Sunday, January 7, 2024

સન્ડે સ્પેશિયલ

  દરેક ગામને જો એક- એક  કુ. ડૉ. ઈલાબહેન મળી જાય તો ગામેગામ "વૃંદાવન" રચાય. 

        તેમનું નામ છે કુ. ડૉ. ઈલાબહેન કોઠારી. 2019 માં અલિયાપાડા બી. એડ. કોલેજમાંથી અધ્યાપિકા તરીકે સેવાઓ આપી, નિવૃત્ત થઈ જામનગર સ્થાયી થયાં છે. કુ. ઈલાબેન કોઠારી એટલે વૈકુંઠવાસી શિક્ષણઋષિ આદરણીય ડૉ. મોતીભાઈ મ. પટેલ ઉર્ફે મોતીદાદાનાં વિદ્યાર્થીની !
        દ્વારિકા બી.એડ. કોલેજમાં દાદાનાની તપોભૂમિ ! અને અહીં દાદાના માર્ગદર્શન હેઠળ ઈલા બહેનનું એક આદર્શ શિક્ષિકા તરીકેનું ઘડતર થયું. કોલેજના વા. પ્રિન્સિપાલ અને પ્રોફેસર એવા મોતીદાદાના તેજસ્વી વ્યક્તિત્ત્વની અમીટ છાપ ઈલાબેનના હૃદયમાં સહજ ઝીલાઈ. નખશીખ ગાંધીજન મોતીદાદાએ પોતાના બી. એડ.ના વિદ્યાર્થીઓને એવા તો પ્રેરણાપિયુષ પાયા કે તેમના વિદ્યાર્થીઓ આજીવન દાદાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહે ! દાદાને મન વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી હતું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આદિવાસી દીકરા દીકરીઓના ઉત્તમ શિક્ષણ માટે ઝઝૂમતા રહ્યા. અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં વનબંધુઓ વસવાટ કરે છે જ્યાં હજુય વિદ્યાર્થીઓને વિકાસવા માટે પૂરતી સુવિધાઓનો એવા વિસ્તારમાં દાદા સમૃદ્ધ પુસ્તકાલય બનાવવાનું સપનું સેવતા હતા. દાદાની હયાતીમાં અરવલ્લીમાં તો એ સપનું સાકાર થઈ ન શક્યું. પરંતુ તેમનાં શિષ્યા ઈલાબહેને જામનગરના નાના અમથા ગામડામાં પુસ્તકાલય ઉભું કરવા એકલા હાથે કમર કસી. અને રચી દીધું  "વૃંદાવન પુસ્તકાલય". 
        ડિઝીટલ યુગ અનેક સવલતો સાથે અનેક પડકારો પણ સાથે લઈને આવ્યો છે. AI માવન જીવનને વધુ સરળ તો બનાવી દેશે પણ એની સાથે ઘાતક પરિણામો માટે પણ મનાવે સજ્જ થવું પડશે. બાળકો હોય કે વડીલ ડિજિટલ ગેજેટના ઉપયોગ વિના દિવસ પસાર કરવો લાગભગ મુશ્કેલ બની ગયો થઈ છે. સૌથી વધુ ચિંતા ઉપજાવે એવી બાબત એ છે કે બાળકો અને યુવાનોને મોબાઇલનું એવું તો ઘેલું લાગ્યું છે કે દિવસના 2 GB ડેટા પણ ઓછા લાગે છે. નવી પેઢી મહત્તમ સમય સોશિયલ મીડિયા અને કાલ્પનિક રોમાંચ આપતી ગેમ પાછળ વેડફી રહી છે. બાળકો અને યુવાનો માટે પાઠ્યક્રમ સિવાયના પુસ્તકો કે ઈતર વાંચન સપના સમય બની ગયું છે. જો આ પેઢીને ડિજિટલ ગેજેટના વપરાશની યોગ્ય સમજ આપવામાં નહીં આવે અને જો વેળાસર જગાડવામાં નહીં આવે તો સમાજે કદી ન કલ્પેલ ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે. અત્યંત તેજસ્વી અને પ્રતિભાવાન તેજસ્વી પેઢીને યોગ્ય દિશા ચીંધવા કોઈ જાગૃત વ્યક્તિએ તો મશાલ પકડવી જ પડશે.
        જામનગર પાસેના નાના અમથા ગામમાં બાળકોને મોબાઈલના વળગણથી પુસ્તકની અજાયબ દુનિયા તરફ વળવા એક ઉત્તમ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ રચનાત્મક પ્રયોગ કરવાનું બીડું ઝડપ્યું છે કુ. ઈલાબેન કોઠારીએ.  
        જામનગર પાસેના એ ગામનું નામ છે દોઢિયા ! એક નાનું અમથું ખીબા જેવડું ગામ ! આ ગામ ઈલા બહેનનું વતન પણ ખરું અને આ જ ગામની હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે સેવાઓ પણ આપેલી. ગામની વસ્તી પણ માપસરની. ગામના મોટાભાગ ના લોકો ટ્રાન્સપોર્ટ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીંના લોકોમાં પણ ભણતર માટે ની ભૂખ હવે ઉઘડી છે. પણ હજી પૂરતી સુવિધાઓનો અભાવ. વિદ્યાર્થીઓને પૂરક વાંચન સાહિત્ય અહીં તો ક્યાંથી ઉપલબ્ધ હોય !
    આવાં વિદ્યાર્થીઓની ચિંતા કરી ઈલાબહેને પુસ્તકાલય શરૂ કરવાનો દૃઢ નીર્ધાર કર્યો. અને રીતસરનાં મચી પડ્યાં. પુસ્તકાલય માટે યોગ્ય જગ્યાની શોધ આદરી. આખરે એક દુકાન પર નજર ઠરી. દુકાનનો કોઈ વિશેષ ઉપયોગ નહતો. દુકાન મલિકને વાત કરી તો દુકાન માલિકે પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. પુસ્તકાલય શરૂ કરવા માટે માર્ગ મોકળો બન્યો. પુસ્તકાલય શરૂ કરતાં પહેલાં ઈલાબહેને ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય, ઉપ શિક્ષક અને તેમના જ આજ્ઞાંકિત વિદ્યાર્થી નૌશાદ ભાઈ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી. શિક્ષકોએ પણ પુસ્તકાલય માટે ઉત્સાહ બતાવ્યો. વિદ્યાર્થીઓને પુસ્તકાલય સુધી દોરી જવા પૂરતો સાહિયોગ શાળા તરફથી મળશે એવી આશા બંધાઈ. શાળા પરિવાર ખૂબ હકારાત્મકતાથી ઈલાબહેનના વિચાર ને વધાવી લીધો.
        પછી તો પૂછવું જ શું ? ઈલા બહેનને દોડવું હતું ને ઢાળ મળી ગયો. પુસ્તકાલય માટે જરૂરી ફર્નિચર અને પુસ્તકોની ખરીદી આરંભી. ઈલાબહેનના ભત્રીજા તેજસ ભાઈ જોડાયા. જોતજોતામાં ટેબલ ખુરશી કબાટ જેવું જરૂરિયાત મુજબનું ફર્નિચર ખરીદી લીધું. થોડાં પુસ્તકો ભેટ મળ્યાં, બાકીનાં ખરીદી લીધા. 'शुभस्य शीघ्रम' ઉક્તિ સાર્થક કરતાં   કોઈ જ મુહુર્ત કે શુભ ચોઘડિયાની રાહ જોયા વિના જ પુસ્તકાલયની શુભ શરૂઆત કરવામાં આવી. અને પુસ્તકાલયનું નામકરણ કરવામાં આવ્યું "વૃંદાવન પુસ્તકાલય"


