હુંડી સ્વીકારી ગયો. યુવાને નવી જીંદગી શરૂ કરી. એ પછી તો ખુબ રૂપિયા કમાયો અને
જીંદગીમાં સફળતા એનાં કદમો ચૂમવા લાગી. પણ
એ અજાણી વ્યક્તિ કોણ હતી ?
મૃત્યુના આરેથી અનેક જિંદગીઓને સુખના સમંદરના કિનારે લાવી લાંગરી
આપનાર એ અજાણી વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ગુજરાત સુપ્રસિદ્ધ કોલમિસ્ટ પરાજિત પટેલ.
વિશ્વભરમાં વસતા ગુજરાતી વાચકોમાં પરાજિત પટેલના નામથી અજાણ હોય એવી વ્યક્તિને દીવો
લઇ શોધવા નીકળો તો પણ કદાચ ક્યાય ન જડે.
આમ તો એમનું મૂળ નામ મણીભાઈ પટેલ. આ નામથી
તો ભાગ્યે જ કોઈ ઓળખે. પણ પરાજિત પટેલ કહો એટલે આખું જગત ઓળખે.
સાબરકાંઠાના પ્રતિજ તાલુકામાં આવેલા ખોબા જેવડા સોનાસણ ગામમાં ખેડૂત
દંપતીને ખોરડે સાડા આઠ દાયકા પહેલાં તેમનો જન્મ થયો. ગરીબીને ખુબ નજીકથી નિહાળી.
પણ ભણવામાં ખુબ તેજસ્વી. ચોથા ધોરણથી કવિતાઓ લખવાની શરૂઆત કરી દીધી. અને તેમના શિક્ષકે
પોરો ચડાવ્યો.પછી તો કલમ ઝાલી શાની રહે ! એક લેખકનું સત્વ તો હૃદયમાં સંતાઈને પડ્યું જ હતું.
વાતાવરણ મળતાં એ સોળે કળાએ ખીલીને પ્રગટ્યું.
કવિતાઓ કરતાં કરતાં જનસત્તાની ચાંદની મેગેજીનમાં એક સ્પર્ધા માટે લેખ મોકલી આપ્યો.
આશ્ચર્યની વચ્ચે એ લેખ આખા ગુજરાતમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું,
ભણવામાં તેજસ્વી હોવાના કારણે અભ્યાસ પૂરો કર્યો ને તરત શિક્ષકની
નોકરી મળી ગઈ. પ્રાંતિજની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. અને પછી તો તેઓની કલમ
એવી તો ખીલી એવી તો ખીલી કે જોતજોતામાં એની સૌરભ ચોમેર પ્રસરી ગઈ. ગુજરાતના સુપ્રસિદ્ધ
અખબાર સંદેશમાં કોલમાં લખવાનું આમંત્રણ મળ્યું. એ કોલેમે વાચકોને ગજબનું ઘેલું લગાડ્યું.
યુવાન વયે જ લોકપ્રિયતાનો ગ્રાફ આસમાનની ઉંચાઇને સ્પર્શવા લાગ્યો. એ પછી તો ગુજરાતનું
માતબર અખબાર ‘ગુજરાત સમાચાર’માં જોડાયા. અને એક નવી ઇનિંગની શરૂઆત કરી. ઝાકળઝંઝા,
રણને તરસ ગુલાબની, અસમંજસ એમ ત્રણ ત્રણ કોલોમ તેઓ લખતા. તેમના શબ્દોમાં એક પ્રકારનો
જાદુ છે.
ડૉ દીપક કાશીપુરિયા તો લખ્યું કે “સદાબહાર સર્જક પરાજિત
પટેલની ધરપકડ કેમ નથી થતી? કાળજામાં ગામડું વાવીને શહેરમાં આવેલા સદાબહાર સમર્થ સર્જક
પરાજિત પટેલ કલમમાં શાહી નહિ લાગણીનું પ્રવાહી ભરીને લખે છે. એ માત્ર લખતા જ નથી,
શબ્દને – ભાવને – પત્રગત પીડાને ઘૂંટે પણ છે.
એટલે જ તો માતબર દૈનિક ‘ગુજરાત સમાચર’કોલમ થકી રસરેલો એમને વિશાલ વિશ્વના કરોડો વાચકોના
દિલ સુધી પહોચાડ્યો છે.
તેઓ વાતને સંવેદનશીલ બનાવે છે. એમાં લગરીક લાગણી ઉમેરે છે ને..
પછી એના પર પત્રગત પીડાનો ચપટીક રંગ ભભરાવે છે ને.. છેવટે ‘સુપર કલાઇમેકસ’ સુધી પહોંચાડી
દે છે. એમની કથાઓમાં ‘સ્વ’નો પડછાયો જોનારાઓ બોલે છે. : ‘પરાજિત પટેલ અમને નશો ચડાવે
છે.સરકાર ચુપ કેમ છે ? નશાબંધી ધારા હેઠળ આ સદાબહાર સર્જકની ધડપકડ કેમ નથી કરતી ?
૧૬૫ થી વધારે બોમ્બ બ્લાસ્ટ જેવાં પુસ્તકોના આ લેખક અંતરની રોમાંચક આળપંપાળ ની આભડછેડ
પાળતા નથી. પરિણામે યુવાનો વૃદ્ધો, સ્ત્રીઓ – પુરૂષો સૌને એમ લાગે છે કે ‘ભલે નશો ચડાવે,
પણ પરાજિત ભાઈ તો અમારાં હૈયાની વાત માંડનારા પોતીકા સર્જક છે.”
વાચકોને રસતરબોળ કરતા ૧૬૫ થી વધુ પુસ્તકો
ભેંટ ધર્યા છે. ૮૪ વર્ષની વયે પણ ‘રણને તરસ ગુલાબની’ કોલમ થકી વાચકોનાં હૈયાં લાગણી
ભીનાં રાખી રહ્યા છે. આવનારા સમયમાં યુટ્યુબ ચેનલ પર તેમની કવિતાઓ અને ગીતો રજુ થવાન
છે. અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી તેમનું સન્માન પણ થયું છે, જેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી
પુરસ્કાર, સંસ્કાર ભરતી દ્વારા વિશિષ્ઠ સન્માન, લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ,
જીલ્લા રત્ન એવોર્ડ જેવા અનેક પુરસ્કારોએ લેખકની કલમને પોંખી છે.
૮૪ વર્ષની વયે તેઓ વાંચવા લખવામાં જ સમય પસાર કરે છે. તેઓ કહે છે.
‘હવે જીવન પાસેથી કોઈ જ મહેચ્છા નથી. જીવન ભરપુર જીવ્યો છે. અનેક મધુર સ્મરણો
હૃદયમાં સચવાયેલાં છે. બસ એના સહારે બાકીના દિવસો પસાર કરી રહ્યો છું.’
મળવા આવનારને તેઓ ખુબ ભાવ
પૂર્વક આવકારે છે. આગ્રહ પૂર્વક ચા નાસ્તો અને ભોજન કરાવે છે. સાહિત્ય રસિક પાસે ખુબ નિખાલસતાથી પોતાનું હૈયું ખોલીને મૂકી દે છે.
અને આ ઉમરે પણ મહેમાનને ઘરના ઝાંપા સુધી વળાવવા જાય છે. પરાજિત પટેલને મળવું તેમની
સાથે સંવાદ કરવો એ પણ જીવનની એક ધન્ય પળ હોય છે.
આ કલમના કસબીને આલેખવા મારા શબ્દોનો ગજુ શું !!!
પરાજિત પટેલ સંપર્ક નંબર - 94285 93806
અદભુત
ReplyDelete