Sunday, September 3, 2023

સન્ડે સ્પેશિયલ

 શેઠજી ! એ રખલો ઔર ગીન લો. સેવામે કામ આયેગા.”  હાથમાં રૂપિયાનું  કવર મૂકી  એ એ અજાણી વ્યક્તિ ક્યાં અદૃશ્ય થઇ ગઈ એ કોઈ જાણી શક્યું નહિ.



         ચારેક વર્ષ પહેલાંની વાત છે. રાજસ્થાન શિરોહી પાસે પોસલીયાના મુખ્ય માર્ગ પર છેલ્લા બે અઢી દાયકાથી રામદેવરા જતા પદ યાત્રિકો માટે વિસામો ચાલે છે. ત્યાના સંચાલક પડ્યાત્રીયોની સેવામાં મગ્ન હતા. ધારણા કરતા યાત્ર્રીઓનો ધસારો અનેકઘણો વધી રહ્યો હતો. એટલે થોડી ચિંતા પણ સતાવતી હતી.  ત્યાં એક અજાણી વ્યક્તિ સંચાલક પાસે આવી એક કવર હાથમાં મુક્યું. અને કહ્યું શેઠજી ! એ રખલો ઔર ગીન લો. સેવામે કામ આયેગા. સંચાલકે કવર ખોલ્યું તો અંદરથી રૂપિયાની થોકડી નીકળી. 

     વિસામાના સંચાલક તો અજાણી વ્યક્તી સામે જોઈ જ રહ્યા. એ વ્યક્તિને ચા-પાણી માટે બેસાડી અને સંચાલક કવરમાંથી નીકળેલા રૂપિયા ઘણી રહ્યા હતા. રૂપિયા પૂરા પચાસ હજાર હતા. સંચાલકનું હ્રદય ભરાઈ આવ્યું.  અને ચા પાણી આવે એ પહેલાં તો આ અજનબી ત્યાંથી અદશ્ય..! પળવારમાં વ્યક્તિ ક્યા જતી રહી ?  અંતે માણસોએ આસપાસ તપાસ કરી. ચારે તરફ પણ ક્યાંય દેખાયા નહિ...આ ઘટના થોડીક જ ક્ષણોમાં ઘટી ગઈ.   સંચાલકના અંતરમનમાં એ ઘટના અંકિત થઈ ગઈ. આમ અજાણી વ્યક્તિ રૂપે બીજું કોઈ નહિ કળિયુગના હાજરાહજૂર બાબા રામદેવજીના આશીર્વાદ મળ્યાનો અહેસાસ થયો. 

     આ વિસામાના સંચાલક એ બીજું કોઈ નહિ પણ ખુબ જાણીતા પત્રકાર, સહકારી આગેવાન અને સેવાવ્રતી પ્રભુદાસ પટેલ હતા. અરવલ્લીના ઇસરોલમાં રહેતા રામદેવજીના પરમ ઉપાસક પૂ. હિરાદાદા અને તેમનો પરિવાર છેલ્લા બે દાયકા કરતાં  પણ અધિક સમયથી રામદેવરા જતા પદયાત્રિકો માટે રાજસ્થાનમાં જઈ વિસામો ચલાવે છે. જેમાં હજારો પદયાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ પ્રભુદાસ પટેલ પૂરો એક મહિનો રાજસ્થાન વિસામામાં રોકાઈને પદયાત્રીઓની ભક્તિભાવથી સેવા કરે છે.

રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર હમીરસિંહજી રાવ આ વિસામા અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે "પૂજ્ય હીરાદાદાની નિશ્રામાં  પ્રભુદાસ ભાઈના અહર્નિશ પ્રયત્નોથી બે દાયકા કરતા વધુ સમયથી શરૂ થયેલ આ ભંડારો રાજસ્થાનના પાલી, શિરોહી અને આસપાસના જિલ્લાઓમાં  સેવાપ્રવૃત્તિથી ખુબ ખ્યાતી પામી રહ્યો છે. અહિ આવતા  પદ યાત્રીઓ માટે ચોવીસ કલાક ચા નાસ્તો, ભોજન અને ચોખ્ખા ઘીનો પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. પદ યાત્રીઓ માટે રાત્રી વિસામાની વ્યવસ્થાની સાથે સાથે ચિકિત્સા સેવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. આ ભગીરથ કાર્ય સરાહનીય, પ્રશંસનીય અને અનુકરણીય છે. આજના સમયમાં આ રીતે કરવામાં આવતી નિઃસ્વાર્થ  સેવાપ્રવૃત્તિની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે."    

