સાત મહર્ષિઓની તપોભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ.
સાબરકાંઠાના ઇડર નજીક ડેભોલ અને સાબરમતી નદીના સંગમસ્થળે આ મંદિર આવેલું છે. જ્યાં દર્શને દરરોજ હજારો યાત્રાળુઓ આવે છે. પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે જ સ્થળનું પ્રક્ષાલન કરી રહી છે. સપ્તેશ્વર મહાદેવના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ શિવજીનું સ્થળ છે.
ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર કૃષ્ણચંદ્ર સગરે આ સ્થળની મુલાકાત લીધેલી. તેમણે અભ્યાસ કરી જણાવેલું કે આ સ્થળ ત્રેતાયુગ સાથે અને ભારતીય ખગોળવિધા સાથે સંકળાયેલું છે. સાત ઋષિઓ એટલે ધર્મગ્રંથો મુજબ કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ, આ સાતેય ઋષિ એકસાથે હાજર રહ્યા હોય તો એ બાબત અત્યંત મહત્વની લેખાય.
મહાદેવમાં સાતેય શિવલિંગ જુદાં જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિઓ જ જોઇ લો. એ પણ શકય છે કે જે યુગમાં આ ઋષિઓ અહીં પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની સ્થિતિમાં જ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.
આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્તર્ષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવાની માન્યતા છે. બે નદીઓનાં સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતું છે આ મંદિર. શ્રાવણ માસમાં અને અમાસના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે.
શ્રાવણ માસમાં મેળા જેવો માહોલ બને છે. ભકતો માટે ટ્રસ્ટ દ્વારા ભોજનની સુવિધા કરાઈ છે.
જો ધારણા સાચી હોય તો સપ્તેશ્વર મહાદેવના જુદા જુદા શિવલીંગોના સ્થળ તથા અભ્યાસથી એનો ચોક્કસ સમય કાઢવામાં કોઇ મુશ્કેલી રહેશે નહીં તેવું સેટલમેન્ટ કમિશ્નરનું માનવું છે.
સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે કે જે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું છે. અમદાવાદથી આશરે ૧૦૦ કિ.મી. જેટલું દૂર આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ માણવાલાયક છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી ૩ર. કિ.મી. જેટલા અંતરે અને હિંમતનગરથી ૩૦ કિ.મી. જેટલા અંતરે તેમ જ સામે કિનારે આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી. અંતરે આવેલું છે.
મંદિરમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણાં છે. વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં "હાતેરા" (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહિંની બોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.
No comments:
Post a Comment