Sunday, July 2, 2023

સન્ડે સ્પેશિયલ

To read this article in English pl. click here. 

 “રાજભવનની સુખ સાહ્યબી છોડી, ઘરમાંથી ચોરી કરી હું અમેરિકા જતો રહ્યો. પિતાજી સામે જુઠ્ઠું બોલ્યાનો મને આજે પણ વસવસો છે.” : પ્રકાશ કે. શાહ


અરવલ્લીથી માંડી અમેરિકા એક સાથે ગૌરવ લઈ શકે  એવું એક  ગૌરવંતુ નામ એટલે પ્રકાશ શાહ. અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા હોય કે વર્તમાન પ્રમુખ બાયડન હોય તેઓ  માટે પણ પ્રકાશ શાહનું માર્ગદર્શ ઉપકાર થઈ પડે છે. ભારત હોય કે અમેરિકા બંને દેશોના  સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ એમ સર્વે  પક્ષો   જેમના એક એક શબ્દનો આદર કરવામાં ગૌરવ અનુભવે છે, એવી આ વિરલ વિભૂતિ  અરવલ્લી જીલ્લાના ગાબટ ગામની વતની છે. અરવલ્લી જીલ્લાનું નાનું અમથું ગાબટ ગામ રત્નોની ખાણ સમાન છે. આ ભૂમિએ અનમોલ રત્નો વિશ્વને ભેટ ધર્યા છે. તેમાંનું એક મોઘેરું રત્ન એટલે પ્રકાશ શાહ. 

પ્રકાશ શાહ  નામ સાંભળતાં જ સેકડો જરૂરીયાતમંદ, ગરીબ અને નિસહાય સેકડો લોકોના મુખ પર એક  અલૌકિક સ્મિત ઉભરી  આવે છે. આ આધુનિક ઋષિ પુરુષના નામથી  બહુ ઓછા લોકો પરિચિત છે. કારણ કે આ પુરુષે નામને નહિ કામને જ મહત્ત્વ આપ્યું છે. અમેરિકા રહીને પણ માતૃભુમીના વિકાસ માટે તેમના હૃદયમાં અહર્નિશ મનોમંથન ચાલ્યા જ કરે છે. તેઓ સાડા ચાર દાયકાથી અમેરિકા સ્થાઈ થયા છે. એમ છતાં ભોગવાદી જીવનશૈલી તેમના પરિવારના સંસ્કારોને  સ્પર્શી શકી નથી. તેમનું હૈયું ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોથી હમેશા રંગાયેલું રહ્યું છે.

આ બ્લોગ ચલાવવા આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

પ્રકાશ શાહ એ કે. કે. શાહના સુપુત્ર છે. કે.કે. શાહ એટલે વડોદરાના મહારાજના સલાહકાર, પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર અને તમિલનાડુના પૂર્વ  રાજ્યપાલ હતા.. તેમના નેતૃત્વએ દેશને નવી દિશા આપી. દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદારની સાથે અડીખમ ઊભા રહ્યા. શ્રી કે. કે. શાહની ચીર વિદાયને આજે દાયકાઓ થઇ ગયા એમાં છતાં તેઓએ કરેલા સેવા કાર્યોની મહેંક આજે પણ બરકરાર છે. નાનકડા બીજમાંથી આજે  વટવૃક્ષ  બનેલી વાત્રક હોસ્પિટલ કે.કે. શાહની દૂરંદેશીનું પરિણામ છે.

પિતાના પગલે પ્રકાશ શાહે પણ અમેરિકામાં રહીને પણ માતૃભૂમિની સેવાની આહલેક જગાવી છે. પિતાએ વારસામાં આપેલો વતનપ્રેમ તેઓએ હૃદયમાં સાચવી રાખ્યો છે. પિતાની જેમ તેઓ પણ ગાંધી વિચારને જીવનમાં વણી લીધો છે.  તેમનો એક પગ અમેરિકા અને બીજો પણ ઇન્ડીયામાં રહે છે. અવાર નવાર વતનની મુલાકાત લેતા રહે છે. માતૃભૂમિની જરૂરીયાતો જાણે છે અને તેની પૂરી કરવા તન, મન, ધનથી સેવા અર્પણ કરે છે. વાત્રક નદીને કાંઠે શ્રી કે.કે.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં કાર્યરત છે. સાથે સાથે આ આશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકતો રહે છે. પ્રકાશભાઈ શાહના આ સેવા યજ્ઞમાં તેમનાં પત્ની જાનકીબહેન પણ ખભે  ખભો  મિલાવી તેમની સાથે સેવારત  છે.  

પ્રકાશભાઈના પિતા એ જમાનામાં કેન્દ્રીય મીનીસ્ટર હતા, રાજ્યપાલ હતા અને એક પ્રતિષ્ઠિત વકીલ પણ હતા. એ સમયે તેમની વકીલાતની મહીનાની પ્રેક્ટીસ પાંચ લાખ હતી. સમૃદ્ધિની છોળો વચ્ચે રાજવી ઠાઠમાઠથી પ્રકાશભાઈનો ઉછેર થયો હતો. તેમના પરિવારમાં માત્ર  ચાર જ  વ્યક્તિ હતા અને બસો જેટલા  નોકર-ચાકર તેમની સેવામાં ખડેપગે તૈયાર રહેતા. આ સુખ સાહ્યબી વચ્ચે પણ પોતાની કેડી આપબળે કંડારવાનું નક્કી કર્યું. એક સમયે ઘરમાંથી  ચોરી કરીને અમરિકા ભાગી ગયા. અને અમેરિકા જઈ સુખ સાહેબીથી દૂર સનેક સંઘર્ષો વેઠી જાત મહેનતે  પોતાનું એમ્પાયર ખડું કરી દીધું. તેમના જીવનની સંઘર્ષ કથા કોઈ ફિલ્મી પટકથાથી જરાય ઉતરતી નથી.

(પ્રકાશ શાહ સાથે મોર્નિંગ વોક સમયે  ઈન્ટરવ્યું  કર્યાની  તસવીર )

            પ્રકાશભાઈ તેમના સંસ્મરણો તાજાં કરતાં જણાવે છે કે :   “એ વખતે મારી ઉંમર એકવીસ વર્ષની હતી. હું બી.કોમ થઇ ગયો હતો. જુવાનીનો જોશ હતો. એ વખતે પિતાજીને કહ્યું. 'તમને મારા માટે થોડી ઘણી લાગણી છે કે નહિ ?' આ રીતે હું પહેલી વાર પિતાજી સામે બોલવાની હિમત કરી હતી. એટલે પિતાજી આવાક બની મારી સામે જોતા રહ્યા. અને મને પૂછ્યું ?  'તારે કેમ આવું કહેવું પડ્યું ?' ત્યારે મેં ગુસ્સાથી તેમને કહ્યું કે 'હું હવે એકવીસ વર્ષનો થયો છું. કોલેજ પણ પૂરી કરી દીધી છે. હવે મને તમારે કોઈ જગ્યાએ સેટ કરવો જોઈએ કે નહિ ?' ત્યારે પિતાજીએ કડકાઈથી જવાબ આપ્યો કે ‘તું શું સમજે છે તારા મનમાં. આખા હિન્દુસ્તાનના યુવાનો એ મારા સંતાનો છે. મેં તને શિક્ષણ આપ્યું અને સંસ્કાર આપ્યા. હવે તારો રસ્તાતો તારે જાતે બનાવવાનો. મારી વગનો દૂરુપયોગ કરશો નહિ.  ખબરદાર જો આ રીતે ફરી વાત કરી છે તો ! ગેટ આઉટ.’

પિતાજીના શબ્દો સાંભળી હું તો ડઘાઈ જ ગયો. કે આ તો મારો  બાપ છે કે દુશ્મન ? આટલા ઉચ્ચ પદ પર હોવા છતાં એનો મને  કોઈ લાભ જ મને ન મળે એ તો કેમ ચાલે ? આ વાત મેં મારી માતાને કરી. પણ મારાં માતા પણ ચૂપ રહ્યાં. પિતાજીના શબ્દો કાનમાં ગૂંજી રહ્યા હતા. એટલે બીજા દિવસે ફરી પિતાજી પાસે પહોંચી ગયો અને  પિતાજીને સંભાળવી દીધું કે 'તમે મારા મોટા ભાઈને વડોદરાના મહારાજાના ત્યાં ઉચ્ચ પદ અપાવ્યું છે. તો  હવે તમે મારા માટે કાંઈ જ નહિ કરો ?' પિતાજી ફરી ગુસ્સે થયા અને મને કહ્યું ‘તૂ શું સમજે છે તારા માનમાં? આસપાસ બસ્સો નોકર ચાકર છે એની તને ચરબી ચડી ગઈ છે. તારા હાથ પગ કેમ ચાલતા નથી ? તું પોતે કાંઈ નથી કરી શકતો ? હા, એ વાત સાચી છે કે વડોદરાના મહારાજના ત્યાં હું પિસ્તાલીસ વરસ સુધી સલાહકાર રહ્યો છું.  તારા મોટાભાઈને મેં કોઈ મદદ કરી જ નથી એ હકીકત છે. તારા ભાઈએ મહારાજા સાથે દોસ્તી કરી અને દોસ્તીનાં કારણે એને એમની સાથે રાખ્યો છે. એમાં મારી  કોઈ જ ભૂમિકા નથી.’

 મેં કહ્યું કમાલ છો તમે તો ? મારા શબ્દો સાંભળી એ ગુસ્સાથી લાલપીળા થઇ મને ફરી  ગેટ આઉટ કહી દીધું.

જો હું એક પળ વધુ ત્યાં રોકાયો હોત તો કદાચ પિતાજી મને તમાચો ચોડી દેતા. હું મારાં માતા પાસે ગયો અને જણાવી દીધું કે હવે જો પિતાજી મને ગેટ આઉટ કહેશે તો હું ઘર છોડી દઈશ.

હું અને  પિતાજી નિયમિત  સાથે ચાલવા જતા.  બે-ત્રણ દિવસ બાદ બગીચામાં અમે સાથે ચાલતા હતા એ સમયે મેં લાગ જોઈ  ફરી  એ જ મુદ્દો ઉઘાડ્યો. અને કહ્યું પિતાજી માની લો મેં કાંઈ જ કર્યું નથી  પણ પિતા તરીકે તમારી મારા માટે કાઇ કરવાની  કોઈ ફરજ છે કે નહિ ? આ સાંભળી પિતાજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ ગુસ્સાથી બોલ્યા : ‘હમણાં એક તમાચો ચોડી દઉં એ પહેલાં નીકળી  જા અહીંથી.’

પિતાજી એ મને  ગેટ આઉટ કહ્યું એનો મનમાં ભારે  ગુસ્સો હતો. ઘર છોડી ભાગી જવું હતું પણ પાસે પૈસા હતા નહિ.   વર્ષ 1954માં જ્યારે મારો જન્મ થયો એ સમયે  વડોદરાના  મહારાજા પ્રતાપસિંહ રાવે પી.કે. શાહ નામનું ટ્રસ્ટ બાનાવી પિતાજીને પચાસ હજારર રૂપિયાની  ભેટ આપી હતી. એ જમાનામાં પચાસ હજારનું મૂલ્ય ઘણું હતું.  પિતાજીએ એ રકમ  સેવિંગ સર્ટી બનાવી રાખેલું. આ વાતની મને જાણ હતી. એટલે મેં ઘરમાં ચોરી કરી મહારાજાએ આપેલી રકમનું જે સર્ટી બાનાવ્યું હતું એ લઈ હું પોસ્ટ ઓફિસમાં ગયો. પિતાજી એ સમયે રાજ્યપાલ હતા.  પોસ્ટ માસ્ટરે સર્ટી જોઇને કહ્યું કે તમારા પિતાની સહી વગર અમે રકમ આપી શકીશું નહિ. પાછો હું  મૂંઝાયો. પોસ્ટ માસ્ટર સામે દલીલ કરી કે જુઓ સાહેબ હું એકવીસ વર્ષનો છું. આ સર્ટીફીકેટ વટાવવાનો મને અધિકાર છે.” મારી વાત સાંભળી એક કર્મચારી વચ્ચે બોલ્યો. ‘સાહેબ, આ  ગવર્નર સાહેબના દીકરા છે. ગવર્નર સાહેબે જ એમને મોકલ્યા હશે. આટલા સર્ટિ માટે રાજ્યના ગવર્નર સાહેબ થોડા પોસ્ટ ઓફિસમાં આવશે ?’ આ વાત સાંભળીને પોસ્ટ માસ્ટરે તરત સર્ટી વટાવી એની રકમ મારા હાથમાં મૂકી દીધી.

મોટી રકમ હાથ પર આવતાં મારા આનંદનો પાર ન રહ્યો.   અને ત્યાર પછી હું અમેરિકા ભાગી જવાનું નક્કી કરી દીધું.  ગીરીશ વ્યાસ નામના મારા મિત્ર અમેરિકા ગયા હતા. તેમને મેં અમેરિકા આવવાની વાત કરી. તેમને કહ્યું આવી જા તારા ટુરિસ્ટ વિઝાની વ્યવસ્થા હું કરી દઈશ.  મારા વિઝા તૈયાર થઇ ગયા. ત્યારે પિતાજીને જાણ થઈ કે અમેરિકા જવાના મારા વિઝા તૈયાર થઇ ગયા છે.  એ વર્ષ હતું 1975નું. તરત એમને તપાસ કરાવી કે પ્રકાશને અમેરિકાના વિઝા ક્યાંથી મળી ગયા ? ત્યારે અધિકારીએ કહ્યું નામદાર આપ આપના પુત્રને જ પૂછી લો તો સારૂ. પિતાએ  મને પૂછ્યું કે ‘તું પૈસા ક્યાંથી લાવ્યો ? મારા સોગંદ ખાઈને કહે તે કોઈ ખોટું કામ તો નથી કર્યું ને ?’

 એ વખતે મારે જુઠ્ઠું બોલવું પડ્યું કે “મેં કોઈ ખોટું કામ નથી કર્યું. જો સાચું બોલ્યો હોત તો પિતાજીનો ગુસ્સો સહન કરવો પડ્યો હોત. એ ખોટું  બોલ્યાનો  વસવસો  હું આજે પણ અનુભવું છું.

પિતાજી મને એઈરપોર્ટ પર વળાવવા પણ આવ્યા. એ પછી મને સમાચાર મળ્યા કે મને વળાવ્યા પછી કડક સ્વભાવના મારા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પિતાજી બહારથી કડક સ્વભાવના  પરંતુ તેમનું હૃદય ઋજુ હતું.  એ જાણતા હતા કે પ્રકાશ પિતાની છત્રછાયામાં બગડી જશે અને જીવનમાં કાંઈ કરશે નહિ. પણ અને પરિવારથી દૂર કરી દઈશ તો એ જીવનમાં જરૂર કાંઇક કરી બતાવશે.

રાજ્યપાલનો દીકરો  હતો એટલે ભારતમાં રાજકુમારની જેમ જીવન પસાર થયું હતું.  પરંતુ અમેરિકા આવ્યા પછી મારા સંઘર્ષના દિવસો શરૂ થયા. અહિ રહેવા – જમવાના કોઈ ઠેકાણા નહિ. નાની નાની નોકરીથી શરૂઆત કરી. રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે પણ  કામ કર્યું. ત્યાં જમવાનું મળી રહેતું. અને ત્યાં જ સુઈ જતો. કોઈ ટીપ આપે તો ખુશ થઈ જતો. જેનાથી મારા બીજા ખર્ચા નીકળતા. એટલે જ આજે કોઈ હોટેલમાં જમવા જવાનું થાય તો ટીપમાં મોટી રકમ  આપવાનું હું ચૂકતો નથી.

આખો દિવસ નોકરી કરવાની અને રાત્રે કોલેજ જઈ અભ્યાસ કરવાનો ચાલુ રાખ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટ માં તો હું ફેઈલ હતો. તેર વર્ષની પણ સખત મહેનત પછી 1988 કરી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરી. CPAનું  લાઈસન્સ પ્રાપ્ત કર્યું. સખત મહેનત કરીએ તો નસીબ પણ યારી આપે છે. લાયસન્સ મળ્યા પછી જાણે મારા ભાગ્યના દ્વાર ખુલી ગયા. સ્ટીવન, સ્લોન અને શાહ CPA જૂથની સ્થાપના કરી. દાયકાઓ સુધી સેવાઓ આપી છે. જેના કારણે નામ અને દામ બંને મળ્યા.

આપણા દુઃખી થવાના કારણો જુદા છે. હિન્દુસ્તાનમાં દેખાદેખીમાં પ્રજા દુઃખી થાય છે. ગજું ન હોય તોય દેવું કરીને પ્રસંગમાં ખર્ચા  કર્યા કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા દીકરાના લગ્નનું કુલ ખર્ચ સો ડોલર જ કર્યું હતું.

મારા અનુભવને આધારે  હું એટલું સમજી શક્યો છું કે ગરીબીમાં અમીરી છે. જે માણસના જીવનમાં સંઘર્ષ જ નથી આવ્યો એ ખુબ બદનસીબ વ્યક્તિ છે. સંઘર્ષમાં જ વ્યક્તિની આંતરિક શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે છે. ભગવાન સિવાય તમારો ગોડ ફાધર છે જ નહિ. સખત પુરુષાર્થ કરો. નિષ્ઠા પૂર્વક મહેનત કરો એનું વળતર ભગવાન આપશે. વ્યસનથી દૂર રહો અને ઘરની લક્ષ્મી પર ત્રાસ ગુજારો નહિ. દરિદ્ર નારાયણની સેવા કરો. સફળતાનો આ જ મંત્ર છે.”

પ્રકાશભાઈ અવાર નવાર વાત્રક આવે છે. જરૂરિયાત મંદ લોકોને રૂબરૂ મળે છે. તેમની જરૂરિયાતો જાણે છે. અને શક્ય એટલી તમામ મદદ પહોચાડે છે. સખી મંડળની રચના કરી સેકડો મહિલાઓના જીવનમાં આર્થિક ક્રાંતિ લાવવા પણ તેઓ કારણભૂત બન્યા છે. વતનના  વિકાસ માટે તેઓ તત્પર રહે છે. એ ગામની શાળાનું આધુનિકરણ કરવાની વાત હોય કે કોઈ હોસ્પિટલને અત્યાધુનિક સગવડોથી સજ્જ બનાવવી હોય, માતૃભૂમિના વિકાસ માટે દાનની સરવાણીનો ધોધ વહાવામાં પ્રકાશભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ભારતનો સ્પિરિચ્યુઅલિ વિકાસ એ જ એમનો જીવન મંત્ર છે.  

ગાંધી વિચાર પિતા તરફથી વરસમાં મળ્યો છે. સત્ય તેમને અત્યંત પ્રિય છે. સ્વચ્છતાનો તેઓ અતિ આગ્રહી છે. જાહેર સ્થાનોએ કચરો જુએ તો પોતે ઉપાડી લે છે. ગાંધીનગર પુનિતવનમાં ફરતાં ફરતાં જાહેર શૌચાલયમાં ગંદકી જુએ તો પોતે જાડું લઈ સફાઈ કરવામાં નાનમ અનુભવતા નથી. સફળતાના એવરેસ્ટ પર પહોંચ્યા પછી પણ ડાઉન ટૂ અર્થ કેવી રીતે રહેવું એ બાબત સૌ કોઈએ પ્રકાશભાઈ પાસેથી શીખવા જેવી છે.

પ્રકાશભાઈ આ જમાનાના આધુનિક ઋષિ છે. તેમને મળવું તેમના સાથે સંવાદ કરવો એ સૌ કોઈ માટે એ જીવનનું સંભારણું બની રહે છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

3 comments:

  1. સન્માનીય ,આદરણીય, સૌજન્યશીલ વ્યક્તિત્વ. સંસ્થાઓ તેમના પિતાજી ની સ્થાપિત છે,તેમનુ તેમને આદર છે. હજુ પણ કામ શક્ય છે.
    મધુબહેન ને નામે એક સરસ કોલેજ ગાબટ થાય તો વિસ્તાર ના યુવાનો ને ,તેમજ ગામના વિકાસ થાય.
    ગાબટ, એમને નામે રોડ બનાવે ને કાયમી સન્માન કરે.
    આશા અમર છે.

    ReplyDelete
  2. સરસ લેખ. સરસ અનુવાદ!

    ReplyDelete
  3. સરસ લેખ, સુંદર અનુવાદ!

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts