Saturday, September 2, 2023

શિવમય શ્રાવણ - ૧૭

મહિ નદીના કિનારે આવેલું 12મી સદીનું સોલંકી યુગનું શિવ મંદિર : ગળતેશ્વર મહાદેવ

 ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાં ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકામાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરનું ખૂબ મહત્‍વ છે. ઠાસરાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્‍થાને આ ધાર્મિક સ્‍થળ આવેલું છે. ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે 25 લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે.

     અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્‍નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે. ગળતેશ્વર મહાદેવ સુપ્રસિધ્‍ધ ડાકોરના ઠાકોરજીના ધામથી 10 થી 12 કિ.મી.ના અંતરે આવેલું છે. 

     એક દંતકથા મુજબ સોમનાથ મંદિર લૂંટીને પાછા જતા સમયે મહમ્મદ ગજનીએ ગળતેશ્વર મહાદેવ મંદિર જોયું અને તેના ગુંબજનો નાશ કર્યો હતો. અન્ય એક દંતકથા મુજબ આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શિવ દ્વારા કરાયું છે.પરંતુ કોઈ તેમને ઓળખે નહીં એટલા માટે તેમણે રાતના સમયે મંદિરનું નિર્માણ કર્યું. મંદિર બનાવવામાં શિવ એટલા મગ્ન હતા કે તેમને સવાર પડી તેનું ભાન જ ન રહ્યું. સૂર્યોદય પહેલા કામ પૂર્ણ ન થતા તેઓ મંદિરને અધૂરું જ છોડીને જતા રહ્યા.

     પ્રાચીન લોકકથા અનુસાર, એવી માન્યતા છે કે, આ શિવલિંગ મહાન ઋષિ ગલવી મુનિ દ્વારા કરાયેલી તપસ્યા બાદ બહાર આવ્યુ હતું. તેમણે પવિત્ર ગંગા નદીને શિવલિંગ પરથી વહેલા આગ્રહ કર્યો હતો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગા ગળતી નદીના સ્વરૂપમાં પૃથ્વી પર ઉતર્યા હતા. શિવલિંગને સ્નાન કરાવ્યુ હતું, અને તેના બાદ મહી નહીમાં મિક્સ થઈ ગઈ હતા. સ્થાનિક લોકોનું માનવુ છે કે, ગળતેશ્વર મહાદેવની નીચે આજે પણ ગંગા વહે છે. 

    મહિ નદીના કિનારે આવેલું 12મી સદીનું સોલંકી યુગનું આ શિવ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે.મંદિરનો ગર્ભગૃહ ચોરસ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે. આ મંદિર મહી નદી અને ગળતી નદીના સંગમ સ્થળ સરનાલ નજીક આવ્યું છે. ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે. મંદિર અંદરની બાજુથી ચોરસ છે અને બહારની દિવાલ ગોળાકાર છે.દિવાલના ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિશાના રક્ષક દેવો પૈકીની સાત મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ પર ભગવાન શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી છે. જેના પર ગાંધર્વો, ઘોડેસવાર, રથ, હાથી, જન્મ મરણના આંકડા વગેરે દર્શાવાયા છે.
       ગળતેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે બે ખાસ મેળાનું આયોજન થાય છે. જન્માષ્ટમી અને શરદ પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત મહાશિવરાત્રિએ પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે.

No comments:

Post a Comment