અરવલ્લીના આદિવાસી સમાજના લોકવૈદ્યો પાસે જે વનસ્પતિ જ્ઞાન છે તે પશ્ચિમના વિજ્ઞાનીઓ પાસે પણ નથી. કમનસીબે આ જ્ઞાન હવે લુપ્ત થઇ રહ્યું છે.
કહેવાય છે કે દરેક મૂળાક્ષરમાં મંત્ર ધ્વની રહેલો છે જ્યારે દરેક વનસ્પતિમાં કોઈને કોઈ ઔષધીય ગુણ રહેલો છે. પર્વતીય જંગલ વિસ્તારમાં થતી વિવિધ વનસ્પતિના ઔષધિ બહુમૂલ્ય હોય છે. આદિવાસી લોક્વૈદ્યોની વનસ્પતિને ઔષધિય જાણકારી અદભુત હતી. આ વિષય પર તાજેતરમાં જ સંદેશ અખબારમાં સંસ્કૃતિ કોલમમાં જાણીતા સંશોધક પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવે સુદર આર્ટિકલ પ્રગટ કર્યો હતો. જે અહી પ્રસ્તુત છે.
“ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લીની ડુંગરમાળ વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળા ગણાય છે. આ પર્વતીય પ્રદેશોની ગાળિયુંમાં કુદરતી વાતાવરણ વચ્ચે આદિવાસી (વનવાસી) પ્રજાનો વસવાટ પ્રાચીનકાળથી જોવા મળે છે. તેમનું જીવન ખેતી અને વન્ય પેદાશો ઉપર આધારિત હોવાથી જંગલની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનું તેમને પરંપરાગત જ્ઞાન હોય છે. આ જડીબુટ્ટીઓની જાણકારી ધરાવનારા અરવલ્લીના કોઠાસૂઝવાળા ભગતો વિવિધ રોગો પર તેનો ઉપચાર કરતા. આજે આવા લોકવૈદ્યો ગોત્યાય જડતા નથી. લોકજીવનમાં પડેલી કોઠાસૂઝની આ લોકવિદ્યા લુપ્ત ન થઈ જાય અને જીવી જાય એ માટે ‘સૃષ્ટિ’ સંસ્થા દ્વારા અનિલ ગુપ્તા વર્ષોથી સંનિષ્ઠપણે કાર્ય કરી રહ્યા છે. આવી જ ચિંતા કરનારા બીજી વનસ્પતિશાસ્ત્રી હતા સ્વ. કનુયોગી એમણે બે એક દાયકા પૂર્વે અરવલ્લીની ડુંગરમાળ અને અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં રખડી રઝળીને ઔષધિય વનસ્પતિઓના સાચા પરખંદાઓને શોધી. એમના હૈયાકપાટ ઉઘડાવી ‘આદિવાસી લોકવૈદ્યો અને પરંપરાગત જડીબુટ્ટીઓ’ નામે મૂલ્યવાન પુસ્તક પ્રગટ કરીને અભિનંદનીય કાર્ય કર્યું છે.
એકકાળે પ્રાચીન ભારતમાં અનેક વિદ્યાઓ, વિજ્ઞાન અને કલાઓનો સુવર્ણયુગ હતો. વિદ્યા અને કલાઓની સાથે આયુર્વેદ વિજ્ઞાન પણ વિકાસ પામ્યું હતું. એ સમયે આજે આપણે જેમને પછાત અરણ્યવાસી તરીકે ઓળખીએ છીએ એવા અભણ પણ હૈયાં ઉકલતવાળા આદિવાસીઓ વનસ્પતિ અને જંગલના બીજા છોડવાઓની વિજ્ઞાનીઓ જેટલી જાણકારી ધરાવતા હતા. ગુરુશિષ્ય પરંપરાએ આ જ્ઞાન જીવંત રહેતું વનવિસ્તાર અને પહાડોમાં ઉગતી ભારતીય દેશી ઔષધિઓ અને જડીબુટ્ટીની વાત રામાયણમાં હજારો વર્ષ પૂર્વે નોંધાઈ છે. રામ રાવણનું યુદ્ધ થયું . ઘવાયેલા લક્ષ્મણ મૂર્છા પામ્યા. તૈયારાજોએ પહાડમાંથી સંજીવની લઈ આવવાની વાત કરી. હનુમાનજીએ બીડું ઝડપ્યું. જણાવેલા પહાડ પર જઈને જોયું તો અપાર વનસ્પતિઓ હતી. મુંઝવણમાં મૂકાયેલા હનુમાનજી આખો પહાડ ઊપાડી લાવ્યા અને સંજીવની દ્વારા લક્ષ્મણજી ભાનમાં આવ્યા. આ પ્રાચીન જ્ઞાનનું મહત્ત્વ આપણે આજે ભૂલી ગાય છીએ.
થોડા વર્ષો પૂર્વ લખનૌ ખાતેની વનસ્પતિ અનુસંધાન સંસ્થાના વિજ્ઞાનીઓની ટુકડીએ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જંગલોમાં સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વનવાસીઓના વિશ્વાસને આધારિત ચોક્કસ વનસ્પતિઓ શોધી કાઢી હતી , જે બાર જિલ્લાઓમાં આ વિજ્ઞાનીઓએ સર્વેક્ષણ કર્યું હતું તેમાં થારૂ, ગોંડ, ભીલ અને કેમર જેવા આદિવાસીની વસતીને આવરી લેવામાં આવી હતી. આ વૈજ્ઞાનિકોને એવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે અહીંથી મળી આવેલી અમુક વનસ્પતિ તો એટલી બધી ગુણકારી છે કે તેનો ઇલાજ જો કેન્સર જેવા રોગ પર કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ લાવી શકાય એમ છે. ગર્ભનિરોધ માટે પણ અમુક જડીબુટ્ટીઓ મળી આવી છે જેનો ઉપયોગ સંતતિ નિયમન માટે આજે પણ વનવાસીઓ તેનો ઉપયોગ કરે છે . તેઓ નાનામાં નાના છોડને જોતાવેંત જ કહી દે છે કે આના ગુણધરમો કયા કયા છે ? કયા રોગના ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય ? નિરક્ષર આદિવાસીઓ પાસે જે વનસ્પતિ જ્ઞાન છે તે પશ્ચિમના વિજ્ઞાનીઓ પાસે પણ નથી.
આજે આયુર્વેદની પદવી ધરાવનાર વૈદ્યો રોગીઓના રોગ મટાડવા માટે દેશી ઔષધિઓનો ઉપયોગ કરે છે. એવા જ ઉપયોગ આદિવાસી લોકવૈદ્યો ભણ્યા વગર ગુરુજ્ઞાન અને અનુભવ દ્વારા કરે છે . તેઓ ચામડીના હઠીલા રોગ, દમ, વા, સર્પદંશ, જૂના દર્દો, વાંઝિયાપણું. ગુપ્તરોગો વગેરે મટાડવાની આશ્ર ર્યજનક ક્ષમતા ધરાવે છે . તેમનામાં પણ વિવિધ શાખાના ડૉક્ટરોની જેમ બાળકોના રોગો , ઉપરાંત પશુઓના રોગોનો પણ ઉપચાર કરે છે . આવા લોકવૈદ્યોનું પ્રમાણ જ્યાં વિશેષ જડીબુટ્ટીઓ મળે છે ત્યાં વધુ જોવા મળે છે.
ગુજરાતના આદિવાસી પટ્ટાના વિસ્તારોમાં આવેલ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ગીર અને બરડા વિસ્તારમાં અને કચ્છના ગામડાઓમાં જડીબુટ્ટીના જાણકાર લોકવૈદ્યો આજેય અલપઝલપ જોવા મળે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આદિવાસી લોકવૈદ્યોને ઝારીના દવા કરનાર ‘વઇદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ માણસ માંદું પડે તો તરત કહે છે. ‘પેલા વઇદી હારે ઝાકલા' પેલા વૈદ્ય પાસે જાને.
અભણ આદિવાસી લોકવૈદ્યોની વિદ્યા પર વારી ગયેલા સ્વ . કનુયોગી પોતાને ઔષધિય વનસ્પતિઓમાં શી રીતે રસ પડ્યો તેની વાત કરતા કહે છે : ‘આજથી લગભગ ૩૫-૪૦ વર્ષ પહેલાં ભાદરવી પૂનમે દાંતાથી અંબાજી જવાના માર્ગ પર જંગલ વચ્ચે એક અભણ આદિવાસીને જાતજાતના મુરાડા અને અન્ય ઔષધિઓ સાથે કોઈ દર્દીના રોગનો ઇલાજ કરતો જોઈને અત્યંત આશ્ચર્ય થયેલું. તેની સાથે વાત કરતા એણે જંગલમાં તી અનેક જડીબુટ્ટીઓ અને તેના ઉપયોગો ફટાફટ જાણકારની અદાથી જણાવ્યા, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. એ પછી મેં અરવલ્લીના વનવાસી ક્ષેત્રમાં ચાલતી આશ્રમશાળાઓના માધ્યમથી કેટલાક આદિવાસી લોકવૈદ્યોનો સંપર્ક સાધેલો. આ વનવાસી લોકવૈદ્યોને મળતા મને વનસ્પતિઓના અકસીર ઉપયોગોની દુનિયાના દર્શન થયા. ક્ષેત્રકાર્ય દરમિયાન આદિવાસી લોકવૈદ્યોની અંગત જિંદગી અને તેમના પરંપરાગત કૌશલ્યને લગતી અનેક બાબતો વિશે જાણકારી મળતા મને અંતરમાં આનંદ થતો, પણ સાથે સાથે આ મૂલ્યવાન લોકવિદ્યાઓ લુપ્ત થવાની અણી પર આવીને ઊભી છે તે જાણીને ભારોભાર દુઃખ થતું હતું.’
આદિવાસી લોકવૈદ્યો ક્યારેય દવાની દુકાન કે હાટડી માંડતા નથી. તેઓ મોટેભાગે પોતાના ઘેર બેઠાં જ ઔષધિઓ આપે છે. તેઓનું ગુજરાત માત્ર ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે. દર્દીની દવા કરવાના બદલામાં તેઓ માત્ર શ્રીફળ અને સવા રૂપિયો જ લે છે. કોઈ કોઈ લોકવૈદ્ય દર્દી સાજો થયા પછી પોતાની ઇચ્છાથી કંઈપણ આપે તો તે સ્વીકારે છે. સામેથી કશું માગતા નથી. દવા પાછળ માનવ સેવાની જ ભાવના રહેલી છે, રૂપિયા કમાવાની નહીં. આ સાચા લોકવૈદ્યો છે.
શહેરના ફૂટપાથો પર જડીબુટ્ટીઓની ભામક જાહેરાતો કરનારા માત્ર ધંધાદારીઓ જ હોય છે. સાચો લોકવૈદ્ય તો દર્દીને તપાસ્યા પછી તેના માટે જરૂરી જડીબુટ્ટી જંગલમાંથી તાજી લાવેલી હોય તે જ વાપરે છે. દવાઓનો જથ્થો ભેગો કરી રાખી ક્યારેય વેચતા નથી. આપણી જડીબુટ્ટીઓનું મહત્ત્વન ભારતીયઓને નથી તેટલું વિદેશીઓને છે. દવાઓ બનાવતી વિદેશી દવાઓની કંપનીઓ ભારતના જંગલોમાં ઊગતી વનસ્પતિઓ પરના પેટન્ટ મેળવી સસ્તાભાવે ખરીદી તેમાંથી દવાઓ બનાવીને ઊંચા ભાવે વેચે છે. આજે આદિવાસી લોકવૈદ્યોની આ વિદ્યા લગભગ જૂની પેઢી સાથે લુપ્ત થવા માંડી છે. લોકવૈદ્યોય પોતાના જ્ઞાન તરફ ઉદાસિન થવા માડ્યા છે. નવા યુવાનોને આ વિદ્યા શીખવામાં રસ નથી. જંગલો આડેધડ કપાવા માંડ્યા છે. પરિણામે ઉંમરલાયક વૈદ્યો જંગલની ગાળિયો કે ડુંગરાની ટોચે પહોંચી શકતા નથી. એમને માટે જડીબુટ્ટીઓ શોધીને લાવવું મુશ્કેલ બન્યું છે. આજે તો માલકાંગણીના વેલા દુર્લભ બન્યા છે. કાળી વાઇસર નાકછીંકણી, ધોળો ખાખરો જેવી વનસ્પતિઓ ગાયબ થઈ ગઈ છે. નસોતર, કાળીપાઠ, શાલપર્ણી, અનંતમૂળ જેવી દેશી વનસ્પતિઓ પુસ્તકોના પાના પર રહી ગઈ છે. આદિવાસી લોક પાસેથી આ પરંપરિત વિદ્યા પ્રાપ્ત કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. જૂનવાણી લોકવૈદ્યોની રૂઢ માન્યતા છે કે આ ઔષધિજ્ઞાન બીજાને આપીએ તો અસરહીન બની જાય. વૈદ્યનું આદર અને સન્માન ઘટી જાય. પરિણામે વૈદ્યો પોતાનું જ્ઞાન ગુપ્ત જ રાખે છે. જ્યારે તેઓને અધિકારી સંનિષ્ઠ શિષ્ય મળે ત્યારે જ તેઓ બીજાને શીખવે છે. નહીં તો લોકવૈદ્યોની ચિતામાં એ જ્ઞાન એની સાથે જ બળીને ભસ્મ થઈ જાય છે.
આજે આધાશીશીનું માથું દુઃખતું હોય. આંખો આવી હોય, ઓરી, અછબડાં નીકળ્યાં હોય, દાઢ દુઃખતી હોય કે કાનમાં સણકા આવતા હોય તો આપણે એના સ્પેશિયાલિસ્ટ પાસે દોડી જઈ એમની ફી આપીને બજારમાંથી મોંઘીદાટ દવાઓ લાવીએ છીએ. આ લોકવૈદ્યો પૈસોય લીધા વગર જડીબુટ્ટીઓ આપી મફતમાં દો દૂર કરે છે. આપણને ભણેલાઓનો મફતની વાતમાં વિશ્વાસ બેસતો નથી. એટલે લોકવૈદ્યોની વિદ્યા અને ઉપચારો હવે ભૂતકાળની વાત બની ગયા છે.”
(સાભાર : પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment