Sunday, September 3, 2023

શિવમય શ્રાવણ - ૧૮

 પોળોના રમણીય જંગલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં  બિરાજમાન વિરેશ્વર મહાદેવજી. જ્યાં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગંગાનો પ્રવાહ અવિરત  વહે છે.

    ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ઇડર પાસેનું પોળો ફોરેસ્ટ ફરવામાં માટે પ્રવાસિઓની પહેલી પસંદ છે. પોળો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના નાના ગામ અભાપુર નજીક આવેલું છે. પોળો ફોરેસ્ટ લગભગ 400 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે, જે આજે પણ લગભગ અસ્પૃશ્ય છે,ટેકરીઓ,સરોવરો,નદી અને લીલાછમ વિસ્તારથી ઘેરાયેલું છે જે મુલાકાતીઓના આત્માને સીધો સ્પર્શ કરે છે.

      સાબરકાંઠા જિલ્લાનાં વિજયનગર તાલુકામાં આવેલા પોળો ફોરેસ્ટમાં પ્રવેશતા જ આવતું શારણેશ્વર મહાદેવનું મંદિર પોતાની કલાકૃતિની બનાવટ અને ઇતિહાસ માટે આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે શારણેશ્વર મહાદેવના મંદિરે આવે છે. એવું કહેવાય છે કે 10 મી સદીમાં હરણાવ નદી પાસે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા નાના શહેરની સ્થાપના કરવામાં આવી હતી.

       15મી સદીમાં મારવાડના રાઠોડ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.આ નામ પોળ શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ મારવાડી ભાષામાં ગેટ થાય છે. કારણ કે તે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. પોળો ફોરેસ્ટ એ પુરાતત્વ અને વન વિભાગ માટે રસપ્રદ સ્થળ છે જ્યાં પ્રાચીન ખંડેર મંદિરો પણ આવેલા છે.

      વિરેશ્વર મહાદેવના નામ થી દેશભર માં પ્રખ્યાત છે. 800 વર્ષ પુરાણું આ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર છે. અહીં સાક્ષાત શિવજી બિરાજમાન છે. ચોમાસામાં આ મંદિર સોળે કળાએ ખીલી ઉઠે છે. છોટા કાશ્મીર જેવું આલ્હાદક વાતાવરણનો નજારો અહીં જોવા મળે છે. અહીંયા શ્રાવણ માસમાં આદિવાસી લોકોનો મેળો પણ ભરાય છે.

       આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગંગાનો પ્રવાહ વહે છે. જે આજ દિન સુધી સુકાયો નથી. જેને ગુપ્ત ગંગા નામ આપવામાં આવ્યું છે. ઉનાળાના ધોમ ધખાતા તાપમાં પણ આ પ્રવાહ અવિરત વહ્યા કરે છે. આ પાણીને ભક્તો પ્રેમથી પીવે છે અને ધંન્યતા અનુભવે છે. આ અરવલ્લી ગિરિમાળાઓમાં વનસામ્રાજ્ય જ્યાં વટવૃક્ષોના જંગલોમાં બિરાજેલા શિવ શંભુ વિરેશ્વર મહાદેવ જ્યાં ગિરિમાળામાંથી ગંગા અવતરતી હોય તેમ જટાઓ માંથી પાણીનો પ્રવાહ ઉબરાના ઝાડના મૂળમાંથી અવતરી શીવજીના ચરણ સ્પર્શ કરી ત્યાંથી આગળ જતા અલોપ થઈ જાય છે.

