Sunday, November 12, 2023

સન્ડે સ્પેશીયલ

 દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય



       આજે દીપાવલી છે. દીપાવલી પર્વમાં દીપક , રંગોળીં અનર લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે.  દીપાવલી હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો હોય,પરંતુ આ દિવસોમાં ઘરે ઘરે દીવડાં પ્રગટાવવામાં આવે છે.

દીપકને જીવનની પરંપરા તથા તમસો મા જ્યોતિર્ગમયને આકાંક્ષાનો આધાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર દીપકની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં દીપ પૂજા તથા દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ઘણી બધી સદીઓથી દીપાવલી પર્વની કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. દિવાળી પહેલાં સાફસફાઈ, રંગાઈ, સાજસજાવટ અને અર્ચનાનાં ભવ્ય રૂપ-એ બધી માન્યતાઓ અને રિવાજને સમજવાની જરૂર છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરી ઘરને રંગવાથી ઘરની અંદરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા અંદર આવતાં ભાગ્યોદય થાય છે એમ મનાય છે. વૈજ્ઞાાનિક રીતે પણ ચોમાસાની ઋતુથી ઘરમાં પેદા થયેલાં બેક્ટેરિયા મરી જવાથી ઘર કીટાણુરહિત થઈ જાય છે.

દીપક શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનું પણ એક મહત્વ છે. દીપક મન અને તન બંનેના અંધકારને દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે. દીપક માત્ર અજવાળું આપે છે તેવું નથી, પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. દીપકથી જીવનમાં એક સુખદ અનુભૂતિ થાય છે.

ગણપતિ તથા લક્ષ્મીપૂજા શા માટે કરવામાં આવે છે? આમ તો બધા જ ભગવાન શુભ પ્રદાતા છે, પરંતુ દિવાળી પર ખાસ કરીને ગણપતિની પૂજા કરવાનું માહાત્મ્ય એ છે કે ગણપતિ પ્રથમ પૂજ્ય હોવાની સાથેસાથે રિદ્ધિસિદ્ધિ અને શુભ-લાભના દેવતા પણ છે. ગણપતિ પધારતાં જ બધાં સુખ આપોઆપ આવે છે. લક્ષ્મીજીની કૃપાથી ધનનું સુખ પ્રાપ્ત થાય છે. દીપાવલીના દિવસોમાં લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આખરે દુનિયાનું દરેક સુખ લક્ષ્મીજીની સાથે જ જોડાયેલું છે. લક્ષ્મીજીનાં અનેક રૂપ છે. ધન-ધાન્યનાં દેવી, સંસારનાં પાલનહારી, સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનારાં દેવી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની પણ છે. તેમને બધાં જ સુખો અને ઐશ્વર્યોનાં સ્વામિની પણ માનવામાં આવે છે. દીપાવલીની રાત્રે ધૂમધામ પછી વ્યાપક વિધિ-વિધાન દ્વારા સૌ પ્રથમ વિનાયક ગણપતિનું પૂજન થાય છે અને તેની સાથે સાથે જ લક્ષ્મી અને સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. લક્ષ્મીજીનું બીજું નામ સ્ત્રી પણ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, ઝઘડા અને કલહ છે તે ઘરમાં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતાં નથી. અહીં પતિ-પત્નીના ઝઘડા, સાસુ-વહુના ઝઘડા, નણંદ-ભોજાઈના ઝઘડાઓ બધું જ અભિપ્રેત છે. દીપાવલી પહેલાં આ કલહ દૂર કરવો જરૂરી છે. જ્યાં ભ્રૂણહત્યા થાય છે ત્યાં લક્ષ્મીજીનો જ અનાદર છે. બહેનનું અપમાન તે પણ લક્ષ્મીજીનું જ અપમાન છે.

