Sunday, June 25, 2023

સન્ડે સ્પેશિયલ

  "એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોયતો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?" : ગ્રેગરી સ્ટોક 


અમેરિકામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદી 'ન્યુ યોર્ક ટાઇમ્સ' દૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે.  ધ બુક ઑફ કવૈશ્વન્સ' પુસ્તકે તેમાં પહેલું સ્થાન મેળવેલું.  ગ્રેગરી સ્ટોક આ પુસ્તકના  લેખક છે. અંગ્રેજી પુસ્તક ‘ધ બુક ઑફ કવૈશ્વન્સ'માંથી નમૂનારૂપે ઉપરના પ્રશ્નો આપ્યા છે . સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પુછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવાં પડે છે . પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છે, અંતર - નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે , કારણ કે તે પ્રામાણિક હૃદર્યોએ આપેલા હશે. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નોમાંના કેટલાક પ્રશ્નો આ પ્રમાણે  છે.

1. તમે ભૂતપ્રેતમાં માનો છો? ન માનતા હો , તો ‘ ભૂતિયા બંગલા ' તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો ?

2. આજથી એકસો વરસ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ?

૩. અઠવાડિયા પછી પરમાણુ - યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હો, તો શું કરો ?

4. તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છે? હજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે ?

5. છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલો? તેનું કારણ શું હતું ?

6. તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છે, એમનાં અંગો લકવાનો ભોગ બન્યાં છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ દાક્તરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે , આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો ! તો તમે આપો ?

7. તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે?

8. તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો?
9.
તમે માંસાહાર કરો છો? તો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?
10.
એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોય, તો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?

11. તમને પ્રખ્યાત થવું ગમે? કઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો ?

12. કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છે? તો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી ?
13.
તમે જેનાથી બચી શકતા ન હો, એવી તમારી કઈ આદતો છે? તેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો ?

14. જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? – કોઈ સિદ્ધિ, સલામતી, પ્રેમ, સત્તા, જ્ઞાન કે બીજા કશાક માટે?

15. તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરો, અને પછી એ તમારો આભાર ન માને, ત્યારે તમને શી લાગણી થાય છે?

16. દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હો, અને પૈસાની કશી ચિંતા કરવાની ન હોય, તો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો?

17. જેના વિના જિંદગી જીવવા જેવી ન રહે, એટલી બધી મહત્ત્વની કઈ વસ્તુ લાગે છે? તમને
18.
તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોય, તો તમે એવું ઇચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?

19. અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોય, અને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચિઠ્ઠી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવે , અને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોય, તો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ ?

20. જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છે? કઈ ?

21. કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે?

22. કોઈ માણસને ફાંસી આપવાની હોય ને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવે , તો તમે તે જુઓ ખરા ?

23. બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાય, તેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે ?

24. કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી?  તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી?

25. તમારી કેટલી મૈત્રીઓ દસ વરસથી વધુ ટકી છે? અત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી દસ વરસ પછી પણ તમારે મન મહત્ત્વના રહ્યા હશે ?

આ પ્રશ્નપત્રની થોડીક નકલો કઢાવીને એક રાંજે સહુ કુટુંબીજનો ભેગાં બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાય, તો પોતાના ઘરનાં જ માણસોની કેટલીક નવી પિછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે . શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે , તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે. (સાભારઅરધી સદીની વાચન યાત્રા. સં. મહેન્દ્ર મેઘાણી) 

- ઈશ્વર પ્રજાપતિ

9825142620

No comments:

Post a Comment