Wednesday, March 13, 2024

પુસ્તક પરિચય - 'રખડે એ મહારાજા'

   'રખડે એ મહારાજા'   

-લે. - લલિત ખંભાયતા


    ગુજરતી વાચકો માટે લલિત ખંભાયતાનું નામ અજાણ્યું નથી. ગુજરાતના માતબર અખબારોમાં સંશોધનાત્મક  લેખન કરી એક નવો જ ચીલો ચાતર્યો છે.  સમયાંતર કોલમ વિશ્વભરના ગુજરતી વાચકોની પ્રિય કોલમ બની ચૂકી છે. તેઓ એક ઉત્તમ સંશોધક, અભ્યાસુ લેખક-પત્રકાર અને  વિશ્વ પ્રવાસી છે. ગુજરાતી પત્રકારિતા જગતમાં સાહિત્ય ક્ષેત્રે પણ ખેડાણ કર્યું હોય એવા પત્રકાર કેટલા ?ગણતરી આંગળીના વેઢે ગણી શકાય એટલા ! લલિત ખંભાયતા તેમાંનું એક તેજસ્વી નામ છે.

    તાજેતરમાં જ લલિત ખંભાયાતા લિખિત "રખડે એ  મહારાજા" પુસ્તક પ્રગટ થયું. પુસ્તકનો અનુક્રમ જોતાં જ પુસ્તકમાંથી ઝટ પસાર થવાની તાલાવેલી લાગે.  કુલ ૧૪ પ્રકરણ ધરાવતું આ પુસ્તક ૨૧૫ પાનાંઓમાં વિસ્તરેલું છે.

    આમતો રખડવાનો અર્થ કોઈ જ હેતુ વિના આમ તેમ ભટક્યા કરવું તેવો થાય છે. પરંતુ લલિત ભાઈની રખડપટ્ટી ફળદ્રુપ છે. પરિણામે તેમની રખડપટ્ટીના ફલશ્રુતિ રૂપે વાચકોને અવાર નવાર અદભૂત અને આબેહૂબ પ્રવાસવર્ણનનાં  પુસ્તકો પ્રાપ્ત થતાં રહ્યાં છે.
(અનુક્રમ) 

    પુસ્તકની શરૂઆત જાપાન યાત્રાથી શરૂ થાય છે. વર્ષ ૨૦૧૮ માં લેખકે કરેલી જાપાન યાત્રા વિશે ખૂબ વિસ્તૃત રસપ્રદ લેખન કર્યું છે. લેખકનું પ્રવાસ વર્ણન વાચતા દૃશ્ય નજર સામેથી પસાર થતાં હોય એવી અનુભૂતિ થતી રહે. જાપાનના શહેરો, ગ્રામ્ય વિસ્તાર, શિંકાન્સેન એટલે કે બુલેટ ટ્રેન, ત્યાંની સંસ્કૃતિ, બૌદ્ધ મંદિરો, વગેરે વિશે ઝીણવટ ભર્યો અભ્યાસ  કરી લેખકે આલેખ્યો છે.  જાપાની ટેકનોલોજીની દુનિયા આખી કેમ દીવાની છે એ પુસ્તક વાંચીએ તો આપણને સમજાય! જાપાન વિશે જાણવાની સામાન્ય માણસને ઝાઝી ઉત્કંઠા હોય છે. ૪૫ જેટલા પેજમાં સમાવિષ્ઠ "જાપાન : પીઝાના ભાવમાં વિઝા" પ્રકરણ વાંચી લઈએ તો ઘણી એવી જીજ્ઞાશા સંતોષી શકાય એમ છે.

આ પુસ્તકમાં પ્રવાસ વર્ણન સાથે સાથે દિલધડક રોમાંચનો  પણ અનુભવ  થયા વિના રહેતો નથી. ચોતરફ રણ વિસ્તાર હોય, આજુબાજુ કોઈ સજીવ નજરે ન ચડતો હોય, ગાડીમાં પેટ્રોલ પૂરું થવાની અણી પર હોય, મોબાઈલમાં કવરેજ ન હોય, સાંજ પડવા આવી હોય અને એવા ભેંકાર રણ વિસ્તારમાં તમે રસ્તો જ ભટકી જાઓ તો શી હાલત થાય ? પ્રવાસ દરમિયાન બનેલા  આવા દિલચસ્પ કિસ્સા પણ લેખકે નોંધ્યા છે.
જાણીતા પ્રદેશની અજાણી વાતો સંશોધન કરીને ઉજાગર કરવું અને વાંચકોને કાંઈક નવું પીરસવું એ લલિતભાઈ માટે પેશન છે.  એટલે આ પુસ્તકમાં ગોવાની વાત હોય કે ગિરનારની, અયોધ્યાની હોય કે પાટણ રાણકી વાવની, કરેલની વાત હોય કે કોડાઈકેનાલની દરેક પ્રકરણમાંથી પસાર થતાં લેખક જાણે સંદર્ભ સાથેની  પ્રમાણભૂત માહિતીનો અણમોલ ખજાનો ખોલી આપે છે.

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીએ ગુજરાતના બહારવટિયા વિશેની લોકકથાઓ આલેખી છે. ગુજરાતના પહેલા અને છેલ્લા બહારવટીયા કોણ?  આ બાબતે પણ જંગલો જાળીઓ ખૂંદીને ઊંડું સંશોધન કરી લેખકે રસપ્રદ માહિતી ઉઘાડી મૂકી છે.

    લલિતભાઈની ભાષામાં  આડંબર નથી. ભાષા સરળ અને સચોટ છે. ક્યાંક ક્યાંક સટાયર પણ  જોવા મળે. પાણીના વહેણની જેમ વાત આગળ ધપતી જાય. પ્રકરણ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી વાચક પુસ્તક છોડી  જ શકે નહિ. લેખક તરીકે આ તેમની આગવી સિદ્ધિ છે. પુસ્તકમાં પ્રકરણ  વાર જરૂરિયાત મુજબ ફોટોગ્રફ્સ પણ સમાવ્યા છે. કયા સ્થળે શું જોવું?  ક્યાં રોકાવું? જમવાની શું વ્યવસ્થા છે? શું શું ધ્યાન રાખવું? જેવી સઘળી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

    લલિતભાઈ આવા પ્રવાસો ખેડતા રહે અને આપણને તેમના  તરફથી આવાં અનેક પુસ્તકો પ્રાપ્ત થતાં રહે તે માટે અનેકાનેક શુભામનાઓ.


પ્રાપ્તિ સ્થાન. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
સંપર્ક : 98250 32340
પુસ્તકનું મૂલ્ય : 330/-

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620


(પુસ્તક પરિશીલન માટે પુસ્તક  મોકલવાનું સરનામું. 
ઈશ્વર પ્રજાપતિ 
 X - ૩૦૩, પાવન સીટી, 
મેઘરજ રોડ,  મોડાસા. 
જિ. અરવલ્લી.  ૩૮ ૩૩ ૧૫ 
સંપર્ક : 9825142620

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts