Sunday, October 5, 2025

સન્ડે સ્પેશિયલ

 " નવી જનરેશનના લેખકો અને પત્રકારો માટે તો દેવેન્દ્રભાઈ પટેલ એક જીવતી જાગતી અને હરતી ફરતી યુનિવર્સિટી જેવા છે." : કૃષ્ણકાંત ઉનડકટ



        નખશીખ પત્રકાર તરીકે પોતાને ઓળખાવતા વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સરે સર્જેલી નવલકથાઓએ કહેવાતા સાહિત્યકારોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. છેલ્લા  પાંચ વર્ષમાં સંદેશની રવિવારની પૂર્તિમાં પ્રગટ થયેલી તેમની નવલકથાઓ  વાચકોનો અદ્ભુત પ્રતિસાદ પામી છે. દેવેન્દ્રભાઈ પટેલ સરે  સાબિત કર્યું છે કે કૃતિની લોકપ્રિયતા માટે નિરર્થક ભાષા આડંબરની કોઈ જ જરૂર નથી. વિષય  વસ્તુ મજબૂત હોય તો સરળ અને પ્રવાહી શૈલીમાં પ્રસ્તુત કરેલી કૃતિ વાચકોને રસતરબોળ કરી મૂકે છે.
        કોઈ એક લેખકની કલમ દાયકાઓ સુધી સાતત્યપૂર્ણ  વાચકોમાં લોકપ્રિયતા જાળવી રાખે એ કોઈ ચમત્કારથી કમ નથી. લેખકના  અહર્નિશ અથાગ પુરુષાર્થ વગર આવા ચમત્કાર સર્જાતા નથી. સંદેશ અખબારની સંસ્કાર પૂર્તિમાં છેલ્લે પ્રગટ થયેલી નવલકથા "ધ પ્લૉટ - એક ષડયંત્ર" વાચકોને રસતરબોળ કરવામાં સફળ રહી.  "ધ  પ્લૉટ - એક ષડયંત્ર" હવે પુસ્તક રૂપે પ્રસ્તુત છે. 'સંદેશ' ની પૂર્તિઓના સંપાદક અને 'સંદેશ' સુરત આવૃત્તિના નિવાસી તંત્રી સુખ્યાત  પત્રકાર અને કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટ સરે "ધ પ્લૉટ - એક ષડયંત્ર" પુસ્તકના આવકારમાં લખેલ સુંદર આર્ટિકલ અહીં શબ્દશઃ પ્રસ્તુત છે.

આદરણીય કૃષ્ણકાંત ઉનડકટ સર લખે છે.

      "ધ પ્લોટ - એક ષડયંત્ર: રહસ્ય અને રોમાંચની ગેરંટી.
      ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતમાં દેવન્દ્રભાઈ પટેલનું નામ ગૌરવભેર લેવાય છે. એનાં ઘણાં કારણો પણ છે. લેખ હોય, નિબંધ હોય, વાર્તા હોય કે પછી નવલકથા હોય, દેવેન્દ્રભાઈ લખે એટલે બેસ્ટ જ હોય. દરેક પ્રકારના લેખનમાં તેમની મહારત છે. તેમની જે રેન્જ છે એ જ તેમને ધ દેવેન્દ્ર પટેલ બનાવે છે. મારા માટે તેઓ હંમેશાં આદરણીય રહ્યા છે. તેમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. તેમનો સ્નેહ અમારા પર સતત વરસતો રહ્યો છે. દેવન્દ્રભાઈની કોઈ પણ નવલકથા લો, એ તમને જકડી જ રાખે. નવલકથાને હિટ બનાવતી જેટલી બાબતો છે એ તમામ દેવેન્દ્રભાઈની નવલકથામાં વાંચવા, માણવા અને અનુભવવા મળે જ. દરેક પ્રકરણનો અંત એટલો રસપ્રદ હોય કે, બીજું પ્રકરણ વાંચ્યા વગર રહી જ ન શકાય.

     'ધ પ્લોટ - એક ષડ્યુંત્ર' નવલકથાના પહેલાથી છેલ્લા પ્રકરણ સુધીનો હું સાક્ષી રહ્યો છું. 'સંદેશ'ની રવિવારની 'સંસ્કાર' પૂર્તિમાં ધારાવાહિકરૂપે આ નવલકથા પ્રસિદ્ધ થતી હતી ત્યારે તેનો રોમાંચ મેં પણ માણ્યો છે. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે આવી રહી છે તેની ખૂબ ખુશી છે. ‘ધ પ્લોટ એક પડ્યુંત્ર' એવી સસ્પેન્સ થ્રિલર છે જેના પરથી ખૂબ જ રોમાંચક ફિલ્મ, વેબસીરિઝ અથવા તો સીરિયલ બની શકે. દેવેન્દ્રભાઈની નવલકથા પરથી ફિલ્મો બની જ ચૂકી છે. આ નવલકથા પરથી પણ વહેલી તકે ફિલ્મ કે વેબસીરીઝ બનશે જ, કારણ કે નવલકથા જ જકડી રાખે એવી છે. ખરેખર પડૂયંત્ર કોણ રચી રહ્યું છે, શા માટે રચી રહ્યું છે, ઇરાદાઓ અને મનસૂબાઓ શું છે એ વિશે વિચાર્યા વગર રહી જ ન શકાય. આખી નવલકથા એ રીતે લખાય છે જેનાથી દરેક વાચકની નજર સામે દૃશ્યોખડા થતા રહે. નવલકથાની એ ખૂબી છે કે, વાચક ખોવાઈ જાય, વાર્તા સાથે વહેતો રહે અને પ્રકરણ પૂરું થાય ત્યારે અચંબિત થઈ જાય.

      'ધ પ્લોટ - એક ષડયંત્ર’ના એકેએક પાત્ર જે રીતે ઉપસાવવામાં આવ્યાં છે એ કાબિલેદાદ છે. તમે નક્કી ન કરી શકો કે, આમાંથી બેસ્ટ પાત્ર કોને કહેવું? કામિની ખરેખર દરેક વાચક પર કામણ કરે એવી છે. તેની વાણી અને વર્તન પહેલેથી છેલ્લા પ્રકરણ સુધી રહસ્યમય રહ્યાં છે. કામિની ક્યારેક શાતિર લાગે તો ક્યારે સૌમ્ય, ક્યારેક ખતરનાક લાગે તો ક્યારેક માયાળુ. દેવરાજનું વ્યક્તિત્વ અને દબદબો પહેલેથી છેલ્લે સુધી જળવાઈ રહ્યો છે. કામિની અને દેવરાજ તો મેઈન પાત્રો છે, એ સિવાયનાં દરેકેદરેક પાત્રની ભૂમિકા પણ ઊડીને આંખે વળગે એવી છે. દેવેન્દ્રભાઈએ દરેક પાત્રને ગજબનો ન્યાય આપ્યો છે. તેમના જે સંવાદો છે એ મજા અપાવે એવા છે. એક પાત્ર ભિખારીનું છે. આખી વાર્તામાં આ ભિખારી વિશિષ્ટ રીતે પ્રગટે છે. વધુ નથી લખતો, કારણ કે હું નથી ઇચ્છતો કે વાચકને રહસ્યની કોઈ હિન્ટ મળે. એ તો તમે વાંચશો એટલે ઓટોમેટિક સમજાઈ જશે અને બોલાઈ જશે કે, વાહ! ક્યા બાત હૈ! આવો તો અંદાજ જ નહોતો.

      પદ્મશ્રી સહિત અનેક ઍવોર્ડ, પારિતોષિક અને સન્માન મેળવનાર દેવેન્દ્રભાઈ પટેલે પોતાની આખી જિંદગી પત્રકારત્વ અને સાહિત્યને સમર્પિત કરી છે. શબ્દો પ્રત્યે તેમને સ્નેહ રહ્યો છે. પોતાના કામ પ્રત્યેનું તેમનું કમિટમેન્ટ આફરીન પોકારી જવાય એવું છે. રોજ સવારે નિશ્ચિત સમયે તેઓ પોતાના રૂમમાં ટેબલ પર લખવા બેસી જ ગયા હોય. તેઓ ક્યારેય ડેડલાઈન ચૂકતા નથી. પૂર્તિ સંપાદક તરીકેની વાત કરું તો તેમનો લેખ ક્યારેય મોડો ન જ હોય. લેખ હોય કે વાર્તાનું પ્રકરણ હોય તેમની ખેવના સ્પર્યા વગર ન જ રહે. નવી જનરેશનના લેખકો અને પત્રકારો માટે તો તેઓ એક જીવતી જાગતી અને હરતી ફરતી યુનિવર્સિટી જેવા છે. તેમની એક બીજી ખૂબીની વાત કરી જ લઉં છું. સફળતાની ટોચ પર પહોંચ્યા હોવા છતાં તેઓ હંમેશાં હળવા અને નમ્ર રહ્યા છે. કોઈ સફળતાને તેમણે પોતાના પર સવાર થવા તો નથી જ દીધી, ઊલટું તેઓ વધુ સૌમ્ય બન્યા છે. જે કોઈ પત્રકાર કે લેખક તેમને મળે છે એ બધા તેમનાથી પ્રભાવિત થયા વગર રહી નથી શકતા. તેઓ દરેકને માર્ગદર્શન આપે છે અને શીખવે પણ છે. મને તો તેમની સાથે લાંબો સમય કામ કરવાનો મોકો મળ્યો છે.
      તેમને લખતા, વાંચતા અને પત્રકારત્ત્વ કરતા પણ મેં જોયા છે. પત્રકારત્વ અને સાહિત્યના પાયાથી માંડીને ટોચ સુધીના તમામ લેવલે તેમણે કામ કર્યું છે. દરેક વાચકને આ નવલકથા ગમવાની જ છે તેની મને પૂરેપૂરી ખાતરી છે. એક સુંદર નવલકથા આપવા બદલ શ્રી દેવેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન. તમારા તરફથી હજુ વધુ નવલકથા મળતી રહે એવી અપેક્ષાઓ સાથેની શુભકામનાઓ. અસ્તુ."

     આદરણીય કૃષ્ણકાંત ઉનડકટ સાહેબે લખેલ "ધ પ્લૉટ - એક ષડયંત્ર" પુસ્તક માટે  આવકાર અહીં પૂર્ણ થાય છે. 

- ઈશ્વર પ્રજાપતિ.


નોંધ - "સંદેશ' અખબારમાં ક્રમશ: પ્રગટ થયેલી દેવેન્દ્ર પટેલ લિખિત લોકપ્રિય નવલકથા"ધ પ્લોટ-એક ષડયંત્ર"  મેળવવા સંપર્ક કરો -નવભારત સાહિત્ય મંદિર,જૈન દેરાસર પાસે, ગાંધીરોડ ,અમદાવાદ-380001. ફોન નંબર (079)22139253 અથવા 98250 32340.
ઓનલાઇન ખરીદી માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://bit.ly/4nNQjDg

3 comments:

  1. Thank you very much

    ReplyDelete
  2. ધ પ્લોટ- એક ષડ્યંત્ર' ના એપિસોડ મેં પણ વાંચ્યા છે મને પણ ખૂબ ગમ્યા.

    ReplyDelete