       વિજયનગર તાલુકાના અભાપુર ગામે 12 થી 15 મી સદીમાં નિર્મિત શિવ મંદિરના પ્રાગટયમાં પોળોના મહારાણીની શિવ ભકિત કેન્દ્ર સ્થાને રહી હોવાની લોકવાયકા છે. જે સ્થાન રાજસ્થાન-ગુજરાતના શિવ ભકતોનું શ્રધ્ધા કેન્દ્ર બન્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં અનેક પ્રાચીન શિવ મંદિરો લોકશ્રધ્ધાનું કેન્દ્ર બન્યુ છે. જેમાં સપ્તેશ્વર, મુધણેશ્વર, મહંકાલેશ્વર (ઇડર), રામેશ્વર (ગંભીરપુરા), ઝરણેશ્વર મહાદેવ (હિંમતનગર), વિરેશ્વર અને અભાપુર પોળો સ્થિત શિવ મંદિર શારણેશ્વર ગુજરાત-રાજસ્થાનના શિવ ભકતોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. જેમાં પોળોના અભાપુર સ્થિત શારણેશ્વર શિવાલયના પ્રાગટયમાં પોળોના મહારાણીની અસીમ શિવ ભકિત કેન્દ્ર સ્થાને રહી છે.
     આ અંગે લોકવાયકા અનુસાર પોળોના તત્કાલિન મહારાવે સિરોહીના રાજકુંવરી સાથે લગ્ન કર્યા હતા. જે કુંવરી સિરોહી નજીકના શારણેશ્વર મહાદેવના પરમ ભકત હતા અને તેઓએ શિવ પૂજા, દર્શન વિના અન્ન-જળ ન લેવાનું પ્રણ લીધુ હતું. જે કુંવરી લગ્ન કરી પોળો આવતા શિવ પૂજા વિના અન્ન-જળ ત્યજી દીધા હોવાનું તેમના પતિ અને પોળોના મહારાવને જાણ થતાં તેમણે મહારાણીની શિવ ભકિત અંગે ટોણો માર્યો હતો અને લગ્ન બાદ તેઓ તેમના સ્વામી ભગવાન જે ગણો તે હોવાનું જણાવી તેમની ભકિત કરવા જણાવતા મહારાણીને ખોટુ લાગ્યુ હતું. વધુમાં મહારાવે તેમની શિવ ભકિતના પારખા લેવા જો તારી શિવજીની ભકિત સાચી હોય તો મને તેનો પરચો આપે તેવો ટોણો મારતા રાત્રે શિવજીએ પોળો નજીકના સ્થાનકે જઇ ખાડો ખોદવા સ્વપ્નમાં દિવ્ય વાણીથી જણાવતા મહારાવે સ્વપ્ન વાણીના આધારે વર્તમાન શારણેશ્વર મંદિરના સ્થાનકે ખાડો ખોદાવતા સ્વયંભૂ શિવજી પ્રગટ થયા હતા.

    જેથી મહારાવે પોતાની ભૂલ સ્વીકારી ભગવાન શિવજીનું શિવ પંચાયતન મંદિર બનાવી પોતાના ધર્મ પત્નિ અને મહારાણીને અર્પણ કર્યુ હતું. આમ પોળોના મહારાણીની શિવ ભકિતના પરચારૂપે પોળો શારણેશ્વર તિર્થધામનું પ્રાગટ્ય થયુ હતું. જયાં હાલ રાજસ્થાન-ગુજરાતના અનેક શ્રધ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં અને શિવરાત્રિએ મોટી સંખ્યામાં દર્શન, પૂજા કરી ધન્યતા અનુભવે છે. સાથે જ રાજય અને વિશ્વભરના પ્રવાસીઓમાં આ શિવ મંદિરની સ્થાપત્ય શૈલી આકર્ષણનું કેન્દ્ર રહી છે. જેમાં ભારતીય મોંગોલિયન સ્થાપત્ય શૈલીનું અજોડ મિશ્રણ છે.

ગુપ્ત ગંગાનો પ્રવાહ શિવજીના લિંગ ઉપર થઈ જમીનમાં સમાઈ જાય છે. આ પાણીનો પ્રવાહ ક્યાથી આવે છે..? તે જાણી શકાયું નથી. આ મંદિરમાં 1984થી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીં આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ જમાડવામાં આવે છે. ચૂરમો ભક્તોને પીરસવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં વનભોજન અતિ મહત્વનું હોય છે તેથી અહીંયા વનમાં ભોજન સાથે લોકો કીર્તન કરે છે.



No comments:

Post a Comment