પાટણના શિહોરીના કુંવર ભીમસિંગને ત્યાં
પારણું બંધાતાં એકાવન બ્રહ્મણો સાથે ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે પગપાળા અંબાજી જવા નીકળ્યા હતા.
ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતભરના માર્ગો “બોલ મારી અંબે, જાય જાય અંબે”નાં નાદથી ગુંજી ઊઠે છે. ભાદરવી પૂનમે
દેશ વિદેશમાંથી મા અંબાના ભક્તો લાખોની સંખામાં ઉમટી પડે છે. ભાદરવી પૂનમનો મેળો એ
ગુજરાતની ઓળખ બની ગયો છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એકમાત્ર શક્તિપીઠ છે. ૫૧
શક્તિપીઠોમાં હ્રુદયસમું અંબાજી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં
આવેલું વિશ્વ પ્રસિદ્ધ આરાસુરી અંબાજી મંદિર
અને પગપાળા સંઘની શરૂઆતનો ઈતિહાસ રોમાંચક છે.
મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના
મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ
પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર
સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના
ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા
સાંભળતાં તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના
પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું. અને
દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા
ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી
દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક
ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.
તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ
આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.
ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા
અંબાના સ્થાને થઈ હતી.
એ પ્રસંગે નંદ - યશોદાએ માતાજીના
સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ
ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.
પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા
હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને
લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને
માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને
મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો
નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.
અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન
ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું
મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.
ઐતિહાસિક પુરાવા તપાસીએ તો મંદિર મહારાણા માલદેવનો વિ. સંવત ૧૪૧૫ (ઈ.સ.
૧૩૫૯)નો લેખ જોવા મળે છે. અંબાજી મંદિરના અંદરના મંડપ દ્વારમાં એક સંવત ૧૬૦૧નો લેખ
છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કાર્યના લેખો છે. તે સોળમાં
શતકના છે. એક બીજા સંવત ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે.
ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઈતિહાસ
ગાથા પણ રોચક છે. ભાદરવી પૂનમે પગપાળા સંઘ લઈને જવાની શરૂઆત ૧૮૨ વર્ષ પહેલાં મહેસાણાના
ગોઝારિયા ગામથી થઇ હતી. પદયાત્રા સંઘની શરૂઆતની કથા એવી છે કે પાટણના શિહોરીના કુંવર ભીમસિંગને પંચાવન વર્ષ થયા
હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંગ રાયકા નામના ભૂવા પાસેથી
આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ
થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમાંસિંગને ત્યાં પુત્ર જન્મ્યો હતો.
ભીમસિંગને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા
અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને એકાવન બ્રહ્મણો ૧૮૪૧ની
ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંગ બાપુના
આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા
સંઘની સ્થાપના કરી હતી. આ પરંપરા આજે દેશવ્યાપી બની ચુકી છે.
અઢારમી સદીમાં અમદાવામાં મહામારી
ફાટી નીકળી હતી. પ્રજાના જીવ હોમી રહ્યા હતા. ત્યારે તાત્કાલીન અમદાવાદના નગરશેઠ હઠીસિંહે
અંબાજી મા અંબાની પદયાત્રાએ દર્શનની બાધા રાખી હતી. ત્યારબાદ મહામારી શાંત થતાં ભાદરવી
પૂનમના અરસામાં અમદાવાદના નગરશેઠ હઠીસિંહ સહીત ભક્તો માતાજીની ધજા નિશાન સાથે પદયાત્રાએ
અંબાજી આવી મંદિરના શિખરે ધ્વજારોહણ અને બધા આખડી પૂરી કરી હતી. આ સંઘ આજે પણ માતાજીના
દર્શન કરવા આવે છે. જે લાલ દંડવાળો સંઘના નામે આજે પ્રચલિત છે.
અંબાજી મંદિરની એક ખાસ
વિશેષતા એ છે કે અંબાજીના કોઈપણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં ઘી જ જોઈએ.
સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક
હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે.
ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન
ભારતે સ્વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે શ્રી
વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્ટ્રી ઓફ
સ્ટેટસ) અને દાતાના રાજવી શ્રી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાતાનું રાજ્ય
ભારતના સંઘમા વિલિન થયું.
દાતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી
અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા શ્રી પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક
મિનીસ્ટર ઓફ સ્ટેટસ શ્રી એચ.ગોપાલ સ્વામી આયગર તથા યારબાદ ડો.કે.એન.કાન્જે તથા
બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે શ્રી પૃથ્વીરાજસિંહજી
ધ્વારા તા.25-5-53
ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિ
શ્રીને આ બાબત નામ.સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા
ના.સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાતં ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્ય સરકાર
દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની
સ્થાપના કરવામાં આવી. જેના ચેરમેન તરીકે બનાસકાંઠા જીલ્લા કલેકટર અને મંદિરના સંચાલનની
વહીવટી કામગીરી માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે રાજ્ય સરકાર દ્વારા
નિમણૂંક કરવામાં આવે છે.
હાલ ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઈ છે. લાખોની સંખ્યામાં આવતા
પદયાત્રીઓ માટે રાજ્ય સરકાર તથા જીલ્લા કલેકટર શ્રી બરનવાલ સાહેબ તથા મંદિરના સમગ્ર
વહીવટી તંત્ર દ્વારા સુંદર સવલતો ઊભી કરવામાં આવી છે. ભાદરવી પૂનમે અંબાજીનો મેળો મહાલાવો
એ જીવનનું સૌભાગ્ય છે.
- ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧૪૨૬૨૦
No comments:
Post a Comment