માર્કન્ડેય પુરાણમાં સમસ્ત સૃષ્ટિની મૂળભૂત આધારશક્તિ મહાલક્ષ્મીને માનવામાં આવ્યાં છે. આધારશક્તિ એટલા માટે કે એમને સત્ત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણોનાં મૂળ માનવામાં આવ્યાં છે. લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા પણ છે. જે ઘરમાં નારાયણની પૂજા થતી નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. ભગવાન નારાયણને લક્ષ્મીજી વગર ફાવે છે, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ફાવતું નથી. લક્ષ્મીજીને મહેલોમાં કે તિજોરીઓમાં કેદ કરનારાં પણ ચોર અને લુંટારુંઓ જ છે. સમાજે તમને કંઈ આપ્યું હોય તો તે સમાજને પાછું આપવું તે લક્ષ્મીજીનેે પસંદ છે. લક્ષ્મીજીનો સંગ્રહ કરવો અને તેનો સદુપયોગ ન કરવો એ કામ અભાગિયાઓ જ કરે છે.

લક્ષ્મીજીના આકાંક્ષી આપણે જ ઘણી વાર ભૂલી જઈએ છીએ કે જે લક્ષ્મીથી તમે ભવ્ય બંગલા અને આલીશાન આશિયાના બનાવો છો તે લક્ષ્મી ખુદ કદી ભૌતિક ચીજો પાછળ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં બિલકુલ શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિનું અસલ પ્રતીક છે. જો તમારી પાસે લક્ષ્મી ને વૈભવ છે તો તમે શ્રેષ્ઠ દાતા બનો. તમારી પાસે કોઈ સુખ સમૃદ્ધિ છે તો તેને વહેંચો. દરરોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો, તમારી ભીતરની સમૃદ્ધિ ઔર વધશે.

યાદ રહે કે સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલાં ૧૪ રત્નો પૈકી એક વિશિષ્ટ રત્ન છે – ‘લક્ષ્મી’. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવંદના, શુભા અને ક્ષમાદાયી છે. ભગવાન વિષ્ણુએ આ અનુપમાનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ પ્રકાશમયી દેવી અમાવસ્યાની રાત્રિના અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરતી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવ્યું હતું. આ કાળી અમાવસ્યાને આ કારણથી જ આપણે પ્રતિવર્ષ દીવડાંઓ પ્રગટાવી લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ. કહેવાય છે કે સાત્ત્વિક ધન હોય તે જ લાંબું ટકે છે. જે દાન કરે છે તેનું ધન ટકે પણ છે અને વધે પણ છે. જે લોકો ખોટાં કૃત્યો કરી, દગો-ફટકો કરી, છેતરપિંડી કરી, અનૈતિક રીતરસમો અપનાવી ધન કમાય છે તેને તામસી ધન કહે છે. એવા પરિવારો પાસે ધન હોય તો પણ ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે, પરિવાર તૂટે છે.

આમ, લક્ષ્મીપૂજન ઉપરાંત દીપાવલીના દિવસે આંખમાં કાજળ કરવાની પણ પરંપરા છે. ધાતુના પાત્રની પાછળ ઘી લગાડી તેને દીવા પર રાખી તેની પર વળતી કાળી મેશથી આંખ આંજવાની પણ એક પરંપરા છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ પુત્ર શ્રીરામની આંખમાં કાજળ આંજ્યું હતું. માન્યતા એવી છે કે દીપાવલીની રાતે આંખમાં કાજળ આંજવાથી આખું વર્ષ કોઈની બૂરી નજર લાગતી નથી. એ ઉપરાંત આંખની રોશની પણ વધે છે.

દીપાવલીના દિવસોમાં રંગોળીનું પણ એક મહત્ત્વ છે. ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી દ્વારા લક્ષ્મીજીનાં ચરણ બનાવવાનું પ્રાવધાન છે. તેમાં લાલ, ગુલાબી, પીળો, લીલો અને સફેદ રંગ વપરાય છે. આ બધા જ રંગ સકારાત્મક ઊર્જા લાવે છે તેમાં વાદળી, કાળો, અને રાખોડી રંગ વપરાતો નથી, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રંગોળી એ ખુશી અને ઉત્સવનું પ્રતીક છે.