    જામનગર સ્થાયી થયેલાં ઈલાબહેને પુસ્તકાલયને કાર્યરત કરવા વતન દોઢિયા આવી લાઈબ્રેરીની તૈયારીમાં પરોવાઈ ગયાં. પુસ્તકાલય ધમધમતું થયું. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ મોબાઈલ પર ગેમ રમવાના બદલે હવે પુસ્તકાલયમાં આવી પુસ્તકોની અજયબ દુનિયામાં ખોવાય જાય છે. બાળકોને ગમે તેવી ચિત્ર વાર્તાઓ, કિશોર કથાઓ, બીજી પણ જાત જાતનાં સુંદર પુસ્તકો વસાવ્યા છે. અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. નાનકડા ગામનું આ રૂપકડું વૃંદાવન પુસ્તકાલય આબાલવૃદ્ધ માટે જ્ઞાનપિપાસા સંતોષવાનું તીર્થધામ બની રહ્યું છે.
    કોઈનો પણ આર્થિક સહયોગ લીધા વિના ઈલાબહેને એકલા હાથે વૃંદાવન પુસ્તકાલય ઊભું કરી સમાજને એક રાહ ચીંધ્યો છે. તેમણે  આરંભેલ આ જ્ઞાનયજ્ઞ સમાજમાં બીજા અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે. ગુજરાતનાં દરેક ગામોને જો એક- એક કુ. ઈલાબહેન મળી જાય તો ગામેગામ "વૃંદાવન" રચાય.
    આદરણીય ઈલાબહેનને અગિયાર દરિયા ભરીને શુભેચ્છાઓ.
     આપ વૃંદાવન પુસ્તકાલય માટે પુસ્તકો ભેટ મોકલવા ઈચ્છતા હોં તો નીચેના સરનામે કુરિયર કરી મોકલી શકો છો. 
પુસ્તકો મોકલવાનું સરનામું . : 
ડૉ. ઈલાબહેન કોઠારી 
સાકાર -1રેસિડેન્સી. ફલેટ નંબર 401 
2 શ્રી નિવાસ કોલોની.
પાર્થ મેડિકલ વારી શેરી.
એસ.ટી.ડેપો સામે,
સુમેર કલબ રોડ.
જામનગર. 36 10 05 
 મો. નંબર. 9427280985..
 - ઈશ્વર પ્રજાપતિ 
9825142620
 

2 comments:

  1. Khub saras kaam karo cho...samaj ne gyan puru padvanu...

    ReplyDelete
  2. આપની કોલમમાં કલમે ડૉ.ઇલાબેનનાં જીવનને સાચો આકાર આપ્યો આભાર સહ અભિનંદન.

    ReplyDelete