    આ વિસામા અંગે વિસ્તૃત  માહિતી આપતા પ્રભુદાસ પટેલ અત્યંત વિનમ્રતા પૂર્વક જણાવે છે કે પૂજ્ય હીરાદાદાના આશીર્વાદ અને બાબા રામદેવજીની અસીમ કૃપાને લીધે છેલ્લા 40 વર્ષથી  મોટાભાઈ રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા બાવજી સાથે દર મહિને રણુંજા બાબના દર્શને જવાનો અવસર પ્રાપ્ત થયો. આજથી 20 વર્ષ અગાઉ રણુંજા જતા આવતા યાત્રિકો માટે નિઃશુલ્ક સેવા કેમ્પો ચાલતા હતા. એમાંથી પૂ.હીરાદાદાની પ્રેરણાથી રાજસ્થાનના પાલી પાસે ગુંદોજ ખાતે હાઇવે ઉપર પંચમુખી મહાદેવ મંદિરે ત્યાંના મહંત ૧૦૦૮ રામજ્ઞાદાસજીએ સ્થળ ઉપર સેવા કાર્યની અનુમતિ આપતા ત્યાં ૧૫  વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન અને નિવાસ સહિતની સેવાઓ યાત્રાળુઓને મળે એવા પ્રયાસો રહ્યા. જેમાં શરૂઆતમાં દસ -બાર દિવસ, પછી  પંદર-વિસ દિવસ ભંડારો ચાલાવ્યો.

ભાદરવાના રણુંજાના મહામેળામાં  રામદેવરા જતા ગુજરાત, રાજસ્થાન સહિતના યાત્રાળુઓને જેમ જેમ  ચાલતા વિસામાની જાણ થતી ગઈ એમ સંખ્યા વધતી ગઈ અને વિસામાના દિવસો પણ વધાર્યા. ત્યાં અંદાજે દર વર્ષે શરૂઆતમાં દસ હજાર યાત્રિકોની સેવાથી શરૂ થયેલ આ નિઃશુલ્ક ભંડારામાં દિન પ્રતિદિન સંખ્યા વૃદ્ધિ થતા ચૌદમાં પંદરમાં વર્ષે વધીને સંખ્યા ૨૫  થી ૩૦  હજાર ઉપર પહોંચી.. એ દરમિયાન ચાર માર્ગીય હાઇવે નિર્માણ થતા મંદિર જગ્યા સામે રહી.  યાત્રાળુઓને રોડ ક્રોસ કરી આવવાનું અગવડભર્યું લાગતા પાલી અને સિરોહી વચ્ચે રોડ ટચ જગા શોધતાં સિરોહીથી વિસ કિલોમીટર પાલી રોડ ઉપર શંખેશ્વર સુખધામ જૈન તિર્થની બરાબર સામે જ આવેલ ખુલ્લી વિશાળ જગ્યા વીસમા માટે સાનુકુળ લાગી. અને એ સ્થાને  ગુજરાતી વિસામો શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પૂ. હીરાદાદાના આશીર્વાદ સાથે ચાલુ કર્યો. પહેલા વર્ષથી જ યાત્રાળુઓ વધવા લાગ્યા.

અંદાજે 15000થી વધુ વસતી ધરાવતા રાજપૂત, માલી સમાજ અને મીણા સમાજ સહિત અઢારેય વરણની  વસતીવાળા આ ગામના આગેવાનો અને યુવાનોનોએ ઉમળકાભેર સાથ આપ્યો અને પુરા એક માસ દરમિયાન કેમ્પમાં યાંત્રિક સેવામાં ભોજન પ્રસાદી પીરસવા સહિતની સેવાઓ ઉપાડી લીધી.. ગામના આગેવાનો દિવસમાં બે વાર ગામથી દૂર હાઇવે ઉપરના આ કેમ્પમાં આવે બેસે. ખાસ બંને સમયની આરતીનો પણ લ્હાવો લે. અને આત્મીય ભાવ કેળવાયો અને પોસાલીયા સેવા સમિતિ પણ જોડાઈ અને અહીં સેવામાં કોઇ કસર ન રહેતા આ પુણ્ય કાર્ય પૂરો એક માસ ચલાવવા આત્મવિશ્વાસ વધ્યો.

 ચેરિટી બીગીન્સ ફ્રોમ હોમના ન્યાયે શરૂઆત મારા પરિવારથી કરી.  કેમ્પમાં જેટલો આટો વપરાય એ મારા મોટી ઇસરોલ ગામ ઉપરાંત આસપાસના વરથું, જીતપુર, રાજપુર અને ઉમેદપુર (જી)ગામોમાંથી પણ મળતો થયો..છેલ્લાં 4 વર્ષથી મોટી ઇસરોલ મહિલા મંડળની બહેનો ઘઉં અનાજ અને આટો ટેમ્પોમાં ભરી આવે છે, ગામથી પણ સ્વૈચ્છિક જે કઇ સહયોગ મળે એ ઉપરાંત આજે ચારેક વર્ષથી તો વધુને  વધુ સહયોગીઓ જોડાતા ગયા. મોડાસા તાલુકો જ નહીં, પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પણ સહયોગ પ્રાપ્ત થવા લાગ્યો.  અમદાવાદ સહિતના જુદા જુદા સ્થળેથી પૂ .હીરાદાદાના રામદેવ ભક્તો દ્વારા અવિરત સેવા સાથ મળવાની એક નવી શરૂઆત થઇ છે.

પ્રારંભે પૂ. હીરાદાદાનાના અને આસપાસના મંદિર, મઠના સાધુ સંતોના આશીર્વાદ સાથે ભંડારોનો પ્રારંભ થાય છે. જતા અને આવતા, પદયાત્રીઓથી લઈ કોઈપણ વાહનમાં પણ આવતા જતા યાત્રિકોને આ સેવાનો લાભ લે  છે. હાલ તો 70 થી 80 હજાર યાત્રિકો એક મહિના દરમિયાન કેમ્પમાં લ્હાવો લે છે.
    હવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય પ્રદેશોમાંથી પણ રામદેવરા જતા યાત્રિકો આ ગુજરાતી વિસામોમાં ભોજન પ્રસાદ લઈ સેવાનો લાભ આપી રહ્યા છે. સિરોહી અને પાલી બન્ને જિલ્લામાં ગુજરાતી વિસામાની સેવા, દરેક યાત્રીને પંગતમાં બેસાડી ભોજન પ્રસાદ આપવામાં આવે છે.ચોખા ઘીનો શિરો, પ્રસાદ, દાળ ભાત, શાક અને બાટી પીરસાય છે.
   છેલ્લા બે વર્ષથી આ યજ્ઞમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ સાબરકાંઠામાં હિંમતનગર ખાતે મહાકાલી કોર્પોરેશનના શેઠ બાબુલાલજી રાજપુરોહિતનો પણ સ્વૈચ્છિક સહયોગ મળી રહ્યો છે. આ વર્ષે મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને નિવાસ માટે વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ કરવાના આશયથી તેમજ ભોજન માટે બેઠક વ્યવસ્થા વધુ સુંદર બને એને ધ્યાને લઈ વિશાળ વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે.

  મહિના દરમિયાન મારા અને પરિવારના સભ્યો સમયાંતરે સેવામાં આવે અને જાય છે. આ સેવા કાર્ય કોઇપણ સહયોગ આપે  સહયોગ રામદેવ સેવા ટ્રસ્ટમાં ધન્યવાદ સાથે સ્વીકાર્ય હોય છે."

 પ્રભુદાસ પટેલ ગદગદિત સ્વરે જણાવે છે કે   "એક મહિના બાદ સમાપન થાય અને એમાં જે કોઈએ કેમ્પમ સેવા આપી હોય એવા સેવધારીઓનું સન્માન, બહુમાન કરવા સહિત સમાપન કાર્યકમ થાય ત્યારે વિદાય વેળાનો માહોલ હૃદયસ્પર્શી બની જાય..! કેમ્પના બે દિવસ અગાઉથી લઈ કેમ્પ પૂરો થાય એ બે દિવસ બાદ એટલે કે પુરા 34 દિવસ અહીં જ રોકાઉ છું. આ દિવસો દરમિયાન ઘરે જવાનું નહિ. ઘરેથી આવતા જ ભગવાનને પ્રાર્થના કરવાની કે કોઈ એવો પ્રસંગ ઉભો ન થાય કે અધવચ્ચે વિસામો છોડી મારે (પ્રભુદાસ) ઘરે આવવું પડે..અને આજ સુધી બાબા રામદેવજીની અસીમ કૃપા બની રહી છે.

ગત વર્ષે  ૨૧ મા ભંડારાનું ઉદ્ઘાટન રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા, બાબારામદેવ આશ્રમ, ખંદરા રામનાથ મહારાજ, હનુમાન દેવમુની આશ્રમના હનુમાનદાસ અને પાલડીના સંત દિલીપ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભંડારા સંચાલક પ્રભુદાસભાઈ પટેલ, મુનાબાપુ બાયડ, કિશોરસિંહ રાવ, પાલડી પોલીસ અધિકારી પ્રભુરામ, પૂર્વ નાયબ તહેસીલદાર દેવરામ સેન, હમીરસિંહ રાવ, લાડુરામ માળી,નારાયણ ભાઈ, રાજુભાઈ, ભગીરથ વિશ્નોઈ, સામાજિક કાર્યકર માનસિંહ રાવ, શૈતાનસિંહ, નરપતસિંહ, ભુજપુર. મીના, મોહનલાલ ગર્ગ, રામલાલ સહિત અનેક લોકો હાજર હતા. હીરાદાદા સહિત સર્વે સંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું..આ વર્ષે પણ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભંડારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

 રામદેવ સેવા સમિતિ મોટી ઇસરોલ, પોસલીયા ગ્રામજનો અને સહયોગીઓ પોતાને આ સેવા લાભ આપવા બદલ યાત્રિકો પ્રત્યે સૌ વતીથી સંચાલક પ્રભુદાસ પટેલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભાવવિભોર બની જાય છે.  અને કહે છે મને અને પરિવાર ને આ પુણ્ય કાર્ય માટે ભગવાને નિમિત્ત બનાવ્યો એ જ જીવનનો મોટો લ્હાવો છે.  શરુઆતમાં સ્થળ અજાણ્યું લાગ્યું પણ પોસાલીયા ગામના એ સમયના સરપંચ રાજેન્દ્ર માલી સહિત આગેવાનો લાડુરામ માલી,નિવૃત્ત પ્રિન્સિપાલ અને પત્રકાર હમીરસિંહ રાવ, નરપતસિંહ,રાજુભાઇ માલી, ઇન્દ્રસિંહ, ભાગીરથભાઈ અને આ સ્થળ સેવા માટે આપનાર શ્રી સર્વેશ્વર મિલ્ક ડેરી માલિક પવનજી અગ્રવાલ ,મોતીલાલદ્વારા નિઃશુલ્ક

    આજ સુધી મિનરલ વોટર.. જલ નિઃશુલ્ક સેવા આપી રહેલા નિવૃત્ત મામલતદાર દેવારામજી પટવારી, વગેરે ભાવિક જનોનોનો અનન્ય સહયોગ મળતો રહે છે.

 રામદેવજી ભગવાનમાં અનન્ય આસ્થા ધરાવતા પ્રભુદાસ પટેલ ગદગદ સ્વરે જણાવે છે કે  હું તો કેવળ નિમિત્ત છું. બાબા રામદેવજીની અસીમ કૃપા અને પૂજ્ય હીરાદાદાના આશીર્વાદ થકી જ આ વિરાટ સેવાકાર્ય થઈ રહ્યું છે.  સેવાયજ્ઞમાં આટલા વર્ષોથી મને નિમિત્ત બનાવ્યો એ જ મારું મોટું સદભાગ્ય સમજુ છું. દર વર્ષે  વિસામામાં પુરી હાજરી આપવાનો પ્રયાસ કરું છું. વિસામો પૂરો કરીને અને હિસાબકીતાબ ચૂકવીને ઘરે પરત ફરું છું. વધુ સેવા કરવાની પ્રભુ શક્તિ આર્પે એ જ પ્રાર્થના કરું છું.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

1 comment:

  1. લેખ વાંચતા વાંચતા શરીરના રોમ એ રોમ ઉભા થઈ ગયા…!
    હે ઇષ્ટદેવ રામદેવજી જે વ્યક્તિ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિથી દૂર પોતાની સેવાભૂમિ પર માત્ર એક નિમિત્ત માત્ર બની સેવા આપે છે એવા મારા દાદા ઉપર હે પરમકૃપાળુ ભગવાન તમારા હજારો હાથ સદાય રાખજો🙏🏻
    જય અલખધણી🙏🏻

    ReplyDelete