દિવાળીના તહેવારોમાં આતશબાજી એટલે કે ફટાકડા ફોડવાનું પણ એક માહાત્મ્ય છે. આમ તો ભગવાન શ્રીરામના શુભ આગમન પર અયોધ્યાવાસીઓએ હજારો દીવડાં પ્રગટાવી ફટાકડા ફોડી પોતાની અપ્રતીમ ખુશી વ્યક્ત કરી હતી. રામાયણમાં પણ તેનું વર્ણન છે. એ દિવસની યાદમાં હજારો વર્ષ બાદ આજે પણ ભારતવર્ષમાં આતશબાજી કરવામાં આવે છે. વૈજ્ઞાાનિક રીતે જોઈએ તો ફટાકડાથી ઉત્સાહ વધે છે. રંગીન આતશબાજીથી મનની નિરાશા દૂર થાય છે અને પ્રસન્નતા વધે છે. વીતેલા ચોમાસાના કારણે વાતાવરણમાં રહેલાં જીવજંતુનો નાશ થાય છે. અલબત્ત, ફટાકડા વિવેકસર ફોડવામાં ન આવે તો પ્રદૂષણ પણ વધે છે.

ચાલો, દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ફરી એક વાર લક્ષ્મીજીનું પૂજન કરવાની સાથે સાથે આપણી વિચારધારા પણ બદલીએ. ધનલક્ષ્મીનો મતલબ એ દેવી નથી જે માત્ર ધન આપે છે. લક્ષ્મીનો મતલબ માત્ર સંપત્તિ જ ન કરીએ. લક્ષ્મીજીને વ્યાપક અર્થમાં સમજીએ. લક્ષ્મી એટલે લક્ષ્ય સિદ્ધ કરવાવાળાં દેવી. તમે સારા શિક્ષક છો તો પણ તમારી પર લક્ષ્મીની કૃપા છે તેમ સમજીએ. તમે સારા વિજ્ઞાાની, ડોક્ટર, અધ્યાપક, ધારાશાસ્ત્રી કે સારા રાજનેતા છો તો પણ તમારું લક્ષ્ય સિદ્ધ થયું છે અને વશિષ્ઠ, વાલ્મીકિ, તુલસીદાસ, વેદવ્યાસ, નારદ, સુદામા, અર્જુન, વિદુરજી કે સાંદિપની બનીને પણ જે તે ક્ષેત્રની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને સમૃદ્ધ બની શકાય છે. એ જ સાચી લક્ષ્મી છે. મનનો અંધકાર દૂર કરવો તે જ સાચી સમૃદ્ધિ છે. તે જ સાચી દીપાવલી છે. શુભ દીપાવલી.

લક્ષ્મીજીની તમારી પર કૃપા છે એમ સમજો. લક્ષ્મીને ભૌતિક સંપત્તિ સમજવાના બદલે આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, જ્ઞાાન અને વૈરાગ્યની સંપત્તિ પણ સમજવી તે શ્રેષ્ઠ વિચારધારા છે. તમે શ્રેષ્ઠ જ્ઞાાની છો તો પણ તમે સમૃદ્ધ છો અને તમે શ્રેષ્ઠ સાધુ છો તો પણ સમૃદ્ધ છો તેમ સમજો. આ પૃથ્વી પર બધા જ કુબેરભંડારી થઈ શકે નહીં. 

(સૌજન્ય : રેડ રોઝ- દેવેન્દ્ર પટેલ www. devendrapatel.in)

-ઈશ્વર પ્રજાપતિ 

1 comment:

  1. Very nice Article depicting our traditional Indian customs that even more live even at this stage.Happy Diwali 🌹👍🏼

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts