Friday, December 22, 2023

सर्वस्य चाहं हृदि सन्निविष्टो 

 सर्वस्य चाहं हृदि सन्निविष्टो 




        સમય આશરે 5000 વર્ષ પહેલાનો.

        સ્થળ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનું રણમેદાન.

        માગશર સુદ એકદશીનો દિવસ.

        દુર્યોધનની સેના વતી ભીષ્મ પિતામહે શંખ ફૂંકી યુદ્ધનો આગાઝ કરી દીધો છે. શ્રીકૃષ્ણે # *પંચજન્ય* અને વીર ક્ષત્રિય યોધ્ધા અર્જુને # *દેવદત્ત* નામનો શંખ ફૂંકી યુદ્ધ માટે તૈયાર છે. જેની સામે યુદ્ધ લડવાનું છે એમને નિહાળવાની જિજ્ઞાસાવશ
        બે શક્તિશાળી સેનાની મધ્યમાં કપિદ્વજ રથ ઉભો છે. રથમાં સવાર છે જિજ્ઞાસુ અર્જુન અને તેના સારથી છે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ.
યુદ્ધ મેદાન માં સામા પક્ષે પિતામહો, પિતારાઈઓ, ગુરુઓ, સાસરાઓ જેવા સ્વજનો જોઈ અર્જુનને સંશય થાય છે, અર્જુન કીંકર્તવ્યમૂઢ બને છે, નિરાશ થાય છે, વિષાદ થાય છે.. કે આ સ્વજનો ને હણીને પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું આધિપત્ય મળે તો પણ શા કામનું !! અને અર્જુન પોતાનું પ્રિય એવું ગાંડીવ બાજુ પર મૂકી હતોત્સહી થઈ રથમાં બેસી જાય છે. અને યુદ્ધ ન કરવાનો નીર્ધાર કરે છે ત્યારે
        અર્જુનના આ વિષાદ ને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે જે અતિ ઉગ્ર એવું જ્ઞાન અર્જુનને આપ્યું તે જ્ઞાન એટલે જ *શ્રીમદ્દ ભગવદ્ ગીતા!!!*
અર્જુનનો વિષાદ યોગ ગીતા જ્ઞાન માટે નિમિત્ત બન્યો. પરંતુ વાસ્તવમાં સંસારનો દરેક માનવી જ્યારે જ્યારે સંશય અનુભવે છે, હતાશા થી ઘેરાઈ જાય છે, જ્યારે કઈ જ માર્ગ સૂઝતો નથી, મનુષ્ય હારીને બેસી જાય છે ત્યારે મનુષ્ય નું મન કુરુક્ષેત્રનું રણમેદાન બને છે. અને દ્વંદ્વ રચાય છે ત્યારે ગીતા રૂપે ભગવાન આશ્વાસન આપે છે કે
#         *ક્ષુદ્રમ_હૃદય_દૌરબલ્યમ_ત્યકત્વોતિષ્ઠ_પરન્તપ* . (અધ્યા.2/3)
અર્થાત હૃદયની આવી દુર્બળતા નો ત્યાગ કર અને ઉભો થા.
        ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે "ગીતા મારુ હ્યુદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારુ અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારુ અવિનાશી જ્ઞાન છે, ગીતા મારૂ શ્રેષ્ઠ નિવાસસ્થાન છે. ગીતા મારુ પરમ રહસ્ય છે. ગીતા મારો પરમ ગુરુ છે"
        ગીતામાં કોઈ જગ્યાએ એવું નથી કહેવામાં આવ્યું કે "શ્રીકૃષ્ણ ઉવાચ" પરંતુ એમ કહેવાયું છે કે "ભગવાન ઉવાચ"
એટલે ગીતા એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ માંથી નિતરેલું નર્યું માધુર્ય.
        ગીતા કોઈ એક ધર્મ માટેનો ગ્રંથ ન બની રહેતાં વિશ્વધર્મ ગ્રંથ બન્યો છે. માટે જ વિશ્વ ની અનેકવિધ ભાષાઓમાં ગીતાજીનું ભાષાંતર થયું છે. સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય  પાંડુરંગ_શાસ્ત્રીજી એ તો એમ કહ્યું છે "#Gita is not the #Bible_of_Hinduism but it is the #Bible_of_humanity"
        મહાત્મા  થોરો કહે છે"ગીતામાં એટલું તો ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનારને અગણિત વર્ષો થઈ ગયાં હોવા છતા એવો બીજો એક પણ ગ્રંથ હજુ લખાયો નથી ગીતાજીની સાથે સરખાવતાં આ જગતનું હાલ નું જ્ઞાન મને તુચ્છ લાગે છે"
        તો મહાત્મા ગાંધીજી એ હરિજબંધુ માં નોંધ્યું છે કે " મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લવ છું.એને સદાય મને પથદર્શન કર્યું છે.ગીતમાતા ના ખોળામાં જે માથું રાખે છે એ કદાપિ નિરાશ થતો નથી.ગીતા એના ભક્તો ને ક્ષણે ક્ષણે નવું જ્ઞાન, આશા, અને શક્તિ આપે છે. રોજ સવારે ગીતા તમે વાંચી જુઓ ને એનો ચમત્કાર પોતે અનુભવશો"
ભગવદ્દ ગીતા ભારત વર્ષ ના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ત્યારે તત્વજ્ઞાનથી ભરપૂર આ ગ્રંથ ને માત્ર ચંદનના લેપ લગાવી મૂકી રાખવા માટે કે ઘર ની શોભા વધારવા માટે મૂકી ન રાખતાં ગીતાજીનું સાચું પૂજન એનું વાંચન અને એનું આચરણ છે. ગીતા જયંતિ ના આજના પાવન દિને શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશના આપણે વાહક બની ગીતાજીને ઘર-ઘર અને જન-જન સુધી પહોંચડીએ. પ્રભુના દૂત બનવાનું ગૌરવ લઈએ. સંકૃત અને સંસ્કૃતિથી વિમુખ થતાં જતાં સમાજને વિશ્વધર્મ ગ્રંથ ભેટ ધરીએ.
    જો અર્જુન આપણો આદર્શ બને તો શ્રી કૃષ્ણ સ્વયં આપણા જીવન રથના સારથી બનવાનું જરૂર પસંદ કરે.

                    यत्र योगेश्वर: श्रीकृष्ण: यत्र पार्थो धनुर्धर:।
                        तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।

        આપ સર્વેને  ગી તા જયંતિની હાર્દિક શુભકામનાઓ.
        જય શ્રી કૃષ્ણ !

- ઈશ્વર_પ્રજાપતિ
9825142620


2 comments: