શનિવાર, 19 ઑગસ્ટ, 2023

શિવમય શ્રાવણ ૩

 

રાજા વિક્રમાદિત્યના શાસન પછી ઉજ્જૈન નગરમાં કોઈ રાજા રાત રોકવાની હિંમત કરતા નથી.કારણ  ઉજ્જૈન નગરીના એક જ રાજા છે અને એ છે મહાકાલેશ્વર.


 


દ્દેવાધિદેવ મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા એ સ્થાનો જ્યોતિર્લિંગ કહેવાયા. આવા  બાર જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વરનું અનેરું મહત્ત્વ છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના પવિત્ર ક્ષિપ્રા નદીને કિનારે ઐતિહાસિક શહેર ઉજજૈનમાં આવેલું છે. જેને ભારતની અતિ પવિત્ર સાત નગરીઓ પૈકી એક ગણવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતની ઉત્તરમાં 492 મીટર ઊંચાઈ પર આવેલી ઉજ્જૈન નગરીનો વર્તમાન ઈતિહાસ 5500થી પણ વધુ વર્ષો જૂનો છે.

હજારો વર્ષ પહેલાં આ સ્થળે વેદપ્રિય નામનો બ્રાહ્મણ પોતાના ચાર પુત્રો સાથે રહેતો હતો. જેઓ પોતાની શિવભકિત માટે પ્રખ્યાત હતા. બાજુના જંગલમાં રહેતા દૂષણ નામના રાક્ષસે પોતાની તાંત્રિક વિદ્યાથી બ્રહ્માજીની ઉપાસના કરી વરદાન મેળવીને હાહાકાર મચાવી દીધો. એના ત્રાસમાંથી મુકિત મેળવવા આ બ્રાહ્મણોએ મહાયજ્ઞ કરી ભગવાન શંકરને અહીં પધારવા આહવાન આપ્યું જે સાંભળીને ભગવાન શંકર અહીં પધાર્યા અને પોતાના ત્રીજા લોચનથી દૂષણ અને તેની અસુર શકિતને ભસ્મીભૂત કરીને ભયંકર હુંકાર સાથે મહાકાલ સ્વરૂપ ધારણ કરી એ ભસ્મ પોતાના શરીરે લગાવી તે પછી ભગવાન શંકર અહીં જયોર્તિલિંગરૂપે બિરાજમાન થયા.

ઉજ્જૈનનો અર્થ થાય છે, ઉત્કર્ષ પૂર્ણ વિજય. અગાઉ આ પ્રદેશ માળવા તરીકે પણ ઓળખાતો હતો. ઉજ્જૈન નગરી મહાવીરજીની તોપભૂમી તથા ગુરુનાનકના ચરણોથી પાવન થયેલી પવિત્ર ભૂમિ છે. મહાકાલેશ્વરને ઉજ્જૈનના મુખ્ય રાજા માનવામાં આવે છે. કથા એવી છે કે, સમુદ્રમંથન બાદ અમૃતના ભાગ આ ભૂમિ પર પડયા હતા અને દેવતાઓએ આ ભૂમિ પર બેસીને અમૃતપાન કરીને પ્રાણીમાત્રને જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો. વિષ્ણુપુરાણ અનુસાર સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર સુદામા તથા મોટાભાઈ બલરામ સાથે 14 વિદ્યાઓ તથા 64 કળાઓ ગુરુચરણોમાં બેસીને શીખી હતી. વિષ્ણુપુરાણ અનુસાર  સાંદીપનિ ઋષિ શ્રીકૃષ્ણ અને બલરામ સહિત તમામ શિષ્યોને લઈને મહાકાલેશ્વર ગયા હતા. જ્યાં તેમણે સહસ્ત્ર (1000) નામ લઈને બીલીપત્ર અર્પણ કરીને મહાકાલની ઉપાસના કરી હતી.

મહાકાલેશ્વરના મંદિરે ફરતે ત્રીસેક ફૂટ ઊંચો કિલ્લો છે. બારેય જયોર્તિલિંગ મંદિરોમાં આ એક મંદિર જમીનની સપાટીથી વીસ ફૂટ નીચે છે. અને મંદિરના પટાંગણમાં દાખલ થવા માટે ચાળીસેક પગથિયાં ઊતરવાં પડે છે. આ મંદિરને પાંચ માળ છે. અને તેની પાછળ કોટિતીર્થ નામનો વિશાળ કુંડ છે જેમાં સ્નાન કરીને જ યાત્રિકો મહાકાલેશ્વરના દર્શને જાય છે.

મહાકાલેશ્વર મહાદેવનું જયોર્તિલિંગ ચાંદીના વિશાળ થાળામાં બિરાજે છે. જે દોઢેક ફૂટ પહોળું અને ત્રણેક ફૂટ ઊંચું છે. વિશાળતાની દૃષ્ટિએ આ જયોર્તિલિંગ સોમનાથ પછી બીજા નંબરે આવે છે. ગર્ભગૃહનું દ્વાર દક્ષિણાભિમુખ હોવાથી તંત્ર વિદ્યામાં ઘણું મહત્વ ધરાવે છે. દરરોજ સવારે ચાર વાગે ગ્વાલિયરના રાજપરિવાર તરફથી ગંગાજળની સૌથી પહેલો અભિષેક કરવામાં આવે ત્યારબાદ સ્મશાનમાંથી લાવવામાં આવેલ  માનવ ભસ્મ જયોર્તિલિંગ પર લગાવવામાં આવે છે.

 ઉજ્જૈનને પ્રાચીનકાળથી જ ધાર્મિક નગરની ઉપાધી પ્રાપ્ત છે. પરંતુ આજે પણ મહાકાલનું નામ પડે તુરત જ શ્રદ્ધાળુના મનમાં ભસ્મ આરતીનું સ્મરણ થઈ જાય છે. મહાકાલેશ્વર મંદિરમાં સવારે 4થી 6 વાગ્યા સુધી દૈનિક ભસ્મ આરતી થાય છે. જે ઘણી જ વિખ્યાત છે. લોક વાયકા એવી છે કે, સ્મશાનમાં આગળના દિવસે આવેલા છેલ્લા શબની ભસ્મથી આ આરતી કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ભસ્મ આરતી માટેની ભસ્મ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે.

આ જયોર્તિલિંગ પર શણગાર કરતી વખતે કે સ્નાન કરાવતી વખતે સ્ત્રીઓને દર્શન કરવાની મનાઈ છે. આ મંદિરની રચના એવી વિશિષ્ટ કરવામાં આવી છે કે ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ મહાકાલેશ્વર જયોર્તિલિંગ પર ચડે. આ માટે પૂર્વ તરફની દીવાલના ઉપરના ભાગે એક ડોકા-બારી રાખવામાં આવેલ છે, અહીં ગર્ભગૃહમાં ચોવીસે કલાક એક ઘીનો અને બીજો તેલનો એમ બે અખંડ દીપ પ્રગટેલા રહે છે.

ઈ. સ. 400ના અરસામાં ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) શકોને હરાવી પોતાની સત્તા સ્થાપી હતી.  મહાકવિ કાલિદાસ આ રાજવીની સભાના રત્ન હતા. ઉજ્જૈન શહેર રાજા વિક્રમના શહેર તરીકે પણ જાણીતું છે. ઉજ્જૈનને કનકશૃંગા અથવા સ્વર્ણશૃંગા, કુશસ્થળી, અવંતિકા, ચૂડામણિ, અમરાવતી, વિશાલા, નવતેરી, ત્રિપુરા, પદ્માવતી અને ઉજ્જૈની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

 ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના લેખક તથા ભૂગોળવેત્તા ટૉલેમીએ ‘ઓઝેની’ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રદેશની વસ્તુઓ પરદેશ નિકાસ થતી હતી. નવમી સદીમાં ત્યાં પરમાર વંશનું રાજ્ય સ્થપાયું. તેરમી સદીમાં (1235) દિલ્હીના સુલતાન અલ્તમશે મહાકાલેશ્વર મંદિરનો નાશ કર્યો હતો. 1305માં અલાઉદ્દીન ખલજીની ફોજોએ ઉજ્જૈન જીતી લઈ વિનાશ વેર્યો હતો. પરમારવંશી રાજવીઓએ ભોજનગરી ધારા કે માંડવગઢ(માંડુ)ને માળવાની રાજધાની તરીકે પસંદ કરતાં ઉજ્જૈનની મહત્તા ઘટી હતી. અકબરના વખતમાં ઉજ્જૈન ફરી માળવાનું વડું મથક બન્યું હતું. જયપુરના મહારાજા જયસિંહે (1666-1743) અહીં વેધશાળા ઊભી કરી હતી. 1726માં ત્યાં શિંદે કુટુંબની સત્તા સ્થપાઈ હતી અને તે સિંધિયા રાજવંશનું પાટનગર થયું હતું. 1810માં પાટનગર લશ્કર (ગ્વાલિયર) ખસેડાતાં ઉજ્જૈનનું મહત્વ ફરી ઘટ્યું હતું. ગુણાઢ્ય, અમરસિંહ, વરરુચિ, ધન્વન્તરિ, વરાહમિહિર, શૂદ્રક, ભર્તૃહરિ, ધનપાલ, ઉવ્વટ વગેરે અનેક વિદ્વાનો તથા કવિઓ પ્રાય: ઉજ્જૈનમાં થઈ ગયા. મહાકાલેશ્વરના મંદિરમાં શૂદ્રક, ભવભૂતિ, વિશાખદત્ત વગેરેનાં નાટકો ભજવાયાં હોવાનું મનાય છે. હાલનું ઉજ્જૈન ઈ. સ. 1300માં અસ્તિત્વમાં આવ્યું જણાય છે.  

મહાકાલ મંદિરમાં જેવા પ્રવેશો કે તરત જ એવું લાગે કે જાણે આપણે મંદિરોની નાના નગરીમાં પ્રવેશી ગયા હોઈએ. વિશાળ અને ચોખ્ખા મંદિર પરિસરમાં 42થી વધુ મંદિરો છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કેટલીક આગવી વિશેષતાઓ ધરાવે છે. દિવસમાં પાંચ વખત આરતી, પાંચથી પણ વધુ શૃંગાર અને ભસ્મ આરતી માત્ર મહાકાલેશ્વરમાં જ જોવા મળે છે.

ઉજજૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજજૈન પરથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. અને તેથી જ એક જમાનામાં ઉજજૈન જયોતિષ વિજ્ઞાન અને જયોતિર્વિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે. અન્ય ચાર વેધશાળાઓ વારાણસી, દિલ્હી, અલ્હાબાદ અને જયપુર ખાતે છે.

ઉજજૈન અને તેની આસપાસ આવેલી અન્ય તીર્થસ્થાનોમાં મુખ્યત્વે હરસિદ્ધિદેવીનું મંદિર છે. આ સુંદર મંદિર ફરતે કિલ્લો પણ છે. પવિત્ર ક્ષિપ્રા નદીને કિનારે દર બાર વર્ષે કુંભમેળો ભરાય છે. ઉજજૈનથી પાંચેક કિ.મી. દૂર ક્ષિપ્રાને કિનારે ભૈરવગઢ નામનું નાનું ગામડું આવેલ છે. અહીં એક ટેકરી પર કાળભૈરવનું મંદિર છે. ઉજજૈનમાં બીજા ઘણાં જોવાલાયક નાનાં મોટાં મંદિરો છે.

ઉજ્જૈનનો એક જ રાજા છે અને તે છે મહાકાલબાબા. એક માન્યતા અનુસાર  રાજા વિક્રમાદિત્યના શાસન પછી અહીં કોઈ રાજા રાત રોકાઈ શકતા નથી,. જેણે પણ આવું કરવાની હિંમત કરી તે મુસીબતોમાંથી પડીને માર્યો ગયો. કોઈ પણ રાજા અહી રોકાઈ શકે તેમ નથી. હાલ કોઈ રાજા કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન અહીં રાતે રોકાઈ શકતા નથી.

ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન માટે દેશ દુનિયામાંથી  દર વર્ષે લાખો ભક્તો આવે છે. અને ધન્યતા અનુભવે છે.  

- ઈશ્વર પ્રજાપતિ 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts